રસાયણ અને ખાતર મંત્રાલય

શ્રી મનસુખ માંડવીયાએ પાણીપતમાં એનએફએલના યુનિટની મુલાકાત લીધી


શ્રી માંડવીયાએ ખાતરોના સંતુલિત ઉપયોગ પર ભાર મૂક્યો

Posted On: 16 AUG 2020 6:19PM by PIB Ahmedabad

રાજ્ય કક્ષાના કેન્દ્રીય ખાતર અને રસાયણ મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ આજે પાણીપતમાં નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (એનએફએલ)ની મુલાકાત લીધી હતી.

શ્રી માંડવીયાએ એનએફએલમાં ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી અને આ રોગચાળાની સ્થિતિ દરમિયાન એનએફએલ કિસાનની ટીમને ઉત્કૃષ્ટ સેવા કરવા બદલ અભિનંદન આપ્યા હતા. કોવિડ-19ને કારણે લાગુ લોકડાઉન દરમિયાન કડક નિયંત્રણો હોવા છતાં એનએફએલના વેચાણમાં 71 ટકાનો વધારો થયો છે.

આ પ્રસંગે શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, મહત્તમ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા અને જમીનની ફળદ્રુપતા જાળવવા જમીનનું પરીક્ષણ આવશ્યક છે. તેમણે મોબાઇલ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીની મુલાકાત પણ લીધી હતી અને અધિકારીઓને ખાતરોના સંતુલિત ઉપયોગ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. અહીં એક બેઠક પૂર્ણ થયા પછી શ્રી માંડવીયાએ વૃદ્ધિ અને શક્તિના પ્રતીક સમાન વૃક્ષનું રોપણ કર્યું હતું.

પાણીપત યુનિટમાં શ્રી માંડવીયાનું સ્વાગત કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વિરેન્દ્ર નાથ દત્ત અને ડાયરેક્ટર (ટેકનિકલ) શ્રી નિર્લેપ સિંહ રાયે કર્યું હતું. આ પ્રસંગે પાણિપત યુનિટના ચીફ જનરલ મેનેજર (માર્કેટિંગ) શ્રી અનિલ મોત્સરા અને જનરલ મેનેજર (ઇન-ચાર્જ) શ્રી રત્નાકર મિશ્રા તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

અહીં પાણિપત પ્લાન્ટ પર પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ પ્રેઝન્ટેશન દરમિયાન શ્રી માંડવીયાએ ખાતર ક્ષેત્ર સાથે સંબંધિત વ્યવસાયિક પાસાઓ પર ચર્ચા કરી હતી અને કંપનીને માર્ગદર્શન આપ્યું હતું.

 

SD/GP/BT

 



(Release ID: 1646329) Visitor Counter : 162