મંત્રીમંડળ

મંત્રીમંડળે સ્ટોકહોમ સંમેલન અંતર્ગત સૂચિબદ્ધ સાત નિરંતર જૈવિક પ્રદૂષકોને બહાલીની મંજૂરી આપી અને પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે ભવિષ્યમાં બહાલી આપવા અંગે સત્તા સોંપી

प्रविष्टि तिथि: 07 OCT 2020 4:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નિરંતર જૈવિક પ્રદૂષકો (POPs) પર સ્ટોકહોમ સંમેલન અંતર્ગત સૂચિબદ્ધ કરવામાં આવેલા સાત (7) રસાયણોને બહાલી માટે મંજૂરી આપી દીધી છે. મંત્રીમંડળે વધુમાં, POPના સંદર્ભમાં સ્ટોકહોમ સંમેલન અંતર્ગત રસાયણોને બહાલી આપવા માટે કેન્દ્રીય વિદેશ મંત્રી (MEA) તેમજ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી (MEFCC)ને વધુ સત્તા પણ આપી છે જે પહેલાંથી સ્થાનિક નિયમનો હેઠળ નિયંત્રિત છે અને તે અનુસાર પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં આવી છે.

સ્ટોકહોમ સંમેલન એ POPsથી માનવ આરોગ્ય અને પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે થયેલી વૈશ્વિક સંધિ છે. POPsએ ઓળખી કાઢવામાં આવેલા રાસાયણિક ઘટકો છે જે પર્યાવરણમાં, સજીવોમાં એકત્રિત જૈવિક સંચિતો તરીકે હોય છે અને માનવ આરોગ્ય/ પર્યાવરણ પર તેની વિપરિત અસર પડે છે અને તે લાંબા અંતરના પર્યાવરણીય પરિવહન (LRET)નો ગુણધર્મ ધરાવે છે. POPsના સંપર્કમાં રહેવાથી કેન્સર, મધ્યસ્થ અને પરીઘીય ચેતાતંત્રમાં હાનિ, રોગ પ્રતિકારક તંત્ર સંબંધિત બીમારીઓ, પ્રજોત્પતિ સંબંધિત સમસ્યાઓ અને સામાન્ય નવજાત તેમજ બાળ વિકાસમાં વિક્ષેપ જેવી સમસ્યાઓ થઇ શકે છે. વૈજ્ઞાનિક સંશોધન, ચર્ચાઓ અને સભ્ય દેશો વચ્ચે વાટાઘાટો બાદ સ્ટોકહોમ સંમેલનમાં વિવિધ પરિશિષ્ટમાં POPs સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.

ભારતે 13 જાન્યુઆરી 2006ના રોજ અનુચ્છેદ 25(4) અનુસાર સ્ટોકહોમ સંમેલનને બહાલી આપી હતી, જેના કારણે તે પોતાને મૂળભૂત "બાકાતની સ્થિતિમાં એવી રીતે રાખવામાં સમર્થ બનાવે છે કે જેથી સંમેલનના વિવિધ પરિશિષ્ટમાં કરવામાં આવેલા સુધારા ત્યાં સુધીને તેના પર લાગુ ના કરી શકાય જ્યાં સુધી UN ડિપોઝીટરીમાં બહાલી/ સ્વીકૃતી/ માન્યતા અથવા જોડાણના સ્પષ્ટ સાધન જમા ના કરવામાં આવે.

સલામત માહોલ પૂરો પાડવા માટે અને માનવજાતના આરોગ્ય સંબંધિત જોખમોનો સામનો કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા 5 માર્ચ 2018ના રોજ પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986ની જોગવાઇ અંતર્ગત 'નિરંતર જૈવિક પ્રદૂષક નિયમન કાયદા'ની અધિસૂચના બહાર પાડવામાં આવી હતી. આ નિયમનમાં અન્ય બાબતો ઉપરાંત, સાત રસાયણો (i) ક્લોર્ડેકોન, (ii) હેક્ઝા-બ્રોમો-ડાયફિનાઇલ, (iii) હેક્ઝા-બ્રોમો-ડાયફિનાઇલ ઇથર અને હેપ્ટા-બ્રોમો-ડાયફિનાઇલ ઇથર (વ્યાપારિક ઓક્ટા-BDE), (iv) ટેટ્રા-બ્રોમો-ડાયફિનાઇલ ઇથર અને પેન્ટા-બ્રોમો-ડાયફિનાઇલ ઇથર (વ્યાપારિક પેન્ટા-BDE), (v) પેન્ટા-ક્લોરોબેન્ઝિન, (vi) હેક્ઝા-બ્રોમોસાઇક્લોડોડેકેન અને (vii) હેક્ઝા-ક્લોરોબ્યુટાડિન, જે પહેલાંથી જ સ્ટોકહોમ સંમેલન અંતર્ગત સૂચિબદ્ધ છે તેના ઉત્પાદન, વેપાર, ઉપયોગ, આયાત અને નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

POPsની બહાલી માટે મંત્રીમંડળની મંજૂરી પર્યાવરણ અને માનવ આરોગ્યના સંરક્ષણના સંબંધમાં આંતરરાષ્ટ્રીય ફરજો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા બતાવે છે. તે POPs બાબતે નિયંત્રણ માપદંડોનો અમલ કરીને, બિનઇરાદાપૂર્વક ઉત્પાદિત રસાયણો માટે એક્શન પ્લાન તૈયાર કરવા અને તેનો અમલ કરવા માટે, રસાયણોના જથ્થાની ઇન્વેન્ટરી તૈયાર કરવા માટે અને સમીક્ષા કરવા માટે તેમજ રાષ્ટ્રીય અમલીકરણ આયોજન (NIP)ને અપડેટ કરવા માટે સરકારનો દૃઢ સંકલ્પ પણ સૂચિત કરે છે. બહાલીની પ્રક્રિયાથી ભારત NIP અપડેટ કરવામાં વૈશ્વિક પર્યાવરણ સુવિધા (GEF) આર્થિક સંસાધનોનો ઍક્સેસ મેળવવા માટે સમર્થ થશે.

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1662523) आगंतुक पटल : 668
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam