કૃષિ મંત્રાલય

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા મેળવવા માટે રાષ્ટ્રીય રવી 2020 અભિયાનનો શુભારંભ કર્યો


કોવિડ-19ને પગલે ઊભી થયેલી પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ 2019-2020માં 295.65 મિલિયન ટન ખાદ્યાન્નનું વિક્રમજનક ઉત્પાદન કરવા બદલ શ્રી તોમરે ખેડૂતો અને રાજ્ય સરકારોને અભિનંદન આપ્યાં

રાષ્ટ્રીય રવી અભિયાન 2020 પરિષદમાં વર્ષ 2020-2021 માટે 301 મિલિયન ટન ખાદ્યાન્નનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો

Posted On: 21 SEP 2020 2:23PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે કોવિડ-19 રોગચાળાને પગલે દેશભરમાં ઊભી થયેલી પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ વર્ષ 2019-20માં 296.65 મિલિયન ટનનું રેકોર્ડ ખાદ્યાન્નનું ઉત્પાદન કરવા દેશભરનાં ખેડૂતો અને રાજ્ય સરકારોને અભિનંદન આપ્યા હતા. દેશમાં કઠોળ અને તેલીબિયાનું ઉત્પાદન અનુક્રમે 23.15 મિલિયન ટન અને 33.42 મિલિયન ટન રહેવાની અપેક્ષા છે. કપાસનું ઉત્પાદન અંદાજે 354.91 લાખ ગાંસડી થવાનો અંદાજ છે, જેની સાથે ભારત કપાસના ઉત્પાદનમાં દુનિયામાં પ્રથમ સ્થાન મેળવવા સજ્જ છે. ચાલુ વર્ષ ભારતીય કૃષિ ક્ષેત્રના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગયું છે. ચાલુ વર્ષે 11-09-2020 સુધી વિવિધ ખરીફ પાકોનું વાવેતર 1113 લાખ હેક્ટરમાં થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારથી 46 લાખ હેક્ટર વધારે છે. આ દેશના ખાદ્ય અને પોષક દ્રવ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સારી તક પ્રદાન કરે છે. શ્રી તોમરે જણાવ્યું હતું કે, ખેડૂત સમુદાય અને રાજ્ય સરકારો આ પ્રશંસનીય સીમાચિહ્ન માટે વિશેષ પ્રશંસાને પાત્ર છે.

આજે એમની અધ્યક્ષતામાં ખરીફ 2020-21ની પ્રગતિની સમીક્ષા કરવા અને રવી સિઝન માટે યોજના બનાવવા માટે રાષ્ટ્રીય રવી અભિયાન 2020 પરિષદનું આયોજન થયું હતું. આ પરિષદને સંબોધન કરતા શ્રી તોમરે કહ્યું હતું કે, સરકાર કૃષિ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓને મજબૂત કરવા અને ખેડૂતોની આર્થિક સ્થિતિને સુધારવા અભૂતપૂર્વ પગલાં લઈ રહી છે. તાજેતરમાં કૃષિ ઉદ્યોગસાહસિકો, ખેડૂતોના સંગઠન અને સ્થાનિક સરકારી સંસ્થાઓ દ્વારા કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ, પેકેજિંગ, રિપનિંગ અને વેક્સિંગ પ્લાન્ટ માટે સુવિધાઓ ઊભી કરવા માટે 4 વર્ષ માટે રૂ. 1 લાખ કરોડની કૃષિ માળખાગત ભંડોળ (એઆઇએફ) યોજના શરૂ કરવામાં આવી છે. કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં રાજ્યોમાં કૃષિ ઉત્પાદનોના કુલ મૂલ્યોને આધારે રાજ્યોને કામચલાઉ ધોરણે ફાળવણી કરવામાં આવી છે. બેંકના વ્યાજ પર વ્યાજમાં 3 ટકાની માફી આપવામાં આવી છે, જે લોનના અસરકારક વ્યાજદર 5.0 ટકાથી 5.5 ટકા બનાવે છે. 10,000 ખેડૂત ઉત્પાદક સંઘ (એફપીઓ)ની રચના ઊંચું વળતર મેળવવા માટે ખેડૂતોને સંગઠિત કરવાની અને માર્કેટિંગ કરવાની દિશામાં એક વધુ પગલું છે. આ સંઘોની નોંધણી કંપની કે સહકારી ધારા હેઠળ થશે તથા 15 ટકાની રચના આકાંક્ષી અને અધિસૂચિત આદિવાસી વિસ્તારોમાં થશે.

