પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ-19ની સ્થિતિ અને પ્રતિભાવની સમીક્ષા કરવા સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઓનલાઇન બેઠક યોજી


પ્રધાનમંત્રીએ રાજ્યોની સમીક્ષા કરીને પ્રતિભાવ મેળવ્યાં, પડકારને ઝીલવા વધારે ધ્યાન કેન્દ્રિત કરવા પડે એવા વિસ્તારો પર ધ્યાન દોર્યું અને અસરકારક વ્યૂહરચના બનાવવા ભાર મૂક્યો

પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓને વધારે કેસો ધરાવતા 60 જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું

પ્રધાનમંત્રીએ રાજ્યોને પરીક્ષણમાં નોંધપાત્ર વધારો કરવા જણાવ્યું અને ચિહ્નો ધરાવતા, પણ આરએટી નેગેટિવ કેસોમાં 100 ટકા આરટી-પીસીઆર ટેસ્ટ સુનિશ્ચિત કરવા કહ્યું

કોવિડ કેન્દ્રીત માળખાગત સુવિધા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ઉપયોગની મર્યાદા 35 ટકાથી વધારીને 50 ટકા કરીઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ સ્થાનિક લોકડાઉનનું અસરકારક મૂલ્યાંકન કરવા બદલ રાજ્યોની પ્રશંસા કરી

દેશને વાયરસ સામે સતત લડવાની જરૂર છે, પણ સાથે સાથે સાહસિકતાપૂર્વક આર્થિક મોરચે આગળ વધવુ જરૂરી છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, સર્વેલન્સ અને સ્પષ્ટ મેસેજ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું

પ્રધાનમંત્રીએ રાજ્યો વચ્ચે મેડિકલ ઓક્સિજન સહિત વિવિધ ચીજવસ્તુઓ અને સેવાઓની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો

Posted On: 23 SEP 2020 9:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે કોવિડ-19ની સ્થિતિ અને એની સામે કામગીરીની સમીક્ષા કરવા આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, પંજાબ, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, આજે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની બીજી વર્ષગાંઠ છે. તેમણે જણાવ્યું હતું કે, આ બે વર્ષમાં 1.25 કરોડથી વધારે ગરીબ દર્દીઓને આ યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર મળી છે. તેમણે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની પ્રશંસા કરી હતી, જેઓ ગરીબોની સેવામાં સતત સંકળાયેલા છે.

