સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્ર સરકારે કોવિડ-19 આર્થિક પેકેજના બીજા હપતા તરીકે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને રૂપિયા 890.32 કરોડ આપ્યા

Posted On: 06 AUG 2020 1:00PM by PIB Ahmedabad

ભારત સરકારે કોવિડ-19 તાત્કાલિક પ્રતિક્રિયા અને આરોગ્ય તંત્રની તૈયારીઓના પેકેજના બીજા હપતા તરીકે 22 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને રૂ. 890.32 કરોડ આપ્યા છે. આમાં છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, કર્ણાટક, કેરળ, પંજાબ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, દાદરા અને નગર હવેલી તેમજ દીવ અને દમણ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમનો સમાવેશ થાય છે. આ રકમ દરેક રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કેસોના ભારતના આધારે આર્થિક સહાય પેટે આપવામાં આવી છે.

‘સંપૂર્ણ સરકાર’ના અભિગમના ભાગરૂપે કેન્દ્ર સરકારના નેતૃત્વમાં કોવિડ-19 પ્રતિક્રિયા અને વ્યવસ્થાપન તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને ટેકનિકલ અને આર્થિક સંસાધનો દ્વારા સહાયતા કરવાના ભાગરૂપે, કોવિડ-19 તાત્કાલિક પ્રતિક્રિયા અને આરોગ્ય તંત્ર તૈયારીઓના પેકેજની જાહેરાત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી હતી. 24 માર્ચ, 2020ના રોજ રાષ્ટ્રજોગ સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર કરવા માટે તેમજ દેશમાં તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનાવવા માટે રૂપિયા 15 હજાર કરોડની જોગવાઇ કરી છે. આના કારણે કોરોનાના પરીક્ષણો માટે સુવિધાઓની સંખ્યામાં તેમજ વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE), આઇસોલેશન બેડ, ICU બેડ, વેન્ટિલેટર અને અન્ય આવશ્યક ઉપકરણોની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થશે. સાથે-સાથે, તબીબી અને પેરામેડિકલ સ્ટાફની તાલીમ પણ હાથ ધરવામાં આવશે. મેં રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે, હાલના તબક્કે માત્ર આરોગ્ય સંભાળને સૌથી પ્રથમ અને સૌથી ટોચની પ્રાથમિકતા આપવામાં આવે.”

બીજા હપતા તરીકેની આર્થિક સહાય દર્દીઓના પરીક્ષણ માટે જાહેર આરોગ્ય સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી ઉપયોગમાં લેવામાં આવશે. જેમાં RT-PCR મશીનો, RNA એક્સટ્રેક્શન કિટ્સ, TRUNAT અને CBNAAT મશીનો અને BSL-II કેબિનેટ વગેરેની ખરીદી; સારવાર માટે જાહેર આરોગ્ય સુવિધાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનાવવું અને ICU બેડ વિકસાવવા; જાહેર આરોગ્ય સુવિધાઓ ખાતે ઓક્સિજન જનરેટર, ક્રાયોજિનિક ઓક્સિજન ટેન્ક અને મેડિકલ ગેસ પાઇપલાઇન લગાવવાની કામગીરી અને પથારીની બાજુમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ વગેરેની ખરીદી; અને જરૂરી માનવ સંસાધનો સાથે જોડાણ, તાલીમ અને ક્ષમતા નિર્માણ તેમજ ASHA સહિત કોવિડની ફરજો માટે નિયુક્ત કરવામાં આવેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને સ્વંયસેવકો માટે વિવિધ પહેલ વગેરે પણ સામેલ છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે કોવિડ યોદ્ધા પોર્ટલ પર નોંધણી કરવામાં આવેલા સ્વયંસેવકોને પણ કોવિડ સંબંધિત ફરજોમાં નિયુક્ત કરવામાં આવી શકે છે.

તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને એપ્રિલ 2020માં આ પેકેજના પ્રથમ હપતા તરીકે રૂપિયા 3000 કરોડ આપવામાં આવ્યા હતા, જેથી તેઓ પરીક્ષણની સુવિધાઓ, હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંપર્ક સર્વેલન્સ પ્રવૃત્તિઓ વધારી શકે અને આવશ્યક ઉપકરણો, દવાઓ તેમજ અન્ય પૂરવઠાની ખરીદીમાં પણ તેમને સહાય મળી શકે.

આ પેકેજના ભાગરૂપે, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 5,80,342 આઇસોલેશન બેડ, 1,36,068 ઓક્સિજન સપોર્ટ ધરાવતા બેડ અને 31.255 ICU સાથે તેમની સ્થિતિ વધુ મજબૂત કરવામાં આવી છે. આ ઉપરાંત, તેમણે 86,88,357 પરીક્ષણની કિટ્સ તેમજ 79,88,366 વાયલ ટ્રાન્સપોર્ટ મીડિયા (VTM)ની ખરીદી કરી છે. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 96,557 માનવ સંસાધનો ઉમેરવામાં આવ્યા છે અને 6,65,799 HRને ઇન્સેન્ટિવ આપવામાં આવ્યું છે. આ પેકેજના કારણે 11,821 વ્યક્તિના સ્ટાફના આવનજાવન માટેની વ્યવસ્થામાં પણ મદદ મળી શકી છે.

 

SD/GP/BT



(Release ID: 1643780) Visitor Counter : 214