પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂરની સ્થિતિની સમીક્ષા કરવા છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી


પ્રધાનમંત્રીએ આગાહી અને ચેતવણીની વ્યવસ્થા સુધારવા માટે ઇનોવેટિવ ટેકનોલોજીઓના વિસ્તૃત ઉપયોગ પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વહેલી તકે સ્થાનિક ચેતવણીની વ્યવસ્થામાં રોકાણ વધારવું પડશે

મુખ્યમંત્રીઓએ પૂરની સ્થિતિ અને રાહત પ્રયાસો પર નવીન જાણકારી આપી; એનડીઆરએફ સહિત કેન્દ્ર સરકારની સંસ્થાઓની સમયસર પહોંચ અને લોકોને બચાવવાના કાર્યોની પ્રશંસા કરી

Posted On: 10 AUG 2020 3:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી છ રાજ્યો આસામ, બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકનો ઉદ્દેશ દક્ષિણ-પશ્ચિમ કે નૈઋત્યના ચોમાસાની તૈયારી અને દેશમાં હાલ ઊભી થયેલી પૂરની સ્થિતિની સમીક્ષા કરવાનો હતો. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી, રાજ્ય કક્ષાનાં બંને કેન્દ્રિય ગૃહ અને આરોગ્ય મંત્રીઓ તથા સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો અને સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

પ્રધાનમંત્રીએ પૂરની આગાહી કરવા માટે કાયમી વ્યવસ્થા સ્થાપિત કરવા તથા આગાહી અને ચેતવણીની વ્યવસ્થા સુધારવા ઇનોવેટિવ ટેકનોલોજીઓનો વિસ્તૃત ઉપયોગ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારોની તમામ સંસ્થાઓ વચ્ચે વધારે સારું સંકલન સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતીય હવામાન ખાતા અને કેન્દ્રીય જળ પંચ જેવી આપણી આગાહી કરતી સંસ્થાઓએ પૂરની વધારે સારી અને ઉપયોગ થઈ શકે એવી આગાહીઓ કરવા સંકલિત પ્રયાસો કર્યા છે. આ સંસ્થાઓએ વરસાદ અને નદીના જળસ્તરની આગાહી કરવાની સાથે ચોક્કસ સ્થળમાં પાણીના ભરાવા કે પૂર સાથે સંબંધિત આગાહી કરવાનો પણ પ્રયાસ કર્યો છે. કોઈ ચોક્કસ સ્થળ આધારિત વધારે સારી આગાહી કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ઇનોવેટિવ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પ્રાયોગિક પ્રયાસો થઈ રહ્યાં છે, જે માટે રાજ્ય સરકારોએ આ સંસ્થાઓને પર્યાપ્ત માહિતી પ્રદાન કરવી પડશે અને સ્થાનિક સમુદાયોને સમયસર ચેતવણીઓ આપવી પડશે.

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સ્થાનિક ધોરણે વહેલી તકે ચેતવણી કરવાની વ્યવસ્થામાં રોકાણ વધારવું પડશે, જેથી કોઈ ચોક્કસ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને નદી પર બાંધેલા બંધ તૂટવા, પૂરનું સ્તર, વીજળી પડવી વગેરે જેવા કોઈ પણ જોખમકારક સ્થિતિમાં સમયસર ચેતવણી પ્રદાન કરી શકાશે.

પ્રધાનમંત્રીએ કોવિડ-19 રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત કામગીરી હાથ ધરતા લોકો સ્વાસ્થ્ય સાથે સંબંધિત તમામ પ્રકારની કાળજી રાખે એ બાબત સુનિશ્ચિત કરવા રાજ્યો પર ખાસ ભાર મૂક્યો હતો, જેમાં ફેસ માસ્ક પહેરવું, હેન્ડ સેનિટાઇઝેશનનો ઉપયોગ કરવો અને રાહત સામગ્રીનાં વિતરણ દરમિયાન પર્યાપ્ત અંતર જાળવવું, રાહત સામગ્રીમાં અસરગ્રસ્ત લોકો માટે હેન્ડ સેનિટાઇઝર/સેનિટાઇઝિંગ તથા ફેસ માસ્ક સામેલ કરવા વગેરે બાબતો સામેલ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સંબંધમાં વયોવૃદ્ધ લોકો, ગર્ભવતી મહિલાઓ અને વિવિધ બીમારી ધરાવતા લોકો માટે ખાસ જોગવાઈ કરવી પડશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમામ વિકાસ અને માળખાગત યોજનાઓ સ્થાનિક આફતો સામે ટકી રહેવા અને સ્થિતિમાં થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરવા માટે સ્થિતિસ્થાપકતાથી બાંધવામાં આવવી જોઈએ.

આસામ, બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળના મુખ્યમંત્રીઓ તથા કર્ણાટકના ગૃહ મંત્રીએ તેમના રાજ્યોમાં પૂરની સ્થિતિ પર નવી જાણકારી, રાહત કામગીરીના પ્રયાસો વિશે માહિતી આપી હતી. તેમણે એનડીઆરએફની ટીમોને સમયસર તૈનાત કરવા અને લોકોને બચાવવા સહિત કેન્દ્ર સરકારની સંસ્થાઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે પૂરની અસરને શક્ય એટલી ઘટાડવા માટે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પગલાં માટે કેટલાંક સૂચનો પણ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ રાજ્યોએ કરેલા સૂચનો પર કામગીરી કરવા સંબંધિત મંત્રાલયો અને સંસ્થાઓના અધિકારીઓને સૂચના આપી હતી, તેમજ ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિવિધ આપત્તિનો સામનો કરવા તેમની ક્ષમતાઓ વધારવા ટેકો પ્રદાન કરવાનું જાળવી રાખશે.

SD/GP/BT



(Release ID: 1644816) Visitor Counter : 286