પ્રધાનમંત્રીનું કાર્યાલય

બિહારમાં વિવિધ વિકાસ યોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 15 SEP 2020 2:31PM by PIB Ahmedabad

બિહારના ગવર્નર શ્રી ફાગુ ચૌહાણ, બિહારના મુખ્યમંત્રી શ્રી નિતીશ કુમારજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા સહયોગી શ્રી હરદીપ સિંહ પૂરીજી, શ્રી રવિશંકર પ્રસાદજી, કેન્દ્ર અને રાજ્યના મંત્રી મંડળના અન્ય સભ્યો, સાંસદો, ધારાસભ્યો અને મારા પ્રિય સાથીઓ,

સાથીઓ, આજે જે ચાર યોજનાઓનો પ્રારંભ થઈ રહ્યો છે તેમાં પટણા શહેરના બેઉર અને કરમ –લીચકમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સિવાય અમૃત યોજના હેઠળ સીવાન અને છપરામાં પાણીની તંગીને દૂર કરવા માટેની યોજનાઓનો સમાવેશ થાય છે. તે સિવાય મુંગેર અને જમાલપુરમાં પાણીની તંગી દૂર કરવા માટે પાણી પૂરવઠા યોજનાઓ અને મુઝફફર નગરમાં નમામિ ગંગે યોજના હેઠળ રિવર ફ્રન્ટ વિકાસ યોજનાનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. શહેરી ગરીબો, શહેરમાં વસતા મધ્યમ વર્ગના સાથીઓનુ જીવન આસાન બનાવનારી આ નવી સુવિધાઓ બદલ હું તમને ખૂબ-ખૂબ અભિનંદન આપુ છું.

સાથીઓ, આજનો આ ક્રાર્યક્રમ એક વિશેષ દિન પ્રસંગે યોજાઈ રહ્યો છે. આજના દિવસને આપણે એન્જીનિયર દિવસ તરીકે પણ મનાવીએ છીએ. આ દિવસ દેશના મહાન એન્જીનિયર એમ. વિશ્વેશ્વરૈયાજીની જન્મ જયંતિનો છે અને તેમની જ યાદગિરીમાં સમર્પિત કરીએ છીએ. આપણા ભારતીય ઈજનેરોએ આપણા દેશના અને દુનિયાના નિર્માણમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. ભલે તે તે કામ અંગેનુ સમર્પણ હોય કે પછી તેમની બારીક નજર હોય, ભારતીય ઈજનેરોની દુનિયામાં એક અલગ ઓળખ છે. તે એક સચ્ચાઈ છે, અને આપણને ગર્વ છે કે આપણા ઈજનેરો દેશને વિકાસની તરફ મજબૂતીથી આગળ ધપાવી રહ્યા છે. 130 કરોડ દેશવાસીઓના જીવનને બહેતર બનાવી રહ્યા છે. હું આ પ્રસંગે ઈજનેરોને તેમજ તેમની નિર્માણ શક્તિને નમન કરૂ છું. રાષ્ટ્ર નિર્માણના આ કામમાં બિહારનુ પણ ઘણું મોટું યોગદાન છે. બિહાર તો દેશના વિકાસને નવી ઉંચાઈ આપનારા લાખો ઈજનેરો આપે છે. બિહારની ધરતી શોધ અને ઈનોવેશનનો પર્યાય બની રહી છે. બિહારના ઘણા દિકરાઓ દર વર્ષે દેશની મોટી એન્જીન્યરિંગ સંસ્થાઓમાં પહોંચે છે અને પોતાની અનોખી ચમક ફેલાવતા રહે છે. આજે જે યોજનાઓ પૂરી થઈ છે, જેની ઉપર કામ શરૂ કરવામાં આવી રહ્યુ છે, તેને પૂરાં કરવામાં બિહારના ઈજનેરોની મોટી ભૂમિકા છે. હું બિહારના તમામ ઈજનેરોને ખાસ કરીને ઈજનેર દિવસની ખૂબ-ખૂબ વધાઈ પાઠવુ છું.

