ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

સંસદમાં આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) વિધેયક, 2020 પસાર થયું


આ વિધેયકથી માત્ર ખેડૂતો જ નહીં પરંતુ ગ્રાહકો અને રોકાણકારો માટે પણ સકારાત્મક વાતાવરણનું સર્જન થશે: શ્રી દાણવે રાવસાહેબ દાદારાવ

આ કાયદાથી કોલ્ડ સ્ટોરેજમાં વધુ રોકાણ, ખાદ્ય પૂરવઠા શ્રૃંખલાનું આધુનિકીકરણ, ભાવમાં સ્થિરતા, સ્પર્ધાત્મક બજારના વાતાવરણનું સર્જન કરવામાં અને કૃષિ ઉપજનો બગાડ રોકવામાં મદદ મળી રહેશે

Posted On: 22 SEP 2020 1:22PM by PIB Ahmedabad

ધાન્ય, કઠોળ, તેલીબિયાં, ખાદ્યતેલ, ડુંગળી અને બટાકાને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાંથી બાકાત કરવાની જોગવાઇ સાથેના આવશ્યક ચીજવસ્તુ (સુધારા) વિધેયક, 2020ને આજે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. અગાઉ, આ વિધેયક 14 સપ્ટેમ્બર, 2020ના રોજ ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રી દાણવે રાવસાહેબ દાદારાવ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. 5 જૂન 2020ના રોજ બહાર પાડવામાં આવેલા વટહુકમના સ્થાને આ વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. 15 સપ્ટેમ્બર 2020ના રોજ આ વિધેયક લોકસભામાં પસાર થયું હતું.

આવશ્યક ચીજવસ્તુ (સુધારા) વિધેયક 2020નો મૂળ ઉદ્દેશ ખાનગી રોકાણકારોને તેમના વ્યાવસાયિક પરિચાલનમાં વધુ પડતા નિયમનકારી હસ્તક્ષેપનો ડર દૂર કરવાનો છે. ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને પૂરવઠા માટે આપવામાં આવેલી મુક્તિના કારણે અર્થતંત્રને વધુ ઉંચાઈએ લઇ જઇ શકાશે અને કૃષિ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ/ વિદેશી પ્રત્યક્ષ રોકાણ આકર્ષવામાં સફળતા મળશે. આના કારણે કોલ્ડ સ્ટોરેજમાં રોકાણ વધારવા અને ખાદ્ય પૂરવઠા શ્રૃંખલાના આધુનિકીકરણમાં પણ મદદ મળી રહેશે.

સરકાર જ્યારે નિયમનકારી માહોલમાં વધુ છુટછાટો અને મુક્તિ આપી રહી છે ત્યારે, તેમણે ગ્રાહકોના હિતો સુરક્ષિત રહે તે પણ સુનિશ્ચિત કર્યું છે. સુધારામાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે, યુદ્ધ, દુકાળ, ભાવમાં અસામાન્ય વૃદ્ધિ અને કુદરતી આપત્તિ જેવી સ્થિતિમાં કૃષિ ખાદ્યપદાર્થ જેવી આ ચીજોને નિયમન હેઠળ લાવી શકાશે. જોકે, મૂલ્ય શ્રૃંખલા સહભાગીની ક્ષમતા અને નિકાસકારોની નિકાસની માંગને આવી સંગ્રહની મર્યાદાઓમાંથી બાકાત રાખવામાં આવશે જેથી કૃષિ ક્ષેત્રમાં રોકાણોમાં નિરાશા પ્રવર્તે નહીં.

આ વિધેયક રાજ્યસભામાં આજે પસાર કરવામાં આવ્યું તે પૂર્વે તેના પર યોજાયેલી ચર્ચા દરમિયાન પ્રતિક્રિયા આપતા ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રી દાણવે રાવસાહેબ દાદારાવે જણાવ્યું હતું કે, આ સુધારા સંગ્રહની સુવિધાના અભાવે કૃષિ ઉપજોના થતા બગાડને નિવારવા માટે આવશ્યક છે. તેમણે કહ્યું હતું કે, આ સુધારાથી માત્ર ખેડૂતો નહીં પરંતુ ગ્રાહકો અને રોકાણકારો માટે પણ સકારાત્મક માહોલનું સર્જન થશે અને તેનાથી ચોક્કસપણે આપણો દેશ આત્મનિર્ભર બનશે. તેમણે જણાવ્યું હતું કે, આ સુધારો એકંદરે કૃષિ ક્ષેત્રની પૂરવઠા શ્રૃંખલાના વ્યવસ્થાતંત્રને મજબૂત બનાવશે. આ સુધારાથી સરકારને કૃષિ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપીને તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપીને ખેડૂતોની આવક બમણી કરવાનું તેમણે આપેલું વચન પૂરું કરવામાં મદદ મળશે.

 

પૃષ્ઠભૂમિ:

ભારત જ્યારે મોટાભાગની કૃષિ ચીજવસ્તુઓમાં સિલક ધરાવતો દેશ બની ગયો છે ત્યારે, ખેડૂતો કોલ્ડ સ્ટોરેજ, ગોદામો, પ્રસંસ્કરણ અને નિકાસના ક્ષેત્રમાં રોકાણના અભાવે તેમની ઉપજ માટે સારો ભાવ મેળવી શકતા નથી. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમના કારણે આ ક્ષેત્રમાં ઉદ્યમશીલતાની ભાવના ઘટી ગઇ છે. ખેડૂતોને ખાસ કરીને જ્યારે ઝડપથી બગડી જતી ચીજવસ્તુઓનું મબલખ ઉત્પાદન થાય ત્યારે તેમણે વધુ નુકસાન વેઠવું પડે છે. આ કાયદાથી કોલ્ડ સ્ટોરેજમાં રોકાણ અને ખાદ્ય પૂરવઠા શ્રૃંખલાના આધુનિકીકરણમાં મદદ મળશે. આનાથી ખેડૂતો અને ગ્રાહકો બંનેને ફાયદો થશે અને ભાવમાં સ્થિરતા આવશે. આનાથી સ્પર્ધાત્મક બજારનું સર્જન થશે અને સંગ્રહની સુવિધાના અભાવે થતો કૃષિ ઉપજોનો બગાડ પણ રોકી શકાશે.

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 



(Release ID: 1657727) Visitor Counter : 429