પ્રધાનમંત્રીનું કાર્યાલય

‘સામાજિક સશક્તિકરણ 2020 માટે ઉત્તરદાયી એઆઈ’ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 05 OCT 2020 9:20PM by PIB Ahmedabad

ભારત અને વિદેશથી આવેલા નામાંકિત મહેમાનો, નમસ્તે!

RAISE રિસ્પોન્સીબલ એઆઈ ફોર સોશ્યલ એમ્પાવર્મેન્ટ સમિટમાં આપનું સ્વાગત છે. કૃત્રિમ બુદ્ધિમત્તા ઉપર ચર્ચા વિચારણાને પ્રોત્સાહન આપવા માટેનો આ એક મહાન પ્રયાસ છે. ટેકનોલોજી અને માનવ સશક્તિકરણના સંદર્ભમાં આપ સૌએ ખૂબ સાચી રીતે અનેક પાસાઓને આવરી લીધા છે. ટેકનોલોજીએ આપણાં કાર્યના સ્થળને પરિવર્તિત કરી દીધું છે. તેણે સંપર્કમાં પણ સુધારો કર્યો છે. સમય અને ફરી એકવાર ટેકનોલોજીએ આપણને મહત્વના પડકારોનો સામનો કરવામાં મદદ કરી છે. મને વિશ્વાસ છે કે સામાજિક જવાબદારી અને એઆઈ વચ્ચેનું આ સંયોજન એઆઈને માનવ સ્પર્શ વડે સમૃદ્ધ બનાવશે.

મિત્રો,

કૃત્રિમ બુદ્ધિમત્તા એ માનવીય બૌદ્ધિક શક્તિ માટે શ્રદ્ધાંજલિ છે. વિચારવાની ક્ષમતાએ માનવીને નવા નવા સાધનો અને ટેકનોલોજી બનાવવા માટે સક્ષમ બનાવ્યો છે. વર્તમાન સમયમાં, આ સાધનો અને ટેકનોલોજીએ શીખવા અને વિચારવાની શક્તિ પણ ગ્રહણ કરી લીધી છે. તે અંતર્ગત એક ઊભરી રહેલ મહત્વની ટેકનોલોજી એઆઈ છે. એઆઈનું માનવી સાથેનું ટીમ વર્ક એ આપણાં ગ્રહ માટે અનેક ચમત્કારો સર્જી શકે તેમ છે.

મિત્રો,

ઇતિહાસના દરેક તબક્કે, ભારતે જ્ઞાન અને શિક્ષણમાં વિશ્વનો દોરી સંચાર કર્યો છે. આઈટીના વર્તમાન યુગના સમયમાં પણ ભારત અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યું છે. કેટલાક સૌથી શ્રેષ્ઠ ટેક આગેવાનો ભારતમાંથી આવે છે. ભારતે વૈશ્વિક આઈટી સેવાઓ ઉદ્યોગના પાવર હાઉસ હોવાની પણ સાબિતી આપી છે. આપણે ડિજિટલ રીતે વિજય મેળવવાનું અને વિશ્વને આનંદ આપવાનું કાર્ય ચાલુ રાખીશું.

મિત્રો,

ભારતમાં આપણે અનુભવ્યું છે કે ટેકનોલોજી પારદર્શકતા અને સેવા પહોંચાડવાના કાર્યમાં સુધારો કરે છે. વિશ્વના સૌથી મોટા યુનિક આડેન્ટિટી સિસ્ટમ – આધાર આપણે ત્યાં છે. આપણી પાસે વિશ્વની સૌથી વધુ ઇનોવેટિવ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ – યુપીઆઈ પણ ઉપલબ્ધ છે. તેણે આપણને ગરીબ અને છેવાડાના લોકોને પણ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર જેવી નાણાકીય સેવાઓ સહિતની ડિજિટલ સેવાઓ પૂરી પાડવા માટે સક્ષમ બનાવ્યા છે. મહામારીના સમયમાં આપણે જોયું છે કે કઈ રીતે ભારતની ડિજિટલ તૈયારી મોટી મદદ સાબિત થઈ હતી. તેના વડે આપણે લોકોને ત્વરિત તથા સૌથી વધુ અસરકારક રીતે મદદ કરવા માટે પહોંચી શક્યા હતા. ભારત તીવ્ર ગતિએ પોતાનું ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક વધારી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય પ્રત્યેક ગામને હાઇ સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે.

