ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ‘અટલ ટનલ’નું ઉદ્ઘાટન કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો અને આ ટનલને ઇજનેરી ક્ષેત્રનો ચમત્કાર ગણાવ્યો


“સંપૂર્ણ દેશ માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે ભારતરત્ન અટલ બિહારી વાજપેયીનું સ્વપ્ન સાકાર થયું છે”

“વિશ્વમાં સૌથી લાંબી હાઇવે ટનલ તરીકે, 'અટલ ટનલ' લેહ અને મનાલી વચ્ચે પ્રવાસના સમયમાં 4થી 5 કલાકનો ઘટાડો કરશે. તમામ સિઝનમાં કાર્યરત રહેનારી આ ટનલ આખું વર્ષ દેશના અન્ય ભાગો સાથે લાહૌલ-સ્પિતિ ઘાટીને પણ જોડાશે, જે અગાઉ મહિનાઓ સુધી દેશથી વિખૂટી પડી જતી હતી”

“અટલ ટનલ સંપૂર્ણ વિસ્તાર માટે આશીર્વાદરૂપ બનશે. લોકોને હવે આરોગ્યની સારસંભાળ માટે વધારે સારી સુવિધાઓ મળશે, વેપારવાણિજ્યની તકો મળશે અને જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ થશે”

“આ ટનલ આપણા સંરક્ષણ ક્ષેત્રની તૈયારીઓને પણ વધારે મજબૂત કરશે અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપીને રોજગારીનું સર્જન કરશે”

Posted On: 03 OCT 2020 6:15PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અટલ ટનલ’ના ઉદ્ઘાટન કરવા બદલ અભિનંદન આપ્યાં છે અને આ ટનલને ઇજનેરી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નમૂના રૂપ ગણાવી છે. શ્રી અમિત શાહે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને કહ્યું હતું કે, સંપૂર્ણ દેશ માટે એક ઐતિહાસિક દિવસ, કારણ કે ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજીનું સ્વપ્ન સાકાર થયું છે! આ અભૂતપૂર્વ પ્રોજેક્ટ પર અવિરતપણે કામ કરવા બદલ બીઆરઓને અભિનંદન.

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, દુનિયામાં સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ લેહ અને મનાલી વચ્ચેના પ્રવાસનો સમય 4થી 5 કલાક ઘટાડશે. તમામ સિઝનમાં કાર્યરત રહેનારી આ ટનલ આખું વર્ષ સમગ્ર દેશ સાથે લાહૌલ-સ્પિતિ ઘાટીને જોડી રાખશે, જે અગાઉ મહિનાઓ સુધી દેશથી વિખૂટી પડી જતી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, અટલ ટનલ સંપૂર્ણ વિસ્તાર માટે આશીર્વાદરૂપ બનશે. હવે લોકો આરોગ્યની સારસંભાળ માટે વધારે સારી સુવિધાઓનો લાભ મેળવશે, તેમને વેપારવાણિજ્યની તકો મળશે અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ થશે. આ ટનલ આપણી સંરક્ષણ ક્ષેત્રની તૈયારીઓને પણ વધારે મજબૂત બનાવશે અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપીને રોજગારીનું સર્જન કરશે.

9.02 કિલોમીટર લંબાઈ ધરાવતી આ ટનલનું નિર્માણ અત્યાધુનિક ખાસિયતો સાથે હિમાલયની પીરપંજાલ પર્વતમાળામાં દરિયાની સપાટીથી (એમએસએલ) 3,000 મીટર (10,000 ફીટ)ની ઊંચાઈ પર થયું છે. અટલ ટનલની ડિઝાઇન કલાકદીઠ મહત્તમ 80 કિલોમીટરની ઝડપ સાથે દરરોજ 3,000 કાર અને 1,500 ટ્રક પસાર થાય એ રીતે બનાવવામાં આવી છે. ટનલ અત્યાધુનિક ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ્સ ધરાવે છે, જેમાં સેમી ટ્રાન્સવર્સ વેન્ટિલેશન, સ્કેડા કન્ટ્રોલ્ડ ફાયર ફાઇટિંગ, ઇલ્યુમિનેશન અને મોનિટરિંગ સિસ્ટમ સામેલ છે. ટનલમાં સલામતીની પુષ્કળ સુવિધાઓ છે.

રોહતાંગ પાસ નીચે આ વ્યૂહાત્મક ટનલનું નિર્માણ કરવાનો ઐતિહાસિક નિર્ણય 3 જૂન, 2000ના રોજ તત્કાલિન પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીએ લીધો હતો. ટનલના સાઉથ પોર્ટલને જોડતા એક્સેસ રોડ માટે શિલાન્યાસ 26 મે, 2002ના રોજ કર્યો હતો.

ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 24 ડિસેમ્બર, 2019ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં રોહતાંગ ટનલને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના દેશના વિકાસમાં પ્રદાનને બિરદાવવા અટલ ટનલ નામ આપવાનો નિર્ણય લેવાયો હતો.

 

SD/GP/BT

 


(Release ID: 1661429) Visitor Counter : 181