પ્રધાનમંત્રીનું કાર્યાલય

74મા સ્વતંત્રતા દિવસના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું


તેમના સંબોધનના મુખ્ય અંશો અહીં રજૂ કરવામાં આવ્યા છે:

Posted On: 15 AUG 2020 2:09PM by PIB Ahmedabad
  1. મારા પ્રિય દેશવાસીઓ, આ પાવન પર્વ પર, આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
  2. કોરોના મહામારીના આ અસામાન્ય સમયમાં, કોરોના યોદ્ધાઓ ‘સેવા પરમો ધર્મ’ના મંત્ર સાથે જીવ્યા છે. આપણા ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સના કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ, પોલીસદળના જવાનો, વિવિધ સેવા કર્મચારીઓ અને અન્ય સંખ્યાબંધ લોકો કે જેઓ સતત અથાગ કામ કરી રહ્યાં છે.
  3. દેશના વિવિધ ભાગોમાં આવેલી કુદરતી આપત્તિઓના કારણે જીવ ગુમાવનારા સંખ્યાબંધ લોકો પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરતા તેમણે ખાતરી આપી હતી કે, જરૂરિયાતના આ સમયમાં દેશવાસીઓને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે.
  4. ભારતના સ્વતંત્રતાના સંગ્રામે સમગ્ર દુનિયાને પ્રેરણા આપી છે. વિસ્તારવાદની વિચારધારાએ કેટલાક દેશોને ગુલામ બનાવી દીધા હતા. ઘાતકી યુદ્ધો વચ્ચે પણ, ભારતે પોતાની સ્વતંત્રતાની ચળવળ જરાય ડગવા દીધી નહોતી.
  5. કોવિડ મહામારી વચ્ચે, 130 કરોડ ભારતીયોએ આત્મનિર્ભર બનવાનો દૃઢ સંકલ્પ કર્યો છે અને તમામ ભારતીયોના મનમાં ‘આત્મનિર્ભર ભારત’ની લાગણી છવાયેલી છે. આ સપનું હવે એક પ્રણમાં બદલાઇ રહ્યું છે. આત્મનિર્ભર ભારત શબ્દ આજે 130 કરોડ ભારતીયોનો ‘મંત્ર’ બની ગયો છે. મારા સાથી ભારતીયોમાં રહેલી ક્ષમતાઓ, વિશ્વાસ અને સંભાવનાઓ પર મને પૂરો આત્મવિશ્વાસ છે. એકવાર આપણે કંઇક કરવાનો મનમાં નિર્ધાર કરી લઇએ એટલે, તે લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આપણે જંપતા નથી.
  6. આજે, આખી દુનિયા આંતરિક રીતે જોડાયેલી છે અને એકબીજા પર નિર્ભર છે. આ જ એ સમય છે જેમાં વૈશ્વિક અર્થતંત્રમાં ભારત ભૂમિકા નિભાવે. આ માટે, ભારતે આત્મનિર્ભર થવાનું છે. કૃષિ ક્ષેત્રથી માંડીને અવકાશથી આરોગ્ય સંભાળ સુધીના દરેક ક્ષેત્રમાં ભારત હવે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે કેટલાક પગલાં લઇ રહ્યું છે. મને તે પગલાંઓ પર વિશ્વાસ છે જેમકે, અવકાશ ક્ષેત્રને ખુલ્લું મૂકવાથી યુવાનો માટે રોજગારીની સંખ્યાબંધ તકોનું સર્જન થશે તેમજ તેમના કૌશલ્ય અને સંભાવનાઓમાં વધારો કરવા માટે નવા આયામો ખુલશે.
  7. માત્ર થોડા મહિનાઓ પહેલાં જ, આપણે વિદેશમાંથી આયાત કરેલા N95 માસ્ક, PPE કિટ્સ અને વેન્ટિલેટર્સનો ઉપયોગ કરતા હતા. મહામારીના સમય દરમિયાન આપણે માત્ર N95 માસ્ક, PPE કિટ્સ અને વેન્ટિલેટર્સ બનાવ્યા જ નથી પરંતુ સમગ્ર દુનિયામાં તેની નિકાસ પણ કરી છે.
