ગૃહ મંત્રાલય
મંત્રીમંડળે કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી રામવિલાસ પાસવાનના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો.
સ્વર્ગસ્થ મહાનુભાવના અંતિમ સંસ્કાર પૂરા રાજકીય સન્માન સાથે કરવામાં આવશે
Posted On:
09 OCT 2020 12:20PM by PIB Ahmedabad
મંત્રીમંડળે કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી રામવિલાસ પાસવાનના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી.
મંત્રીમંડળે શ્રી રામવિલાસ પાસવાનની યાદમાં બે મિનિટનું મૌન પણ પાળ્યું હતું.
મંત્રીમંડળે શ્રી રામવિલાસ પાસવાન માટે સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કારની મંજૂરી આપી હતી.
મંત્રીમંડળે આજે પસાર કરેલો ઠરાવ નીચે મુજબ છેઃ
“મંત્રીમંડળે કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી રામવિલાસ પાસવાનના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
તેમનું અવસાન થવાથી દેશે એક પ્રસિદ્ધ નેતા, વિશિષ્ટ સાંસદ અને સક્ષમ વહીવટકર્તા ગુમાવ્યા છે.
5 જુલાઈ, 1946ના રોજ બિહારના ખગરિયા જિલ્લાના શહરબાનીમાં જન્મેલા શ્રી રામવિલાસ પાસવાને ખગરિયાની કોસી કોલેજ અને પટણામાં પટણા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે માસ્ટર ઓફ આર્ટ્સ (એમએ) અને બેચલર ઓફ લૉ (એલએલ.બી)ની ડિગ્રી મેળવી હતી. તેમને બુંદેલખંડ યુનિવર્સિટી, ઝાંસી (ઉત્તરપ્રદેશ) દ્વારા માનદ ડી. લિટ્ટ (ઑનરિસ કોઝા)ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
શ્રી રામવિલાસ પાસવાન બિહારના સૌથી વધુ લોકપ્રિય નેતાઓ પૈકીના એક હતા અને તેઓ જનતાનું મજબૂત સમર્થન ધરાવતા હતા. તેઓ વર્ષ 1969માં સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટીના સભ્ય તરીકે બિહારની વિધાનસભામાં ચૂંટાયા હતા. પછી તેઓ વર્ષ 1977માં હાજીપુર બેઠક પરથી છઠ્ઠી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને એ પણ ખૂબ મોટા અંતર સાથે વિજયી થયા હતા. શ્રી પાસવાન વર્ષ 1980માં સાતમી લોકસભામાં અને પછી વર્ષ 1984માં આઠમી લોકસભામાં ચૂંટાયા હતા. વર્ષ 1989માં તેઓ નવમી લોકસભામાં ફરી ચૂંટાયા હતા અને કેન્દ્રિય શ્રમ અને કલ્યાણ મંત્રી બન્યાં હતાં. વર્ષ 1996માં તેઓ રેલવે મંત્રી બન્યાં હતાં અને વર્ષ 1998 સુધી તેઓ આ પદ પર કાર્યરત રહ્યાં હતાં. પછી તેમણે વર્ષ 1999થી સપ્ટેમ્બર, 2001 સુધી સંચાર મંત્રી તરીકે કામ કર્યું હતું. સપ્ટેમ્બર, 2001માં તેમને કોલસા અને ખનીજ મંત્રી બનાવવામાં આવ્યા હતા, જે કાર્યભાર તેમણે એપ્રિલ, 2002 સુધી જાળવી રાખ્યો હતો. વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં શ્રી પાસવાન સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારમાં સામેલ થયા હતા અને કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સ્ટીલ મંત્રી બન્યાં હતાં.
શ્રી પાસવાન વર્ષ 2014માં 16મી લોકસભામાં ચૂંટાયા હતા અને કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી બન્યાં હતાં. વર્ષ 2019માં તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી તરીકે કાર્યરત રહ્યાં હતાં.
શ્રી પાસવાન પીડિતો અને વંચિત વર્ગોનો અવાજ હતા તથા સમાજના વંચિત વર્ગના હિતો જાળવવા હંમેશા પ્રયાસરત રહ્યાં હતાં.
મંત્રીમંડળ સરકાર અને સંપૂર્ણ દેશ તરફથી શોકગ્રસ્ત પરિવારને હૃદયાંજલિ અર્પે છે.”
SD/GP/BT
(Release ID: 1663082)
Visitor Counter : 170