માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

જમ્મુ, કાશ્મીર અને લદ્દાખમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિનો નવો અરુણોદય: વિકાસને વેગ આપવા માટે શ્રેણીબદ્ધ માર્ગ અને ધોરીમાર્ગ પરિયોજનાઓ

Posted On: 07 AUG 2020 1:21PM by PIB Ahmedabad

નીચે આપેલો લેખ વરિષ્ઠ પત્રકાર અને પ્રસાર ભારતી બોર્ડના સભ્ય શ્રી અશોક ટંડનનો છે જેનું શીર્ષક છે : જમ્મુ, કાશ્મીર અને લદ્દાખમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિનો નવો અરુણોદય: વિકાસને વેગ આપવા માટે શ્રેણીબદ્ધ માર્ગ અને ધોરીમાર્ગ પરિયોજનાઓ

ભારતીય જન સંઘ (વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીનો પુરોગામી પક્ષ)ના આદ્યસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીએ ભારતીય સંઘપ્રદેશમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યનું સંપૂર્ણ વિલીનીકરણ કરવા માટે દેશવ્યાપી સત્યાગ્રહ (અહિંસક વિરોધ)નું નેતૃત્ત્વ સંભાળવામાં પોતાનાં સંપૂર્ણ જીવનનું બલિદાન આપી દીધું હતું.

ડૉ. મુખરજીએ જમ્મુ અને કાશ્મીરની સરહદે પ્રવેશ માટે લેવી પડતી મંજૂરીના આદેશોનો વિરોધ કર્યો હતો અને "એક દેશ મેં દો વિધાન, દો પ્રધાન ઔર દો નિશાન નહીં ચલેંગે” (એટલે કે એક દેશમાં બે બંધારણ, બે પ્રધાનમંત્રી અને બેે રાષ્ટ્રધ્વજ સ્વીકાર્ય નહીં) સૂત્રો પોકારતા ધરપકડ વ્હોરી હતી.

તેમને શ્રીનગરની જેલમાં રાખવામાં આવ્યા હતા જ્યાં 23 જૂન 1953ના રોજ તેમનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું હતું.

ત્યારે કોઇને કલ્પના પણ નહોતી કે, પક્ષની બીજી પેઢીના ગુજરાતના નેતા જ્યારે પક્ષનું નેતૃત્ત્વ સંભાળીને પોતાના બળે પ્રચંડ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તાનું સુકાન હાથમાં લેશે ત્યારે ડૉ. મુખરજીનો આ પ્રયાસ સાકાર થશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં NDAની સરકારે 5 ઑગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરને ભારતના બંધારણની કલમ 370 હેઠળ આપવામાં આવેલા વિશેષ દરજ્જાને પાછો ખેંચ્યો તે સાથે જ રાજ્યના લોકો કેન્દ્ર સરકારના તમામ કાર્યક્રમો અને કાયદા સુધી પહોંચ મેળવવા સમર્થ બન્યા જેમાં વંચિત લોકોને અનામતનો લાભ, શિક્ષણનો અધિકાર અને માહિતીનો અધિકાર, તેમજ લઘુતમ વેતન અધિનિયમ અને લઘુમતી કાયદો પણ તેમના માટે લાગુ થવા લાગ્યો.

અન્ય સીમાચિહ્નરૂપ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 2019 અંતર્ગત રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે જમ્મુ - કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરવા માટે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલા ઐતિહાસિક આદેશ સાથે રાજ્યને આપવામાં આવેલી સ્વાયત્તતાની તમામ જોગવાઇઓ નાબૂદ થઇ ગઇ.

છેલ્લા એક વર્ષમાં NDA સરકાર જ્યારથી સત્તારૂઢ થઇ છે ત્યારથી, વિવિધ મોરચે શ્રેણીબદ્ધ પડકારોનો સામનો કરી રહી છે જેમાં સરહદી સુરક્ષા, જમ્મુ અને કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે રચનાત્મક જોડાણ અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવી રહેલા સ્થાનિક રાજકીય અવરોધો પણ સામેલ છે.

