પ્રધાનમંત્રીનું કાર્યાલય

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત “21 મી સદીમાં શાળાકીય શિક્ષણ” વિષય પર કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 11 SEP 2020 3:30PM by PIB Ahmedabad

નમસ્કાર!

મંત્રી મંડળના મારા સહયોગી, દેશના શિક્ષણમંત્રી શ્રી રમેશ પોખરીયાલ નિશંકજી, શ્રી સંજય ધાત્રેજી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માળખાને તૈયાર કરનારી સમિતિના અધ્યક્ષ ડૉ. કસ્તુરી રંગનજી, તેમની ટીમના આદરણીય સભ્ય ગણ, આ વિશેષ સંમેલનમાં ભાગ લઈ રહેલા બધા જ રાજ્યોના વિદ્વાનો, આચાર્યગણ, શિક્ષકગણ, દેવીઓ અને સજ્જનો, આજે આપણે સૌ એક એવી ક્ષણનો ભાગ બની રહ્યા છીએ કે જે આપણાં દેશના ભવિષ્ય નિર્માણનો પાયો નાંખી રહી છે. આ એક એવી ક્ષણ છે જેમાં નવા યુગના નિર્માણના બીજ નંખાઈ રહ્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 21મી સદીના ભારતને નવી દિશા આપનારી છે.

સાથીઓ, છેલ્લા ત્રણ દાયકાઓમાં દુનિયાનું દરેક ક્ષેત્ર બદલાઈ ગયું છે. દરેક વ્યવસ્થા બદલાઈ ગઈ છે. આ ત્રણ દાયકાઓમાં આપણાં જીવનનો કદાચ જ કોઈ એવો ભાગ હશે કે જે પહેલા જેવો રહ્યો હોય. પરંતુ તે માર્ગ કે જેની ઉપર ચાલતા સમાજ ભવિષ્ય તરફ આગળ વધે છે, આપણી શિક્ષણ વ્યવસ્થા, તે હજુ પણ જૂના ઢાંચામાં જ ચાલી રહી હતી. જૂની શિક્ષણ વ્યવસ્થાને બદલવી એટલી જ જરૂરી હતી જેટલું અમુક ખરાબ થઈ ગયેલા બ્લેકબોર્ડને બદલવું જરૂરી હોય છે. જે રીતે દરેક શાળામાં એક પિન અપ બોર્ડ હોય છે. તેમાં તમામ જરૂરી કાગળો, શાળાના જરૂરી આદેશો, બાળકો દ્વારા બનાવવામાં આવેલ ચિત્રો વગેરે તમે લોકો લગાવો છો. આ બોર્ડ થોડા સમયમાં ભરાઈ પણ જાય છે. તે પિન અપ બોર્ડ પર નવા વર્ગોના નવા બાળકોના ચિત્રો લગાવવા માટે તમારે તેમાં ફેરફાર કરવો જ પડે છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ નવા ભારતની, નવી આશાઓની, નવી જરૂરિયાતોની પૂર્તિ કરવાનું એક સશક્ત માધ્યમ છે. તેની પાછળ છેલ્લા ચાર-પાંચ વર્ષોની સખત મહેનત છે, દરેક ક્ષેત્ર, દરેક વિદ્યા, દરેક ભાષાના લોકોએ તેની ઉપર દિવસ રાત કામ કર્યું છે. પરંતુ આ કામ હજી પૂરું નથી થયું. પરંતુ હવે જ તો કામની વાસ્તવિક શરૂઆત થઈ છે. હવે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને એટલી જ અસરકારક રીતે લાગુ કરવાની છે. અને આ કામ આપણે સૌ સાથે મળીને કરીશું. હું જાણું છું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત થયા પછી તમારામાંથી ઘણા લોકોના મનમાં ઘણા સવાલો આવી રહ્યા છે. આ શિક્ષણ નીતિ શું છે? તે કઈ રીતે જુદી છે? તેનાથી શાળા અને કોલેજોની વ્યવસ્થામાં શું બદલાવ આવશે? આ શિક્ષણ નીતિમાં એક શિક્ષક માટે શું છે? એક વિદ્યાર્થી માટે શું છે? અને સૌથી મહત્વનું, તેને સફળતાપૂર્વક લાગુ કરવા માટે શું શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે? આ પ્રશ્નો વ્યાજબી પણ છે, અને જરૂરી પણ છે. અને એટલા માટે જ આપણે સૌ અહિયાં આજે આ કાર્યક્રમમાં એકત્રિત થયા છીએ જેથી કરીને ચર્ચા કરી શકીએ, આગળનો રસ્તો બનાવી શકીએ. મને જણાવવામાં આવ્યું છે કે, ગઇકાલે પણ આખો દિવસ આપ સૌએ આ જ બાબતો ઉપર કલાકો સુધી મંથન કર્યું છે, ચર્ચા કરી છે.

શિક્ષકો જાતે પોતાની રીતે શિક્ષણ સામગ્રી તૈયાર કરે, બાળકો પોતાનું રમકડાં સંગ્રહાલય બનાવે, વાલીઓને જોડવા માટે શાળાઓમાં કમ્યુનિટિ લાઇબ્રેરી હોય, ફોટા સાથેનો બહુભાષી શબ્દકોશ હોય, શાળાઓમાં પણ કિચન ગાર્ડન હોય, આવા કેટલાય વિષયો પર વાત થઈ છે, અનેક નવા આઇડીયાઝ આપવામાં આવ્યા છે. મને ખુશી છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ કરવાના આ અભિયાનમાં આપણાં આચાર્યો અને શિક્ષક સંપૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે.

