પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંદામાન અને નિકોબાર ટાપુ સુધી સબમરીન કેબલ કનેક્ટિવિટી (CANI) નો પ્રારંભ કર્યો


પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ કનેક્ટિવિટીથી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં નવી તકોને વેગ મળશે

ઇઝ ઓફ ડૂઇંગ અને દરિયાઇ હેરફેરની સુવિધાઓ પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે: પ્રધાનમંત્રી

આંદામાન અને નિકોબાર ટાપુઓને બંદર આધારિત વિકાસના હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે: પ્રધાનમંત્રી

આંદામાન અને નિકોબાર ટાપુઓ આંતરરાષ્ટ્રીય દરિયાઇ વ્યાપાર માટે મુખ્ય બંદર હબ બનશે: પ્રધાનંમત્રી

Posted On: 10 AUG 2020 12:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંદામાન અને નિકોબારના ટાપુઓને મુખ્ય ભૂપ્રદેશો સાથે જોડતા સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ (OFC)નો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરીને આ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. 30 ડિસેમ્બર, 2018ના રોજ પોર્ટબ્લેર ખાતે પ્રધાનમંત્રીએ આ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ કનેક્ટિવિટી હવે આ ટાપુઓ પર અનંત નવી તકો ઉભી કરશે. તેમણે કહ્યું હતું કે, 2300 કિમી લાંબો સબમરીન કેબલ નાખવામાં આવ્યો તેમજ નિર્ધારિત સમય પહેલાં જ આ કામ પૂરું કરવામાં આવ્યું તે ખરેખર પ્રશંસનીય કામગીરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચેન્નઇથી પોર્ટબ્લેર, પોર્ટબ્લેરથી લિટલ આંદામાન અને પોર્ટબ્લેરથી સ્વરાજ ટાપુ પર મોટા હિસ્સામાં આજથી સેવાની શરૂઆત થઇ છે.

દરિયાની અંદર 2300 કિલોમીટર લાંબો કેબલ નાંખવાની કામગીરીની ખૂબ પ્રશંસા કરતા કહ્યું હતું કે, ઊંડા દરિયામાં સર્વે, કેબલની ગુણવત્તા એકધારી જાળવી રાખવી અને વિશેષ નૌકાઓનો ઉપયોગ કરીને કેબલ નાંખવા એ કોઇ સહેલું કામ નથી. આ પરિયોજના આડે ઊંચા સમુદ્રી મોજા, ભરતી, તોફાનો અને ભારે ચોમાસુ તેમજ કોરોના મહામારીના કારણે ઉભા થયેલા કઠિન સમય તેવા ઘણા પડકારો હતા જેમાંથી તેમણે બહાર આવીને કામ કરવાનું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વર્ષોથી જરૂરિયાત વર્તાતી હતી, પરંતુ તે પૂરી કરવા માટે અત્યાર સુધી કોઇ પગલાં લેવામાં આવ્યા નહોતા. મોટા પડકારો વચ્ચે પણ આ પરિયોજના પૂરી કરવામાં આવી તે અંગે શ્રી મોદીએ ઘણી ખુશી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંદામાન અને નિકોબારના ટાપુઓ પર વસતા લોકો માટે સારી અને સસ્તી કનેક્ટિવિટી પૂરી પાડવી તે દેશની જવાબદારી છે. આ પરિયોજના સાથે સંકળાયેલા તમામ લોકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સબમરીન કેબલ, આંદામાન અને નિકોબારના ટાપુઓ દિલ્હીથી અને મુખ્ય ભૂપ્રદેશના લોકોના દિલથી દૂર નથી તે પુરવાર કરવાની દિશામાં એક પ્રયાસ છે.