મિત્રો,

હવે અમે ભારતને એઆઈ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવા માંગીએ છીએ. કેટલાય ભારતીયો આની ઉપર પહેલેથી જ કાર્ય કરી રહ્યા છે. મને આશા છે કે આવનાર સમયમાં બીજા પણ ઘણા લોકો તેમાં ઉમેરાશે. તેની માટેની આપણી પહોંચ મુખ્ય સિદ્ધાંતો: ટીમવર્ક, વિશ્વાસ, સંકલન, જવાબદારી અને સમાવેશિતા દ્વારા સશક્ત છે.

મિત્રો,

ભારતે હમણાં તાજેતરમાં જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નો સ્વીકાર કર્યો છે. તે શિક્ષણના એક મોટા ભાગ તરીકે ટેકનોલોજી આધારિત શિક્ષણ અને કૌશલ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. જુદી જુદી પ્રાદેશિક ભાષાઓમાં અને બોલીઓમાં ઇ-કોર્સિસ પણ તૈયાર કરવામાં આવશે. એઆઈ પ્લેટફોર્મની નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP) ક્ષમતામાંથી તેને ઘણી મોટી મદદ મળી રહેશે. આ વર્ષે એપ્રિલમાં અમે રિસ્પોન્સીબલ એઆઈ ફોર યૂથ પ્રોગ્રામની શરૂઆત કરી હતી, આ કાર્યક્રમ અંતર્ગત શાળાના 11000 થી વધુ વિદ્યાર્થીઓએ બેઝિક કોર્સ પૂર્ણ કર્યો છે. તેઓ હવે પોતાના એઆઈ પ્રોજેક્ટ્સ તૈયાર કરી રહ્યા છે.

મિત્રો,

નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ (NETF) તૈયાર થઈ રહ્યું છે. તે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર, ડિજિટલ કન્ટેન્ટ અને ક્ષમતાને પ્રોત્સાહિત કરવા માટે એક ઇ-એજ્યુકેશન યુનિટનું નિર્માણ કરશે. વિદ્યાર્થીઓને હેન્ડઝ ઓન અનુભવ પૂરો પાડવા માટે વર્ચ્યુઅલ લેબ્સ પણ સ્થાપિત કરવામાં આવી રહી છે. અમે ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અટલ ઇનોવેશન મિશનની પણ શરૂઆત કરી છે. આ પગલાઓના માધ્યમથી અમારું લક્ષ્ય લોકોના લાભ માટે ઊભરતી ટેકનોલોજી સાથે કદમ તાલ મિલાવવાનું છે.

મિત્રો,

અત્રે હું નેશનલ પ્રોગ્રામ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉલ્લેખ કરવા માંગીશ. તે સમાજની સમસ્યાઓ ઉકેલવા માટે એઆઈનો સાર્થક ઉપયોગ કરવા તરફ સમર્પિત હશે. તે તમામ હિતધારકોની સહાયતા વડે અમલીકૃત કરવામાં આવશે. RAISE એ આ સંદર્ભમાં મનો મંથન કરવા માટેનું એક મંચ બની શકે તેમ છે. આ પ્રયાસોમાં સક્રીયપણે ભાગ લેવા માટે હું આપ સૌને આવકારું છું.

મિત્રો,

આ નામાંકિત પ્રેક્ષકગણ સમક્ષ હું અહી કેટલાક પડકારો રજૂ કરવા માંગુ છું. શું આપણે આપણી સંપત્તિ અને સંસાધનોના મહત્તમ વ્યવસ્થાપન માટે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી શકીએ ખરા? કેટલાક સ્થાનો પર સંસાધનો સાવ ખાલી પડેલા છે. જ્યારે કેટલાક સ્થળો એવા છે કે જય સંસાધનોની તંગી છે. શું આપણે તેમના મહત્તમ ઉપયોગ માટે વૈવિધ્યપૂર્ણ રીતે તેમની ફરી ફાળવણી કરી શકીએ ખરા? શું આપણે આપણાં નાગરિકોને તેમના ઘર આંગણે સક્રિય અને ઝડપી સેવાઓ પૂરી પાડીને ખુશ કરી શકીએ ખરા?

