પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ NEP 2020 હેઠળ "21મી સદીમાં શાળાકીય શિક્ષણ" કોન્કલેવને સંબોધિત કર્યું
Posted On:
11 SEP 2020 1:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી NEP 2020 હેઠળ "21મી સદીમાં શાળાકીય શિક્ષણ" કોન્કલેવમાં સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 21મી સદીના ભારતને નવી દિશા આપવા જઇ રહી છે અને આપણે એવી ક્ષણનો હિસ્સો બનવા જઇ રહ્યાં છીએ જે આપણા દેશના ભાવિનું નિર્માણ કરવાનો પાયો નાંખી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા સૌના જીવનમાં છેલ્લા ત્રણ દાયકામાં ભાગ્યે જ કોઇ એવું પરિબળ હશે જે કોઇપણ પરિવર્તન વગર યથાસ્થિતિમાં જ હોય, છતાં પણ આપણું શિક્ષણ તંત્ર હજુ પણ જુની પ્રણાલીમાં જ ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નવા ભારતની નવી મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે અને નવી તકોનું સર્જન કરવાનું માધ્યમ છે.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, NEP 2020 એ દેશના દરેક પ્રાંત, દરેક ક્ષેત્ર અને દરેક ભાષા સાથે જોડાયેલા લોકોના છેલ્લા 3 થી 4 વર્ષની સખત મહેનતનું પરિણામ છે. તેમણે કહ્યું હતું કે, વાસ્તવિક કામ તો હવે શરૂ થયું છે જે, આ નીતિના અમલીકરણનું કામ મુખ્ય છે.
તેમણે શિક્ષકોને અનુરોધ કર્યો હતો કે, તેઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ માટે સૌ સાથે મળીને કામ કરે.
પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ નીતિની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ સંખ્યાબંધ પ્રશ્નો ઉભા થયા છે અને તે વાજબી છે અને આવા પ્રશ્નો તેમજ મુદ્દાઓને આગળ લઇ જવા માટે આ સંમેલનમાં તેના પર ચર્ચા થાય તે પણ જરૂરી છે.
પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવા માટે આચાર્યો અને શિક્ષકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ચર્ચામાં ભાગ લઇ રહ્યાં છે તે સારી બાબત છે. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશમાંથી શિક્ષકોએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ સંબંધે 1.5 મિલિયન કરતાં પણ વધારે સૂચનો માત્ર એક જ અઠવાડિયામાં મોકલ્યાં છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉર્જાવાન યુવાનો વિકાસશીલ દેશના વિકાસના એન્જિન છે પરંતુ તેમનો વિકાસ તેમના બાળપણના તબક્કેથી જ શરૂ થઇ જવો જોઇએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, બાળકોને આપવામાં આવતું શિક્ષણ, તેમને યોગ્ય માહોલ મળે તે બાબતો મોટાપાયે એ નક્કી કરે છે કે ભવિષ્યમાં તે કેવા પ્રકારની વ્યક્તિ બનશે અને તેમનું વ્યક્તિત્વ કેવું રહેશે. તેમણે કહ્યું હતું કે NEP 2020 આના પર ખૂબ જ ભાર મૂકે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રિ-સ્કૂલનો તબક્કો એવો છે જ્યાં બાળકો તેમની સૂઝ સમજવાની શરૂઆત કરે છે, તેમનું કૌશલ્ય વધુ સારી રીતે પારખી શકે છે. આ માટે, શાળાઓ અને શિક્ષકોએ બાળકોને આનંદપૂર્ણ અભ્યાસ, ગમ્મત સાથે જ્ઞાન, પ્રવૃત્તિઓ આધારિત અભ્યાસ અને શોધ આધારિત અભ્યાસ માટે યોગ્ય માહોલ પુરો પાડવો જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, બાળક જેમ જેમ પ્રગતિ કરે છે તેમ, તેમનામાં શીખવાનો જુસ્સો વધારવો, વૈજ્ઞાનિક અને તાર્કિક વિચારસરણી કેળવવી, ગાણિકિત વિચારો લાવવા અને વૈજ્ઞાનિક ઉત્સાહ વધારવો ખૂબ જ જરૂરી છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 10 + 2ની જુની પ્રણાલી દૂર કરીને તેના સ્થાને 5 + 3 + 3 + 4ની પ્રણાલી લાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં માત્ર શહેરો પૂરતું જ પ્રિ-સ્કૂલમાં ગમ્મત સાથે જ્ઞાનની પ્રણાલી મર્યાદિત હતી જ્યારે હવે આ નીતિઓ અમલ થતા તે ગામડાંઓ સુધી પણ પહોંચશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નીતિમાં મૂળભૂત શિક્ષણ એ સૌથી મહત્વનું પરિબળ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનના વિકાસને રાષ્ટ્રીય મિશન તરીકે લેવામાં આવશે. બાળકો આગળ વધવા જોઇએ અને શીખવા માટે વાંચવા જોઇએ, જેના માટે તેઓ શરૂઆતથી જ વાંચવાનું શીખવા જોઇએ. શીખવા માટે વાંચવાની વિકાસની સફર મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન દ્વારા પૂર્ણ થઇ શકશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જેઓ ત્રીજુ ધોરણ પાસ કરી દે તેવા દરેક બાળકો સરળતાથી એક મિનિટમાં 30 થી 35શબ્દો વાંચી શકવા જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી તેમને અન્ય વિષયોની સામગ્રી સરળતાથી સમજવામાં મદદ મળશે. તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, આ બધુ ત્યારે જ શક્ય બનશે જ્યારે અભ્યાસને વાસ્તવિક દુનિયા સાથે જોડવામાં આવશે, આપણા જીવન સાથે અને આપણી આસપાસના પર્યાવરણ સાથે જોડવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે શિક્ષણને આસપાસના પર્યાવરણ સાથે જોડી દેવામાં આવે ત્યારે, તેની અસર વિદ્યાર્થીના આખા જીવન પર પડે છે અને તેનાથી આખા સમાજ પર અસર પડે છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આરૂઢ હતા તે સમયે જે પહેલો હાથ ધરવામાં આવી હતી તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. વિદ્યાર્થીઓને ગામમાં સૌથી જુનું વૃક્ષ શોધવાનું, તે વૃક્ષ પર નિબંધ લખવાનું અને તેમના ગામ વિશે લખવાનું કામ તેમને સોંપવામાં આવતું હતું. તેમણે કહ્યું કે, આ પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો હતો. એક તરફ વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે માહિતી મળતી હતી તો સાથે સાથે બીજી તરફ તેમને પોતાના ગામ વિશે સંખ્યાબંધ માહિતી એકત્ર કરવાની પણ તક પ્રાપ્ત થતી હતી.
પ્રધાનમંત્રીએ આવા નિબંધો અને નવીનતમ પદ્ધતિઓમાં વૃદ્ધિ કરવા પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. આવા પ્રયોગો આપણા નવા જમાનાના અભ્યાસ - જોડાણ, અન્વેષણ, પ્રયોગ, અભિવ્યક્તિ અને નિપુણતાના પાયામાં હોવા જોઇએ.
શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આવી પ્રવૃત્તિઓ, કાર્યક્રમો, પરિયોજનાઓમાં વિદ્યાર્થીઓ તેમની રુચિ અનુસાર જોડાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ રચનાત્મક રીતે અભિવ્યક્તિ શીખે છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓને ઐતિહાસિક સ્થળો, રુચિના સ્થળો, ખેતરો, ઉદ્યોગો વગેરે જગ્યાએ અભ્યાસ પ્રવાસ હેઠળ લઇ જવા જોઇએ, કારણ કે, આનાથી તેમને ઘણું પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હાલમાં બધી જ શાળાઓમાં આવું થઇ રહ્યું નથી. તેમણે કહ્યું આના કારણે, સંખ્યાબંધ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળતું જ નથી. તેમણે ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓની સમક્ષ જો પ્રેક્ટિકલ જ્ઞાનનો ભંડાર ખોલવામાં આવે તો, તેમની જિજ્ઞાસામાં વૃદ્ધિ થશે અને તેમનાથી તેમના જ્ઞાનની ક્ષિતિજોનું વિસ્તરણ થશે. જો વિદ્યાર્થીઓ કૌશલ્યવાન પ્રોફેશનલોને જોશે તો તે તેમની સાથે ભાવનાત્મક જોડાણ થશે અને તેઓ કૌશલ્યને સમજી શકશે તેમજ તેને આદર આપશે. શક્ય છે કે તેમનામાંથી ઘણા વિદ્યાર્થીઓ મોટા થઇને આવા જ કોઇ ઉદ્યોગોમાં જોડાણ અથવા જે તેઓ કોઇ અન્ય પ્રોફેશન પસંદ કરે તો પણ તેમના મગજમાં એક વાત તો રહેશે જ કે, આવા પ્રોફેશનમાં સુધારો લાવવા માટે શું નાવીન્યતા લાવી શકાય.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જેથી, અભ્યાસ ક્રમમાં ઘટાડો કરી શકાય અને મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત થઇ શકે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું તૈયાર કરવામાં આવશે જેથી અભ્યાસને એકીકૃત અને આંતર-શાખીય, આનંદ આધારિત બનાવી શકાય અને તેનો સંપૂર્ણ અનુભવ મેળવી શકાય. આના માટે સૂચનો મેળવવામાં આવશે અને તમામની ભલામણો તેમજ અદ્યતન શિક્ષણ પ્રણાલીઓને તેમાં સમાવી લેવામાં આવશે. ભવિષ્યની દુનિયા આપણી આજની વર્તમાન દુનિયા કરતાં કઇંક અલગ પ્રકારની હશે.
તેમણે આપણા વિદ્યાર્થીઓને 21મી સદીના કૌશલ્યો સાથે આગળ વધારવાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે 21મી સદીના કૌશલ્યો જેમકે - નિર્ણાયક વિચારધારા, સર્જનાત્મકતા, સહયોગ, જિજ્ઞાસા અને કમ્યુનિકેશન વગેરેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ શરૂઆતથી જ કોડિંગ શીખવું જોઇએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે જાણવું જોઇએ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લાઉડ કમ્પ્યૂટિંગ, ડેટા સાયન્સ અને રોબોટિક્સ સાથે જોડાવું જોઇએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, આપણી અગાઉની શિક્ષણ નીતિ મર્યાદિત હતી. જ્યારે હાલની વાસ્તવિક દુનિયામાં, તમામ વિષયો એકબીજા સાથે સંબંધિત છે. પરંતુ વર્તમાન પ્રણાલી નવી સંભાવનાઓ સાથે જોડાવા માટે ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની તક આપતી નથી. સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અધવચ્ચેથી અભ્યાસ છોડી દે છે તેની પાછળ આ પણ એક મોટું કારણ છે. આથી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને કોઇપણ વિષય પસંદ કરવાની આઝાદી આપવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અન્ય એક મોટા મુદ્દાને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. આ મુદ્દો એ છે કે, – આપણા દેશમાં અભ્યાસ આધારિત શિક્ષણના બદલે માર્કશીટ એટલે કે ગુણ આધારિત અભ્યાસનું પ્રભૂત્વ છે. તેમણે કહ્યું કે માર્કશીટ હવે માનિસક દબાણની શીટ સમાન બની ગઇ છે. શિક્ષણમાંથી આ તણાવને દૂર કરવો એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુખ્ય ઉદ્દેશોમાંથી એક છે. પરીક્ષા એવી હોવી જોઇએ કે, વિદ્યાર્થીઓના મગજ પર બિનજરૂરી તણાવ ઉભો ના કરે. અને પ્રયાસો એવા છે કે, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર પરીક્ષાઓના આધારે ના થવું જોઇએ પરંતુ વિદ્યાર્થીઓના વિકાસના વિવિધ પરિબળો જેમ કે, આત્મ-મૂલ્યાંકન, સહધ્યાયીઓ દ્વારા એકબીજાનું મૂલ્યાંકન વગેરે આધારિત હોવું જોઇએ. પ્રધાનંમત્રીએ જણાવ્યું હતું કે, માર્કશીટના બદલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સર્વાંગી રિપોર્ટ કાર્ડની દરખાસ્ત મૂકવામાં આવી છે જેમાં વિદ્યાર્થીની અનન્ય શક્તિ, યોગ્યતા, વર્તણૂક, કૌશલ્ય, આવડત, કાર્યદક્ષતા, સુસંગતતા અને તેમનામાં છુપાયેલી સંભાવનાઓની વિગતવાર શીટ સમાવી લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, નવું રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર "પરખ” પણ સ્થાપિત કરવામાં આવશે અને તેની મદદથી એકંદરે મૂલ્યાંકન પ્રણાલીમાં સુધારો લાવવામાં આવશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિએ એ સમજવાની જરૂર છે કે, ભાષા એ શિક્ષણનું માધ્યમ છે, માત્ર ભાષા જ શિક્ષણ છે તેવું નથી. કેટલાક લોકો આ તફાવતને ભૂલી ગયા છે. આથી, જે પણ ભાષા બાળક સરળતાથી સમજી શકે તે ભાષામાં જ તેમને અભ્યાસ આપવો જોઇએ. તેમણે કહ્યું કે, આ બાબતને ધ્યાનમાં રાખીને, મોટાભાગના દેશોની જેમ આપણે ત્યાં પણ માતૃભાષામાં જ બાળકોને અભ્યાસ આપવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અન્યથા જ્યારે બાળકો અન્ય ભાષામાં કંઇક સાંભળે તો તેઓ સૌથી પહેલાં તેને પોતાની ભાષામાં અનુવાદ કરે છે અને પછી તેને સમજે છે. આના કારણે બાળકોના મગજમાં ઘણો ગુંચવાડો ઉભો થાય છે અને આ ઘણી તણાવપૂર્ણ સ્થિતિ છે. આથી, શક્ય હોય ત્યાં સુધી, સ્થાનિક ભાષા, માતૃભાષાને પાંચમા ધોરણ સુધી, કમસે કમ પાંચમા ધોરણ સુધી જો ખરું જ, શિક્ષણનું માધ્યમ રાખવામાં આવે તેવું રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ટાંકવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં, માતૃભાષા સિવાયની અન્ય કોઇ ભાષામાં અભ્યાસ અને શિક્ષણ પર કેટલાંક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. અંગ્રેજીની સાથે સાથે અન્ય વિદેશી ભાષાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગી હોવાથી, જો બાળકો તેમાં પણ વાંચી અને ભણી શકે તો તે ઘણી સારી વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, સાથે સાથે તમામ ભારતીય ભાષાઓને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી આપણા યુવાનો અલગ અલગ રાજ્યોની ભાષાઓ અને સંસ્કૃતિઓથી પરિચિત થઇ શકે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આ સફરમાં શિક્ષકો પ્રહરીઓની ભૂમિકામાં છે. આથી, તમામ શિક્ષકોને પણ ઘણું બધું નવું શીખવાનું છે અને જુની બાબતેને ભુલવાની છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 2022માં જ્યારે આપણો દેશ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરતો હશે ત્યારે, આપણા સૌની સહિયારી જવાબદારી છે કે, ભારતમાં દરેક વિદ્યાર્થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર વાંચે તે આપણે સૌ સુનિશ્ચિત કરીએ. તેમણે તમામ શિક્ષકો, પ્રશાસકો, સ્વૈચ્છિક સંગઠનો અને માતાપિતાઓને આ રાષ્ટ્રીય મિશનમાં સહયોગ આપવા માટે આહ્વાન કર્યું હતું.
SD/GP/BT
(Release ID: 1653376)
Visitor Counter : 696
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam