પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગંગાને નિર્મળ અને અવિરલ બનાવવા માટે ઉત્તરાખંડમાં વિવિધ છ મોટી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
નમામિ ગંગે મિશનના કારણે છેલ્લા 6 વર્ષમા ઉત્તરાખંડની સ્યૂએજ ટ્રીટમેન્ટ ક્ષમતામાં 4 ગણો વધારો થયો
ગંગા નદીમાં ઠલવાતી 130થી વધારે ગટરોનું પાણી છેલ્લા 6 વર્ષમાં બંધ કરવામાં આવ્યું
ગંગા નદી પર તૈયાર કરવામાં આવેલા પ્રથમ મ્યુઝિયમ 'ગંગા અવલોકન'નું ઉદ્ઘાટન કર્યું
દેશમાં દરેક શાળા અને આંગણવાડીમાં પીવાના પાણીનું જોડાણ સુનિશ્ચિત કરવા માટે 2 ઓક્ટોબરથી 100 દિવસના વિશેષ અભિયાનના પ્રારંભની જાહેરાત કરી
કોરોનાના સમયમાં પણ 50 લાખ કરતાં વધારે પરિવારોને પીવાના પાણીના જોડાણો આપવા બદલ ઉત્તરાખંડ સરકારની કામગીરીની પ્રશંસા કરી
Posted On:
29 SEP 2020 2:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્તરાખંડમાં નમામિ ગંગે મિશન અંતર્ગત છ મોટી વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.
શ્રી મોદીએ ગંગા અવલોકન નામના એક મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. હરિદ્વારમાં ગંગા નદી વિશે માહિતી આપતું આ પ્રકારનું આ પ્રથમ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. શ્રી મોદીએ આ પ્રસંગે "રોઇંગ ડાઉન ધ ગેન્જીસ” નામના એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું અને જળ જીવન મિશનનો નવો લોગો રજૂ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે 'જળ જીવન મિશન અંતર્ગત ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ માટે માર્ગદર્શિકા'નું પણ વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જળ જીવન મિશનનો ઉદ્દેશ દેશમાં દરેક ગ્રામીણ પરિવારને પાઇપ દ્વારા પાણીનું જોડાણ આપવાનો છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, જળ જીવન મિશનનો નવો લોગો પાણીના પ્રત્યેક ટીપાંને બચાવવાની જરૂરિયાત અંગે લોકોને પ્રેરણા આપવાનું ચાલુ રાખશે.
માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતો, ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો સરકારી વ્યવવસ્થાતંત્રમાં સમાન મહત્વ ધરાવે છે.
“રોઇંગ ડાઉન ધ ગેન્જીસ” પુસ્તક અંગે વર્ણન કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ગંગા નદી કેવી રીતે અવિરતપણે આપણી સંસ્કૃતિ, આસ્થા અને ધરોહરના ઝળહળતા પ્રતીક તરીકે અડીખમ છે તેનું વિગતવાર વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
શ્રી મોદીએ ગંગા નદીને સ્વચ્છ રાખવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો કારણ કે તે ઉત્તરાખંડમાં તેના ઉદ્ગમ સ્થળથી પશ્ચિમ બંગાળ સુધીમાં દેશની લગભગ અડધી વસ્તીના જીવનને ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે.
તેમણે નમામિ ગંગે મિશનને સૌથી મોટા એકીકૃત નદી સંરક્ષણ મિશન તરીકે ગણાવ્યું હતું જેનો ઉદ્દેશ માત્ર ગંગા નદીની સફાઇ કરવાનો નથી પરંતુ તેમાં નદીની વ્યાપક સંભાળ અને નિભાવ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ નવી વિચારધારા અને અભિગમના કારણે ગંગા નદી ફરી સજીવન થઇ છે. જો જુનવાણી પદ્ધતિઓ અપનાવી હોત તો, પરિસ્થિતિ આજે પણ એટલી જ ખરાબ હોત. જુની પદ્ધતિઓમાં લોક ભાગીદારી અને દૂરંદેશીનો અભાવ હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર આ પરિયોજનાઓના હેતુઓ સિદ્ધ કરવા માટે ચાર પાસાંની વ્યૂહનીતિ સાથે આગળ વધી રહી છે.
સૌ પ્રથમ તો, ગંગા નદીમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતું રોકાવા માટે સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STP)નું નેટવર્ક ઉભું કરવામાં આવી રહ્યું છે.
