પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ US-ISPFના અમેરિકા- ભારત 2020 શિખર સંમેલનમાં વિશેષ સંબોધન કર્યું


કહ્યું કે, ભારત વિદેશી રોકાણ માટે અગ્રસ્થાને આકર્ષણનું સ્થળ બની રહ્યું છે;

ભારતે આ વર્ષે 20 અબજ ડૉલરનું વિદેશી રોકાણ પ્રાપ્ત કર્યું છે: પ્રધાનમંત્રી

ભારત ભૌગોલિક સુગમતા, વિશ્વસનીયતા અને રાજકીય સ્થિરતા પૂરી પાડે છે: પ્રધાનમંત્રી

ભારત પારદર્શક અને અનુમાન લગાવી શકાય તેવું કર શાસન પૂરું પાડે છે; પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરે છે અને સહકાર આપે છે: પ્રધાનમંત્રી

ભારત નવા વિનિર્માણ એકમો માટે વધુ પ્રોત્સાહનો સાથે દુનિયામાં સૌથી નીચો કર ધરાવતા સ્થળો પૈકી એક બની ગયો છે: પ્રધાનમંત્રી

તાજેતરના સમયમાં સંખ્યાબંધ સુધારા કરવામાં આવ્યા છે જેનાથી વ્યવસાય વધુ સરળ બન્યો છે અને લાલ ફિતાશાહીમાં ઘટાડો થયો છે: પ્રધાનમંત્રી

જાહેર અને ખાનગી બંને ક્ષેત્રો માટે ભારતમાં અઢળક તકો ઉપલબ્ધ છે: પ્રધાનમંત્રી

Posted On: 03 SEP 2020 9:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકા-ભારત 2020 શિખર સંમેલનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશેષ સંબોધન કર્યું હતું.

અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી મંચ (USISPF) એક બિન-નફાકારક સંગઠન છે જે ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી માટે કામ કરે છે.

આ 5 દિવસીય સંમેલનનો પ્રારંભ 31 ઑગસ્ટના રોજ થયો હતો જેની થીમ અમેરિકા-ભારત નવા પડકારોનું દિશાસૂચન છે.

આ સંમેલનને સંબોધતા શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારીએ દરેક વ્યક્તિ પર પ્રભાવ પાડ્યો છે અને તે આપણા દૃઢ સંકલ્પ, આપણા જાહેર આરોગ્ય તંત્ર, આપણા આર્થિક તંત્રની કસોટી કરી રહી છે.

તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં એક નવી માનસિકતાની જરૂરિયાત છે. એક એવી માનસિકતા જ્યાં માનવ કેન્દ્રિત વિકાસનો અભિગમ હોય. જ્યાં દરેક વ્યક્તિમાં પારસ્પરિક સહકારની ભાવના હોય.

આગામી માર્ગ અંગે ચર્ચા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ ક્ષમતાઓમાં વૃદ્ધિ કરવા પર, ગરીબોને સુરક્ષિત કરવા પર અને આપણા નાગરિકોનું ભાવિ સુરક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.

કોવિડ મહામારી સામેની લડાઇમાં વિવિધ સુવિધાઓ વધારવા માટે અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાંનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વહેલી તકે લેવામાં આવેલા આ તમામ પગલાંના કારણે 1.3 અબજની વસ્તી ધરાવતા આ દેશમાં મર્યાદિત સંસાધનો વચ્ચે પણ દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારત સ્થાન પામી શક્યું છે.

તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, ભારતનો વ્યાવયાસિક સમુદાય, ખાસ કરીને નાના વ્યવસાયોએ ખૂબ જ સક્રિયતાપૂર્વક કામગીરી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, શરૂઆતમાં લગભગ શૂન્યથી પ્રારંભ કરીને, તેમણે આપણને દુનિયામાં બીજા સૌથી મોટા PPE ઉત્પાદક બનાવી દીધા છે.