મિત્રો,

આવનારું ભવિષ્ય યુવાનોનું છે. અને પ્રત્યેક યુવાન જરૂરી છે. પ્રત્યેક બાળકની અંદર અલગ પ્રતિભા, ક્ષમતા અને કૌશલ્ય રહેલા છે. અવારનવાર એક યોગ્ય વ્યક્તિ ખોટી જગ્યાએ ફસાઈ પડેલો જોવા મળે છે.

આ પરિસ્થિતિને બદલવાનો એક માર્ગ છે. એવું કરીએ તો કેવું રહે કે દરેક બાળક જ્યારે મોટું થતું હોય ત્યારે જ તે પોતાની જાતનું નિરીક્ષણ પણ કરતું રહે? શું વાલીઓ, શિક્ષકો અને મિત્રો સાવધાની પૂર્વક બાળકનું નિરીક્ષણ કરી શકે? બાળપણથી જ શરૂ કરીને તેમના મોટા થવા સુધી તેમનું નિરીક્ષણ કરે. અને તેનો એક રેકોર્ડ બનાવે. તેનાથી બાળકને આગળ જતાં પોતાની કુદરતી ઝંખના શોધી કાઢવામાં ઘણી મોટી મદદ મળી રહેશે. યુવાનો માટે આ નિરીક્ષણો એક અસરકારક માર્ગદશક બળ બની શકે છે. શું આપણી પાસે એવું કોઈ વ્યવસ્થા તંત્ર હોઇ શકે ખરું કે જે પ્રત્યેક બાળકના બૌદ્ધિક કૌશલ્ય અંગે સમીક્ષાત્મક અહેવાલ આપી શકે? તેનાથી ઘણા યુવાનો માટે તકના દરવાજા ખૂલી શકે તેમ છે. સરકાર અને વ્યવસાય આ બંને માં આ પ્રકારના માનવ સંસાધન મેપિંગની લાંબા ગાળાની ઘણી અસરો જોવા મળશે.

મિત્રો,

કૃષિ, આરોગ્ય કાળજીને સશક્ત બનાવવામાં પણ હું એઆઈનું ઘણું મોટું યોગદાન જોઈ રહ્યો છું. આગામી પેઢીના શહેરી ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરીને અને શહેરી સમસ્યાઓ સંબોધીને જેવી કે ટ્રાફિક જામ ઘટાડીને, ગટર વ્યવસ્થામાં સુધારા કરીને, આપણી એનર્જી ગ્રીડ સ્થાપિત કરીને. આપણાં કુદરતી આપદા વ્યવસ્થાપન તંત્રને વધુ મજબૂત બનાવવા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. તેનો ઉપયોગ જળવાયુ પરિવર્તનની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પણ કરી શકાય છે.

મિત્રો,

આપણો ગ્રહ અનેક ભાષાઓ વડે આશીર્વાદ પ્રાપ્ત છે. ભારતમાં, આપણી પાસે અનેક ભાષાઓ અને બોલીઓ છે. આ પ્રકારનું વૈવિધ્ય આપણને એક વધુ સારો સમાજ બનાવે છે. જેમ કે પ્રોફેસર રાજ રેડ્ડીએ હમણાં જ સૂચવ્યું કે એઆઈનો ઉપયોગ ભાષાકીય અવરોધો વચ્ચે પુલ બાંધવા માટે જ શા માટે આપણે ના કરીએ? દિવ્યાંગ બહેનો અને ભાઈઓને સશક્ત બનાવવા માટે એઆઈ કઈ રીતે કાર્ય કરી શકે તે અંગે ચાલો આપણે સરળ અને અસરકારક રસ્તાઓ અંગે વિચાર કરીએ.