સાથીઓ, બિહાર ઐતિહાસિક નગરોની ધરતી છે. અહીં હજારો વર્ષથી નગરોનો એક સમૃધ્ધ વારસો ઉપલબ્ધ છે. પ્રાચીન સમયમાં ગંગાના ખીણ પ્રદેશોની આસપાસ આર્થિક, સાસ્કૃતિક અને રાજનૈતિક દ્રષ્ટીએ સમૃદ્ધ અને સંપન્ન નગરોનો વિકાસ થયો હતો, પરંતુ ગુલામીના લાંબા કાળ ખંડમાં આ વારસાને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતું. આઝાદી પછીના થોડાક દાયકા સુધી બિહારને મોટા અને દીર્ઘદ્રષ્ટી ધરાવતા નેતાઓનું નેતૃત્વ હાંસલ થયું, જેમણે ગુલામીના કાળમાં આવેલી વિકૃતિઓને દૂર કરવાની ભારે કોશિશ કરી હતી, પરંતુ તે પછી એક સમય ગાળો એવો પણ આવ્યો કે જ્યારે બિહારમાં મૂળભૂત સુવિધાઓના નિર્માણને બદલે અગ્રતાઓ અને નિષ્ઠાઓ બદલાઈ ગઈ. એનું પરિણામ એ આવ્યુ કે, બિહારમાં શાસન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત ભૂલાઈ ગઈ. એનું પરિણામ એ આવ્યુ કે, બિહારનાં ગામ વધુ પછાત બનતાં ગયાં અને જે શહેરો એક સમયે સમૃધ્ધિનાં પ્રતિક હતાં તે વધતી વસતી અને સમયના પ્રમાણમાં તેની માળખાગત સુવિધાઓ સુધારી શકાઈ નહી. સડકો હોય કે ગલીયો હોય, પીવાનું પાણી હોય કે ગટરો હોય, આવી અનેક મૂળભૂત સુવિધાઓનાં કામો ટાળવામાં આવ્યાં અને જ્યારે પણ આ કામો થયાં ત્યારે તે ગોટાળાઓમાં અટવાઈ ગયાં હતાં.

સાથીઓ, જ્યારે શાસન ઉપર સ્વાર્થ નીતિનું વર્ચસ્વ વધે છે ત્યારે વોટ બેંકનુ તંત્ર સિસ્ટમને દબાવવા લાગે છે અને સમાજના એવા વર્ગોને સૌથી માઠી અસર થાય છે કે જે શોષિત હોય છે, વંચિત હોય છે, આતંકનો ભોગ બનેલાં હોય છે. બિહારના લોકોએ આ દર્દ દાયકાઓ સુધી સહન કર્યુ છે. જ્યારે પાણી અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી કરવામાં આવતી નથી ત્યારે તેની તકલીફ આપણી માતાઓ અને બહેનોએ ભોગવવી પડતી હોય છે. તકલીફ ગરીબને પડે છે, દલિતને થાય છે. પછાત અને અતિ પછાત લોકોને થાય છે. ગંદકીમાં રહેવાને કારણે, મજબૂરીને કારણે ગંદુ પાણી પીવાના કારણે લોકો અનેક બિમારીઓમાં સપડાઈ જાય છે. ઘણી વાર તો પરિવારો અનેક વર્ષ સુધી દેવાના ડુંગરમાં ડૂબી જાય છે. આવી પરિસ્થિતિ વચ્ચે બિહારમાં એક મોટા વર્ગે તો દેવુ, બિમારી અને લાચારી તેમજ નિરક્ષરતાને પોતાનું નસીબ માની લીધુ હતું. એક રીતે કહીએ તો સરકારોની ખોટી અગ્રતાઓને કારણે સમાજના એક ખૂબ મોટા વર્ગના આત્મવિશ્વાસને ખૂબ મોટો આઘાત લાગ્યો હતો. ગરીબો સાથે આનાથી મોટો બીજો કયો અન્યાય હોઈ શકે છે ?