હજુ કેટલાક દિવસો અગાઉ શિક્ષણ મંત્રાલયે પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવા અંગે દેશભરના શિક્ષકો સાથે Mygov પોર્ટલ પર તેમના સૂચનો મંગાવ્યા હતા. એક અઠવાડિયાની અંદર જ 15 લાખથી વધુ સૂચનો મળ્યા છે. આ સૂચનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિને વધુ અસરકારક રીતે લાગુ કરવામાં મદદ કરશે. આ વિષયમાં હજુ વધારે જાગૃતતા લાવવા માટે શિક્ષણ મંત્રાલય અનેક રીતે કાર્યક્રમો ચલાવી રહ્યું છે.

સાથીઓ, કોઈપણ દેશના વિકાસને ગતિ આપવામાં તેમની યુવા પેઢી અને યુવા ઉર્જાની બહુ મોટી ભૂમિકા હોય છે. પરંતુ તે યુવા પેઢીનું નિર્માણ બાળપણથી જ શરૂ થઈ જતું હોય છે. જેવુ બાળપણ હશે, ભવિષ્યનું જીવન પણ ઘણા અંશે તેની ઉપર નિર્ભર રહેતું હોય છે. બાળકોનું શિક્ષણ, તેમને મળનારું વાતાવરણ, ઘણા અંશે એ જ નક્કી કરે છે કે ભવિષ્યમાં તેઓ એક વ્યક્તિ તરીકે, કેવા બને છે, તેનું વ્યક્તિત્વ કેવું હશે. એટલા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બાળકોના શિક્ષણ પર અતિશય ભાર મૂકવામાં આવ્યો છે. પ્રિ-સ્કૂલમાં તો બાળક પહેલીવાર માતાપિતાની સારસંભાળ અને ઘરના આરામવાળા વાતાવરણમાંથી બહાર નીકળવાની શરૂઆત કરે છે… દૂર હોય છે. આ તે પહેલો મુકામ હોય છે જ્યારે બાળકો પોતાની ઇન્દ્રિયો, પોતાના કૌશલ્યને વધુ સારી રીતે સમજવાનું શરૂ કરે છે. તેની માટે એવી શાળાઓ, એવા શિક્ષકોની જરૂર છે જે બાળકોને ફન લર્નિંગ, પ્લેફૂલ લર્નિંગ, એક્ટિવિટી આધારિત શિક્ષણ અને સંશોધન આધારિત શિક્ષણયુક્ત વાતાવરણ આપે.

હું જાણું છું કે તમે વિચારી રહ્યા હશો કે કોરોનાના આ સમયમાં આ બધુ કઈ રીતે થશે? આ બાબત વિચાર કરતાં વધુ પહોંચ વિષેની છે. અને આમ પણ કોરોના દ્વારા નિર્માણ પામેલા વાતાવરણ હંમેશા તો આવું ને આવું નહીં રહે ને. બાળકો જેમ-જેમ વર્ગમાં આગળ વધે, તેમની અંદર વધુ શીખવાની ભાવનાનો વિકાસ થાય, બાળકોનું મન, તેમનું મસ્તિષ્ક વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે વિચારવાનું શરૂ કરે, તેમની અંદર ગાણિતિક વિચારશક્તિ અને વૈજ્ઞાનિક વલણ વિકસિત થાય, તે ખૂબ જરૂરી છે. અને ગાણિતિક વિચારશક્તિનો અર્થ માત્ર એટલો જ નથી કે, બાળકો ગણિતની સમસ્યાઓ જ ઉકેલે પરંતુ તે વિચારવાની એક પદ્ધતિ છે. આ પદ્ધતિઓ આપણે તેમને શીખવવાની છે. તે દરેક વિષયને, જીવનના પાસાઓને ગાણિતિક અને તાર્કિક રીતે સમજવાનો દ્રષ્ટિકોણ છે, જેથી મસ્તિષ્ક જુદા-જુદા પરિમાણો વડે સમીક્ષા કરી શકે. આ દ્રષ્ટિકોણ મન અને મસ્તિષ્કનો આ વિકાસ ખૂબ જરૂરી છે, અને એટલા માટે જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તેની રીત-ભાતો ઉપર ખૂબ વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. તમારા લોકોમાંથી ઘણા બધા લોકો, ઘણા બધા આચાર્યો, એમ વિચારી રહ્યા હશે કે અમે તો અમારી શાળામાં પહેલેથી જ આ બધુ કરીએ છીએ. પરંતુ ઘણી શાળાઓ એવી પણ તો હોય છે કે જ્યાં આવું નથી થતું હોતું. એક સમાન ભાવ લાવવો પણ તો જરૂરી હોય છે. તે પણ એક બહુ મોટું કારણ છે જે આજે તમારી સાથે હું આટલી વિસ્તારપૂર્વક, દરેક ઝીણામાં ઝીણી બાબત ઉપર વાત કરી રહ્યો છું.

સાથીઓ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જૂના 10 + 2 ને બદલે, 5 + 3 + 3 + 4ની વ્યવસ્થા ખૂબ સમજી વિચારીને મૂકવામાં આવી છે. તેમાં પ્રાથમિક બાળપણ કાળજી અને શિક્ષણને એક માળખાના રૂપમાં, પાયાના રૂપમાં સામેલ કરવામાં આવ્યા છે. આજે આપણે જોઈએ તો પ્રિ-સ્કૂલનું પ્લેફૂલ શિક્ષણ શહેરોમાં, ખાનગી શાળાઓ સુધી જ મર્યાદિત રહેલું છે. તે હવે ગામડાઓમાં પણ પહોંચશે, ગરીબના ઘર સુધી પહોંચશે, અમીર, ગામડા-શહેર, દરેકના, દરેક જગ્યાના બાળકોને મળશે. મૂળભૂત શિક્ષણ પર ધ્યાન આ જ નીતિનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત પાયાગત સાક્ષરતા અને આંકડા શાસ્ત્રના વિકાસને એક રાષ્ટ્રીય મિશનના રૂપમાં લેવામાં આવશે. પ્રાથમિક ભાષાનું જ્ઞાન, સંખ્યાનું જ્ઞાન, બાળકોમાં સામાન્ય લખાણ વાંચવા અને સમજવાની ક્ષમતાનો વિકાસ, તે ખૂબ જરૂરી હોય છે. બાળક આગળ જઈને રીડ ટુ લર્ન કરે, તેની માટે જરૂરી છે કે શરૂઆતમાં તે લર્ન ટુ રીડ કરવાનું શીખે. લર્ન ટુ રીડથી રીડ ટુ લર્નની આ વિકાસ યાત્રા પાયાગત સાક્ષરતા અને આંકડા શાસ્ત્રના માધ્યમથી પૂરી કરવામાં આવશે.