અને પછી, આ બધાની વચ્ચે રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે તેમજ ત્રણેય પ્રદેશોમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માટે ઝડપથી અમલીકરણનો એક પ્રચંડ પડકાર પણ સરકાર સમક્ષ હતો.

લગભગ સાત દાયકા સુધી દેશ પર શાસન કરનારા એક પરિવાર દ્વારા ચાલતા રાજકીય પક્ષે કલમ 370ના નામે જે પ્રકારે જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના લોકો સાથે વિશ્વાસઘાત કરીને તેમને પીડા આપી તેમાંથી મુક્તિ અપાવવા માટે કેન્દ્ર સરકારે આ પડકારોને તકમાં પરિવર્તિત કરી દીધા.

આ પ્રદેશના યુવાનો જેમાં ખાસ કરીને કાશ્મીર ખીણ પ્રદેશમાં ગેરમાર્ગે દોરવામાં આવેલા યુવાનોને પ્રધાનમંત્રીએ વ્યક્તિગત રૂપે અનુરોધ કર્યો કે, “તેઓ આ ઐતિહાસિક સફરનો હિસ્સો બની બહેતર ઉદ્દેશ સિદ્ધ કરવા માટે સૌ હાથમાં હાથ મિલાવીને સાથે ચાલે”. આના કારણે પાયાના સ્તરે ખૂબ જ નક્કર પરિણામો જોવા મળ્યાં હતાં.

જમ્મુ - કાશ્મીર અને લદ્દાખ બંને કેન્દ્ર શાસિત પ્રદેશો હોવાથી (જમ્મુ અને કાશ્મીર કાયમ માટે નથી) તે સીધા જ કેન્દ્ર સરકારના તાબા હેઠળ આવે છે અને મોદી સરકારે સમગ્ર પ્રદેશના સહિયારા વિકાસ અને પારદર્શક શાસન વ્યવસ્થાના નવા યુગના ઉદય માટે શાંતિ અને પ્રગતિની મહત્વાકાંક્ષી રૂપરેખા તૈયાર કરી છે.

ટીમ મોદીએ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ટરનું નિર્માણ કરવા માટે અને સંખ્યાબંધ સમાજ કલ્યાણ અને રોજગારી સર્જનની યોજનાઓ અને કાર્યક્રમોને ઝડપથી આગળ ધપાવવા માટે એકીકૃત અભિગમ અપનાવ્યો છે જેમાં કોટેજ, હસ્તકળા, હાથવણાટ અને બાગાયતી ઉદ્યોગો સહિત લઘુ, મધ્યમ અને સુક્ષ્મ (MSME) ઉદ્યોગોના વિકાસ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તમામ ત્રણેય પ્રદેશોમાં સમાજના વચિંત વર્ગોના સર્વાંગી વિકાસ અને સોશિયો-ઇકોનોમિક ઉત્કર્ષ માટે આ પ્રયાસો આદરવામાં આવ્યા છે.

તમામ પ્રકારની ઋતુઓમાં ટકી શકે તેવા સારી ગુણવત્તાના માર્ગો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કરવાથી આજદિન સુધી આંતર-પ્રાંતીય અને પ્રદેશની અંદર કનેક્ટિવિટીના અભાવના કારણે મુશ્કેલીમાં સપડાયેલું આ ક્ષેત્ર તેના દ્વિભાજન પછીના સમયમાં નવી રોજગારીની તકોના સર્જન અને પ્રોત્સાહનની દિશામાં ઘણું આગળ વધ્યું છે.

છેલ્લા એક વર્ષમાં પ્રદેશ અનુસાર કામગીરીના ઓડિટના વચને, સ્પષ્ટપણે ઘણાં સારાં પરિણામો આપ્યા છે પરંતુ આ સુંદર અને મનોરમ્ય ભૂમિ પર ખાસ કરીને દુર્ગમ વિસ્તારોમાં ટનલો સહિત કેટલાક વ્યૂહાત્મક મહત્વ ધરાવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ કાર્યો તેમજ હાલમાં ચાલી રહેલી તમામ પરિયોજનાઓ સંપન્ન થશે, હવામાનની આત્યાંતિક પરિસ્થિતિઓમાં પણ કામ કરવા માટે સક્ષમ થશે ત્યારે આ પ્રદેશમાં પરિવર્તનનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ દેખાશે.