  8. ‘મેક ઇન ઇન્ડિયા’ ઉપરાંત, આપણે ‘મેક ફોર વર્લ્ડ’નો મંત્ર પણ અપનાવવો જરૂરી છે.
  9. રૂપિયા 10 લાખ કરોડની કિંમતની રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હાલમાં પ્રક્રિયામાં રહેલી પરિયોજનાઓ દેશમાં એકંદરે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પરિયોજનાઓમાં વેગ લાવશે. હવે અમે મલ્ટી-મોડેલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરીશું. હવે આપણી બીબાઢાળ સ્થિતિમાં કામ ના કરી શકીએ; આપણે વ્યાપક અને એકીકૃત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અલગ-અલગ ક્ષેત્રોની અંદાજે 7,000 પરિયોજનાઓ પણ ઓળખી કાઢવામાં આવી છે. તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ આવશે.
  10. ક્યાં સુધી આપણા જ દેશમાંથી કાચો માલ બહાર જઇને તૈયાર ઉત્પાદન થઇને પાછું તે ભારતમાં જ આવશે? એક સમય એવો હતો જ્યારે આપણું કૃષિ તંત્ર ખૂબ જ પછાત સ્થિતિમાં હતું. ત્યારે સૌથી મોટી ચિંતા એ હતી કે, દેશવાસીઓનું પેટ કેવી રીતે ભરવું? આજે, આપણે માત્ર ભારત જ નહીં બલ્કે, દુનિયામાં સંખ્યાબંધ દેશોને અન્ન પૂરું પાડવાની સ્થિતિમાં છીએ. આત્મનિર્ભર ભારતનો મતલબ માત્ર આયાતમાં ઘટાડો કરવો એવો નથી પરંતુ તેનો મતલબ આપણા કૌશલ્યો અને આપણી સર્જનાત્મકતામાં વધારો કરવો એવો પણ થાય છે.
  11. ભારતમાં જે સુધારા કરવામાં આવી રહ્યાં છે, તેની નોંધ આખી દુનિયા લઇ રહી છે. તેના પરિણામે, દેશમાં આવતા FDIના પ્રવાહે અત્યાર સુધીના તમામ વિક્રમો તોડી નાખ્યા છે. ભારતમાં કોવિડ મહામારીના વિષમ સમય દરમિયાન પણ FDIમાં 18%નો વધારો જોવા મળ્યો છે.
  12. કોણ એવી કલ્પના કરી શકે કે, લાખો કરોડો રૂપિયા દેશના ગરીબ લોકોના જન ધન ખાતાંઓમાં સીધા જ ટ્રાન્સફર કરવામાં આવશે? કોણ એવું વિચારી શકે કે, ખેડૂતોના લાભાર્થે APMC અધિનિયમમાં આટલા મોટાપાયે સુધારો કરવામાં આવશે? એક દેશ, એક રાશન કાર્ડ, એક દેશ- એક કર, નાદારી અને દેવાળિયાપણું સંહિતા અને બેંકોનું વિલિનીકરણ એ બધુ જ આજે આપણા દેશની વાસ્તવિકતા છે.
  13. અમે મહિલાઓના સશક્તિકરણ માટે કામ કર્યું છે – નૌસેના અને વાયુસેનામાં મહિલા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવે છે, મહિલાઓ હવે નેતૃત્વ કરે છે અને અમે ત્રિપલ તલાકની પ્રથા નાબૂદ કરી દીધી છે, મહિલાઓ માટે માત્ર 1 રૂપિયાની કિંમતે સેનેટરી નેપકિન લાવ્યા છીએ.
  14. મારા પ્રિય દેશવાસીઓ, આપણે ત્યાં કહેવાય છે કે – સામર્થ્યમૂલં સ્વાતંત્ર્યં, શ્રમમૂલં ચ વૈભવમ. અર્થાત્ કોઇપણ સમાજની મજબૂતી, કોઇપણ રાષ્ટ્રની આઝાદીની તાકાત છે અને તેની સમૃદ્ધિ તેમજ તેની પ્રગતિનો સ્રોત તેની શ્રમ શક્તિ છે.