સાથીઓ, વિતેલા દોઢ દાયકામાં નિતીશજી, સુશિલજી અને તેમની ટીમ સમાજના આ નબળા વર્ગને તેનો આત્મવિશ્વાસ પાછો અપાવવા માટે પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને દિકરીઓનું ભણવા લખવાનુ હોય કે પછી પંચાયતી રાજ સહિત સ્થાનિક સંસ્થાઓમાં વંચિત, શોષિત, સમાજના સાથીઓની ભાગીદારીને અગ્રતા આપવામાં આવી છે. તેનાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2014 પછી તો એક પ્રકારે પાયાની યોજનાઓ સાથે જોડાયેલી સુવિધાઓ ઉપર સંપૂર્ણ નિયંત્રણ હાંસલ કરવામાં આવ્યુ છે અને આ કામગીરી ગ્રામ પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓને સોંપવામાં આવી છે. હવે યોજનાઓના આયોજનથી માંડીને અમલીકરણ તથા દેખરેખની જવાબદારી સ્થાનિક સંસ્થાઓને સોંપવામાં આવી છે અને તે સ્થાનિક જરૂરિયાતો મુજબ યોગ્ય કામગીરી કરી રહી છે અને આ કારણથી જ કેન્દ્ર અને બિહાર સરકારના સંયુક્ત પ્રયાસો વડે વિતેલાં ચાર-પાંચ વર્ષમાં બિહારના શહેરી વિસ્તારોમાં લાખો પરિવારોને પાણીની સુવિધા સાથે જોડવામાં આવ્યાં છે. આવનારા દિવસોમાં બિહારનો સમાવેશ એવાં રાજ્યોમાં થશે કે જયાં દરેક ઘર સુધી પાઈપલાઈનથી પાણી પહોંચતુ હશે. બિહાર માટે આ ઘણી મોટી સિધ્ધિ બની રહેશે તથા બિહારનું ગોરવ વધારે તેવી બાબત બની રહેશે.

આપણાં આ મોટા લક્ષ્યની પ્રાપ્તિ માટે કોરોનાના આ સંકટ કાળમાં પણ બિહારના લોકોએ નિરંતર કામ કર્યુ છે. વિતેલા થોડાક મહિનામાં ગ્રામીણ વિસ્તારોમાં 57 લાખથી વધુ પરિવારોને પાણીનાં જોડાણ પૂરાં પાડવામાં આવ્યાં છે. તેમાં ઘણી મોટી ભૂમિકા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની પણ રહી છે. આપણા હજારો શ્રમિક સાથીદારો કે જે કોરોનાને કારણે બીજા રાજ્યોમાથી બિહારમાં પાછા ફર્યા હતા, તેમણે આ કામ કરી બતાવ્યુ છે. જલ જીવન મિશનમાં આવેલી આ ઝડપ બિહારના મારા આ ઉદ્યમી સાથીઓને સમર્પિત છે. વિતેલા એક વર્ષમાં જલ જીવન મિશન હેઠળ સમગ્ર દેશમાં 2 કરોડથી વધારે પાણીનાં જોડાણો આપવામાં આવ્યાં છે. આજે દેશમાં દરરોજ 1 લાખ કરતાં વધુ ઘરને પાણીનું જોડાણ આપવામાં આવી રહ્યું છે. સ્વચ્છ પાણી એ ગરીબ વર્ગનો, મધ્યમ વર્ગનો અધિકાર છે, તે જીવનને બહેતર તો બનાવે જ છે, સાથે સાથે તેને ગંભીર બિમારીઓ સામે પણ બચાવે છે.

સાથીઓ, શહેરી વિસ્તારોમાં પણ બિહારના લાખો લોકોને પાણીનાં જોડાણ સાથે જોડવાનુ કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યુ છે. સમગ્ર બિહારમાં AMRUT યોજના હેઠળ આશરે બાર લાખ પરિવારોને શુધ્ધ પાણીનાં જોડાણો આપવાનુ લક્ષ્ય છે. એમાંથી આશરે 6 લાખ પરિવારો સુધી તો આ યોજના પહોંચી પણ ચૂકી છે. બાકી પરિવારોને પણ ખૂબ ઝડપથી સ્વચ્છ પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ જશે. આજે જે યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે એ જ સંકલ્પનો હિસ્સો છે.