બીજું કે, STP એ બાબતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે કે આગામી 10-15 વર્ષની જરૂરિયાતને તેના દ્વારા પૂરી કરી શકાય.
ત્રીજું કે, ગંગા નદીના કાંઠાની આસપાસમાં આવેલા લગભગ સો જેટલા મોટા નગરો/શહેરો અને પાંચ હજાર ગામડાંઓને ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) કરવામાં આવી રહ્યાં છે.
અને ચોથું કે, ગંગા નદીની ઉપનદીઓમાં પ્રદૂષણ ફેલાતું રોકાવા માટે તમામ પ્રકારે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
શ્રી મોદીએ એવા તથ્ય પર પ્રકાશ પાડ્યો હતો કે, નમામિ ગંગે અંતર્ગત રૂપિયા 30,000 કરોડની પરિયોજનાઓ કાં તો પ્રગતિ હેઠળ છે અથવા તેને પૂર્ણ કરવામાં આવી છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, આ પરિયોજનાઓના કારણે ઉત્તરાખંડમાં છેલ્લા 6 વર્ષમાં સ્યૂએજ ક્ષમતામાં 4 ગણો વધારો થયો છે.
ગંગા નદીમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતું રોકવા માટે ઉત્તરાખંડમાં 130 ગટરોને ગંગામાં આવતી રોકવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો પણ પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ખાસ કરીને ચંદ્રેશ્વર નગર ગટરનો ઉલ્લેખ કર્યો હતો જે ઋષિકેશમાં મુની કી રેતી ખાતે મુલાકાતીઓને આંખોમાં ખૂંચે તેવી અવસ્થામાં હતી. તેમણે મુની કી રેતી ખાતે ચાર માળના STPના બાંધકામ અને ગટરો બંધ કરવા માટે કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રયાગરાજ કુંભમાં યાત્રાળુઓને ગંગા નદીની સ્વચ્છતા અને શુદ્ધતાનો જે અનુભવ થતો હતો તેવો જ અનુભવ ઉત્તરાંખડમાં હરિદ્વાર કુંભમાં પણ યાત્રાળુઓને થશે. શ્રી નરેન્દ્ર મોદીએ ગંગા નદીના કાંઠે આવેલા સેંકડો ઘાટના નવીનીકરણ અને સૌંદર્યકરણના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો અને હરિદ્વાર ખાતે અદ્યતન રીવરફ્રન્ટના વિકાસના કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગંગા અવલોકન મ્યુઝિયમ યાત્રાળુઓમાં વિશેષ આકર્ષણ જમાવશે અને તેનાથી ગંગા નદી સાથે સંકળાયેલી ધરોહરને વધુ સારી રીતે સમજવામાં પણ તે મદદરૂપ થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નમામિ ગંગે અંતર્ગત ગંગા નદીની સફાઇ કામગીરી ઉપરાંત, ગંગાકાંઠાના પટ્ટામાં અર્થતંત્ર અને પર્યાવરણીય વિકાસને લગતા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પણ ઉદ્દેશ છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે સજીવ ખેતી અને આયુર્વેદિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પણ વ્યાપક યોજનાઓ ઘડી કાઢી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પરિયોજનાથી આ વર્ષે 15 ઑગસ્ટના રોજ જેની જાહેરાત કરવામાં આવી હતી તે, મિશન ડોલ્ફિન પણ વધુ મજબૂત થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં પાણી જેવા મહત્વના વિષયો પર કામમાં વિભાજનના કારણે સ્પષ્ટ માર્ગદર્શિકા અને સંકલનનો અભાવ હતો. તેના પરિણામે, સિંચાઇ અને પીવાના પાણીને લગતી સમસ્યાઓ એકધારી રહેતી હતી. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, સ્વતંત્રતા મળ્યાને કેટલાય વર્ષો થઇ ગયા પછી પણ, હજુ સુધી દેશમાં 15 કરોડથી વધુ પરિવારો સુધી પાઇપ મારફતે પીવાનું પાણી પહોંચી શક્યું નથી.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જળ શક્તિ મિશન તાલમેલ બેસાડવા માટે અને આવા પડકારોનો સામનો કરવા માટે વધુ વેગ આપી શકાય તે માટે શરૂ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, મંત્રાલય હવે દેશમાં દરેક પરિવારને પાઇપ મારફતે પીવાનું પાણી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે આ મિશનમાં સંકળાયેલું છે.