દરેક નાગરિક માટે સરળ જીવન વ્યવસ્થાપન

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ અને દરેક ક્ષેત્રને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે જેથી દરેક વ્યક્તિ માટે ઇઝ ઓફ લિવિંગ એટલે કે સરળ અને સગવડભર્યું જીવન શક્ય થઇ શકે. તેમણે જણાવ્યું હતું કે, આંદામાન અને નિકોબારના ટાપુઓને દેશના બાકીના હિસ્સા સાથે જોડતી આ ઓપ્ટિકલ ફાઇબર પરિયોજના ઇઝ ઓફ લિવિંગ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું દૃષ્ટાંત છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા સરહદી વિસ્તારો અને ટાપુ રાજ્યોમાં ઝડપથી વિકાસ પ્રવૃત્તિઓ આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધ છે.

ડિજિટલ ઇન્ડિયા દ્વારા તકોમાં વૃદ્ધિ

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સબમરીન કેબલ આંદામાન અને નિકોબાર ટાપુઓને સસ્તી અને સારી કનેક્ટિવિટી મેળવવામાં મદદરૂપ થશે અને ખાસ કરીને ઑનલાઇન શિક્ષણ, ટેલિ-મેડિસિન, બેંકિંગ પ્રણાલી, ઑનલાઇન વેપારમાં સુધારો અને પર્યટનને વેગવાન બનાવવા સહિત ડિજિટલ ઇન્ડિયાના તમામ લાભો પ્રાપ્ત થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનો સમુદ્ર હજારો વર્ષોથી ભારતના વેપાર અને વ્યૂહાત્મક શૌર્યનું કેન્દ્ર રહ્યો છે તેમજ આંદામાન અને નિકોબારના ટાપુઓ ભારતના આર્થિક- વ્યૂહાત્મક સહકાર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર છે.

તેમણે કહ્યું હતું કે, ભારતના તમામ ટાપુઓ હિન્દ-પ્રશાંત પ્રદેશ માટે ભારતની નવી વેપાર વ્યૂહનીતિ અંતર્ગત મહત્વની ભૂમિકા નિભાવશે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, એક્ટ-ઇસ્ટ નીતિ અંતર્ગત, પૂર્વ એશિયાના દેશો અને દરિયાથી જોડાયેલા અન્ય દેશો સાથે ભારતના મજબૂત સંબંધોમાં આંદામાન અને નિકોબારની ભૂમિકા ખૂબ જ ઊંચી છે અને તેમાં હજુ પણ વધારો થવા જઇ રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, ટાપુ વિકાસ એજન્સીની રચના ત્રણ વર્ષ પહેલાં કરવામાં આવી હતી જેથી તેમની ભૂમિકા વધુ મજબૂત કરી શકાય. તેમણે કહ્યું હતું કે, વર્ષોથી આંદામાન અને નિકોબારમાં જે પરિયોજનાઓ પૂરી કરવામાં આવી નથી, તેને હવે ઝડપથી પૂરી કરવામાં આવશે.

અત્યાધુનિક પ્રભાવશાળી યોજનાઓ, બહેતર જમીન, વાયુ અને જળ માર્ગો બનશે

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંદામાન અને નિકોબારના 12 ટાપુઓ પર આ પરિયોજનાથી ખૂબ જ મોટો પ્રભાવ પડશે તેવી અપેક્ષા છે. તેમણે ઉમેર્યું હતું કે, બહેતર ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્ટિવિટી પૂરી પાડવા ઉપરાંત, આ પરિયોજનાથી જમીન, વાયુ અને જળ માર્ગની ભૌતિક કનેક્ટિવિટીમાં પણ સુધારો લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.

પ્રધાનમંત્રીએ ઉત્તર અને મધ્ય આંદામાનમાં માર્ગ કનેક્ટિવિટી સુધારવા માટે બે મુખ્ય પુલો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-4 માટે ચાલી રહેલા કામનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, પોર્ટબ્લેર હવાઇમથક 1200 મુસાફરોનું સંચાલન કરી શકે તે પ્રકારે તેની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, દિગ્લીપુર, કાર નિકોબાર અને કેમ્પબેલ- અખાતમાં પણ હવાઇમથકો પરિચાલન માટે તૈયાર થઇ ગયા છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં સ્વરાજ દ્વીપ, શહીદ દ્વીપ અને લોંગ આઇલેન્ડ ફ્લોટિંગ જેટ્ટી જેવા વોટર એરોડ્રામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી પરિચાલન માટે તૈયાર થઇ જશે.

તેમણે જણાવ્યું હતું કે, કોચી શીપયાર્ડ ખાતે ચાર જહાજોનું નિર્માણ થઇ રહ્યું છે, જે ટૂંક સમયમાં ટાપુઓ અને મુખ્ય ભૂપ્રદેશ વચ્ચે જળ કનેક્ટિવિટી સુધારવા માટે આપવામાં આવશે.

બંદર આધારિત વિકાસ

તેમણે કહ્યું હતું કે, આંદામાન અને નિકોબારને બંદર આધારિત વિકાસના હબ તરીકે વિકસાવવામાં આવશે કારણ કે, દુનિયાના સંખ્યાબંધ બંદરોથી તે સ્પર્ધાત્મક અંતર ધરાવે છે.

પ્રધાનંમત્રીએ ઉમેર્યું હતું કે, જેમની પાસે બંદરો અને તેની કનેક્ટિવિટીનું શ્રેષ્ઠ નેટવર્ક છે તેવા દેશો 21મી સદીમાં વેપારને વેગ આપવા માટે સમર્થ બનશે.

તેમણે કહ્યું હતું કે, આજે જ્યારે ભારત આત્મનિર્ભરતાના દૃઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે અને વૈશ્વિક પૂરવઠા અને મૂલ્ય શ્રૃંખલામાં પોતાને મહત્વપૂર્ણ ખેલાડી તરીકે પ્રસ્થાપિત કરી રહ્યું છે ત્યારે, આપણા જળમાર્ગોનું નેટવર્ક અને આપણા બંદરોને વધુ મજબૂત કરવામાં આવે તે પણ ખૂબ મહત્વનું છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, બંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં આવતા કાયદાકીય અવરોધો પણ સતત દૂર કરવામાં આવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય દરિયાઇ વ્યાપાર

પ્રધાનંમત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દરિયામાં સરળતાથી વ્યવસાય (ઇઝ ઓફ બિઝનેસ)ને પ્રોત્સાહન અને દરિયાઇ હેરફેરની સુવિધાઓના સરળીકરણ પર ધ્યાન આપી રહી છે. તેમણે ડીપ ડ્રાફ્ટ ઇનર હાર્બરના ઝડપથી ચાલી રહેલા નિર્માણ કાર્ય અને અંદાજે રૂપિયા 10 હજાર કરોડના ખર્ચે ગ્રેટ નિકોબારમાં ટ્રાન્સ શીપમેન્ટ બંદરનું નિર્માણ કરવાની દરખાસ્તનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આનાથી અહીં મોટા જહાજો લંગારી શકાશે અને તેનાથી દરિયાઈ વ્યાપારમાં ભારતની હિસ્સેદારી વધશે તેમજ રોજગારની નવી તકોનું પણ સર્જન થશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વિકસાવવામાં આવી રહેલા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અનુરૂપ ટાપુઓ પર મસ્ત્યપાલન, જળચર સંવર્ધન અને સીવીડ ખેતી જેવા બ્લુ ઇકોનોમીના કાર્યોમાં પણ વેગ આવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો આંદામાન અને નિકોબારના ટાપુઓને માત્ર નવી સુવિધાઓ જ આપશે તેવું નથી પરંતુ, વૈશ્વિક પર્યટનના નક્શા પર તેને પ્રસિદ્ધ સ્થળ તરીકેની ઓળખ પણ આપશે.

 

SD/GP/BT


(Release ID: 1644777) Visitor Counter : 313