 

કાશ્મીર: કશ્યપ ઋષિની ભૂમિ

અગ્રણી ઑસ્ટ્રેલિયન સંશોધક અને કાશ્મીર પર રચિત કેટલાક પુસ્તકોના લેખક ક્રિસ્ટોફર સ્નેડ્ડેનના જણાવ્યા અનુસાર, કાશ્મીરનું નામ કશ્યપ મીર (કશ્યપ ઋષિનું તળાવ) નામનો અપભ્રંશ થઇને તેનું ટૂકું રૂપ હોઇ શકે છે.

અને વિખ્યાત ભારતીય સુફી કવિ અને વિદ્વાન આમીર ખુશરોએ કાશ્મીરના મનોરમ્ય સૌંદર્ય વિશે નીચે દર્શાવેલા શબ્દોમાં વર્ણન કર્યું છે:

અગર ફીરદૌસ બાર રૂ-એ ઝમીં અસ્ત,

હામીં અસ્ત-ઓ હામીં અસ્ત-ઓ હામીં અસ્ત.

(જો પૃથ્વી પર કોઇ સ્વર્ગ છે તો, તે અહીં છે, તે અહીં છે.)

પર્યટન હંમેશ માટે કાશ્મીરના અર્થતંત્રની જીવાદોરી રહ્યું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ટરમાં કરવામાં આવેલી વૃદ્ધિ તેની સફળતાની મુખ્ય ચાવી છે અને ખીણ પ્રદેશમાંથી તેના કારણે નિકાસને પણ પ્રોત્સાહન મળ્યું છે.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે NHAI અને NHIDCL જેવી પોતાની શાખાઓ સાથે મળીને, BRO અને રાજ્ય PWDના સહયોગથી હાલમાં શ્રેણીબદ્ધ પરિયોજનાઓ પૂર્ણ કરવાનું બીડું ઝડપ્યું છે અને આ પરિયોજનાઓ પૂર્ણ થયા પછી અહીં ખૂબ મોટાપાયે વિકાસના દ્વાર ખુલશે અને રેશમ સંવર્ધન, ઠંડા પાણીનો મત્સ્ય ઉદ્યોગ, કાષ્ટકામ, ક્રિકેટના બેટ, કેસર, હસ્તબનાવટની ચીજો અને બાગાયતી ઉત્પાદનોના વધુ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને અહીં ઉત્પાદક કંપનીઓ સ્થાપવામાં સ્ટાર્ટ અપ્સને મદદ કરી શકાશે.

હાલમાં ચાલી રહેલી પરિયોજનાઓમાં શ્રીનગર- જમ્મુ- લાખનપુર ધોરીમાર્ગ; કાઝીગંડ- બનિહાલ ટનલ અને શ્રીનગર રીંગ રોડના કાર્યો પણ સામેલ છે.

જમ્મુ:

જુના જમાનામાં જામ્બુપુરાના નામથી ઓળખાતી મંદિરોની સુંદર નગરી, તાવી નદીના કાંઠે બાહુ કિલ્લાનું નિર્માણ કરનારા બાહુ લોચનના ભાઇ રાજા જામ્બુ લોચનના શાસન વખતે તેમના રાજ્યનું પાટનગર હતી. આ બંને ભાઇઓ ભગવાન શ્રી રામના વંશજો હોવાનું માનવામાં આવે છે.

જમ્મુ રીંગ રોડ સહિત ઝડપથી વિકસી રહેલી રેલવે અને જમીનમાર્ગ કનેક્ટિવિટીના કારણે જમ્મુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ધાર્મિક પર્યટન અને વુડ ગ્રેઇન (ધૂપ છાંવ), સંચા, બાસમતી ચોખાનો વેપાર, ચોખાની મિલો, ગાલીચા, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ અને ઇલેક્ટ્રોનિક સામાન જેવા વ્યવસાયોમાં સ્ટાર્ટ અપ્સ સાથે અર્થતંત્રને ખૂબ વેગ મળ્યો છે.