વિવિધ સુધારા માટે લેવામાં આવેલા નિર્ણયોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ મહામારી 1.30 અબજ ભારતીયોની મહાત્વાકાંક્ષાઓ અને આકાંક્ષાઓ પર પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહી છે.

તેમણે કહ્યું હતું કે, તાજેતરના સમયમાં દેશમાં સંખ્યાબંધ સુધારા કરવામાં આવ્યા છે જેના કારણે વ્યવસાય કરવાનું વધુ સરળ બન્યું છે અને લાલ ફિતાશાહી ઘટી છે.

શ્રી નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે, વિશ્વના સૌથી મોટા આવાસ કાર્યક્રમ પર કામ ચાલી રહ્યું છે અને નવીનીકરણ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ રેલવે, માર્ગ અને એર કનેક્ટિવિટી વધારવા માટે કરવામાં આવેલા કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ભારત રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશનનું નિર્માણ કરવા માટે એક અનન્ય ડિજિટલ મોડલ તૈયાર કરી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, અમે લાખો લોકોને બેંકિંગ, ધિરાણ, ડિજિટલ ચુકવણીઓ અને વીમા સેવાઓ પૂરી પાડવા માટે ફિન-ટેકનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરી રહ્યાં છીએ. આ તમામ પહેલો વિશ્વકક્ષાની ટેકનોલોજી અને વૈશ્વિક શ્રેષ્ઠ રીતભાતોનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવી રહી છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, મહામારીએ દુનિયાને બતાવી દીધું છે કે, વૈશ્વિક પૂરવઠા શ્રૃંખલા વિકસાવવા અંગેનો નિર્ણય માત્ર ખર્ચ આધારિત ના હોવો જોઈએ. તે વિશ્વાસ આધારિત પણ હોવો જોઈએ. ભૌગોલિક પરવડતાની સાથે-સાથે, કંપનીઓ હવે વિશ્વસનીયતા અને રાજકીય સ્થિરતા પર પણ ધ્યાન આપી રહી છે. ભારત એવું સ્થળ છે જ્યાં આ બધી જ ગુણવત્તાઓ પ્રાપ્ત થઇ શકે છે.

તેમણે કહ્યું હતું, આ બાબતોને ધ્યાનમાં રાખતા, ભારત સમગ્ર દુનિયામાં વિદેશી રોકાણો માટે મનપસંદ મુકામ પૈકી એક બની રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, અમેરિકા હોય કે યૂરોપ, ઑસ્ટ્રેલિયા હોય કે પછી અખાતી દેશો, આખી દુનિયા અમને માને છે. છેલ્લા એક વર્ષ દરમિયાન અમે 20 અબજ ડૉલરનું વિદેશી રોકાણ પ્રાપ્ત કર્યું છે. ગૂગલ, એમેઝોન અને મુબાડાલા ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા ભારતમાં લાંબાગાળાની યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ ભારતની પારદર્શક અને અનુમાન કરી શકાય તેવી ઑફરોનો ઉલ્લેખ કર્યો હતો અને કેવી રીતે અહીંનું તંત્ર પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહન આપે છે અને સમર્થન આપે છે તે પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતમાં GST એ એકસમાન, સંપૂર્ણ સક્ષમ અપ્રત્યક્ષ કર શાસન-પદ્ધતિ છે.

