રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતને 21મી સદીની જરૂરિયાતો અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા તરફ અગ્રેસર કરશે


એનઇપી ભારતને જ્ઞાનનું કેન્દ્રીય બિંદુ બનાવશે

રાષ્ટ્રપતિ કોવિંદે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020’ પર રાજ્યપાલોની પરિષદનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 07 SEP 2020 2:15PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) પર એક દિવસીય વર્ચ્યુઅલ પરિષદ આજ (7 સપ્ટેમ્બર, 2020) રોજ શરૂ થઈ હતી, જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો, વહીવટદારો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ મંત્રીઓએ સર્વસંમતિ વ્યક્ત કરી હતી કે, આ નીતિ ફક્ત એક દસ્તાવેજ નથી, પણ દેશની આકાંક્ષાઓને સાકાર કરવા માટેનો પ્રયાસ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ નીતિને સરકારના કાર્યક્ષેત્રની અંદર મર્યાદિત રાખવી ઉચિત નહીં રહે. તેમણે આવકાર સંબોધન સાથે નીતિ અંગે ચર્ચાની પહેલ કરતા કહ્યું હતું કે, વિદેશી નીતિ કે સંરક્ષણ નીતિની જેમ શિક્ષણ નીતિ સમગ્ર દેશ સાથે સંબંધિત છે, માત્ર સરકારોને અનુલક્ષીને નથી.”

પ્રધાનમંત્રીના આ અભિપ્રાયમાં સૂર પુરાવતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સમાજના તમામ વર્ગો અને તબક્કાઓ પાસેથી પ્રાપ્ત થયેલા લાખો સૂચનોમાંથી તર્કબદ્ધ બનાવીને સુસંગત અને અસરકારક દસ્તાવેજ સ્વરૂપે નીતિને પ્રસ્તુત કરવાની રીતની પ્રશંસા કરી હતી. તેમણે દેશને “નૉલેજ હબ બનાવવાના લક્ષ્યાંકને હાંસલ કરવા નીતિને માર્ગદર્શન આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર રાજ્યપાલોની પરિષદમાં રાષ્ટ્રપતિને આવકાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ પરિષદ નવી શિક્ષણ નીતિનો અમલ કરવાની પ્રક્રિયામાં અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે, એનઇપીને તમામ લોકોએ આવકાર આપ્યો છે, કારણ કે લોકોએ પોતાના દ્રષ્ટિકોણથી એને સ્વીકારી છે. આ સ્વીકાર્યતા જ કોઈ પણ નીતિની સફળતા માટે આધારભૂત બને છે. તેમણે ઉમેર્યું હતું કે, બહોળી ભાગીદારી અને પ્રદાન આ નીતિને પોતીકાપણા તરફ દોરી ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ નીતિ શિક્ષણ સાથે જ સંબંધિત નથી, પણ ભારતને 21મી સદીના નવા સામાજિક અને આર્થિક પરિવર્તનો માટે તૈયાર કરે છે. આ નીતિ દેશને આત્મનિર્ભર ભારતની નીતિને અનુરૂપ સ્વનિર્ભર બનાવવા માટે તૈયાર કરશે. પણ આ નીતિનો સફળતાપૂર્વક અમલ કરવા એના વિશે સંબંધિત શંકાઓ દૂર કરવી પડશે.

એનઇપીના સિદ્ધાંતો વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ નીતિમાં અભ્યાસક્રમ અને વ્યવહારિક કામગીરી, સુલભતા અને મૂલ્યાંકનને બદલે અભ્યાસ અને સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ નીતિ અત્યાર સુધી અપનાવવામાં આવેલા તમામ લોકો માટે એકસમાન અભિગમમાંથી બહાર નીકળવાનો અસાધારણ પ્રયાસ છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે સંસ્કૃતિ, ભાષા અને પરંપરાઓને સંકલિત કરવા જરૂરી છે, જેથી બાળકો એને એકસમાન રીતે આત્મસાત કરવા સક્ષમ બને છે અને નવી શિક્ષણ નીતિ એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સચોટ પ્રયાસ છે. હાલ વિદ્યાર્થીઓ સમાજના વિવિધ પ્રકારના દબાણોને વશ થઈને ચોક્કસ પ્રવાહોમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે. આપણે એમાં પરિવર્તન લાવવાની જરૂર છે. ઘણી વાર વિદ્યાર્થીઓ જે પ્રવાહમાં અભ્યાસ કરતા હોય છે એમાં એમને અભ્યાસ કરવાનું પસંદ હોતું નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને તેમની પસંદગીના કોઈ પણ પ્રવાહમાં અભ્યાસ કરવા પ્લેટફોર્મ પ્રદાન કરવાની યોજના ધરાવે છે. આ સંદર્ભમાં તેમને રોજગારલક્ષી શિક્ષણ પણ પ્રદાન કરવામાં આવશે, જે તેમને લાભદાયક રોજગારી કુશળતાઓ હાંસલ કરવામાં પણ મદદરૂપ થશે. તેમણે જણાવ્યું હતું કે, ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે નોલેજ હબ અથવા માહિતીનું હાર્દરૂપ કેન્દ્ર બનાવવા પગલાં લેવા જોઈએ. સામાજિક અને આર્થિક રીતે નબળાં વર્ગોને વધારે સક્ષમ બનાવવા અને એમના જીવનનું ઉત્થાન કરવા ટેકનોલોજીકલ સોલ્યુશનોનો ઉપયોગ કરવો પડશે. સામાન્ય લોકોને વાજબી અને સુલભ સુવિધાઓ પ્રદાન કરવી એનઇપીની પ્રાથમિકતા છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક એવું પણ જણાવ્યું હતું કે, નીતિનિયમો સરળ બનાવવામાં આવ્યાં છે. હકીકતમાં તબક્કાવર સ્વાયત્તા પણ સ્વસ્થ સ્પર્ધા ઊભી કરવાની દિશામાં એક વધુ પગલું છે. આ સંસ્થાઓને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવા પ્રેરિત કરશે. તેમણે વધુમાં સલાહ આપી હતી કે, 25 સપ્ટેમ્બર અગાઉ વિશ્વવિદ્યાલય કે ઘણી સંસ્થાઓમાં વર્ચ્યુઅલ પરિષદનું આયોજન કરવું પડશે અને એનઇપીના અમલીકરણ પર સંવાદ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવી પડશે.

પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, જ્યારે આપણે આપણા પક્ષે મહત્તમ લવચિકતા દાખવીશું, ત્યારે જ આ નીતિને સફળતા મળી શકશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નીતિ સંપૂર્ણ દેશની છે, નહીં કે કોઈ ખાસ સરકારની. તેમણે જણાવ્યું હતું કે, આ નીતિ લોકોની આકાંક્ષાઓનું પરિણામ છે એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉત્સાહપૂર્વક અમલ કરવા તમામ પગલાં લેવા પડશે.

આ પરિષદને સંબોધન કરતા ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કહ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) દેશને, ખાસ કરીને યુવા પેઢીને 21મી સદીની જરૂરિયાતો અને આકાંક્ષાઓને અનુરૂપ પ્રગતિના પંથે દોરી જશે. પ્રધાનમંત્રીને આ ઐતિહાસિક નીતિને ઘડવામાં એમની વિઝનરી લીડરશિપ અને પ્રેરક ભૂમિકા ભજવવા બદલ અભિનંદન આપીને તેમણે ડૉ. કસ્તુરીરંગનની પણ પ્રશંસા કરી હતી. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને વિસ્તૃત પ્રક્રિયા દ્વારા ઘડવા બદલ શિક્ષણ મંત્રાલયના અધિકારીઓને પણ અભિનંદન આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ નીતિ બનાવવા માટે 2.5 લાખ ગ્રામ પંચાયતો, 12,500 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને આશરે 675 જિલ્લાઓમાંથી બે લાખથી વધારે સૂચનો મળ્યા હતા.

એનઇપી પર પ્રકાશ પાડતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, રાજ્યની વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ તરીકે રાજ્યપાલો એનઇપીના અમલમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં 400 સ્ટેટ યુનિવર્સિટીઓ છે, જેની સાથે આશરે 40,000 કોલેજો સંલગ્ન છે એટલે આ યુનિવર્સિટીઓ સાથે સંકલન અને સંવાદ સ્થાપિત કરવા જરૂરી હતું, જે કામગીરી કુલપતિઓ તરીકે રાજ્યપાલો કરી શકે છે.

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું હતું કે, સામાજિક ન્યાય સ્થાપિત કરવા માટે સૌથી અસરકારક રીત શિક્ષણ છે એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્તપણે જીડીપીના આશરે 6 ટકા રોકાણની અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, એનઇપીમાં જીવંત લોકતાંત્રિક સમાજ માટે સરકારી શૈક્ષણિક સંસ્થાઓને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે અને સાથે-સાથે મૂળભૂત અધિકારો, ફરજો, બંધારણીય મૂલ્યો અને રાષ્ટ્રવાદ માટે વિદ્યાર્થીઓ વચ્ચે સન્માન લાવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

એનઇપી વિશે રાજ્યપાલોને માહિતી આપતા રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું હતું કે, આ નીતિમાં વિવિધ પહેલો દ્વારા સામાજિક અને આર્થિક રીતે નબળાં જૂથો (એસઇડીજી)ને પ્રાથમિકતા આપવામાં આવી છે. એમાં વર્ષ 2025 સુધીમાં પ્રાથમિક શાળાના સ્તરે તમામ બાળકોને પાયાનું શિક્ષણ અને આંકડાકીય જ્ઞાન પ્રદાન કરવાની વાત સામેલ છે.