લદ્દાખ:

ઊંચા પાસ (સાંકડા માર્ગો) અને માર્યૂલ ઓફ ન્ગારી (ન્ગારીની નીચાણ વાળી ભૂમિ) સાથેનો લડ્વાગ્સ તરીકે પણ ઓળખાતો આ પ્રદેશ, વ્યૂહાત્મક સંવેદનશીલતા પણ ધરાવે છે. કાશ્મીર ખીણ પ્રદેશમાં શાસન કરતા ભદ્ર લોકો તરફથી આ વિસ્તાર સાથે હંમેશા ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે.

લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કરવાના મોદી સરકારના નિર્ણયે, આ પ્રદેશમાં રહેતા શાંતિ પ્રિય લોકોના જીવનમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિનો નવો અરૂણોદય કર્યો છે અને વિકાસ તેમજ આર્થિક વૃદ્ધિના સંદર્ભમાં અત્યાર સુધી રહેલા અસંતુલનમાં સુધારો કર્યો છે.

મોટાભાગે દુર્ગમ પ્રદેશો અને વ્યૂહાત્મક સ્થળો ધરાવતા લદ્દાખમાં તમામ ઋતુઓમાં ટકી શકે તેવા માર્ગો અને ધોરીમાર્ગોના નેટવર્કના નિર્માણ સાથે અભૂતપૂર્વ ઇન્ફ્રાસ્ટ્રક્ટર વિકાસ જોવા મળી રહ્યો છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટનને અહીં પ્રોત્સાહન આપવામાં આવ્યું હોવાથી લદ્દાખ ક્ષેત્રને મોટું બળ પ્રાપ્ત થયું છે.

લદ્દાખ પ્રદેશના વિકાસ માટે કેન્દ્રીય આર્થિક સહાયોના પેકેજમાં કોઇ જ મર્યાદા રાખવામાં ના આવી હોવાથી, અહીં કૃષિ અને પશુધન ઉછેરની પ્રવૃત્તિઓની ઉન્નતિના કારણે કૃષિ આધારિત અર્થતંત્રમાં અદભૂત વિકાસ જોવા મળી રહ્યો છે.

બાગાયત અને રોકડિયા પાકો માટે સિંચાઇની સુવિધામાં વૃદ્ધિ કરવામાં આવી હોવાથી ઉપજ વધી છે અને તેના પરિણામે ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે.

અને અંતે એક મહત્વની વાત એ છે કે, કલમ 370ની નાબૂદી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના નિર્ણયથી ત્રણેય પ્રદેશોમાં સ્થાનિક સમુદાયોમાં જાહેર વાર્તાલાપોમાં લોકભાગીદારીમાં સહભાગીતાની સુઝ ઘણી વધી છે. ખીણ પ્રદેશોમાં વસતા યુવાનો હવે સુરક્ષાદળો અને જાહેર સેવાઓમાં જોડાઇ રહ્યા છે અને શિક્ષણ તેમજ રમતગમતના ક્ષેત્રોમાં મહારત હાંસલ કરી રહ્યાં છે તે સ્પષ્ટ નજરે ચડે છે.

હાલમાં, કાશ્મીર તેમજ લદ્દાખના લોકોમાં મહિલાઓના અધિકારો અને છોકરીઓને શિક્ષણ આપવાના મહત્વ અંગે ખૂબ જ જાગૃતિ વધી છે.

અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા અને યુવાનોમાં કટ્ટર વિચારધારા લાવવા માટે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત પ્રયાસોને ઉઘાડા પાડવામાં મદદરૂપ થવા માટે લોકો હવે સ્થાનિક પ્રશાસન સાથે હાથ મિલાવવા આગળ આવી રહ્યા છે.

 

SD/BT



(Release ID: 1644121) Visitor Counter : 245