સાથીઓ, આપણે એ બાબતની ખાતરી કરવાની છે કે જે પણ બાળક ત્રીજું ધોરણ પાસ કરીને જાય છે, તે એક મિનિટમાં 30 થી 35 શબ્દો સરળતાથી વાંચી શકે. તેને તમે લોકો ઓરલ રીડિંગ ફ્લૂયન્સી કહો છો. જે બાળકને આપણે આ સ્તર સુધી લાવી શકીશું, ઘડતર કરી શકીશું, શીખવી શકીશું, તો ભવિષ્યમાં તે વિદ્યાર્થીને બાકીના વિષયોની સામગ્રી સમજવામાં વધુ સરળતા રહેશે. હું તેની માટે તમને ભલામણો આપું છું. આ જે નાના-નાના બાળકો છે ને.. તેમની સાથે તેમના 25-30 મિત્રો પણ હશે વર્ગમાં. તમે તેમને કહો ચલો ભાઈ તમને કેટલાના નામ ખબર છે.. તમે બોલો. પછી કહો સારું તમે કેટલી ઝડપથી નામ બોલી શકો છો, પછી કહો કે તમે ઝડપથી પણ બોલો અને તેને ત્યાં આગળ ઊભો પણ રાખો. તમે જોજો કેટલા પ્રકારની પ્રતિભાઓનું નિર્માણ થવાનું શરૂ થઈ જશે અને તેના આત્મવિશ્વાસનું સ્તર પણ વધી જશે.. પછીથી લેખિત રૂપમાં સાથીઓના નામ રાખીને.. તમે આમાંથી કોના કોના નામ બોલશો, પહેલા ફોટો બતાવીને લખાવી શકો છો. પોતાના જ મિત્રોને ઓળખીને શિખવાડવું.. તેને શિક્ષણની પ્રક્રિયા કહે છે. તેનાથી આગળના વર્ગોમાં વિદ્યાર્થીઓ પર બોજ પણ હળવો થશે, તમારા શિક્ષકોની ઉપર પણ ભાર ઓછો થશે.

આ સાથે જ પાયાનું ગણિત, જેમ કે ગણતરી કરવી, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ બધુ પણ બાળકો સરળતાથી સમજી શકશે. આ બધુ ત્યારે જ થશે જ્યારે અભ્યાસ પુસ્તકો અને વર્ગની ચાર દિવાલોમાંથી બહાર નીકળીને વાસ્તવિક દુનિયા સાથે જોડાશે, આપણાં જીવન સાથે, આસપાસના પરિવેશ સાથે જોડાશે. આસપાસની ચીજ વસ્તુઓ સાથે, વાસ્તવિક દુનિયા પાસેથી બાળકો કઈ રીતે શીખી શકે છે, તેનું એક ઉદાહરણ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની એક વાર્તામાં જોવા મળે છે. કહેવાય છે કે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરજી જ્યારે આઠ વર્ષની ઉંમરના હતા, તેમને ત્યાં સુધી અંગ્રેજી ભણાવવામાં નહોતું આવ્યું. એક વખત તેઓ પોતાના પિતાજી સાથે કોલકાતા જઈ રહ્યા હતા, તો રસ્તામાં માર્ગના કિનારા પર તેમને અંગ્રેજીમાં લખેલા માઈલસ્ટોન્સ જોવા મળ્યા. તેમણે પોતાના પિતાજીને પૂછ્યું કે આ શું લખ્યું છે? તેમના પિતાજીએ કહ્યું કે તેમાં કોલકાતા કેટલું દૂર છે, તે જણાવવા માટે અંગ્રેજીમાં આંકડા લખ્યા છે. આ જવાબ વડે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના બાળ મનમાં જિજ્ઞાસા વધારે વધી ગઈ. તેઓ પૂછતાં રહ્યા અને તેમના પિતાજી તે માઈલસ્ટોન્સ પર લખેલા આંકડા કહેતા રહ્યા. અને કોલકાતા પહોંચતા પહોંચતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આખે આખી અંગ્રેજીની ગણતરી શીખી ગયા. 1,2,3,4...7,8,9,10 આ છે જિજ્ઞાસાનું શિક્ષણ, જિજ્ઞાસા વડે શીખવા અને શીખવવાની શક્તિ!

સાથીઓ, જ્યારે શિક્ષણને આસપાસના પરિવેશ સાથે જોડી દેવામાં આવે છે તો તેનો પ્રભાવ વિદ્યાર્થીના સંપૂર્ણ જીવન ઉપર પડે છે, આખા સમાજ ઉપર પણ પડે છે. જેમ કે જાપાનને જ જુઓ, ત્યાં આગળ શીનરીન યોકુ (Shinrin-Yoku)નું પ્રચલન છે. શીનરીનનો અર્થ છે વન અથવા જંગલ, અને યોકુનો અર્થ થાય છે – ન્હાવું. એટલે કે જંગલમાં સ્નાન કરવું. ત્યાં આગળ વિદ્યાર્થીઓને જંગલમાં અથવા તો જ્યાં વૃક્ષો ઝાડવાઓ ઘણા બધા હોય, એવી જગ્યાઓ પર લઈ જવામાં આવે છે, જ્યાં બાળકો પ્રકૃતિને સ્વાભાવિક રીતે અનુભવ કરી શકે. ઝાડવાઓ, વૃક્ષો, ફૂલોને સાંભળે, જુએ, સ્પર્શ કરે, ચાખે, સુગંધ લે. તેનાથી બાળકોનો પ્રકૃતિ અને પર્યાવરણ સાથેનો લગાવ પણ થાય છે, અને તેમનો સમગ્રતયા દ્રષ્ટિએ વિકાસ કરવા માટે પણ પ્રોત્સાહન મળે છે. બાળકોને તેમાં પણ આનંદ આવે છે, અને એક સાથે કેટલી બધી વસ્તુઓ શીખી પણ રહ્યા હોય છે. મને યાદ છે કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો.. તો એક કાર્યક્રમ ચાલતો હતો. અમે સૂચના આપી બધી શાળાઓને.. અમે કહ્યું કે બધી શાળાના બાળકો પોત પોતાના ગામની અંદર સૌથી વધુ ઉંમરનું ઝાડ કયું છે.. જે વૃક્ષની સૌથી વધુ ઉંમર થઈ ગઈ હોય તેને શોધો. તો તેમને બધી જગ્યાએ જવું પડ્યું, ગામની આસપાસના બધા વૃક્ષો જોવા પડ્યા, શિક્ષકને પૂછવું પડ્યું. અને બધાએ સહમતી સાધી કે આ વૃક્ષ ખૂબ જૂનું છે અને પછીથી બાળકોએ શાળામાં આવીને તેની ઉપર ગીતો લખ્યા, નિબંધ લખ્યો.. વકતૃત્વ કથાઓ કરી.. એટલે કે તે વૃક્ષનું મહત્વ શું છે.

પરંતુ તે જ પ્રક્રિયામાં તેમને બીજા એવા કેટલાય વૃક્ષો જોવા પડ્યા, સૌથી વધુ ઉંમરના ઝાડને શોધવું પડ્યું. ઘણી બધી વસ્તુઓ તેઓ શીખવા લાગ્યા અને હું કહી શકું છું કે આ પ્રયોગ ખૂબ સફળ રહ્યો. એક બાજુ બાળકોને પર્યાવરણની જાણકારી મળી, આ સાથે-સાથે જ તેમને પોતાના ગામ વિષે ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત કરવાનો અવસર પણ મળ્યો. આપણે આ રીતની જ સાવ સરળ અને નવી નવી રિતોને પ્રોત્સાહન આપવાનું છે. આપણાં આ પ્રયોગો, નવા યુગના શિક્ષણનો મૂળ મંત્ર હોવો જોઈએ- એન્ગેજ, એક્સ્ચેન્જ, એક્સપ્લોર, એક્સપિરિયન્સ, એક્સપ્રેસ અને એક્સેલ. એટલે કે વિદ્યાર્થીઓ પોતાની પસંદ અનુસાર પ્રક્રિયાઓમાં, ઘટનાઓમાં, પ્રોજેક્ટ્સમાં જોડાય. તેની અંદર પોતાની રીતે શોધખોળ કરે. આ ગતિવિધિઓ, ઘટનાઓ, પ્રોજેક્ટ્સને જુદા જુદા દ્રષ્ટિકોણ વડે પોતાના અનુભવના આધારે અનુભવ કરે. તે તેમનો અંગત અનુભવ હોઇ શકે છે અથવા સંયુક્ત અનુભવ હોઇ શકે છે. પછી બાળકો રચનાત્મક રીતે અભિવ્યક્ત કરવાનું શીખે. આ બધુ ભેગું થાય ત્યારે જ તજજ્ઞતા પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો બનતો હોય છે. હવે જેમ કે આપણે બાળકોને, પહાડો પર, ઐતિહાસિક જગ્યાઓ પર, ખેતરોમાં, સુરક્ષિત ઉત્પાદન એકમોમાં લઈને જઈ શકીએ છીએ.                     

હવે જુઓ, તમે વર્ગખંડમાં રેલ્વેના એન્જિન વિષે ભણાવો, બસ વિષે ભણાવો પરંતુ કોઈવાર એવું નક્કી કરો કે ગામડાંની નજીકમાં રેલવે સ્ટેશન છે તો ચાલો જઈએ.. બાળકોને એન્જિન કેવું હોય છે, દેખાડીએ, પછી ક્યારેક બસ સ્ટેશન લઈને જઈએ, બસ કેવી હોય છે દેખાડીશું.. તે જોઈને જ શીખવાનું શરૂ કરી દે છે. હું જાણું છું, કેટલાય આચાર્યો અને શિક્ષકો ફરી પાછા એવું વિચારી રહ્યા હશે કે તેઓ તો પોતાની શાળા અથવા કોલેજોમાં આવું જ તો કરે છે. હું માનું છું કે ઘણા બધા શિક્ષકો ઇનોવેટિવ હોય છે.. અને તન મનથી લાગેલા હોય છે. પરંતુ બધી જગ્યાએ આવું નથી હોતું. અને એટલા માટે જ ઘણા બધા વિદ્યાર્થીઓ વ્યાવહારિક જ્ઞાનથી દૂર રહી જાય છે. આપણે આ સારી વસ્તુઓને જેટલી ઝડપથી ફેલાવીશું, આપણાં સાથી શિક્ષકોને તે શીખવાનો અવસર મળશે. શિક્ષકોનો અનુભવ જેટલો વધુ ફેલાશે તેટલો જ તે બાળકો માટે લાભદાયક સાબિત થશે.