  15. 7 કરોડ ગરીબ પરિવારોને વિનામૂલ્યે ગેસના સિલિન્ડર આપવામાં આવ્યા છે, 80 કરોડ કરતાં વધારે લોકોને રાશન કાર્ડ વગર જ વિનામૂલ્યે અન્ન પૂરું પાડવામાં આવ્યું છે, અંદાજે 90 હજાર કરોડ રૂપિયા સીધા જ લાભાર્થીઓના બેંક ખાતાંઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ગરીબોને તેમના ગામમાં જ રોજગારી મળી રહે તે માટે ગરીબ કલ્યાણ રોજગાર યોજના શરૂ કરવામાં આવી છે.
  16. વોકલ ફોર લોકલ, પુનઃકૌશલ્ય અને કૌશલ્ય વૃદ્ધિના અભિયાન ગરીબી રેખાથી નીચે જીવી રહેલા લોકોના જીવનમાં આત્મનિર્ભર અર્થતંત્ર લાવશે.
  17. દેશના સંખ્યાબંધ પ્રદેશો વિકાસના સંદર્ભમાં પાછળ રહી ગયા છે. 110 આવા મહત્વાકાંક્ષી જિલ્લાઓ પસંદ કરીને, તેમના માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે જેથી, લોકોને બહેતર શિક્ષણ, બહેતર આરોગ્ય સુવિધાઓ અને બહેતર રોજગારીની તકો ઉપલબ્ધ થઇ શકે.
  18. આત્મનિર્ભર ભારત માટે એક મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે – આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર ખેડૂતો. દેશમાં ખેડૂતોને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે, થોડા દિવસ પહેલાં રૂપિયા 1 લાખ કરોડના ‘કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ’ની રચના કરવામાં આવી છે.
  19. આ લાલ કિલ્લા પરથી જ ગયા વર્ષે, મેં મિશન જળ જીવનની જાહેરાત કરી હતી. આજે, આ મિશન અંતર્ગત, દરરોજ એક લાખથી વધુ પરિવારોને પાણી માટે નળનાં જોડાણ મળી રહ્યાં છે.
  20. મધ્યમ વર્ગમાંથી આવી રહેલા વ્યાવસાયિકો માત્ર ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં તેમના કૌશલ્યથી ડંકો વગાડી રહ્યાં છે. મધ્યમ વર્ગને તક જોઇએ છે, મધ્યમ વર્ગને સરકારી હસ્તક્ષેપોમાંથી મુક્તિ જોઇએ છે.
  21. એવું પહેલી જ વખત બન્યું છે કે, તમારા ઘર માટે લીધેલી તમારી હોમ લોનના EMI પર ચુકવણીના સમયગાળા દરમિયાન રૂપિયા 6 લાખની છુટ મળી જાય છે. ગયા વર્ષે જ, રૂપિયા 25 હજાર કરોડ રૂપિયાનું ભંડોળ હજારો અધુરા ઘરોના કાર્યો પૂરાં કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
  22. આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે, અદ્યતન ભારતના નિર્માણ માટે, નવા ભારતના નિર્માણ માટે, સમૃદ્ધ ભારતના નિર્માણ માટે દેશમાં શિક્ષણનું પણ અત્યંત મહત્વ છે. આ વિચાર સાથે, દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવવામાં આવી છે.
  23. કોરોનાના આ સમયમાં, અમારા ધ્યાનમાં આવ્યું કે, ડિજિટલ ઇન્ડિયા અભિયાને મહત્વની ભૂમિકા નિભાવી છે. હજુ ગયા મહિનામાં જ, માત્ર BHIM UPI દ્વારા જ લગભગ રૂપિયા 3 લાખ કરોડના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા છે.
  24. 2014 પહેલાં, દેશમાં માત્ર 5 ડઝન પંચાયતો ઓપ્ટિકલ ફાઇબરથી જોડાયેલી હતી. છેલ્લા પાંચ વર્ષમાં, દેશમાં 1.5 લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવામાં આવી છે. દેશમાં તમામ છ લાખ ગામડાંઓને આગામી 1000 દિવસમાં ઓપ્ટિકલ ફાઇબરથી જોડવામાં આવશે.