કેન્દ્રીય કૃષિ મંત્રીએ વધુમાં સમજાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રની સ્થિતિને સુધારવા માટે સંસદમાં ખેડૂતોને તેમની ખેતપેદાશોનું વેચાણ કરવાની સ્વતંત્રતા આપવા સાથે સંબંધિત બે ખરડાં પસાર થઈને કાયદા બન્યાં છે. ખેડૂતોના ઉત્પાદનોનું વેપાર અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધા) બિલ, 2020 અને કિંમતની ખાતરી પર ખેડૂતોની (ઉત્થાન અને હિતોની જાળવણી) સમજૂતી તથા કૃષિ સેવા બિલ, 2020થી ખેડૂતોને કૃષિ અને આનુષંગિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા ખેડૂતોને પ્રોત્સાહન મળશે. ખેડૂતોને વિવિધ સ્થળો પર તેમના ઉત્પાદનોનું વેચાણ કરવાની સ્વતંત્રતા મળશે. ઉપરાંત સરકાર હાલના નેટવર્ક દ્વારા લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની ખરીદી કરવાની વ્યવસ્થા પણ જાળવી રાખશે. આ પગલાં કૃષિમાં ઝડપી વિકાસ તરફ દોરી જવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા મોટા પ્રમાણમાં ખાનગી રોકાણને આકર્ષશે.

શ્રી તોમરે જણાવ્યું હતું કે, ભારત સરકારે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ પાંચ વર્ષમાં 100 લાખ હેક્ટર વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ લક્ષ્યાંક પાર પાડવા અને સૂક્ષ્મ સિંચાઈ હેઠળના વિસ્તારને વધારવા રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) સાથે રૂ. 5,000 કરોડનું ખાસ સૂક્ષ્મ સિંચાઈ ભંડોળ (એમઆઇએફ) ઊભું કરવામાં આવ્યું છે. વર્ષ 2019-20માં આશરે 11 લાખ ખેડૂતોને ટપક અને છંટકાવ સિંચાઈ પદ્ધતિની સ્વીકાર્યતાનો લાભ થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં દેશમાં 47.92 લાખ હેક્ટર જમીનને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અંતર્ગત આવરી લેવામાં આવી છે, જેમાં વર્ષ 2019-20 માટે 11.72 લાખ હેક્ટર જમીન સામેલ છે, જે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

ભારતમાં મુખ્યત્વે ત્રણ પાકની સિઝન છેઃ ખરીફ, રવી અને ઉનાળું, જેમાં મોટી સંખ્યામાં અનાજ, કઠોળ, દાળ, તેલીબિયા અને રોકડિયા પાકો લેવામાં આવે છે. રવી મહત્ત્વપૂર્ણ વાવેતર સિઝન છે, જે પાકના અડધોઅડધથી વધારે ઉત્પાદનમાં પ્રદાન કરે છે. દરેક સિઝન અગાઉ એની તૈયારીની સમીક્ષા કરવા તથા બિયારણ, ખાતર અને અન્ય ચીજવસ્તુઓની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય પરિષદોનું આયોજન થાય છે. આ વખતે સારો વરસાદ થયો છે અને જળાશયો છલોછલ ભરાઈ ગયા છે, જે ખેતીવાડી માટેની સારી તક ઓફર કરે છે.

કોન્ફરન્સમાં વર્ષ 2020-21 માટે ખાદ્યાન્નનું 301 મિલિયન ટન ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો, જેમાં ચોખા, ઘઉં, જુવાર, બાજરા, મકાઈ અને બરછટ અનાજનું અનુક્રમે 119.60, 108.00, 5.00, 9.57, 29.00 અને 47.80 મિલિયન ટન ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક સામેલ છે. કઠોળ અને તેલીબિયાનું વધારે ઉત્પાદન કરવા પર ભાર મૂકવામાં આવશે તથા 25.60 મિલિયન ટન કઠોળ અને 37.00 મિલિયન ટન તેલીબિયાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. ખાદ્ય તેલની આયાત ઘટાડવા માટે તેલીબિયા અને ઓઇલ પામના સ્વદેશી ઉત્પાદન પર વધારે ભાર મૂકવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. આ રવી સિઝનમાં તેલીબિયા અંતર્ગત સરસવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તથા એકલા સરસવનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક 92 લાખ ટનથી વધારીને 125 લાખ ટન નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા પંચાયતી રાજ મંત્રી શ્રી પુરુષોત્તમ રુપાલા અને રાજ્ય કક્ષાના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી કૈલાશ ચૌધરી પણ ઉપસ્થિત હતા. કોન્ફરન્સમાં સચિવ, કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ, સચિવ, કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ અને ડાયરેક્ટર જનરલ, આઇસીએઆર અને સચિવ, ખાતર તથા વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્ય સરકારોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

 

Click here for Presentation

 

 

SD/GP/BT


(Release ID: 1657498) Visitor Counter : 346