મિત્રો,

એઆઈનો ઉપયોગ નોલેજ શેરિંગ માટે શા માટે ના કરી શકીએ? તેવી કેટલીક વસ્તુઓ છે કે જે જ્ઞાન, માહિતી અને કૌશલ્યને સરળતાથી ઉપલબ્ધ કરાવવા જેટલી જ શક્તિશાળી છે.

મિત્રો,

એઆઈનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તેની અંદર વિશ્વાસની ખાતરી કરાવવી એ આપણી સંયુક્ત જવાબદારી રહે છે. આ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે એલ્ગોરિધમ પારદર્શકતા એ મુખ્ય ઘટક છે. તેના જેટલું જ મહત્વ જવાબવહિતાનું છે. આપણે નોન સ્ટેટ એક્ટર્સ દ્વારા એઆઈનો શસ્ત્ર તરીકે ઉપયોગ ના થાય તે બાબતે વિશ્વની રક્ષા કરવી પડશે.

મિત્રો,

જ્યારે આપણે એઆઈની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ચાલો આપણે એ બાબતે પણ શંકા ના સેવીએ કે માનવીય રચનાત્મકતા અને માનવીય લાગણીઓ આપણી સૌથી મોટી તાકાત બનેલી રહેશે. યંત્રો ઉપર તે આપણો જુદો જ લાભ છે. સૌથી શ્રેષ્ઠ એઆઈ પણ આપણી બુદ્ધિમત્તા અને સંવેદનશીલતા તેમાં ઉમેર્યા વિના માનવજાતની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે તેમ નથી. આપણે યંત્રો ઉપર આપણી આ બૌદ્ધિક સંપદા કઈ રીતે જાળવીને રાખી શકીએ તે અંગે પણ વિચાર કરવો જોઈએ. આપણે એ બાબતની ખાતરી કરવી જોઈએ કે આપણે એ રીતે કાળજી રાખીએ કે માનવીય બુદ્ધિમત્તા એ એઆઈ કરતાં હંમેશા અમુક પગલાં આગળ હોય. આપણે એ બાબત વીશે વિચાર કરવો જોઈએ કે કઈ રીતે એઆઈ માનવીને પોતાની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે મદદ કરી શકે તેમ છે. હું ફરી વાર કહેવા માંગુ છું કે એઆઈ એ દરેક માણસની જુદી જ પ્રતિભાને ખોલવાનું કાર્ય કરશે. તે તેમને સમાજમાં વધુ અસરકારક રીતે યોગદાન આપવા માટે સશક્ત બનાવશે.

મિત્રો,

અહી RAISE 2020 ખાતે અમે વિશ્વના સૌથી અગ્રીમ કક્ષાના હિતધારકો માટે એક વૈશ્વિક મંચનું નિર્માણ કર્યું છે. ચાલો આપણે સાથે મળીને કૃત્રિમ બુદ્ધિમત્તાનો સ્વીકાર કરવા માટે વિચારોનું આદાનપ્રદાન કરીએ અને એક સામાન્ય કોર્સ તૈયાર કરીએ. આપણે સૌ સાથે મળીને ભાગીદાર તરીકે આ માટે કાર્ય કરીએ એ જરૂરી છે. સાચા અર્થમાં વૈશ્વિક એવા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપ સૌ સાથે મળીને આવ્યા તે માટે હું તમારો આભાર પ્રગટ કરું છું. આ વૈશ્વિક સમિટને હું સફળતાની શુભેચ્છાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે આગામી ચાર દિવસો દરમિયાન થનાર ચર્ચા વિચારણા જવાબદાર એઆઈ માટે એક એક્શન રોડમેપ તૈયાર કરવામાં મદદ કરશે. એક એવો રોડમેપ કે જે સમગ્ર વિશ્વમાં સાચા અર્થમાં લોકોના જીવન અને જીવનશૈલીને બદલવા માટે મદદ કરી શકે. મારી આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

આપનો આભાર,

આપ સૌનો ખૂબ ખૂબ આભાર!                       

 

SD/GP/BT

 (Release ID: 1661979) Visitor Counter : 379