શ્રી મોદીએ નાદારી અને દેવાળિયાપણું સંહિતાનો ઉલ્લેખ કર્યો હતો જે સમગ્ર નાણાં તંત્રના જોખમોને ઘટાડે છે. તેમણે વ્યાપક શ્રમ સુધારાઓનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો જે નોકરીદાતાઓ પર અનુપાલનનું ભારણ ઘટાડે છે અને તે કેવી રીતે કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે તે પણ સમજાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ડ્રાઇવિંગ ગ્રોથ (કંપનીઓની સતત ભરોસાપાત્ર વૃદ્ધિ)માં રોકાણના મહત્વ અંગે પણ ચર્ચા કરી હતી અને કેવી રીતે ભારત તેની માંગ અને પૂરવઠા બંને પાસાને સમતોલનમાં રાખે છે તે અંગે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, નવા વિનિર્માણ એકમો માટે વધુ પ્રોત્સાહકો સાથે દુનિયામાં સૌથી ઓછો કર ધરાવતા સ્થળોમાં ભારતને લાવીને આ સાર્થક કરવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ ફરજિયાત ઇ-પ્લેટફોર્મ આધારિત ફેસલેસ આકારણીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, આનાથી નાગરિકોની સાથે-સાથે કરદાતાઓના અધિકારપત્રમાં લાંબાગાળે મોટો ફાયદો થશે. બોન્ડ માર્કેટમાં કરવામાં આવતા સતત નિયમનકારી સુધારાઓના કારણે રોકાણકારો માટે સરળતાથી ઍક્સેસ મેળવવામાં સુધારો આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે, ભારતમાં FDI વર્ષ 2019માં 20 ટકા વધ્યું છે જ્યારે વૈશ્વિક FDI આવકનો પ્રવાહ 1 ટકા ઘટ્યો છે અને આ બાબત અમારી FDI શાસન-પદ્ધતિની સફળતા બતાવે છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યા તે બધા એવા પગલાં છે જેનાથી ઉજળી અને વધુ સમૃદ્ધ આવતીકાલ સુનિશ્ચિત થઇ શકશે. તે પગલાં વૈશ્વિક અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં પણ યોગદાન આપશે.

આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે 1.3 અબજ ભારતીયોએ હાથ ધરેલા મિશનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ મિશન લોકલ અને ગ્લોબલનું એટલે કે સ્થાનિકનું વૈશ્વિકમાં વિલિનીકરણ કરે છે અને ભારતની તાકાત વૈશ્વિક બળમાં બહુગુણક તરીકેની ભૂમિકા નિભાવે છે.

તેમણે કહ્યું હતું કે, તે ભારતને વૈશ્વિક મૂલ્યની શ્રૃંખલાના કેન્દ્રમાં એક નિષ્ક્રિય બજારમાંથી સક્રિય ઉત્પાદક હબ તરીકે રૂપાંતરિત કરવા વિશે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આગામી માર્ગ અઢળક તકોથી ભરેલો છે જેમાં ખાસ કરીને ખાનગી અને જાહેર ક્ષેત્રમાં વિપુલ તકો સમાયેલી છે અને કોલસા, ખાણકામ, રેલવે, સંરક્ષણ, અવકાશ અને અણુ ઉર્જા જેવા ક્ષેત્રો ખુલ્લા મુકવા અંગે પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ, તબીબી ઉપકરણો, ફાર્મા ક્ષેત્રો માટે શરૂ કરવામાં આવેલી ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજનાઓ અને કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ સંમેલનમાં જણાવ્યું હતું કે, ભારતમાં પડકારો માટે, સરકાર શ્રેષ્ઠ પરિણામો આપવામાં માને છે, એક એવી સરકાર જેના માટે ઇઝ ઓફ લિવિંગ પણ એટલું જ મહત્વ રાખે છે જેટલું મહત્વ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનું છે.

તેમણે ભારતને 35 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી 65% વસ્તી સાથેના દેશ તરીકે ગણાવ્યો હતો જે મહત્વકાંક્ષી છે અને તેમણે રાષ્ટ્રને નવા શિખરો સુધી લઇ જવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે, ભારત એક એવો દેશ છે જ્યાં રાજકીય સ્થિરતા છે અને રાજકીય સાતત્ય પણ છે અને તે લોકશાહી તેમજ વિવિધતા માટે પ્રતિબદ્ધ છે.

 

SD/GP/BT


(Release ID: 1651177) Visitor Counter : 323