પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉચ્ચ શિક્ષણ કોન્ક્લેવમાં પ્રારંભિક સંબોધન કર્યું


રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને ભવિષ્યના પડકારો ઝીલવા સજ્જ કરવાનો છેઃ પ્રધાનમંત્રી

નવી શિક્ષણ નીતિ નવા ભારતનો પાયો નાંખશેઃ પ્રધાનમંત્રી

આ નીતિ સંપૂર્ણ અભિગમ પર આધારિત છેઃ પ્રધાનમંત્રી

Posted On: 07 AUG 2020 2:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચ શિક્ષણ કોન્ક્લેવ (ઉચ્ચ શિક્ષણ બેઠક)માં પ્રારંભિક સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 3થી 4 વર્ષની સઘન ચર્ચાવિચારણા પછી અને લાખો સૂચનો પર મનોમંથન કર્યા પછી મંજૂર થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર સ્વસ્થ ચર્ચા અને વિચારણા થઈ રહી છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ એક તરફ, રાષ્ટ્રીય મૂલ્યો અને રાષ્ટ્રીય લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, તો બીજી તરફ આપણી યુવા પેઢીને ભવિષ્યના પડકારો ઝીલવા સક્ષમ બનાવવાનો છે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ નીતિ નવા ભારતનું, 21મી સદીના ભારતનો પાયો નાંખશે. ભારતને મજબૂત કરવા માટે, એને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવા તથા ભારતના નાગરિકોને વધારે સક્ષમ બનાવવા યુવા પેઢીને શિક્ષિત અને કુશળ બનાવવાની જરૂર છે, જેથી તેઓ મહત્તમ સંખ્યામાં તકો ઝડપી શકે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષોથી આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ફેરફાર થયો નહોતો, જેના પગલે લોકોની પ્રાથમિકતા અને માનસિકતા નબળી પડી ગઈ હતી. આપણા દેશના લોકો ડૉક્ટર, એન્જિનીયર કે વકીલ બનવા પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. તેમણે ઉમેર્યું હતું કે, રસ, ક્ષમતા અને માગ – આ ત્રણ બાબતો પર શિક્ષણ વ્યવસ્થાએ ધ્યાન આપ્યું જ નહોતું.

પ્રધાનમંત્રીએ પ્રશ્ર ઉઠાવ્યો હતો કે, જ્યાં સુધી આપણા શિક્ષણમાં રસ જાગ્રત નહીં થાય, શિક્ષણની ફિલોસોફી, શિક્ષણનો ઉદ્દેશ લોકોને નહીં સમજાય, ત્યાં સુધી મહત્ત્વપૂર્ણ વિવિધ વિષયોમાં રચનાત્મક ચિંતન અને નવીન વિચારસરણી કેવી રીતે વિકસી શકે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ગુરુ રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ પરના વિચારોનું પ્રતિબિંબ પણ છે, જેનો ઉદ્દેશ આપણા જીવન અને સહઅસ્તિત્વ ધરાવતા અન્ય તમામ જીવો વચ્ચે સંવાદિતતા સ્થાપિત કરવાનો છે. તેમણે કહ્યું હતું કે, સંપૂર્ણ અભિગમ જરૂરી હતો, જેમાંથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સફળતાપૂર્વક બની છે.

તેમણે કહ્યું હતું કે, બે મોટા પ્રશ્રોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં આવી હતીઃ એક, આપણી શિક્ષણ વ્યવસ્થા આપણી યુવા પેઢીને રચનાત્મક, જિજ્ઞાસુ અને સમર્પણથી પ્રેરિત જીવન જીવવા માટે પ્રોત્સાહન આપે છે? અને બે, આપણી શિક્ષણ વ્યવસ્થા આપણા યુવાનોને દેશમાં સક્ષમ સમાજનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે? આ બંને પ્રશ્રો પર તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ આ બંને અનિવાર્ય મુદ્દાઓને ધ્યાનમાં લીધા છે, તેના પર પૂરતો વિચાર કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની શિક્ષણ વ્યવસ્થાને સમયની સાથે પરિવર્તન કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, અભ્યાસક્રમનું 5 + 3 + 3 + 4નું નવું માળખું એ દિશામાં ઉચિત પગલું છે. તેમણે જણાવ્યું હતું કે, આપણે સુનિશ્ચિત કરવું પડશે કે, આપણા વિદ્યાર્થીઓ વૈશ્વિક નાગરિકો બને અને સાથે-સાથે પોતાના મૂળિયા સાથે જોડાયેલા પણ રહે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ ‘કેવી રીતે વિચારવું એના પર એટલે કે વિચારશક્તિ ખીલાવવા પર ભાર મૂકે છે. તેમણે જણાવ્યું હતું કે, બાળકો માટે પ્રશ્રોત્તરી-આધારિત, સંશોધન-આધારિત, ચર્ચા આધારિત અને વિશ્લેષણ આધારિત શિક્ષણ પદ્ધતિઓ પર ભાર મૂકવાથી વર્ગોમાં તેમનો અભ્યાસ કરવામાં રસ વધશે અને તેઓ વધુને વધુ સહભાગી થશે.