  25. મારા પ્રિય દેશવાસીઓ, અમારો અનુભવ કહે છે કે, ભારતમાં મહિલા શક્તિને જ્યારે પણ તકો પ્રાપ્ત થઇ છે ત્યારે, તેનો ઉપયોગ તેમણે દેશનું નામ રોશન કરવામાં અને દેશને વધુ મજબૂત બનાવવામાં કર્યો છે. આજે, મહિલાઓ માત્ર કોલસાની ખાણોમાં જ કામ નથી કરતી પરંતુ, તેઓ આજે યુદ્ધ વિમાનો પણ ઉડાડે છે, આકાશમાં નવી ઊંચાઈઓ આંબી રહી છે.
  26. દેશમાં અંદાજે 40 કરોડ જન ધન ખાતાં ખોલવામાં આવ્યા છે જેમાંથી અંદાજે 22 કરોડ ખાતાંઓ મહિલાઓએ જ ખોલાવ્યા છે. કોરોનાના સમયમાં, એપ્રિલ- મે- જૂન દરમિયાન, અંદાજે ત્રણ હજાર કરોડ રૂપિયા આ ત્રણ મહિના દરમિયાન મહિલાઓના ખાતાંમાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
  27. જ્યારે કોરોનાની શરૂઆત થઇ ત્યારે, આપણા દેશમાં કોરોનાનું પરીક્ષણ કરવા માટે માત્ર એક લેબોરેટરી હતી. આજે દેશમાં આ પરીક્ષણ માટે 1,400થી વધુ લેબોરેટરી ઉપલબ્ધ છે.
  28. આજથી દેશમાં અન્ય એક મોટા અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ છે, રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન. દરેક ભારતીયને એક અનન્ય આરોગ્ય આઇડી આપવામાં આવશે. રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન, ભારતમાં આરોગ્ય ક્ષેત્રે એક નવી ક્રાંતિ લાવશે. તમારા બધા પરીક્ષણો, દરેક બીમારી, તમને ડૉક્ટર જે દવા આપે, તમે ક્યારે અને કયો રિપોર્ટ કરાવ્યો, આ બધી જ માહિતી આ એક આરોગ્ય આઇડીમાં સમાવી લેવામાં આવશે.
  29. આજે, કોરોનાની માત્ર એક, બે નહીં પરંતુ ત્રણ રસી ભારતમાં પરીક્ષણ હેઠળ છે. વૈજ્ઞાનિકો તરફથી લીલીઝંડી બતાવવામાં આવે એટલે તુરંત આ રસી વિશાળ જનસમુદાયમાં આપવા માટે દેશે પૂરી તૈયારીઓ કરી લીધી છે.
  30. આ વર્ષ, જમ્મુ અને કાશ્મીરમાં વિકાસની નવી સફરનું વર્ષ છે. આ વર્ષ જમ્મુ અને કાશ્મીરમાં દલીત મહિલાઓના અધિકાર માટેનું વર્ષ છે! આ વર્ષ જમ્મુ અને કાશ્મીરમાંથી હિજરત કરનારા લોકોને આદરપૂર્ણ જીવન આપવાનું પણ વર્ષ છે. આપણા સૌના માટે આ ગૌરવની વાત છે કે, જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક એકમોના પ્રતિનિધિઓ સક્રિયતા અને સંવેદનશીલતા સાથે વિકાસના નવા યુગને આગળ ધપાવી રહ્યાં છે.
  31. ગયા વર્ષે લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીને, ત્યાંના લોકોની વર્ષો જૂની માંગને પૂરી કરવામાં આવી છે. લદાખ હિમાલયની ઊંચાઇઓ પર આવેલું છે, જે આજે વિકાસની નવી ઊંચાઇઓ તરફ આગળ વધી રહ્યું છે. જે પ્રકારે સિક્કિમે ઓર્ગેનિક રાજ્ય તરીકે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે તેવી જ રીતે, આગામી દિવસોમાં લદાખ, કાર્બન ઉત્સર્જનરહિત પ્રદેશ તરીકે પોતાની અલગ ઓળખ બનાવશે અને આ દિશામાં હાલમાં કામગીરી ચાલી રહી છે.
  32. દેશમાં પસંદગીના 100 શહેરોમાં પ્રદૂષણ ઘટાડવા માટે સર્વાંગી અભિગમ સાથે એક વિશેષ અભિયાન હાથ ધરવા પર કામ ચાલી રહ્યું છે.
