પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વૈભવ 2020 સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું


ભારતીય મૂળના 3000થી વધુ શિક્ષણવિદો અને વૈજ્ઞાનિકો તેમજ 10,000 કરતાં વધારે ભારતીય વૈજ્ઞાનિકો આ સંમેલનમાં ભાગ લઇ રહ્યાં છે

વિજ્ઞાનમાં વધુ સંખ્યામાં યુવાનોએ રસ લેવો જોઇએ: પ્રધાનમંત્રી

ભારતમાં અગ્ર કક્ષાના અવકાશ સુધારાથી ઉદ્યોગ અને શિક્ષણજગત માટે નવી તકોનું સર્જન થશે: પ્રધાનમંત્રી

ભારત 2025 સુધીમાં દેશમાંથી ક્ષય રોગ નાબૂદ કરવાનું લક્ષ્ય ધરાવે છે: પ્રધાનમંત્રી

Posted On: 02 OCT 2020 8:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિદેશી અને નિવાસી ભારતીય સંશોધકો અને શિક્ષણવિદોના વૈશ્વિક વર્ચ્યુઅલ સંમેલન વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક (વૈભવ) સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, “વધુ સંખ્યામાં યુવાનો વિજ્ઞાનમાં રસ લે તે વર્તમાન સમયની માંગ છે. તે માટે, આપણે અવશ્યપણે ઇતિહાસના વિજ્ઞાન અને વિજ્ઞાનના ઇતિહાસથી ખૂબ સારી રીતે વાકેફ થવું જરૂરી છે.

તેમણે જણાવ્યું હતું કે, “વૈભવ સમિટ 2020, ભારત અને દુનિયાભરમાંથી વિજ્ઞાન અને નવાચારની ઉજવણી કરે છે. હું આને ખરા અર્થમાં મહાન બૌદ્ધિકોનો સંગમ કહેવા માંગુ છું કારણ કે, આ મેળાવડા દ્વારા આપણે ભારત અને આપણી આ દુનિયાને સશક્ત બનાવવા માટે ખૂબ જ લાંબા ગાળાના જોડાણની રચના કરવા માટે એકસાથે બેઠા છીએ.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે વૈજ્ઞાનિક સંશોધન અને નવાચારને વેગ આપવા માટે સંખ્યાબંધ પગલાં લીધા છે કારણ કે સોશિયો-ઇકોનોમિક પરિવર્તનની દિશામાં તેના પ્રયાસોમાં વિજ્ઞાન કેન્દ્ર સ્થાને છે.

પ્રધાનમંત્રીએ રસી તૈયાર કરવા માટે અને રસીકરણના કાર્યક્રમના અમલની દિશામાં ભારતે કરેલા સઘન પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, રસીના ઉત્પાદનમાં ખૂબ જ લાંબા વિરામનો અંત આવ્યો છે. અમારા રોગ પ્રતિરક્ષા કાર્યક્રમમાં 2014માં ચાર નવી રસી લાવવામાં આવી હતી. આમાં, સ્વદેશી બનાવટની રોટા રસીનો પણ સમાવેશ થાય છે.

તેમણે 2025 સુધીમાં ભારતમાંથી ક્ષય રોગ નાબૂદ કરવાના મહત્વાકાંક્ષી મિશનનો પણ ઉલ્લેખ કર્યો છે. વૈશ્વિક લક્ષ્ય કરતાં પાંચ વર્ષ પહેલાં જ ભારતમાંથી ક્ષય રોગની નાબૂદી કરવાનું સરકારનું લક્ષ્ય છે.

શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ત્રણ દાયકા પછી અને સમગ્ર દેશમાં વિગતવાર પરામર્શ તેમજ ચર્ચાઓ કર્યા પછી રજૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો પણ સંદર્ભ આપ્યો હતો. આ નીતિનો ઉદ્દેશ વિજ્ઞાન અંગે જિજ્ઞાસાવૃત્તિ વધારવાનો અને વૈજ્ઞાનિક સંશોધનને જરૂરિયાત અનુસાર વધુ વેગ આપવાનો છે. પ્રતિભાશાળી યુવાનોને તેમનું કૌશલ્ય ખીલવવા માટે તેમાં મુક્ત અને વ્યાપક આધાર સાથે માહોલ પૂરો પાડવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ ભારતના અગ્ર કક્ષાના અવકાશ સુધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો જેનાથી ઉદ્યોગો અને શિક્ષણજગતમાં નવી તકોનું સર્જન થશે.

લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિએશનલ વેવ ઓબ્ઝર્વેટરી, CERN અને આંતરરાષ્ટ્રીય થર્મોન્યૂક્લિઅર પ્રયોગાત્મક રીએક્ટર (ITER)માં ભારતની ભાગીદારીનો ઉલ્લેખ કરીને તેમણે વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસના પ્રયાસોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

તેમણે સુપરકોમ્પ્યૂટિંગ અને સાઇબર ફિઝિકલ સિસ્ટમ્સ માટે ભારતના મોટા મિશનોનો પણ સંદર્ભ આપ્યો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, સેન્સર્સ અને બિગ ડેટા એનાલિસિસના ક્ષેત્રમાં મૂળભૂત સંશોધન અને એપ્લિકેશન્સ વિશે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, આનાથી ભારતમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રો અને વિનિર્માણને વેગ મળશે.

તેમણે ભારતમાં પહેલેથી જ શરૂ કરવામાં આવેલા 25 નવાચાર ટેકનોલોજિકલ હબનો ઉલ્લેખ કર્યો હતો અને તેનાથી કેવી રીતે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ વેગ મળશે તેના વિશે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, ભારત પોતાના ખેડૂતોને મદદરૂપ થવા માટે ટોચની ગુણવત્તાનું સંશોધન ઇચ્છે છે. તેમણે કઠોળ અને ખાદ્યાન્નનું ઉત્પાદન વધારવા માટે ભારતીય વૈજ્ઞાનિકોએ કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે ભાગ પ્રગતી કરે છે ત્યારે દુનિયાની પ્રગતી થાય છે.

પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વૈભવ, એકબીજા સાથે જોડાવા માટે અને યોગદાન આપવા માટે ખૂબ જ મોટી તક પૂરી પાડે છે; જ્યારે ભારત સમૃદ્ધ થાય છે ત્યારે દુનિયા પણ આગળ વધે છે. વૈભવને મહાન બૌદ્ધિકોના સંગમ તરીકે ગણાવી તેમણે કહ્યું હતું કે, આ પ્રયાસોથી સમૃદ્ધિનું સર્જન કરવા માટે આદર્શ સંશોધન ઇકોસિસ્ટમનું સર્જન થશે અને આધુનિકતા સાથે પરંપરાનો વિલય થશે. આ આદાનપ્રદાન ચોક્કસપણે ઉપયોગી નીવડશે અને તેનાથી શિક્ષણ તેમજ સંશોધન ક્ષેત્રમાં ઉપયોગી સહયોગ શક્ય બનશે. વૈજ્ઞાનિકો અને સંશોધકોના આ પ્રયાસોથી આદર્શ સંશોધન ઇકોસિસ્ટમનું સર્જન કરવામાં મદદ મળી રહેશે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, પ્રવાસી ભારતીયો વૈશ્વિક મંચ પર ભારતના ખૂબ જ ઉત્કૃષ્ટ એમ્બેસેડર્સ છે. આવનારી પેઢીઓ માટે સુરક્ષિત અને સમૃદ્ધિવાન ભવિષ્યનું નિર્માણ કરવાનું સપનું સાકાર કરવા માટે આ સંમેલનને વધુ આગળ ધપાવવું જોઇએ. ભારત આપણા ખેડૂતોને મદદરૂપ થવા માટે ટોચની કક્ષાના વૈજ્ઞાનિક સંશોધનો ઇચ્છે છે. પ્રવાસી ભારતીયોના પ્રયાસોથી આદર્શ સંશોધન ઇકોસિસ્ટમનું સર્જન કરવામાં મદદ મળી રહેશે.

