રસાયણ અને ખાતર મંત્રાલય

શ્રી સદાનંદ ગૌડાએ દેશમાં જથ્થાબંધ દવાના પાર્ક અને તબીબી ઉપકરણના પાર્કની સ્થાપના માટેનો માર્ગ મોકળો કરતી યોજનાઓ અને માર્ગદર્શિકાઓ જાહેર કરી


આ અદ્યતન તબીબી ઉપકરણોના ઉત્પાદન અને મહત્ત્વપૂર્ણ એપીઆઈ ઉત્પાદન માટેના દ્રાર ખોલશે

રાજ્યો પાસેથી જબરદસ્ત પ્રતિસાદઃ કેન્દ્ર સરકાર સૌથી આકર્ષક રોકાણ સુનિશ્ચિત કરવા પડકારજનક પદ્ધતિનો ઉપયોગ કરશે

દુનિયામાં ભારત ફાર્માસ્યુટિકલ્સ કેન્દ્ર તરીકે એની કામગીરીને મજબૂત કરશે

ભારત અદ્યતન તબીબી ઉપકરણોમાં સ્વનિર્ભર બનવા સજ્જ

Posted On: 27 JUL 2020 4:48PM by PIB Ahmedabad

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડાએ આજે દેશમાં જથ્થાબંધ દવાનાં અને તબીબી ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ફાર્માસ્યુટિકલ્સ વિભાગની ચાર યોજનાઓને આજે લોંચ કરી હતી. આ પ્રસંગે રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી, નીતિ આયોગના સીઇઓ શ્રી અમિતાભ કાંત, ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ ડો. પી. ડી. વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે શ્રી ગૌડાએ જણાવ્યું હતું કે, આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને ફાર્મા ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટેની અપીલને સુસંગત છે. આ માટે ભારત સરકારે ચાર યોજનાઓને મંજૂરી આપી છે, જેમાંથી બે બલ્ક ડ્રગ્સ અને તબીબી ઉપકરણોના પાર્ક માટે છે. તેમણે આ યોજનાઓમાં સહભાગી થવા માટે આગળ આવવા બદલ ઉદ્યોગો અને રાજ્ય સરકારોની પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું હતું કે, ભારતને ઘણી વાર ‘દુનિયાની ફાર્મસી’ કહેવામાં આવે છે અને જ્યારે કોવિડ-19ના હાલના રોગચાળામાં દેશભરમાં લોકડાઉન હતું તો પણ જરૂરિયાત ધરાવતા દેશોને મહત્ત્વપૂર્ણ જીવનરક્ષક દવાઓની નિકાસ કરવાનું જાળવી રાખીને ભારતે આ વાત ખરાં અર્થમાં પુરવાર કરી છે. જોકે આ તમામ સફળતા છતાં આપણો દેશ મૂળભૂત કાચા માલ એટલે કે, બલ્ક ડ્રગ (કી સ્ટાર્ટિંગ મટિરિયલ્સ (કેએસએમ)/ડ્રગ ઇન્ડરમીડિયેટ (ડીઆઇ) અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ (એપીઆઇ))ની આયાત પર નિર્ભર છે, જેનો ઉપયોગ કેટલીક આવશ્યક દવાઓમાં થાય છે. એ જ રીતે તબીબી ઉપકરણના ક્ષેત્રમાં આપણો દેશ એની તબીબી ઉપકરણોની જરૂરિયાતમાંથી 86 ટકા માટે આયાત પર નિર્ભર છે.

શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, આ ભારતીય ફાર્માસ્યુટિકલ્સને વધુ વિકસાવવાની દિશામાં અતિ મહત્ત્વપૂર્ણ પહેલ છે. માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, કેએસએમ, ડીઆઇ અને એપીઆઈ તેમજ તબીબી ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઇ) યોજનાઓ લાંબા ગાળે ઉપયોગી પુરવાર થશે, જેમાં 53 બલ્ક દવાઓનાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન સામેલ છે, જેના માટે ભારત આયાત પર મોટા પાયે નિર્ભર છે.