  33. ભારત તેની જૈવ વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે સંપૂર્ણપણે સંવેદનશીલ છે. તાજેતરના ભૂતકાળમાં, દેશમાં વાઘની વસ્તીમાં ઘણો ઝડપી વધારો નોંધાયો છે! હવે આપણા એશિયાટિક સિંહો માટે પ્રોજેક્ટ લાયન પણ દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, પ્રોજેક્ટ ડોલ્ફિન પણ શરૂ કરવામાં આવશે.
  34. LOCથી માંડીને LAC પર, જેણે પણ આપણા દેશના સાર્વભૌમત્વ પર આંખ ઊંચી કરવાની હિંમત કરી છે તેમને, દેશના સૈન્યએ તેમની જ ભાષામાં આકરો જવાબ આપ્યો છે. ભારતના સાર્વભૌમત્વ પ્રત્યે આદર જળવાય તે અમારા માટે સર્વોપરી છે. દુનિયાએ લદાખમાં જોઇ લીધું છે કે, આ સંકલ્પ માટે આપણા બહાદુર સૈનિકો શું કરી શકે છે અને આ માટે દેશ શું કરી શકે છે.
  35. સમગ્ર દુનિયાની ચોથા ભાગની વસ્તી દક્ષિણ એશિયામાં છે. આપણે સહકાર અને સહભાગીતા સાથે આટલા વિશાળ જનસમુદાયના વિકાસ અને સમૃદ્ધિ માટે વણકહેલી સંભાવનાઓનું સર્જન કરી શકીએ છીએ.
  36. દેશની સુરક્ષામાં આપણા જમીન સરહદ અને દરિયાકાંઠા વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભૂમિકા પણ ઘણી મોટી છે. વાત હિમાલયના શિખરોની હોય કે પછી હિન્દ મહાસાગરની, આજે, દેશમાં માર્ગ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીનું અભૂતપૂર્વ સ્તરે વિસ્તરણ કરવામાં આવ્યું છે.
  37. આપણા દેશમાં 1300થી વધારે ટાપુ પ્રદેશો છે. તેના ભૌગોલિક સ્થાનોને જોઇને તેમજ દેશના વિકાસમાં તેમના મહત્વને ધ્યાનમાં રાખીને આમાંથી કેટલાક પસંદ કરેલા ટાપુઓ પર નવી વિકાસ યોજનાઓ શરૂ કરવા માટેની કામગીરી ચાલી રહી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ પછી હવે આગામી 1000 દિવસમાં લક્ષદ્વીપને પણ સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલથી જોડવામાં આવશે.
  38. દેશમાં NCCનું વિસ્તરણ 173 સરહદી અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં સુનિશ્ચિત કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત, અંદાજે 1 લાખ નવા NCC કેડેટ્સને વિશેષ તાલીમ આપવામાં આવશે. આમાં પણ, અંદાજે ત્રીજા ભાગની સંખ્યા દીકરીઓની રહેશે અને તેમને વિશેષ તાલીમ આપવામાં આવશે.
  39. આપણી નીતિઓ, આપણી પ્રક્રિયાઓ, આપણા ઉત્પાદનો, આ બધુ જ શ્રેષ્ઠ હોવું જોઇએ. તે સૌથી શ્રેષ્ઠ હોવું જરૂરી છે. જો આમ થશે તો જ, આપણે એક ભારત શ્રેષ્ઠ ભારતની દૂરંદેશીને સાચા અર્થમાં સાર્થક કરી શકીશું.
  40. ‘ઇઝ ઓફ લિવિંગ’માં મધ્યમ વર્ગ સૌથી મોટો લાભાર્થી વર્ગ રહેશે; સસ્તા ઇન્ટરનેટથી માંડીને સસ્તી હવાઇમુસાફરીની ટિકિટો, ધોરીમાર્ગોથી માંડીને આઇ-વે અને પરવડે તેવા આવાસથી માંડીને કરવેરામાં ઘટાડો – આ બધા જ પગલાં દેશના મધ્યમ વર્ગીય લોકોને વધુ સશક્ત બનાવશે.

 

SD/GP/BT


(Release ID: 1646119) Visitor Counter : 367