સાથીઓ, આપણાં દેશ આખામાં દરેક ક્ષેત્રની પોત-પોતાની કંઈક ખાસિયત છે, કોઈને કોઈ પારંપરિક કળા, કારીગરી, ઉત્પાદન દરેક જગ્યાના વિખ્યાત છે. જેમ કે બિહારમાં ભાગલપુરની સાડીઓ, ત્યાંનું સિલ્ક, આખા દેશમાં વિખ્યાત છે. વિદ્યાર્થીઓ તે હાથશાળ, કારખાનાઓની મુલાકાત લે, જુએ કે આખરે આ કપડાઓ બને છે કઈ રીતે? તેમને શીખવાડવામાં આવે જરા તમે.. તેમાં જે કામ કરી રહ્યા છે, તેમને સવાલ પૂછો. વર્ગખંડમાં સવાલો શીખવાડીને લઈ જાવ. પછી તેમને કહેવામાં આવે કહો તમે શું પૂછ્યું હતું.. શું જવાબ મળ્યો. આ જ તો શિક્ષણ છે. જ્યારે તે અમુક ચોક્કસ બાબત પૂછશે – તમે દોરા ક્યાંથી લાવો છો, દોરાને રંગ કઈ રીતે કરો છો, સાડી ઉપર ચમક કેવી રીતે આવે છે. તે બાળક પોતાની જાતે જ પૂછવા લાગી જશે, તમે જોજો તેને ઘણું બધુ શીખવા મળી જશે.

શાળામાં પણ આવા તાલીમ પ્રાપ્ત લોકોને બોલાવી શકાય છે. ત્યાં તેમનું પ્રદર્શન, વર્કશોપ કરાવી શકાય છે. માની લો કે ગામમાં જે માટીના વાસણો બનાવનાર લોકો છે, એક દિવસ તેમને બોલાવી લીધા, શાળાના બાળકો જુએ, પછી તેમની સાથે સવાલ જવાબ કરે, તમે જોજો તેઓ બહુ સહેલાઈથી શીખી જશે. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા પણ વધશે અને જાણકારી પણ, શીખવામાં રસ પણ વધશે. એવા કેટલાય વ્યવસાય છે જેમની માટે ઊંડાણપૂર્વકના કૌશલ્યની જરૂર પડે છે, પરંતુ આપણે તેમને મહત્વ જ નથી આપતા, ઘણી વાર તો તેમને સાવ તુચ્છ માની લઈએ છીએ. જો વિદ્યાર્થીઓ તેને જોશે તો એક રીતે ભાવનાત્મક લગાવ થશે, કૌશલ્યને સમજશે, તેમને આદર આપશે.

એવું પણ બની શકે કે મોટા થઈને કેટલાય બાળકો આવા જ ઉદ્યોગો સાથે જોડાય, બની શકે છે કે તેઓ જ મોટા-મોટા માલિક બની જાય, મોટા ઉદ્યોગપતિ બની જાય. બાળકોમાં સંવેદના જગાડવાની વાત જ્યારે આવે છે.. હવે બાળકો ઓટો રિક્ષામાં શાળાએ જતાં હોય છે. શું ક્યારેય તે બાળકોને પૂછવામાં આવ્યું કે તે ઓટો રિક્ષાવાળાનું નામ શું છે, જે તેને રોજ લઈ જાય છે ને લાવે છે.. તેનું ઘર ક્યાં છે.. શું તેના જન્મદિવસને ક્યારેય ઉજવ્યો ખરો.. શું ક્યારેય તેના ઘરે ગયા હતા ખરા.. શું તે તમારા માં બાપને મળ્યો છે ખરો. પછી બાળકોને કહો તમારા જે રિક્ષા ડ્રાઈવર છે.. તેમને 10 પ્રશ્નો પૂછીને આવો.. પછી વર્ગમાં બધાને કહો કે મારો રિક્ષા વાળો આવો છે, તે આ ગામનો છે, તે અહિયાં કેવી રીતે આવ્યો. પછી બાળકોને તેના પ્રત્યે સંવેદના પ્રગટ થશે. નહિતર તે બાળકોને ખબર જ નથી, તેમને લાગે છે કે મારા પિતાજી પૈસા આપે છે એટલા માટે ઓટો રિક્ષાવાળો મને લઈને જાય છે. તેના મનમાં તે ભાવ નથી જાગતો કે ઓટો રિક્ષાવાળો મારી જિંદગી બનાવી રહ્યો છે. મારી જીંદગીને ઘડવા માટે તે કઇંક કરી રહ્યો છે, આ સંવેદના જાગૃત થશે.

તે જ રીતે જો કોઈ બીજો વ્યવસાય પણ પસંદ કરે છે, એન્જિનિયર પણ બને છે તો તેના મગજમાં રહેશે કે ફલાણા વ્યવસાયને વધુ સારો બનાવવા માટે શું નવીન શોધ કરી શકાય તેમ છે? એ જ રીતે દવાખાનાની, ફાયર સ્ટેશનની અથવા તો પછી અન્ય કોઈ જગ્યાની મુલાકાત પણ શિક્ષણનો એક ભાગ બની શકે છે. બાળકોને લઈ જવા જોઈએ, દેખાડવા જોઈએ.. તેમને ખબર પડશે કે ડૉક્ટર પણ કેટલા પ્રકારના હોય છે. દાંતના ડૉક્ટર શું હોય છે.. આંખના દવાખાના કેવા હોય છે. સાધનો જોશે, આંખ ચેક કરવાનું મશીન કેવું હોય છે.. તેને જિજ્ઞાસા ઉત્પન્ન થશે, તે શીખશે.