યોજનાની માર્ગદર્શિકામાં સામેલ 41 ઉત્પાદનોની યાદી 53 બલ્ક ડ્રગ્સના સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે. યોજના અંતર્ગત પસંદ થયેલા મહત્તમ 136 ઉત્પાદકોને નાણાકીય પ્રોત્સાહનો તેમના સ્થાનિક વેચાણની નક્કી કરેલી ટકાવારી સ્વરૂપે આપવામાં આવશે. આ 41 ઉત્પાદનોનું સ્થાનિક સ્તરે ઉત્પાદનમાં જરૂરી સ્થાનિક મૂલ્ય સંવર્ધનની જરૂરિયાતને પણ પૂરી કરવી પડશે.

આ પ્રોત્સાહન મંજૂરીના પત્રમાં જણાવેલી વાર્ષિક ટોચમર્યાદાને આધિન રહેશે. પ્રોત્સાહનો 6 વર્ષના ગાળા માટે આપવામાં આવશે. ફર્મેન્ટેશન આધારિત ઉત્પાદનોના કેસમાં પ્રોત્સાહનનો દર પ્રથમ ચાર વર્ષ માટે 20 ટકા, પાંચમા વર્ષ માટે 15 ટકા અને છઠ્ઠા વર્ષ માટે 5 ટકા રહેશે.

રાસાયણિક રીતે કૃત્રિમ ઉત્પાદનોના કેસમાં તમામ છ વર્ષ માટે પ્રોત્સાહનનો દર 10 ટકા છે. પસંદ થયેલા ઉત્પાદનોએ દરેક ઉત્પાદન માટે ફરજિયાત લઘુતમ રોકાણથી વધારે રોકાણની કટિબદ્ધતા પૂર્ણ કરવી પડશે અને તેઓ પ્રોત્સાહન મેળવવાને પાત્ર બને એ અગાઉ સૂચિત લઘુતમ ક્ષમતા સ્થાપિત કરવી પડશે. લઘુતમ રોકાણ ચાર ફર્મેન્ટેશન આધારિત ઉત્પાદનો મટે રૂ. 400 કરોડ છે અને 10 ફર્મેન્ટેશન આધારિત ઉત્પાદનો માટે રૂ. 50 કરોડ છે. એ જ રીતે ચાર રાસાયણિક કૃત્રિમ ઉત્પાદનો માટે લઘુતમ રોકાણ રૂ. 50 કરોડ છે અને 23 રાસાયણિક કૃત્રિમ ઉત્પાદનો માટે રૂ. 20 કરોડ છે. માર્ગદર્શિકામાં સૂચિત 41 ઉત્પાદનોમાં દરેક માટે લઘુતમ સ્થાપિત ક્ષમતા હાંસલ કરવી પડશે. નાણાકીય વર્ષ 2023-24થી એટલે કે બે વર્ષના જેસ્ટેશન ગાળા પછી ફર્મેન્ટેશન આધારિત ઉત્પાદનો માટે પ્રોત્સાહનો ઉપલબ્ધ થશે. આ જેસ્ટેશન ગાળા દરમિયાન પસંદ થયેલા અરજદારે કટિબદ્ધ રોકાણ કરવું પડશે અને પ્રતિબદ્ધ ક્ષમતા સ્થાપિત કરવી પડશે.

રાસાયણિક રીતે કૃત્રિમ ઉત્પાદનો માટે નાણાકીય પ્રોત્સાહન નાણાકીય વર્ષ 2022-23થી એટલે કે જેસ્ટેશન ગાળાના એક વર્ષ પછી મળશે, જે ગાળામાં પસંદ થયેલા અરજદારે કટિબદ્ધ રોકાણ કરવું પડશે અને પ્રતિબદ્ધ ક્ષમતા સ્થાપિત કરવી પડશે. કોઈ પણ કંપની, પાર્ટનરશિપ કંપની, પ્રોપ્રાઇટરશિપ કંપની કે ભારતમાં રજિસ્ટર્ડ એલએલપી તથા સૂચિત રોકાણના 30 ટકાની લઘુતમ નેટવર્થ (ગ્રૂપ કંપનીઓ સહિત) યોજના હેઠળ પ્રોત્સાહન મેળવવાને પાત્ર છે. અરજદાર એકથી વધારે ઉત્પાદનો માટે અરજી કરી શકે છે.