સાથીઓ, શહેરીકરણ આજના સમયની એક સચ્ચાઈ છે. આજે સમગ્ર દુનિયામાં શહેરી વિસ્તારોની સંખ્યા વધી રહી છે. ભારત પણ વિશ્વમાં આવેલા આ પરિવર્તનમાંથી બાકાત નથી, પરંતુ ઘણા દાયકાઓથી આપણી એ માનસિકતા બની ગઈ હતી અને આપણે એવું માની લીધું હતું કે શહેરીકરણ એ કોઈ સમસ્યા નથી. એક અવરોધ છે ! પણ, હું એવું માનતો નથી, એવુ બિલકુલ નથી. બાબા સાહેબ આંબેડકરે તો એ જ સમયે સચ્ચાઈ સમજી લીધી હતી. તે શહેરીકરણના મોટા સમર્થક હતા. તે શહેરીકરણને સમસ્યા માનતા ન હતા. તેમણે એવાં શહેરોની કલ્પના કરી હતી કે જ્યાં ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ તક મળતી હોય. તેમના માટે પણ જીવનને બહેતર બનાવવાના માર્ગો ખૂલી જાય. આજે આવશ્યક છે કે આપણા શહેરોમાં સંભાવનાઓ વધે, સમૃધ્ધિ આવે. સન્માન હોય, સુરક્ષા હોય, કાયદાનું રાજ હોય, જ્યાં દરેક સમાજના લોકો એક બીજા સાથે હળીમળીને રહી શકતા હોય. અને શહેર એવાં હોય કે જ્યાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોય. આધુનિક માળખાગત સુવિધાઓ હોય તો જીવન જીવવામાં પણ આસાની થશે. દેશનું સપનું છે અને એ દિશામાં દેશ આગળ વધી રહ્યો છે.

અને સાથીઓ, આજે આપણે શહેરોમાં એક નવા પ્રકારનું શહેરીકરણ જોઈ રહ્યા છીએ. જે શહેરો અગાઉ એક રીતે કહીએ તો દેશના નકશામાં ન હતા તે શહેરો હાલ પોતાની હાજરી નોંધાવી રહ્યાં છે અને તેનો અનુભવ પણ કરાવી રહ્યાં છે. આ શહેરોમાં આપણાં યુવાનો કે જે મોટી મોટી ખાનગી શાળાઓમાં ભણ્યા નથી, જે કોલેજોમાં પણ ભણ્યા નથી, જે ખૂબ અમીર પરિવારમાંથી આવતા નથી તે આજે પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. તે આજે કમાલ કરી રહ્યા છે. સફળતાનાં નવાં શિખરો સર કરી રહ્યા છે. થોડા વર્ષ પહેલાં સુધી શહેરીકરણનો અર્થ એવો થતો હતો કે કેટલાંક શહેરોને ચમક- દમકથી ભરી દો અને કેટલાંક ગણ્યાં- ગાંઠ્યાં શહેરોનો એક અથવા બે ક્ષેત્રોમાં વિકાસ થવા દો. પણ હવે તે વિચાર અને એ પધ્ધતિ બદલાઈ ચૂકી છે અને બિહારના લોકો ભારતના આ નવા શહેરીકરણમાં મોટું યોગદાન આપી રહ્યા છે.