એનઇપીમાં શિક્ષકોની ભૂમિકા પર ભાર મૂકીને રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં શિક્ષકો હાર્દરૂપ ભૂમિકા ભજવશે. શિક્ષકો દેશનો પાયો છે, જેમની પસંદગી શિક્ષણ આપવા માટેના ઉમદા વ્યવસાય માટે થાય છે. તેમણે કહ્યું હતું કે, આ પરિપ્રેક્ષ્યથી શિક્ષકોના શિક્ષણ માટે નવો અને વિસ્તૃત અભ્યાસક્રમ આગામી વર્ષો બનાવવામાં આવશે.

રાષ્ટ્રપતિ કોવિંદે રોજગારલક્ષી શિક્ષણના મહત્ત્વ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતમાં 5 ટકાથી ઓછા વર્કફોર્સને ઔપચારિક રોજગારલક્ષી શિક્ષણ મળે છે, જે પશ્ચિમના દેશોની સરખામણીમાં અતિ ઓછું છે. તેમણે જણાવ્યું હતું કે, આ કારણસર એનઇપીમાં રોજગારલક્ષી શિક્ષણને મુખ્ય પ્રવાહના શિક્ષણ તરીકે ગણવામાં આવશે અને આ પ્રકારનું શિક્ષણ બાળકોને વધારે કુશળ બનાવવાની સાથે સમાજમાં શ્રમિકો પ્રત્યે સન્માન અને ગરિમા પણ વધારશે.

રાષ્ટ્રપતિ કોવિંદે આ વાત પર પણ ધ્યાન દોર્યું હતું કે, પ્રાથમિક શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવી જોઈએ એનો દુનિયાભરમાં સ્વીકાર થયો છે એટલે નવી શિક્ષણ નીતિ ત્રણ ભાષાની ફોર્મ્યુલાને સ્વીકારવા પર ભાર મુકે છે. એનાથી ભારતીય ભાષાઓ, કળાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહનનો લાભ મળશે, જે મહાન ભાષાકીય વિવિધતા દ્વારા આપણા દેશની એકતા અને અખંડિતતા જાળવવાની દિશામાં મહત્ત્વનું પગલું છે.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ હાંસલ કરવાના ઉદ્દેશ સાથે વિવિધ શાખાઓના શિક્ષણની ઉપયોગિતા દુનિયાભરમાં સ્વીકારવામાં આવી છે એટલે એનઇપીમાં મલ્ટિ ડિસિપ્લિનરી રિસર્ચ યુનિવર્સિટીઝ એટલે કે ‘MERU’ની સ્થાપના કરવામાં આવશે, જે લાયકાત ધરાવતા, વિવિધતા ધરાવતા અને રચનાત્મક યુવા પેઢીના વિકાસ માટે લાભદાયક બનશે. આ નીતિ અંતર્ગત વર્ષ 2030 સુધીમાં દરેક જિલ્લામાં કે એની આસપાસ એક મોટી મલ્ટિ-ડિસિપ્લિનરી ઉચ્ચ શિક્ષણ સંસ્થા ઊભી કરવામાં આવશે, જે પછાત વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરશે. આ પ્રકારનાં વિવિધ પગલાં લેવાથી સામાજિક અને આર્થિક રીતે નબળાં જૂથોને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણનો લાભ મળશે. તેમણે જણાવ્યું હતું કે, આ ઉપરાંત ભારતને આંતરરાષ્ટ્રીય શિક્ષણનું કેન્દ્ર બનાવવા માટે વિવિધ પ્રયાસો ચાલી રહ્યાં છે અને જગપ્રસિદ્ધ વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં શિક્ષણ આપવાની સંમતિ આપવામાં આવશે એવી વિચારણા ચાલુ છે.

રાષ્ટ્રપતિ કોવિંદે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, આ શિક્ષણ નીતિની સફળતા કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકારોના અસરકારક પ્રદાન પર નિર્ભર હશે. શિક્ષણ બંધારણની સમવર્તી યાદીમાં સામેલ છે એટલે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંકલિત કામગીરીની જરૂર છે. રાજ્યપાલોના ઉત્સાહને બિરદાવીને રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કેટલાંક રાજ્યપાલોએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, જે માટે સંબંધિત શિક્ષણ મંત્રીઓ અને ઉપકુલપતિઓ સાથે સંવાદ સ્થાપિત કર્યો છે. તેમણે રાજ્યપાલોને આ નીતિનો અમલ કરવા વિષય આધારિત વર્ચ્યુઅલ પરિષદ યોજવાની સલાહ આપી હતી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયને સૂચનો આવકારવાનું પણ કહ્યું હતું, જેનો ઉપયોગ દેશભરમાં થઈ શકશે. રાષ્ટ્રપતિ કોવિંદે સંબોધનના સમાપનમાં જણાવ્યું હતું કે, રાજ્યપાલો અને શિક્ષણ મંત્રીઓનું આ પ્રકારનું પ્રદાન ભારતને નૉલેજ હબ’ તરીકે પરિવર્તિત કરવામાં મદદરૂપ થશે.

 

SD/GP/BT

 



(Release ID: 1652041) Visitor Counter : 430