અરજદારની પસંદગી પારદર્શક સંયુક્ત મૂલ્યાંકન માપદંડને આધારે કરવામાં આવશે, જેમાં અરજદારે પ્રતિબદ્ધતા વ્યક્ત કરેલી વાર્ષિક ઉત્પાદન ક્ષમતા અને ક્વોટ કરેલા ઉત્પાદનની વેચાણ કિંમત સામેલ છે. જે અરજદાર ઓછી વેચાણ કિંમત અને ઊંચી ઉત્પાદન ક્ષમતા ક્વોટ કરશે એમને મૂલ્યાંકનમાં વધારે માર્ક મળશે.

ફાર્માસ્યુકલ્સ વિભાગની વેબસાઇટ પર માર્ગદર્શિકા ઉપલબ્ધ છે. આ ચાર યોજનાઓની ખાસિયાતો નીચે મુજબ છેઃ

આ યોજના માર્ગદર્શિકા ઇશ્યૂ થયાની તારીખથી 120 દિવસના ગાળા માટે અરજદારો માટે ખુલ્લી છે અને અરજી કરવાનો ગાળો પૂર્ણ થયાના દિવસથી 90 દિવસની અંદર પસંદ થયેલા અરજદારોને મંજૂરી આપવામાં આવશે. અરજીઓ ઓનલાઇન પોર્ટલ દ્વારા જ સ્વીકારવામાં આવશે. આ યોજના માટે કુલ નાણાકીય ખર્ચ રૂ. 6,940 કરોડ છે.

બલ્ક ડ્રગ પાર્ક્સને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઃ આ યોજનામાં દેશમાં 3 બલ્ક ડ્રગ પાર્ક્સ ઊભા કરવાનો વિચાર કરવામાં આવ્યો છે. એમાં પૂર્વોત્તર રાજ્યો અને પર્વતીય રાજ્યોને પ્રોજેક્ટ ખર્ચની 90 ટકા સરકારી સહાય મળશે તથા અન્ય રાજ્યોમાં 70 ટકા સરકારી સહાય મળશે. એક બલ્ક ડ્રગ પાર્ક માટે મહત્તમ સરકારી સહાયની મર્યાદા રૂ. 1000 કરોડ છે. રાજ્યોની પસંદગી પડકારજનક પદ્ધતિ દ્વારા થશે. જે રાજ્યોએ પાર્ક સ્થાપિત કરવામાં રસ દાખવ્યો તેમણે પાર્કમાં સ્થિત બલ્ક ડ્રગ યુનિટને 24*7 વીજળી અને પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવો પડશે તથા પાર્કમાં બલ્ક ડ્રગ યુનિટને સ્પર્ધાત્મક ભાડાપટ્ટાના દર ઓફર કરવા પડશે. જ્યારે રાજ્યની પસંદગી કરવામાં આવશે, ત્યારે પર્યાવરણ અને લોજિસ્ટિક્સની દ્રષ્ટિએ સૂચિત પાર્કની દરખાસ્તને ધ્યાનમાં લેવામાં આવશે.

જ્યારે રાજ્યની પસંદગી કરવામાં આવશે, ત્યારે રાજ્યનો વેપારવાણિજ્યની સરળતાનો રેન્કિંગ, બલ્ક ડ્રગ ઉદ્યોગમાં લાગુ કરી શકાય એવી રાજ્ય સરકારની પ્રોત્સાહન નીતિઓ, રાજ્યમાં ટેકનિકલ મેનપાવરની ઉપલબ્ધતા, રાજ્યમાં ફાર્માસ્યુટિકલ/કેમિકલ ક્લસ્ટર્સની ઉપલબ્ધતા જેવા પરિબળો પણ ધ્યાનમાં લેવામાં આવશે. માર્ગદર્શિકામાં રજૂ મૂલ્યાંકનના માપદંડો પર રસ ધરાવતા રાજ્યોને સ્કોર અને રેન્ક આપવામાં આવશે, જે માપદંડોથી વધારે સારી કામગીરી કરશે. ટોચના 3 રેન્ક ધરાવતા રાજ્યની પસંદગી કરવામાં આવશે. રાજ્યોએ માર્ગદર્શિકા ઇશ્યૂ થયાની તારીખથી 60 દિવસની અંદર તેમની દરખાસ્ત સબમિટ કરવી પડશે. દરખાસ્તો રજૂ થયાની છેલ્લી તારીખથી 30 દિવસની અંદર પસંદ થયેલા ત્રણ રાજ્યોની પસંદગી કરવામાં આવશે અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે.