સાથીઓ, આત્મનિર્ભર બિહાર, આત્મનિર્ભર ભારતના મિશનને ગતિ આપવા માટે અને ખાસ કરીને નાનાં શહેરોનું વર્તમાન જ નહીં પણ ભવિષ્યની જરૂરિયાતો પૂર્ણ કરી શકે તે રીતે તૈયાર કરવાનું ખૂબ જ મહત્વનુ બની રહ્યુ છે. આ વિચારધારાને લઈને AMRUT યોજના હેઠળ બિહારનાં અનેક શહેરોમાં આવશ્યક સુવિધાઓના વિકાસની સાથે સાથે જીવન જીવવામાં આસાની અને બિઝનેસ કરવામાં આસાની વધારવામાં માટે બહેતર વાતાવરણ ઉભુ કરવામાં આવી રહ્યું છે. AMRUT યોજના હેઠળ આ શહેરોમાં પાણી અને ગટરની સાથે સાથે ગ્રીન ઝોન, પાર્ક, એલઈડી સ્ટ્રીટ લાઈટ, જેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. આ મિશન હેઠળ બિહારના શહેરી વિસ્તારોમાં લાખો લોકોને બહેતર ગટર વ્યવસ્થા સાથે જોડવામાં આવી રહ્યાં છે. આમાંથી મોટા ભાગની સુવિધાઓ એવા વિસ્તારોમાં પહાંચાડવામાં આવી છે કે જ્યાં ગરીબમાં ગરીબ પરિવારો વસતા હોય. બિહારની 100થી વધુ નગર પાલિકાઓમાં સાડા ચાર લાખ એલઈડી સ્ટ્રીટ લાઈટો નાંખવામાં આવી છે. તેનાથી આપણાં નાના શહેરોની સડકો અને ગલીઓમાં બહેતર રોશની ફેલાઈ છે. સેંકડો, કરોડોની વિજળીની બચત પણ થઈ રહી છે અને લોકોને જીવન જીવવામા પણ આસાની થઈ રહી છે.

સાથીઓ, બિહારના લોકોનો, બિહારના શહેરોનો તો ગંગાજી સાથે ખૂબ ગાઢ સંબંધ છે. રાજ્યના 20 મોટા અને મહત્વપૂર્ણ શહેરો ગંગાજીના કિનારે વસેલા છે. ગંગાજીની સ્વચ્છતા, ગંગાજળની સ્વચ્છતાની સીધી અસર આ શહેરોમાં રહેનારા કરોડો લોકો ઉપર પડતી હોય છે. ગંગાજીની સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને બિહારમાં 6000 કરોડ રૂપિયાથી વધુ રકમની 50 કરતાં વધુ યોજનાઓ સ્વિકારવામાં આવી છે. સરકારનો એ પ્રયાસ રહ્યો છે કે ગંગાના કિનારે જે પણ શહેરો વસેલા છે તે શહેરોના મોટી મોટી ગંદી ગટરોના પાણીને સીધા ગંગાજીમાં પડવાથી રોકવામાં આવે છે. આના માટે અનેક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે. આજે પટનામાં જે બેઉર અને કરમ-ચીલક યોજનાનું ઉદ્દઘાટન કરવામાં આવી રહ્યુ છે તેનાથી આ વિસ્તારમાં લાખો લોકોને લાભ થશે અને તેની સાથે સાથે ગંગાજીના કિનારે જે ગામડાંઓ વસેલા છે તેને ‘ગંગા ગ્રામ’ તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યા છે. આ ગામડાંઓમાં લાખો શૌચાલયોના નિર્માણ પછી હવે કચરા વ્યવસ્થા અને જૈવિક ખેતી જેવા કામોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