આજે, અંદાજે 1 લાખ પરિવારોને દરરોજ જળ જીવન મિશન અંતર્ગત પાઇપ મારફતે પીવાના પાણી માટે નવા જોડાણો આપવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં દેશમાં 2 કરોડથી વધુ પરિવારોને પીવાના પાણીના જોડાણો આપવામાં આવ્યા છે.
તેમણે છેલ્લા 4-5 મહિનામાં જ કોરોનાના કારણે ઉભી થયેલી પડકારજનક સ્થિતિ વચ્ચે પણ 50 હજારથી વધુ પરિવારોને પાઇપ મારફતે પીવાના પાણીના જોડાણો આપવાની કામગીરી કરવા બદલ ઉત્તરાખંડ સરકારની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારોથી વિપરિત, જળ જીવન મિશનમાં પાયાથી ટોચનો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેમાં ગામડાંઓમાં વપરાશકારો અને પાણી સમિતિઓએ સંપૂર્ણ પરિયોજનાના અમલીકરણથી માંડીને જાળવણી અને પરિચાલન સુધીના પ્રત્યેક કાર્યોની પરિકલ્પના કરી છે. તેમણે કહ્યું હતું કે, મિશનમાં એ વાત પણ સુનિશ્ચિત કરવામાં આવી છે કે, પાણી સમિતિમાં ઓછામાં ઓછા 50 ટકા સભ્યો મહિલાઓ રહેશે. તેમણે કહ્યું હતું કે, આજે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાથી પાણી સમિતિઓ અને ગ્રામ પંચાયતોને યોગ્ય નિર્ણયો લેવામાં માર્ગદર્શન મળી રહેશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં દરેક શાળાઓ અને આંગણવાડીમાં પીવાના પાણીનું જોડાણ સુનિશ્ચિત કરવા માટે જળ જીવન મિશન અંતર્ગત 2 ઓક્ટોબરથી 100 દિવસ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂતો, ઔદ્યોગિક શ્રમિકો માટે અને આરોગ્ય ક્ષેત્રમાં ઘણા મોટા સુધારા કરવામાં આવ્યા છે.
શ્રી મોદીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, જેઓ સુધારાઓનો વિરોધ કરી રહ્યાં છે તેઓ વાસ્તવમાં તેમના હિતાર્થે આનો કરવા ખાતર જ વિરોધ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, જેણે દાયકાઓ સુધી આ દેશ પર શાસન કર્યું તેમણે ક્યારેય દેશમાં કામદારો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓને સશક્ત કરવા અંગે વિચાર સુદ્ધા કર્યો નથી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ લોકો ઇચ્છે છે કે, ખેડૂતો તેમની ઉપજ દેશમાં ગમે તે વ્યક્તિને અને ગમે તે સ્થળે વધુ નફા સાથે વેચી ના શકે.
પ્રધાનમંત્રીએ જન ધન બેંક ખાતાં, ડિજિટલ ઇન્ડિયા અભિયાન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલનો ઉલ્લેખ કર્યો હતો જેનો લોકોએ વિરોધ કર્યો હોવા છતાં આજે ખૂબ જ મોટાપાયે જનસમુદાયને તેના લાભો મળી રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ વાયુદળમાં આધુનિકીકરણનો વિરોધ કર્યો હતો અને વાયુદળને અદ્યતન યુદ્ધ વિમાનો આપવાનો પણ વિરોધ કર્યો હતો. એવા કેટલાક લોકો છે જેમણે સરકારની એક રેન્ક એક પેન્શન નીતિનો પણ વિરોધ કર્યો હતો પરંતુ વાસ્તવમાં અત્યાર સુધીમાં સશસ્ત્ર દળોના પેન્શનરોને આ નીતિ અંતર્ગત રૂપિયા 11,000 કરોડ એરિયર તરીકે ચુકવી પણ દેવામાં આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે, આ એજ લોકો છે, જેમણે સર્જિકલ સ્ટ્રાઇકની ટીકા કરી હતી અને સૈનિકો પાસેથી સર્જિકલ સ્ટ્રાઇકના પૂરાવા માંગ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આનાથી આખા દેશ સમક્ષ એક વાત સ્પષ્ટ થાય છે કે, તેમના વાસ્તવિક ઇરાદા શું છે.
તેમણે ઉમેર્યું હતું કે, જેમ જેમ સમય પસાર થાય તેમ જે લોકોએ વિરોધ કરે છે તેઓ અસંગત બની રહ્યાં છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:
(Release ID: 1660037)
Visitor Counter : 346
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam