આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે સોહના- માનેસર- ખરખૌડા થઇને પલવલથી સોનીપત સુધી હરિયાણા ઓર્બિટલ રેલ કોરિડોર પરિયોજનાને મંજૂરી આપી


પરિયોજનાની કુલ લંબાઇ ~ 121.7 કિમી છે

આ પરિયોજનાનો અમલ રેલવે મંત્રાલય દ્વારા હરિયાણા રાજ્ય સરકાર સાથે મળીને શરૂ કરવામાં આવેલી સંયુક્ત સાહસ કંપની હરિયાણા રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નિગમ લિમિટેડ (HRIDC) દ્વારા કરવામાં આવશે

આનાથી દિલ્હી તરફ ના જતો હોય તેવો ટ્રાફિક ડાઇવર્ટ કરી શકાશે અને તેનાથી NCRના પેટા પ્રદેશ હરિયાણા રાજ્યમાં મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ હબનો વિકાસ કરવામાં મદદ મળશે

આ પરિયોજના અંદાજે રૂ. 5,617 કરોડના ખર્ચે પૂરી થશે અને પ્રસ્તાવિત રૂપે આગામી 5 વર્ષમાં પૂરી કરવાનું આયોજન છે

Posted On: 15 SEP 2020 2:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ દ્વારા સોહના-માનેસર-ખરખૌડા થઇને પલવલથી સોનીપત સુધીની હરિયાણા ઓર્બિટલ રેલ કોરિડોર પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે.

આ રેલવે લાઇન પલવલથી શરૂ થશે અને હાલના હરિયાણા કાલન સ્ટેશન (દિલ્હી- અંબાલા સેક્શન પર) પૂરી થશે. આનાથી હાલના પાટલી સ્ટેશન (દિલ્હી- રેવારી લાઇન પર), સુલતાનપુર સ્ટેશન (ગઢી હરસરુ - ફારુખનગર લાઇન) અને અસૌધા સ્ટેશન (દિલ્હી- રોહતક લાઇન) તરફના માર્ગ માટે કનેક્ટિવિટી મળશે.

 

અમલીકરણ

આ પરિયોજનાનો અમલ રેલવે મંત્રાલય દ્વારા હરિયાણા રાજ્ય સરકાર સાથે મળીને શરૂ કરવામાં આવેલી સંયુક્ત સાહસ કંપની હરિયાણા રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નિગમ લિમિટેડ (HRIDC) દ્વારા કરવામાં આવશે. આ પરિયોજના રેલવે મંત્રાલય, હરિયાણા સરકાર અને ખાનગી હિતધારકોની સંયુક્ત ભાગીદારીમાં રહેશે.

આ પરિયોજના અંદાજે રૂપિયા 5,617 કરોડના ખર્ચે પૂરી થશે. લગભગ પાંચ વર્ષમાં આ પરિયોજનાનું કામ પૂર્ણ થવાનું અનુમાન છે.

 

ફાયદા

હરિયાણાના પલવલ, નુહ, ગુરુગ્રામ, ઝાજ્જર અને સોનીપત જિલ્લાઓને આ રેલવે લાઇનથી ફાયદો થશે.

આનાથી દિલ્હી તરફ ના જતો હોય તેવો ટ્રાફિક ડાઇવર્ટ કરવાની સુવિધા મળી શકશે જેથી NCRમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને તેનાથી NCRના પેટા પ્રદેશ હરિયાણા રાજ્યમાં મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ હબ વિકસાવવામાં મદદ મળી શકશે. આનાથી આ પ્રદેશને સમર્પિત ફ્રેઇટ કોરિડોર નેટવર્કને વિના અવરોધે હાઇસ્પીડ કનેક્ટવિટી પૂરી પાડી શકાશે અને તેના પરિણામરૂપે NCRમાંથી ભારતના વિવિધ બંદરો તરફ EXIM ટ્રાફિક માટે પરિવહનમાં ખર્ચ અને સમય બંનેની બચત થઇ શકશે, માલસામાનના નિકાસમાં વધુ સ્પર્ધાત્મકતા આવશે. આ કાર્યદક્ષ પરિવહન કોરિડોર તેમજ અન્ય પહેલથી 'મેક ઇન ઇન્ડિયા' મિશન પરિપૂર્ણ કરવા માટે બહુરાષ્ટ્રીય ઉદ્યોગોને પોતાના વિનિર્માણ એકમો ઉભા કરવા માટે આકર્ષી શકાય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી શકાશે. આ પરિયોજનાથી હરિયાણા રાજ્યમાં અત્યાર સુધી સેવાઓથી વંચિત રહેલા વિસ્તારો પણ આવરી લેવાશે જેથી હરિયાણા રાજ્યમાં આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓને વેગ મળશે. આ બહુલક્ષી પરિવહન પરિયોજનાથી પરવડે તેવા દરે અને ઝડપથી આવનજાવન, ગુરુગ્રામ ઉપરાંત અન્ય ઔદ્યોગિક પ્રદેશો જેમકે માનેસર, સોહના, ફારુખનગર, ખરખૌડા અને સોનીપતમાંથી અલગ-અલગ દિશાઓમાં લાંબા અંતરની મુસાફરીની સુવિધા પણ ઉપલબ્ધ થઇ શકશે.

અંદાજે 20,000 મુસાફરો દૈનિક ધોરણે આ લાઇન પરથી મુસાફરી કરી શકશે અને દર વર્ષે લગભગ 50 મિલિયન ટન માલસામનના ટ્રાફિકની પણ અહીંથી આવનજાવન શક્ય થશે.

પૃષ્ઠભૂમિ

રાષ્ટ્રીય રાજધાની પ્રદેશના ટકાઉક્ષમ વિકાસ અને દિલ્હી વિસ્તારમાં હાલમાં ભારતીય રેલવેના નેટવર્કમાં થઇ રહેલા ટ્રાફિકનું ભારણ ઓછુ કરવા માટે દિલ્હીમાંથી પસાર થાય તેવો પલવલથી સોનીપત સુધીનો ઓર્બિટલ રેલ કોરિડોર ખૂબ જ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજના છે. આ પરિયોજનાની ગોઠવણી પશ્ચિમી પરીઘીય (કુંડલી- માનેસર- પલવલ) એક્સપ્રેસ-વેની બાજુમાં છે અને છેલ્લા કેટલાક સમયથી વિચારાધીન છે. આ પરિયોજના હાલમાં દિલ્હીમાંથી નીકળતા અને હરિયાણા રાજ્યમાંથી પસાર થતા રેલવેના તમામ રૂટ તેમજ સમર્પિત ફ્રેઇટ કોરિડોર નેટવર્ક સાથે કનેક્ટિવિટી ધરાવશે.

 

SD/GP/BT



(Release ID: 1654503) Visitor Counter : 346