સાથીઓ, ગંગાજીના કિનારે વસેલા આ ગામડાંઓ અને શહેર આસ્થા અને અધ્યાત્મ સાથે જોડાયેલા પ્રવાસના મુખ્ય કેન્દ્રો છે. ગંગાજીને નિર્મળ અને અવિરલ બનાવવાનું અભિયાન આગળ વધી રહ્યું છે તેમ તેમ તેમાં પર્યટનના આધુનિક આયામો પણ જોડવામાં આવી રહ્યા છે. નમામી ગંગે મિશન હેઠળ બિહાર હેઠળ સમગ્ર દેશમાં 180 કરતાં વધુ ઘાટ તૈયાર કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. તેમાંથી 130 ઘાટ તૈયાર કરવાની કામગીરી પૂરી થઈ ચૂકી છે. આ સિવાય 40 કરતાં વધુ મોક્ષ ધામની કામગીરી પણ પૂરી કરવામાં આવી છે. દેશમાં ગંગા કિનારે ઘણાં સ્થળોએ આધુનિક સુવિધા ધરાવતા રિવર ફ્રન્ટ બનાવવાનું કામ પણ ઝડપથી આગળ ધપી રહ્યું છે. પટનામાં તો રિવર ફ્રન્ટની યોજના પૂરી થઈ ચૂકી છે અને મુઝફ્ફરપુરમાં તો આવો જ રિવર ફ્રન્ટ બનાવવાની યોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જ્યારે મુઝફ્ફરપુરના અખાડા ઘાટ, સીડી ઘાટ અને ચંદવારા ઘાટને વિકસીત કરવામાં આવશે ત્યારે તે પર્યટન માટેનું માટેનું મોટું કેન્દ્ર બનશે. બિહારમાં આટલી ઝડપથી કામ થશે અને કામ શરૂ થયા પછી ઝડપથી પૂરું પણ થશે તે બાબતની કલ્પના પણ દોઢ દાયકા પહેલા કરી શકાય તેમ ન હતી, પરંતુ નિતીશજીના પ્રયાસોને કારણે તથા કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે આ બધું બની શક્યું છે. મને આશા છે કે આ તમામ પ્રયાસોને કારણે આગામી છઠ મૈયાની પૂજા દરમ્યાન બિહારના લોકોને અને ખાસ કરીને બિહારની મહિલાઓની તકલીફો ઓછી થશે. તેમની સુવિધામાં વધારો થશે. છઠ્ઠ મૈયાના આશિર્વાદથી અમે બિહારના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગંદા પાણી અને બિમારી વધારતા પાણીથી મુક્તિ અપાવવાનું કામ મન લગાવીને કરવા લાગી ગયા છીએ.

સાથીઓ, તમે સાંભળ્યું હશે કે સરકારે હમણાં જ પ્રોજેક્ટ ડોલ્ફીન અંગેની જાહેરાત કરી હતી. આ મિશનનો ખૂબ મોટો લાભ ગંગા ડોલ્ફીનને પણ મળશે. ગંગા નદીની સુરક્ષા માટે ગંગાના ડોલ્ફીનનું સંરક્ષણ થાય તે ખૂબ જ જરૂરી છે. પટનાથી માંડીને ભાગલપુર સુધીનો ગંગાજીનો પૂરો વિસ્તાર ડોલ્ફીનનું નિવાસ સ્થાન હોવાના કારણે “પ્રોજેક્ટ ડોલ્ફીન” ને કારણે બિહારને ઘણો લાભ થવાનો છે. અહિંયા ગંગાજીમાં જૈવ વિવધતાના વિકાસની સાથે સાથે પર્યટન વિકાસને પણ વેગ મળશે.

સાથીઓ, કોરોના સંક્રમણના પડકારની વચ્ચે બિહારના વિકાસ, બિહારના સુશાસન માટેનું આ નિયંત્રણ અભિયાન ચાલુ રહેશે. આપણે પૂરી તાકાત સાથે, પૂરા સામર્થ્ય્ સાથે તેને આગળ વધારવાનું છે, પરંતુ તેની સાથે સાથે બિહારવાસી, દરેક દેશવાસીને સંક્રમણથી બચાવવાનો સંકલ્પ ભૂલવાનો નથી. માસ્ક, સાફ સફાઈ અને બે ગજનું અંતર આપણાં બચાવ માટે સૌથી ઉત્તમ ઉપાયો છે. આપણાં વૈજ્ઞાનિકો દિવસ રાત રસી બનાવવામાં લાગી ગયેલા છે, પરંતુ આપણે એ યાદ રાખવાનું છે કે જબ તક દવાઈ નહીં, તબ તક ઢીલાઈ નહીં.

આ નિવેદન સાથે વધુ એક વખત આપ સૌને આ વિકાસ યોજનાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ !!!

 

SD/GP/BT

 



(Release ID: 1654773) Visitor Counter : 227