રાજ્યોની સ્થિતિની સમીક્ષા

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આંધ્રપ્રદેશની જનતા અને સરકાર વચ્ચે સંકલન સ્થાપિત થવાથી રાજ્યમાં સ્થિતિ વધારે સારી થઈ રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાજ્ય અસરકારક રીતે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ જાળવી રાખશે. તેમણે કહ્યું હતું કે, હોમ આઇસોલેશનમાં દર્દીઓ પર સતત નજર રાખવાની મજબૂત વ્યવસ્થા વિકસાવવી પડશે. દરેક અને તમામ જીવનને બચાવવાના મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના 20  જિલ્લાઓમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, જે મોટી સંખ્યામાં કેસો ધરાવે છે. તેમણએ રાજ્યમાં હાલના સ્તરથી પાંચ ગણા વધારે આરટી-પીસીઆર પરીક્ષણમાં વધારો કરવાનું સૂચન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કર્ણાટકે ટ્રેસિંગ અને ટ્રેકિંગની વૈજ્ઞાનિક વ્યવસ્થા વિકસાવી છે, જે રાજ્ય માટે લાભદાયક પુરવાર થશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના 9 જિલ્લાઓમાં મૃત્યુદર ઊંચો છે, જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. તેમણે હાલના સ્તરથી ત્રણ ગણા વધારે આરટી-પીસીઆર કરવાનું, અસરકારક સર્વિલન્સ અને કોન્ટ્રાક્ટ ટ્રેસિંગનું સૂચન કરવાની સાથે માસ્ક અને સેનિટેશનના સંબંધ સાથે વર્તણૂકમાં ફેરફાર પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. દિલ્હીમાં સ્થિતિ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લોકો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહિયારા પ્રયાસ સાથે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. તેમણે આરટી-પીસીઆર ટેસ્ટ વધારવા પર ભાર મૂક્યો હતો અને એન્ટિજેન ટેસ્ટ દ્વારા નેગેટિવ ટેસ્ટ ધરાવતા, પણ સાથે સાથે ચિહ્નો ધરાવતા તમામ લોકોના આ ટેસ્ટ કરવા કહ્યું હતું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, પંજાબમાં ઇન્ફેક્શન નિયંત્રણ હેઠળ હતું, પણ અત્યારે કોવિડના કારણે સૌથી વધુ મૃત્યુ રાજ્યમાં થાય છે, જે માટે સૌથી મોટું કારણ દર્દીઓનો હોસ્પિટલમાં પહોંચવામાં વિલંબ જવાબદાર છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યને આ પડકારનો સામનો કરવા જાગૃતિ અભિયાન હાથ ધરવાની જરૂર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાજ્ય સરરકાર ટેસ્ટ પોઝિટિવિટી રેટ અને કેસ મૃત્યુદરમાં ઘટાડો કરી શકશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તમિલનાડુએ મોટી સંખ્યામાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગની વ્યૂહરચના સાથે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વ્યૂહરચનાથી રાજ્યમાં દરરોજ કેસમાં ઘટાડો થયો છે અને હવે આંકડો સ્થિર થયો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 7 જિલ્લાઓમાં કેસ મૃત્યુદર ઘટાડવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે, ટેલીમેડિસિન માટે રાજ્યમાં ઇ-સંજીવની એપ્લિકેશનનો સારો ઉપયોગ થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, તમિલનાડુનો અનુભવ અન્ય રાજ્યો માટે પણ લાભદાયક પુરવાર થશે. ઉત્તરપ્રદેશ સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય હોવાથી અને રાજ્યમાં મોટી સંખ્યામાં શ્રમિકો પરત ફર્યા હોવાની બાબતની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય ટેસ્ટિંગની સંખ્યા વધારીને સ્થિતિને અસરકારક રીતે નિયંત્રણમાં લેવામાં હજુ સુધી સફળ રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કોન્ટેક્ટ ટ્રેસિંગને વધારે મજબૂત કરશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના 16 જિલ્લાઓમાં દરરોજ 100થી વધારે કેસ નોંધાય છે. તેમણે ઉમેર્યું હતું કે, સંક્રમિત વિસ્તારોનું મેપિંગ કરવું અને વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે, જેની સાથે લોકોને માસ્ક ધારણ કરવા અને દો ગજ દૂરી જાળવવી જરૂરી છે.

વાયરસ સામે લડવા વધારે ફંડ

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે દેશમાં દરરોજ 10 લાખથી વધારે ટેસ્ટ પણ થઈ રહ્યાં છે અને સાજા થઈ રહેલાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડને નિયંત્રણમાં લેવા હેલ્થ માળખાગત ક્ષેત્રને વધારે મજબૂત કરવાની જરૂર છે, જેથી ટ્રેકિંગ અને ટ્રેસિંગના નેટવર્કમાં સુધારો થશે અને વધારે સારી તાલીમ સુનિશ્ચિત થશે. તેમણે જાહેરાત કરી હતી કે, કોવિડ કેન્દ્રિત માળખાગત સુવિધા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડનો મર્યાદિત ઉપયોગ 35 ટકાથી વધીને 50 ટકા થયો છે. તેમણે નોંધ્યું હતું કે, આ નિર્ણયથી રાજ્યોને વાયરસ સામે લડવા રાજ્ય સરકારોને વધારે નાણા મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ વાયરસના પ્રસારને નિયંત્રણમાં રાખવા 1થી 2 દિવસનાં સ્થાનિક લોકડાઉનની અસરકારકતાનું મૂલ્યાંકન કરવાની પ્રશંસા કરી હતી. તેમણે સૂચન કર્યું  હતું કે, આ નિર્ણય રાજ્યોમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરતા અટકાવે, તો લોકડાઉનમાં દિવસોની સંખ્યા ઓછી રાખો. તેમણે જણાવ્યું હતું કે, દેશને વાયરસ સામે લડવાની જરૂર છે, પણ આર્થિક મોરચે પણ સાહસિકતાપૂર્વક આગળ વધવું પડશે.

ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, સર્વિલન્સ અને મેસેજિંગ

પ્રધાનમંત્રીએ અસરકારક ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, સર્વેલન્સ અને સ્પષ્ટ મેસેજિંગ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઇન્ફેક્શન ચિહ્નો વિના પણ થતું હોવાના કારણે પરીક્ષણોની કાર્યદક્ષતા વિશેની શંકા તરફ દોરી શકે છે એટલે અસરકારક રીતે સંદેશ આપવો જરૂરી છે. તેમણે રોજિંદા ધોરણે માસ્ક પહેરવાની આદત પાડવા પર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ રાજ્યો વચ્ચે ચીજવસ્તુઓ અને સેવાની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં કેટલાંક રાજ્યોમાં ઓક્સિજનના પુરવઠાની ખેંચ ઊભી થઈ હતી એટલે મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી સૌથી વધુ મહત્વપૂર્ણ છે. તેમણે તમામ રાજ્યોમાં દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અવરજવરની સુવિધા વિશે પણ વાત કરી હતી.

આ બેઠકમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં વાયરસ સામે લડવા લોકડાઉન દરમિયાન તેના આરોગ્યલક્ષી માળખાને મજબૂત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યો તેમજ જિલ્લા એમ બંને સ્તરે તૈયાર કરવાની જરૂર પડશે અને વાયરસ સામે લડવા સજ્જ થવું પડશે. તેમણે ઉમેર્યું હતું કે, આ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે, જે માટે આ બેઠક દરમિયાન પ્રાપ્ત થયેલી જાણકારી ઉપયોગી નીવડશે.

આ બેઠક દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું, જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, આ 7 રાજ્યો દેશમાં એક્ટિવ કેસના 62 ટકા ધરાવે છે અને કોવિડના કારણે થતાં મૃત્યુમાં 77 ટકા મૃત્યુ આ 7 રાજ્યોમાં થાય છે. આ પ્રેઝન્ટેશનમાં કેસની સંખ્યામાં વધારાની દ્રષ્ટિએ ચિંતાજનક સ્થિતિ ધરાવતા જિલ્લાઓ વિશે, આ રાજ્યોમાં હાથ ધરવામાં આવતા પરીક્ષણો, મૃત્યુ અને સેમ્પલ પોઝિટિવિટી અંગે જાણકારી આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી

મુખ્યમંત્રીઓએ આ આરોગ્યલક્ષી કટોકટીના સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે પ્રધાનમંત્રીને વાસ્તવિક સ્થિતિ વિશે જાણકારી આપી હતી, વાયરસના પ્રસારને નિયંત્રણમાં લેવા તેમના રાજ્યોના પડકારો વિશે વાત કરી હતી અને આરોગ્યલક્ષી માળખાગત સુવિધા વધારવા વધતા પડકારોને પહોંચી વળવા અત્યાર સુધીની તૈયારી વિશે વાત કરી હતી.

તેમણે તેમની સરકારોના જનતાને સંકોચ ન અનુભવવા અને તેમની વચ્ચે જાગૃતિ લાવવા માટેના પ્રયાસો, મૃત્યુદરને નિયંત્રણમાં લાવવા હાથ ધરાયેલા પ્રયાસો, પોસ્ટ-કોવિડ દવાખાનાઓની શરૂઆત, પરીક્ષણમાં વધારા વિશે જાણકારી આપી હતી તેમજ તેમની સરકારોએ લીધેલા આ પ્રકારના વિવિધ પગલાં વિશે વાકેફ કર્યા હતા.

 

SD/GP/DK



(Release ID: 1658521) Visitor Counter : 208