પ્રધાનમંત્રીએ વિનંતી કરી હતી કે, દરેક વિદ્યાર્થીએ એમની રુચિને પૂર્ણ કરવાની તક ઝડપવી જોઈએ, પોતાનો શોખ પૂરો કરવો જોઈએ. ઘણી વાર એવું બને છે કે, જ્યારે વિદ્યાર્થીને અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી રોજગારી મળે છે, ત્યારે તેને સમજાય છે કે, એને જેનો અભ્યાસ કર્યો છે એ રોજગારીની જરૂરિયાત પૂર્ણ કરતો નથી. તેમણે કહ્યું હતું કે, ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ પણ પૂરો કરતા નથી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના તમામ વિદ્યાર્થીઓની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે નવી શિક્ષણ નીતિમાં એકથી વધારે એન્ટ્રી-એક્ઝિટના વિકલ્પો પ્રદાન કરવામાં આવ્યાં છે, જેમાં વિદ્યાર્થી સરળતાપૂર્વક પ્રવેશ કરી શકશે અને બહાર પણ નીકળી શકશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ ક્રેડિટ બેંક પ્રદાન કરશે, જેથી વિદ્યાર્થીઓ વચ્ચે અભ્યાસક્રમ છોડવાની સ્વતંત્રતા ધરાવી શકે છે અને જ્યારે તેઓ તેમનો અભ્યાસક્રમ ફરી શરૂ કરવા ઇચ્છે ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, આપણે એવા યુગ તરફ અગ્રેસર છીએ, જેમાં વ્યક્તિને સતત પોતાની કુશળતા વધારવી પડશે અને વધુને વધુ સજ્જ થવું પડશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમાજના દરેક વર્ગ પ્રત્યે સન્માન કોઈ પણ દેશના વિકાસમાં મોટી ભૂમિકા ભજવે છે. એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થી શિક્ષણ અને શ્રમના સન્માન પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત આખી દુનિયાને પ્રતિભા અને ટેકનોલોજીના સમાધાનો પ્રસ્તુત કરવાની ક્ષમતા ધરાવે છે તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ જવાબદારી સપેરે નિભાવે પણ છે, જેનો ઉદ્દેશ ટેકનોલોજી આધારિત ઘણી સામગ્રી અને અભ્યાસક્રમોને વિકસાવવાનો છે. તેમણે કહ્યું હતું કે, વર્ચ્યુઅલ લેબ્સ જેવી વિભાવનાઓ લાખો વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપશે, જેઓ અગાઉ આ પ્રકારના વિષયોનો અભ્યાસ કરી શકતા નહોતા, જેમાં પ્રયોગશાળાના અનુભવની જરૂર હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણા દેશમાં સંશોધન અને શિક્ષણ વચ્ચેના અંતરને ભરવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે સંસ્થાઓ અને માળખામાં આ સુધારાઓ થશે, ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વધારે અસરકારકતા સાથે અને વધુ ઝડપ સાથે અમલ થઈ શકશે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે સમાજમાં નવીનતા અને સ્વીકાર્યતાના મૂલ્યોનું નિર્માણ કરવાની જરૂર છે તથા એની શરૂઆત આપણા દેશની સંસ્થાઓમાંથી કરવી પડશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સ્વાયતતા આપીને સક્ષમ બનાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વાયતતાના મુદ્દે બે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. એક વર્ગ કહે છે કે, દરેક બાબત સરકારના નિયંત્રણ હેઠળ થવી જોઈએ. બીજા વર્ગનું માનવું છે કે, તમામ સંસ્થાઓને સ્વાભાવિક રીતે સ્વાયતતા આપવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, જ્યારે પહેલા વર્ગનો અભિપ્રાય બિનસરકારી સંસ્થાઓ પ્રત્યે અવિશ્વાસનું પરિણામ છે, ત્યારે બીજા વર્ગના અભિપ્રાયમાં સ્વાયતતાને અધિકાર ગણવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, સારાં અને ગુણવત્તાયુક્ત શિક્ષણનો માર્ગ આ બંને અભિપ્રાયોના સમન્વય થકી મોકળો થશે.

તેમણે કહ્યું હતું કે, જે સંસ્થાઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે વધારે કામ કરે છે, તેમને વધારે સ્વતંત્રતા મળવી જોઈએ. એનાથી ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન મળશે અને દરેકને વિકસવા માટે પ્રેરકબળ પ્રાપ્ત થશે. તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, જેમ-જેમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વ્યાપ વધશે, તેમ-તેમ શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયતતા ઝડપથી વધશે.

તેમણે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના શબ્દો ટાંકીને કહ્યું હતું કે – શિક્ષણનો ઉદ્દેશ કુશળતા અને આવડત સાથે સારાં મનુષ્યનું નિર્માણ કરવાનો છે. સમાજ માટે પ્રબુદ્ધ અને પોતાની ફરજો પ્રત્યે સભાન મનુષ્યોનું સર્જન શિક્ષકો કરી શકે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મજબૂત શિક્ષણ વ્યવસ્થા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં શિક્ષકો સારાં વ્યાવસાયિકો અને સારાં નાગરિકો પેદા કરી શકશે. આ નીતિમાં શિક્ષકને તાલીમ આપવા પર, તેમની કુશળતાઓ સતત વિકસાવવા પર ઘણો બધો ભાર મૂકવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવા દ્રઢતા સાથે એક થઈને કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, યુનિવર્સિટીઓ, કોલેજો, શાળા શિક્ષણના બોર્ડ, વિવિધ રાજ્યો, વિવિધ હિતધારકો સાથે સંવાદ અને સંકલનનો નવો રાઉન્ડ અહીંથી શરૂ થયો છે. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર વેબિનાર જાળવી રાખવા અને સતત ચર્ચા કરવા વિનંતી કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણના સંબંધમાં આ બેઠકમાં  શ્રેષ્ઠ સૂચનો અને અસરકારક સમાધાનો મળશે.

 

SD/BT



(Release ID: 1644114) Visitor Counter : 270