વૈભવ સંમેલનમાં, 55 દેશોમાંથી ભારતીય મૂળના 3000થી વધુ શિક્ષણવિદો અને વૈજ્ઞાનિકો અને ભારતમાંથી અંદાજે 10,000 વૈજ્ઞાનિકો ભાગ લઇ રહ્યાં છે અને આનું આયોજન ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના નેતૃત્વમાં 200 ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ અને S&T વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. 40 દેશોમાંથી અંદાજે 700 વિદેશી પેનલિસ્ટ અને અગ્રણી ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ તેમજ S&T વિભાગોમાંથી ખ્યાતનામ 629 નિવાસી પેનલિસ્ટ 213 સત્રોમાં 80 પેટા મુદ્દાઓ સાથે કુલ 18 અલગ અલગ મુખ્ય વિષયો પર ગહન ચર્ચા કરશે.

આ ચર્ચાઓનું આયોજન 3 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર 2020 દરમિયાન કરવામાં આવશે જ્યારે 28 ઓક્ટોબરના રોજ સંકલિત પરિણામ જાહેર કરવામાં આવશે. આ સંમેલનનું સમાપન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ એટલે કે, 31 ઓક્ટોબર 2020ના રોજ કરવામાં આવશે. આ પહેલમાં એક મહિના સુધી ચાલનારી વેબિનાર શ્રેણી અને વીડિયો કોન્ફરન્સોમાં વિદેશી નિષ્ણાતો અને ભારતીય સમકક્ષો વચ્ચે બહુવિધ સ્તરે વાર્તાલાપો સામેલ કરવામાં આવ્યા છે.

વ્યાપક S&T ક્ષેત્રો પર આ સંમેલન દરમિયાન ચર્ચા કરવામાં આવશે જેમાં કમ્પ્યૂટેશનલ વિજ્ઞાન, ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન, ક્વૉન્ટમ ટેકનોલોજી, ફોટોનિક્સ, એરોસ્પેસ ટેકનોલોજી, તબીબી વિજ્ઞાન, બાયોટેકનોલોજી, કૃષિ, સામગ્રી અને પ્રસંસ્કરણ ટેકનોલોજી, અદ્યતન વિનિર્માણ, પૃથ્વી વિજ્ઞાન, ઉર્જા, પર્યાવરણ વિજ્ઞાન અને વ્યવસ્થાપન સામેલ છે.

આ સંમેલનનો મૂળ ઉદ્દેશ સાર્વત્રિક વિકાસ માટે ઉભરતા પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક ભારતીય સંશોધકોની તજજ્ઞતાનો લાભ લઇને વ્યાપક ભાવિ માર્ગ ઘડવાનો છે. આ સંમેલન ભારત અને વિદેશમાં શિક્ષણજગત અને વૈજ્ઞાનિકો સાથે સહયોગ અને સહકારના સાધનો પર પ્રતિબિંબિત થશે. આનું મૂળ લક્ષ્ય વૈશ્વિક સંપર્ક દ્વારા દેશમાં જ્ઞાન અને નવાચારની ઇકોસિસ્ટમનું સર્જન કરવાનું છે.

મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે. વિજયરાઘવન અને અલગ અલગ દેશો જેમ કે, યુએસએ, જાપાન, ઑસ્ટ્રેલિયા, યુકે, ફ્રાન્સ, સિંગાપોર, કોરિયા પ્રજાસત્તાક, બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લેન્ડમાં કમ્પ્યૂટિંગ અને કમ્યુનિકેશન, સોનો-કેમેસ્ટ્રી, ઉચ્ચ ઉર્જા ભૌતિકશાસ્ત્ર, વિનિર્માણ ટેકનોલોજી, વ્યવસ્થાન, ભૂ-વિજ્ઞાન, આબોહવા પરિવર્તન, માઇક્રોબાયોલોજી, IT સુરક્ષા, નેનો-મટિરિયલ્સ, સ્માર્ટ વિલેજ અને ગાણિતિક વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહેલા 16 વિદેશી પેનલિસ્ટે આ ઉદ્ઘાટન સત્ર દરમિયાન પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ કર્યો હતો.

 

SD/GP/BT



(Release ID: 1661188) Visitor Counter : 306