સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

માનસિક સ્વાસ્થ્ય સુધારા માટે 24x7 ટોલ-ફ્રી હેલ્પલાઇન કિરન (1800-599-0019) 13 ભાષાઓમાં આરંભ કરવામાં આવી

Posted On: 08 SEP 2020 1:36PM by PIB Ahmedabad

કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ (DEPwD) દ્વારા 24x7 ટોલ-ફ્રી માનસિક સ્વાસ્થ્ય સુધારણા માટેની હેલ્પલાઇન કિરન (1800-599-0019) શરૂ કરવામાં આવી છે, જે 13 ભાષાઓમાં માનસિક બીમારી ધરાવતી વ્યક્તિઓને રાહત અને ટેકો પ્રદાન કરશે. માનસિક બીમારીઓના વધતા કેસને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને કોવિડ-19 રોગચાળાને કારણે માનસિક દર્દીઓમાં થયેલા વધારાને જોતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી શ્રી થાવરચંદ ગેહલોતે ગઇકાલે વેબકાસ્ટ દ્વારા હેલ્પલાઇનના પોસ્ટર, બ્રોશર અને રિસોર્સ બુક સાથે આ હેલ્પલાઇન સેવા શરૂ કરી હતી.

આ હેલ્પલાઇન સેવા આ રીતે કામ કરે છેઃ દેશના કોઈ પણ વિસ્તારમાંથી કોઈ પણ ટેલીકોમ નેટવર્કમાંથી કોઈ પણ મોબાઇલ નંબર કે લેન્ડલાઇન નંબર પરથી ટોલ-ફ્રી નંબર 1800-599-0019 પર કોલ કરો. વેલ્કમ મેસેજ પછી તમને જે ભાષા સમજાતી હોય એનું સાચું બટન દબાવીને ભાષા પસંદ કરો, રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ પંસદ કરો. એટલે તમે તમારા પોતાના કે ઇચ્છિત રાજ્યના હેલ્પલાઇન સેન્ટર સાથે જોડાઈ જશો. પછી માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત તમારી સમસ્યાનું સમાધાન કરશે અથવા બાહ્ય મદદ અથવા (ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ/રિહેબિલિટેશન સાઇકોલોજિસ્ટ/સાઇકિયાટ્રિસ્ટ) સંપર્ક કરવાની સલાહ આપશે.

આ ટોલ ફ્રી હેલ્પલાઇન અઠવાડિયામાં સાત દિવસ 24 કલાક સેવા આપે છે, જેમાં ટેકનિકલ સંકલન બીએસએનએલ કરે છે. આ હેલ્પલાઇન સેવા સાથે 8 રાષ્ટ્રીય સંસ્થાઓ સહિત 25 સંસ્થાઓ સંકળાયેલી છે. એને 660 ક્લિનિકલ / રિહેબિલિટેશન મનોવૈજ્ઞાનિક અને 668 મનોચિકિત્સકોનો આધાર પ્રાપ્ત છે. હેલ્પલાઇનમાં આવરી લેવામાં આવેલી 13 ભાષાઓ છેઃ હિંદી, આસામી, તમિલ, મરાઠી, ઓડિયા, તેલુગુ, મલયાલમ, ગુજરાતી, પંજાબી, કન્નડ, બંગાળી, ઉર્દૂ અને અંગ્રેજી.

માનસિક બીમારીથી વ્યક્તિની લાગણીઓ, ભાવનાઓ, માનસિક આવેગો અને સામાજિક સુખાકારીને માઠી અસર થઈ શકે છે. આ માટે મદદ મેળવવી એક સકારાત્મક પગલું છે, એનાથી સ્વાસ્થ્ય, સુખાકારી અને ખુશીમાં વધારો થાય છે. હેલ્પનાલઇન સેવા માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની સેવાઓ પૂરી પાડે છે, જેનો ઉદ્દેશ વહેલાસર નિદાન કરવાનો, પ્રાથમિક-સારવાર આપવાનો, માનસિક ટેકો આપવાનો, તણાવનું નિયંત્રણ કરવાનો, માનસિક સુખાકારી વધારવાનો, સકારાત્મક અભિગમો વધારવાનો, માનસિક આવેગોને નિયંત્રણમાં રાખવા વગેરે છે. આ સેવા તણાવ, ચિંતા, હતાશા, નિરાશા, ચિંતાનો હુમલો, સ્થિતિસંજોગો સાથે અનુકૂળ થવાની અક્ષમતા, આઘાત પછી તણાવને નિયંત્રણમાં રાખવામાં, નશીલા દ્રવ્યોના સેવનથી પીડિત, આત્મહત્યાના વિચારો, રોગચાળા પ્રેરિત માનસિક સમસ્યાઓ અને માનસિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત કટોકટી અનુભવતા લોકોને સેવા આપવા ઇચ્છે છે. આ હેલ્પલાઇન સેવા વ્યક્તિઓ, પરિવારો, સેવાભાવી સંસ્થાઓ, પેરેન્ટ એસોસિએશન્સ, વ્યાવસાયિક સંગઠનો, સારવાર સંસ્થાઓ, હોસ્પિટલો કે દેશભરમાં સાથસહકારની જરૂરિયાત અનુભવતી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને 13 ભાષાઓમાં પ્રાથમિક તબક્કાની સલાહ, સૂચન અને સંદર્ભ પ્રદાન કરવા જીવનરેખા તરીકે કામ કરશે.

હેલ્પલાઇન સેવાના ઉદ્દેશો છે – વહેલાસર પરીક્ષણ કરવું, પ્રાથમિક સારવાર આપવી, માનસિક ટેકો પ્રદાન કરવો, તણાવનું નિયંત્રણ કરવું, માનસિક સુખાકારી, અસાતત્યપૂર્ણ વર્તણૂંકો અટકાવવી, માનસિક કટોકટીનું વ્યવસ્થાપન કરવું તથા માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતોને રેફર કરવા. આ સેવા ચિંતા, ઓબ્સેસ્સિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઓસીડી), આત્મહત્યા, હતાશા, નિરાશા, ચિંતાના હુમલા(ઓ), સ્થિતિસંજોગો સાથે અનુકૂલનની અક્ષમતા, આઘાત પછી અનિયંત્રિત તણાવ અને નશીલા દ્રવ્યોના સેવન સાથે સંબંધિત માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનું સમાધાન કરવા સમર્પિત છે. હેલ્પલાઇન ચિંતિત લોકો, રોગચાળાથી પ્રેરિત માનસિક સમસ્યાઓ અનુભવતા લોકો અને માનસિક સ્વાસ્થ્યની આકસ્મિક આવશ્યકતાની જરૂરત વાળા લોકોને સેવા આપે છે.

હેલ્પલાઇનનું સંકલન ચેન્નાઈની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ મલ્ટિપલ ડિસેબિલિટીઝ (એનઆઇઇપીએમડી) અને સીહોરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન (એનઆઇએમએચઆર) કરે છે. હેલ્પલાઇનને વ્યાવસાયિક ટેકો ઇન્ડિયન એસોસિએશન ઓફ ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ્સ (આઇએસીપી), ઇન્ડિયન સાઇકિયાટ્રિસ્ટ્સ એસોસિએશન (આઇપીએ) અને ઇન્ડિયન સાઇકિયાટ્રિક સોશિયલ વર્કર્સ એસોસિએશન (આઇપીએસડબલ્યુએ) આપે છે.

 

SD/GP/BT

 (Release ID: 1652335) Visitor Counter : 1313