સાથીઓ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિને એ રીતે તૈયાર કરવામાં આવી છે કે જેથી અભ્યાસક્રમને હળવો કરી શકાય અને મૂળભૂત વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. શિક્ષણને સંકલિત અને આંતર શાખાકીય, ફન આધારિત અને સંપૂર્ણ પ્રવૃત્તિ બનાવવા માટે એક રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું તૈયાર કરવામાં આવશે. એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે 2022માં જ્યારે આપણે આઝાદીના 75 વર્ષ ઉજવીશું તો આપણાં વિદ્યાર્થીઓ આ નવા અભ્યાસક્રમ સાથે જ નવા ભવિષ્ય તરફ આગળ પગલાં ભરશે. તે પણ ફોરવર્ડ લૂકિંગ, ફૂયુચર રેડી અને વૈજ્ઞાનિક અભ્યાસક્રમ હશે. તેની માટે તમામની ભલામણો લેવામાં આવશે, અને બધાના સૂચનો તેમજ આધુનિક શિક્ષણ વ્યવસ્થાને તેમાં સમાવિષ્ટ કરવામાં આવશે.

સાથીઓ, ભવિષ્યની દુનિયા, આપણી આજની દુનિયા કરતાં ઘણી જુદી રહેવાની છે. આપણે તેની જરૂરિયાતોને અત્યારથી જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. એવામાં આપણે આપણાં વિદ્યાર્થીઓને 21મી સદીના કૌશલ્ય સાથે આગળ વધારવાના છે. આ 21મી સદીના કૌશલ્યો શું હશે? તે હશે- ક્રિટિકલ થિંકિંગ – ક્રિએટિવિટી કોલેબરેશન – ક્યુરિયોસિટી અને કમ્યુનિકેશન. આપણાં વિદ્યાર્થીઓ સંતુલિત ભવિષ્ય, સંતુલિત વિજ્ઞાનને સમજે, તે દિશામાં વિચાર કરે, આ બધી આજના સમયની માંગ છે, અત્યંત જરૂરી છે. એટલા માટે, વિદ્યાર્થી શરૂઆતથી જ કોડિંગ શીખે, કૃત્રિમ બુદ્ધિમત્તાને સમજે, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા સાયન્સ અને રોબોટિક્સ સાથે જોડાય, આ બધુ આપણે જોવાનું રહેશે.

સાથીઓ, આપણી પહેલાંની જે શિક્ષણ નીતિ રહી છે, તેણે આપણાં વિદ્યાર્થીઓને ઘણા બાંધી પણ દીધા હતા. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો સાયન્સ લે છે તે આર્ટસ કે કોમર્સ નહોતો ભણી શકતો. આર્ટસ કોમર્સવાળા લોકો માટે માની લેવામાં આવતું કે ઇતિહાસ, ભૂગોળ, એકાઉન્ટ્સ એટલા માટે ભણી રહ્યા છે કારણ કે તેઓ સાયન્સ ભણી શકે તેમ નથી. પરંતુ શું વાસ્તવિક વિશ્વમાં, તમારા મારા જીવનમાં આવું બને છે ખરું કે માત્ર એક જ ક્ષેત્રની જાણકારી દ્વારા બધા જ કામ થઈ જાય? વાસ્તવમાં તો આ બધા જ વિષયો એકબીજા સાથે જોડાયેલા છે. દરેક શિક્ષણ આંતરિક રીતે સંકળાયેલ છે. વિદ્યાર્થીઓ કોઈ એક વિષય લઈ લે છે, પછીથી તેમને લાગે છે કે તેઓ બીજા કોઈ ક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. પરંતુ વર્તમાન વ્યવસ્થા, પરિવર્તન માટેનો, નવી સંભાવનાઓ સાથે જોડાવાનો અવસર જ નથી આપતી. ઘણા બધા બાળકો ડ્રોપ આઉટ થાય છે તેનું એક બહુ મોટું કારણ આ પણ રહ્યું છે. એટલા માટે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને કોઈપણ વિષય પસંદ કરવાની આઝાદી આપવામાં આવી છે. હું તેને બહુ મોટા સુધારા તરીકે જોઉ છું. હવે આપણાં યુવાનોને સાયન્સ, હયુમેનિટી અથવા કોમર્સમાંથી કોઈ એક કૌંસમાં ફિટ નહિ થવું પડે. દેશના દરેક વિદ્યાર્થીને, તેની પ્રતિભાઓને હવે પૂરેપૂરો અવસર મળશે.

સાથીઓ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક બહુ મોટી સમસ્યાને પણ સંબોધિત કરે છે. અહિયાં તો ઘણા મોટા મોટા અનુભવી અને જાણકાર લોકો ઉપસ્થિત છે, તમે જરૂરથી અનુભવ કર્યો હશે કે આપણાં દેશમાં શીખવા ઉપર કેન્દ્રી શિક્ષણના સ્થાને માર્કસ અને માર્કશીટ શિક્ષણનો પ્રભાવ વધુ છે. બાળકો શીખતા તો ત્યારે પણ હોય છે કે જ્યારે તેઓ રમી રહ્યા હોય છે, જ્યારે તેઓ પરિવારમાં વાત કરી રહ્યા હોય છે, જ્યારે તેઓ બહાર તમારી સાથે ફરવા જતાં હોય છે. પરંતુ મોટાભાગે માતા-પિતા પણ બાળકોને એવું નથી પૂછતાં કે શું શીખ્યા? તેઓ પણ એ જ પૂછે છે કે માર્કસ કેટલા આવ્યા? ટેસ્ટમાં કેટલા નંબર આવ્યા? એક ટેસ્ટ, એક માર્કશીટ શું બાળકના શીખવાનો, તેના માનસિક વિકાસનો માપદંડ હોઇ શકે છે ખરો? આજે સચ્ચાઈ એ છે કે માર્કશીટ, માનસિક પ્રેશરશીટ બની ગઈ છે અને પરિવારની પ્રેસ્ટીજ શીટ બની ગઈ છે. અભ્યાસ દ્વારા મળતા આ તણાવમાંથી, માનસિક તાણમાંથી આપણાં બાળકોને બહાર કાઢવા એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે.

પરીક્ષા એ રીતે થવી જોઈએ કે વિદ્યાર્થીઓ પર તેનું કારણ વિના કોઈ દબાણ ના પડે. અને પ્રયાસ એ છે કે માત્ર એક જ પરીક્ષા વડે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનું મૂલ્યાંકન ના કરવામાં આવે, પરંતુ સ્વ-મૂલ્યાંકન, પિયર ટુ પિયર એસેસમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓના વિકાસના જુદા-જુદા પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવે. એટલા માટે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માર્કશીટની જગ્યાએ સમગ્રતયા રિપોર્ટ કાર્ડ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સમગ્રતયા રિપોર્ટ કાર્ડ વિદ્યાર્થીઓની વિશેષ ક્ષમતા, એપ્ટીટ્યુડ, એટીટ્યુડ, પ્રતિભા, કૌશલ્યો, ચોકસાઇ, સ્પર્ધાત્મકતા અને સંભાવનાઓની સંપૂર્ણ શીટ હશે. મૂલ્યાંકન પ્રણાલીના સંપૂર્ણ સુધારા માટે એક નવા રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર “પરખ”ની સ્થાપના પણ કરવામાં આવશે.

સાથીઓ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવ્યા પછીથી એ પણ ચર્ચા ઘણી ચાલી છે કે બાળકોને ભણાવવા માટેની ભાષા કઈ હશે? તેમાં શું પરિવર્તન કરવામાં આવી રહ્યું છે? અહિયાં આપણે એક જ વૈજ્ઞાનિક વાત સમજવાની જરૂર છે કે ભાષા એ શિક્ષણ માટેનું એક માધ્યમ છે, ભાષા એ જ બધુ શિક્ષણ નથી. પુસ્તકિયા અભ્યાસમાં ફસાયેલા રહીને કેટલાક લોકો આ તફાવત જ ભૂલી જાય છે. એટલા માટે, જે ભાષામાં બાળકો સરળતાથી શીખી શકે, વસ્તુઓ યાદ કરી શકે, તે જ ભાષા અભ્યાસની હોવી જોઈએ. એ જોવું જરૂરી છે કે જ્યારે બાળકોને આપણે ભણાવી રહ્યા છીએ તો આપણે જે બોલી રહ્યા છીએ, શું તેને તેઓ સમજી રહ્યા છે? સમજી રહ્યા છે તો કેટલી સરળતાથી સમજી રહ્યા છે? ક્યાંક એવું તો નથી ને કે વિષય કરતાં વધારે બાળકોની ઉર્જા ભાષાને સમજવામાં લાગી રહી છે? આ જ બધી વાતોને સમજીને મોટાભાગના દેશોમાં પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં જ આપવામાં આવે છે.

તમારામાંથી ઘણા બધા લોકો એ જાણતા હશે કે 2018માં પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ – PISAના ટોપ રેન્કિંગવાળા જેટલા પણ દેશો હતા, જેમ કે ઈસ્ટોનિયા, આયર્લેન્ડ, ફિનલેન્ડ, જાપાન, દક્ષિણ કોરિયા, પૉલેન્ડ આ બધા દેશોમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવે છે. એ વાત સ્વાભાવિક છે કે જે ભાષાને સાંભળીને બાળકો મોટા થાય છે, જે ભાષા ઘરની હોય છે, તેમાં જ બાળકની શિક્ષણની ગતિ વધુ સારી હોય છે. નહિતર થાય છે એવું કે બાળકો જ્યારે બીજી કોઈ ભાષા કઇંક સાંભળે છે તો તેને તેઓ પહેલા પોતાની ભાષામાં ભાષાંતરીત કરે છે, પછી તેને સમજે છે. બાળકના મનમાં આ બહુ મોટી ગૂંચવણ પેદા કરે છે, ખૂબ તણાવ આપનારી બાબત હોય છે આ. તેનું એક બીજું પાસું છે. આપણાં દેશમાં, ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં, અભ્યાસ માતૃભાષા કરતાં બીજી ભાષામાં હોવાના કારણે મોટાભાગના વાલીઓ બાળકોના અભ્યાસ સાથે જોડાઈ પણ નથી શકતા. એવામાં બાળકો માટે અભ્યાસ એક સહજ પ્રક્રિયા નથી રહેતી, પરંતુ અભ્યાસ એ શાળાની એક ફરજ બનીને રહી જાય છે. વાલીઓ અને શાળાની વચ્ચે એક રેખા ખેંચાઇ જાય છે.

એટલા માટે જ્યાં સુધી શક્ય હોય, ઓછામાં ઓછું ગ્રેડ પાંચ સુધી, પાંચમા ધોરણ સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા, સ્થાનિક ભાષા રાખવાની વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહેવામાં આવી છે. હું જોઉ છું, કેટલાક લોકો તેને લઈને ભ્રમમાં પણ રહે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષા સિવાય કોઈ અન્ય ભાષા શીખવા કે શીખવાડવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. અંગ્રેજીની સાથે-સાથે જે પણ વિદેશી ભાષાઓ આંતરરાષ્ટ્રીય પટલ પર સહાયક છે, તેને બાળકો ભણે, શીખે તો સારું જ છે. પરંતુ સાથે-સાથે તમામ ભારતીય ભાષાઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી આપણાં યુવાનો દેશના જુદા-જુદા રાજ્યોની ભાષા, ત્યાંની સંસ્કૃતિ વડે પરિચિત થઈ શકે, દરેક ક્ષેત્રનો એકબીજા સાથે સંબંધ મજબૂત થઈ શકે.

સાથીઓ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આ યાત્રાના પથપ્રદર્શક આપ સૌ છો, દેશના શિક્ષકો છે. ભલે નવીન પદ્ધતિએ અભ્યાસ હોય કે પછી ‘પરખ’ના માધ્યમથી નવી પરીક્ષા હોય, વિદ્યાર્થીઓને આ નવી યાત્રા પર લઈને તો શિક્ષકોએ જ જવાનું છે. કારણ કે પ્લેન ગમે તેટલું આધુનિક કેમ ના હોય, ઉડાડવાનું કાર્ય તો પાયલોટ જ કરે છે. એટલા માટે આ બધા શિક્ષકોએ પણ ઘણું બધુ નવું શીખવાનું છે, ઘણું બધુ જૂનું ભૂલી જવાનું પણ છે. 2022માં જ્યારે આઝાદીના 75 વર્ષ પૂરા થશે, ત્યારે ભારતનો દરેક વિદ્યાર્થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા નક્કી કરવામાં આવેલ દિશા નિર્દેશોમાં ભણે, એ આપણી સામૂહિક જવાબદારી છે. હું તમામ શિક્ષકો, વહીવટકર્તાઓ, સ્વયં સેવી સંસ્થાઓ અને વાલીઓને આહવાહન કરું છું કે તેઓ આ રાષ્ટ્રીય મિશનમાં પોતાનો સહયોગ આપે. મને પૂરો ભરોસો છે કે આપ સૌ શિક્ષકોના સહયોગ વડે દેશ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સફળતાપૂર્વક લાગુ કરી શકશે.

હું મારી વાત સમાપ્ત કરતાં પહેલા શિક્ષકોના માધ્યમથી એક વાત આગ્રહપૂર્વક કહેવા માંગુ છું કે કોરોના કાળમાં તમે પણ બીજાઓને જે મર્યાદાઓનું પાલન કરવાનું છે – બે ગજનું અંતર રાખવાની વાત હોય, માસ્ક કે ફેસ કવર પહેરવાની વાત હોય, પોતાના પરિવારમાં વડીલોનું પૂરેપૂરું ધ્યાન રાખવાની વાત હોય, સ્વચ્છતાની વાત હોય, આ બધી લડાઈ લડવાનું નેતૃત્વ પણ આપણે બધાએ કરવાનું છે. અને શિક્ષક ખૂબ સરળતાથી કરી શકે છે, ખૂબ સરળતાથી વાત ઘરે ઘરે પહોંચાડી શકે છે. અને શિક્ષક જ્યારે કોઈ વાત કરે છે તો વિદ્યાર્થી ખૂબ વિશ્વાસ સાથે તેને માને પણ છે. વિદ્યાર્થીની સામે પ્રધાનમંત્રીએ આવું કહ્યું, એમ કહેશો અને મારા શિક્ષકે આમ કહ્યું એવું કહેશો, તો હું વાયદા સાથે કહું છું.. વિદ્યાર્થી પ્રધાનમંત્રીએ કહ્યું છે તેની ઉપર ચાર સવાલ કરશે. પરંતુ શિક્ષકે કહ્યું છે, તેની ઉપર એક પણ સવાલ નહીં ઊભો કરે. ઘરે જઈને કહેશે મારા શિક્ષકે આવું કહ્યું છે. આ શ્રદ્ધા, આ વિશ્વાસ બાળકના મનમાં પડેલો છે. તે તમારી બહુ મોટી પૂંજી છે, બહુ મોટી શક્તિ છે. અને આ ક્ષેત્ર સાથે જોડાયેલ અનેક પેઢીઓએ તપસ્યા કરીને તેને વિરાસતમાં આપેલી છે. અને જ્યારે આવી વસ્તુઓ તમને વિરાસતમાં મળી છે ત્યારે તમારી જવાબદારી પણ ઘણી વધી જાય છે.

મને વિશ્વાસ છે કે, મારા દેશના શિક્ષકગણ, ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને એક મિશનના રૂપમાં લેશે, મન લગાવીને કરશે. દેશનું એક-એક બાળક, તમારા શિક્ષણને ગ્રહણ કરવા માટે તૈયાર હોય છે, તમારા આદર્શોનું પાલન કરવા માટે તૈયાર હોય છે, તમારા ઈરાદાઓને ચરિતાર્થ કરવા માટે તૈયાર હોય છે. તે દિવસ-રાત મહેનત કરવા માટે તૈયાર હોય છે. એક વખત શિક્ષક કહી દે તો તે બધુ જ માનવા માટે તૈયાર હોય છે. હું સમજુ છું કે મા-બાપ, શિક્ષક, શિક્ષક સંસ્થા, સરકારી વ્યવસ્થા, આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે. મને વિશ્વાસ છે કે આ જે જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે, આ જે શિક્ષણ પર્વ ચાલી રહ્યું છે, 5 સપ્ટેમ્બરથી લઈને સતત જુદા-જુદા ક્ષેત્રના લોકો તેને આગળ વધારવાના કાર્યમાં લાગેલા છે. આ પ્રયાસ સારા પરિણામો લાવશે.. સમય કરતાં વહેલા પરિણામો લાવશે. અને સામૂહિક કર્તવ્યના ભાવના કારણે થશે.

આ જ વિશ્વાસની સાથે હું ફરી એકવાર આપ સૌનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને હંમેશા-હંમેશા હું શિક્ષકોને નમન કરું છું. આજે વર્ચ્યુઅલ માધ્યમથી આપ સૌને નમન કરીને મારી વાણીને વિરામ આપું છું.

ખૂબ-ખૂબ આભાર!!!     

 

SD/GP/BT            

 


(Release ID: 1653538) Visitor Counter : 6005