સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાજ્યોને સક્રિયપણે કોવિડના સંક્રમણને નિયંત્રણમાં લાવવા તેમજ મૃત્યુદર 1%થી નીચે લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો


કેબિનેટ સચિવે કોવિડના કેસમાં ઊંચો મૃત્યુદર ધરાવતા 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સમીક્ષા બેઠક યોજી

Posted On: 27 AUG 2020 6:05PM by PIB Ahmedabad

કેબિનેટ સચિવે આજે સવારે 10.30 કલાકે નવ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ (VC)ના માધ્યમથી બેઠક યોજી હતી. આ વીડિયો કોન્ફરન્સમાં ભાગ લેનારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, પંજાબ, આંધ્રપ્રદેશ તેમજ જમ્મુ અને કાશ્મીર હતા. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય સચિવ, ICMRના મહા નિદેશક અને નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) પણ આ VCમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડના વ્યવસ્થાપન અને પ્રતિભાવની વ્યૂહનીતિ અંગે સમીક્ષા કરવા માટે તેમજ ચર્ચા કરવા માટે આ વીડિયો કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી.

કેન્દ્રીય આરોગ્ય સચિવે આ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું, જેમાં ઊંચો મૃત્યુદર ધરાવતા જિલ્લાઓ પર તેમજ પરીક્ષણ, સંપર્ક ટ્રેસિંગ, સર્વેલન્સ, કન્ટેઇન્મેન્ટ, હોમ આઇસોલેશન, એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા, હોસ્પિટલના બેડ, ઓક્સિજન, સારવારના પ્રોટોકોલ વગેરે સંબંધિત અભિગમ અને વ્યૂહનીતિ ક્ષતિરહિત કરવા તેમજ તેને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. એવું ધ્યાનમાં આવ્યું હતું કે, દેશમાં છેલ્લા બે સપ્તાહમાં થયેલા કુલ મૃત્યુમાંથી 89% દર્દીઓ આ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી જ મૃત્યુ પામ્યા છે, તેથી આ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને સતત અને ચુસ્તપણે સતર્કતા રાખવાની જરૂર છે જેથી આ બીમારીના ચેપને નિયંત્રણમાં લઇ શકાય અને મૃત્યુદર ઘટાડવા માટે પણ પગલાં લેવાની જરૂર છે.

તમામ જિલ્લાઓમાં મૃત્યુદર 1%થી નીચે લાવવા માટે અહીં દર્શાવવામાં આવેલી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીને જરૂરી પગલાં લેવાની રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે:

  1. અસરકારક કન્ટેઇન્મેન્ટ, સંપર્ક ટ્રેસિંગ અને સર્વેલન્સ
  2. નવા પોઝિટીવ કેસોમાંથી ઓછામાં ઓછા 80% દર્દીઓનું પરીક્ષણ થયા પછી 72 કલાકમાં  તેમના તમામ નજીકના સંપર્કો ટ્રેસ કરવા અને તેમનું પરીક્ષણ કરવાનું સુનિશ્ચિત કરવું
  3. તમામ જિલ્લામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક ધોરણે ઓછામાં ઓછા 140 પરીક્ષણો સુનિશ્ચિત કરવા જ્યારે પોઝિટીવિટી/ પુષ્ટિ થતા કેસોની સંખ્યા 5%થી નીચે લાવવાનું લક્ષ્ય રાખવું.
  4. કન્ટેઇન્મેન્ટ ઝોન/ આરોગ્ય સંભાળ સુવિધાઓમાં એન્ટીજેન પરીક્ષણોનો લાભ લેવો અને અગાઉ લક્ષણો ધરાવતા હોય તેવા તમામ નેગેટિવ થયેલા કેસોનું RT-PCR સાથે ફરી પરીક્ષણ કરવું.
  5. હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓ પર નિયમિત દેખરેખ (ટેલિ-કોલિંગ અને ઘરે મુલાકાત) રાખવી અને જો SPO2 સ્તર નિર્ધારિત સ્તર કરતાં ઓછું થઇ જાય તો આરોગ્ય સંભાળ સુવિધામાં સમયસર દાખલ કરવાનું પણ સુનિશ્ચિત કરવું.
  6. કોવિડની સારવાર માટેની તમામ સુવિધાઓમાં ઉપલબ્ધ બેડ અને એમ્બ્યુલન્સની ઉપલબ્ધતાની માહિતી સાર્વજનિક ડોમેઇન પર મૂકવી તેમજ એમ્બ્યુલન્સનો પ્રતિક્રિયા સમય પણ ઘટાડવો.
  7. તમામ કેસોમાં અસરકારક તબીબી વ્યવસ્થાપન દ્વારા દર્દીઓનું જીવન બચાવવું
  8. દરેક આરોગ્ય સુવિધામાં અઠવાડિયા અનુસાર મૃત્યુની સંખ્યા પર દેખરેખ રાખવી જેમાં ખાસ કરીને સંવેદનશીલ દર્દીઓ (સહ-બીમારી ધરાવતા, 60 વર્ષથી વધુ વયના દર્દી) પર વિશેષ ધ્યાન આપવું
  9. કેસોના ભારણના આધારે કોવિડ સમર્પિત સુવિધાઓ અપગ્રેડ કરવી
  10. તમામ સુવિધાઓમાં જરૂરી દવાઓ, માસ્ક અને PPE કિટ્સની ઉપલબ્ધતા અને વપરાશ પર દેખરેખ રાખવી
  11. સામાજિક અંતર, માસ્ક પહેરવું, હાથની સ્વચ્છતા, ઉધરસ અને છીંક આવે ત્યારે પાળવામાં આવતા શિષ્ટાચાર સહિત કોવિડ માટે યોગ્ય હોય તેવી વર્તણૂકનો પ્રચાર કરીને લોકોની વર્તણૂકમાં પરિવર્તન લાવવા પર ધ્યાન આપવુ.

તમામ ઉપસ્થિત મુખ્ય સચિવોએ તેમના રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડની વર્તમાન સ્થિતિ અંગે વિગતો આપી હતી અને કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટેની પૂર્વતૈયારીઓ, પડકારોનો સમાનો કરવા માટે આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા અને તેને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવતા પગલાં અંગે માહિતી આપી હતી. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ કેસોના મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરવા માટે લેવામાં આવેલા પગલાં તેમજ કોવિડના સંદર્ભમાં સલામત કહી શકાય તેવી વર્તણૂક માટે સામુદાયિક સહભાગીતા પર પણ પ્રકાશ પાડ્યો હતો.

 

SD/GP/BT

 



(Release ID: 1649071) Visitor Counter : 288