પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર રાજ્યપાલોના સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કર્યું

Posted On: 07 SEP 2020 1:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર રાજ્યપાલોના સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કર્યું હતું. આ સંમેલનમાં ભારતના રાષ્ટ્રપતિની વિશેષ ગરીમામય ઉપસ્થિતિ સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલો અને ઉપ રાજ્યપાલો તેમજ તમામ રાજ્યોની યુનિવર્સિટીઓના ઉપ કુલપતિઓની હાજરી જોવા મળી હતી.

પ્રાસંગિક સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ નીતિ અને શિક્ષણ વ્યવસ્થા દેશની મહત્ત્વાકાંક્ષાઓ પરિપૂર્ણ કરવાનું એક મહત્ત્વનું સાધન છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણની જવાબદારી કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તરની સરકારો પાસે હોવા છતાં નીતિના ઘડતરમાં તેમનો હસ્તક્ષેપ બને તેટલો ઓછામાં ઓછો હોવો જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ નીતિની સુસંગતતા અને વ્યાપકતામાં ત્યારે વધારો થશે જ્યારે વધુને વધુ શિક્ષકો, માતા-પિતાઓ અને વિદ્યાર્થીઓ તેની સાથે જોડાશે. તેમણે ઉમેર્યુ હતું કે, નવી શિક્ષણ નીતિ દેશના શહેરો અને ગામડાંઓમાં વસી રહેલા લાખો લોકો અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પાસેથી પ્રાપ્ત થયેલા પ્રતિભાવો બાદ ઘડવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, હવે શિક્ષકો અને શિક્ષણવિદ્દો સહિત તમામ લોકો આ નીતિ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ ધરાવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ નીતિને સમાજના તમામ ક્ષેત્રના લોકો તરફથી આવકાર પ્રાપ્ત થઇ રહ્યો છે અને એવી લાગણી અનુભવવામાં આવી રહી છે કે અગાઉની શિક્ષણ નીતિમાં જ આ સુધારાઓ રજૂ કરી દેવા જોઇતાં હતાં. તેમણે નીતિ ઉપર હાથ ધરવામાં આવી રહેલી સ્વસ્થ ચર્ચા-વિચારણાની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, આ બાબત ખૂબ જ જરૂરી છે કારણ કે NEP માત્ર શિક્ષણ વ્યવસ્થાના સુધારા પૂરતી જ સિમિત નથી પરંતુ તે 21મી સદીના ભારતના સામાજિક અને આર્થિક પરિપ્રેક્ષ્યોને પણ નવી દિશા આપી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ નીતિ આત્મનિર્ભર ભારતના લક્ષ્યને નજર સમક્ષ રાખીને ઘડવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નીતિનો હેતુ ઝડપથી પરિવર્તન પામી રહેલી પરિસ્થિતિ સાથે યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે નીતિની રચના એવી રીતે કરવામાં આવી છે જેથી દેશના યુવાનોને ભવિષ્યની જરૂરિયાતો અનુસાર જ્ઞાન અને કૌશલ્ય એમ બન્ને ક્ષેત્રે તૈયાર કરી શકાય.

તેમણે ઉમેર્યુ હતું કે, નવી શિક્ષણ નીતિ અભ્યાસ કરતાં વધારે શીખવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને અભ્યાસક્રમથી આગળ વધીને તાર્કિક વિચારણા ઉપર ભાર મુકે છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રક્રિયાઓ અનુસરવા કરતાં વિદ્યાર્થીઓના જુસ્સા, વ્યાવહારિકતા અને કાર્યક્ષમતા ઉપર વધારે ભાર મુકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ અભ્યાસલક્ષી પરિણામો અને શિક્ષક પ્રશિક્ષણ અને દરેક વિદ્યાર્થીના સશક્તિકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.

તેમણે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ 21મી સદીમાં ભારતને જ્ઞાનનું અર્થતંત્ર બનાવવાનો છે. તેમણે ઉમેર્યુ હતું કે, નવી શિક્ષણ નીતિ વિદેશની ટોચની આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓનું ભારતમાં સ્વાગત કરે છે, જે બ્રેઈન ડ્રેઈનની સમસ્યાને હલ કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવે દેશમાં નવી શિક્ષણ નીતિનો અમલ કેવી રીતે કરવો તેના માટે પ્રયત્નો ચાલી રહ્યાં છે. તેમણે ઉમેર્યુ હતુ કે, તમામ આશંકાઓ દૂર કરવા માટે તમામ હિતધારકોના સૂચનો ખુલ્લા મને સાંભળવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, આ શિક્ષણ નીતિ સરકારની શિક્ષણ નીતિ નથી પરંતુ સમગ્ર દેશની શિક્ષણ નીતિ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અત્યારે ઝડપથી બદલાતાં સમયમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નવી તકો પ્રદાન કરે છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાદેશિક અને સામાજિક અસમાનતાઓ દૂર કરવા માટે ટેકનોલોજી તમામ લોકોને એકસમાન અવસર પૂરો પાડે છે અને તે શિક્ષણ ઉપર પણ વ્યાપક અસર ધરાવે છે.

તેમણે જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણના દરેક પાસાંઓ જેવા કે - શૈક્ષણિક, ટેકનિકલ, વ્યાવસાયિક વગેરે ઉપર સર્વગ્રાહી કામગીરી કરવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ એનઈપી-2020નો તેના ખરા અર્થમાં અમલ કરવા આહવાન કર્યું હતું.      

 

SD/GP/BT


(Release ID: 1651979) Visitor Counter : 319