ત્યારબાદ પસંદ થયેલા 3 રાજ્યોએ સૈદ્ધાંતિક મંજૂરી મળ્યાના 180 દિવસની અંદર વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) સબમિટ કરવો પડશે, જેના આધારે અંતિમ મંજૂરી આપવામાં આવશે. સરકાર સહાય ચાર તબક્કામાં આપવામાં આવશે. પ્રથમ ત્રણ હપ્તામાં 30-30 ટકા અને છેલ્લાં હપ્તામાં 10 ટકા સરકારી અનુદાન આપવામાં આવશે. રાજ્યોએ સરકારની અનુદાનનો પ્રથમ હપ્તો જાહેર થયાની તારીખથી બે વર્ષની અંદર માન્યતાપ્રાપ્ત ડીપીઆર મુજબ પાર્કનું કામકાજ પૂર્ણ કરવું પડશે. આ પાર્કોમાં તમામ નિયમનકારી મંજૂરીઓ માટે એકછત હેઠળ સિંગલ વિન્ડો સિસ્ટમની કલ્પના કરવામાં આવી છે. સંશોધન અને વિકાસ માટે ઇકોસિસ્ટમને સક્ષમ બનાવવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભું કરવાનો વિચાર પણ કરવામાં આવ્યો છે. આ યોજના માટે કુલ નાણાકીય ખર્ચ અંદાજે રૂ. 3000 કરોડ થશે.

તબીબી ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઈ) યોજનાઃ આ યોજનાનો આશય 5 વર્ષના ગાળા માટે પસંદ થયેલા મહત્તમ 28 અરજદારોને વેચાણ પર નાણાકીય પ્રોત્સાહન આપવા માટે ચાર લક્ષિત સેગમેન્ટમાં તબીબી ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. નાણાકીય પ્રોત્સાહન સ્થાનિક સ્તરે ઉત્પાદન થયેલા તબીબી ઉપકરણોના વેચાણના 5 ટકાના દરે આપવામાં આવશે. આ પ્રોત્સાહનો મંજૂરીના પત્રમાં જણાવેલા વાર્ષિક ટોચમર્યાદાને આધિન રહેશે, જે નાણાકીય વર્ષ 2021-22થી ઉપલબ્ધ થશે. ચાર લક્ષિત સેગમેન્ટ છેઃ

કેન્સરની સારવાર / રેડિયોથેરેપી તબીબી ઉપકરણો

રેડિયોલોજી અને ઇમેજિંગ તબીબી ઉપકરણો (આયોનાઇઝિંગ અને નોન-આયોનાઇઝિંગ રેડિયેશન એમ બંને પ્રકારના ઉત્પાદનો) તથા ન્યૂક્લીઅર ઇમેજિંગ ઉપકરણો

એનેસ્થેટિક્સ અને કાર્ડિયો-રેસ્પિરેટરી તબીબી ઉપકરણો, જેમાં કાર્ડિયો રેસ્પિરેટરી કેટેગરીના કેથેટર્સ અને રિનલ કેર મેડિકલ ઉપકરણો સામેલ છે

તમામ ઇમ્પ્લાન્ટ, જેમાં ઇમ્પ્લાન્ટ કરી શકાય એવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સામેલ છે

ભારતમાં રજિસ્ટર્ડ અને લઘુતમ નેટવર્થ (ગ્રૂપ કંપનીઓ સહિત) રૂ. 18 કરોડ (પ્રથમ વર્ષના લઘુતમ રોકાણના 30 ટકા) ધરાવતી કોઈ પણ કંપની યોજના અંતર્ગત નાણાકીય પ્રોત્સાહનો મેળવવા માટે અરજી કરવાને પાત્ર છે. અરજદાર એક લક્ષિત સેગમેન્ટ તેમજ એકથી વધારે લક્ષિત સેગમેન્ટની અંદર વિવિધ ઉત્પાદનો માટે અરજી કરી શકે છે. પસંદ થયેલા અરજદારોએ દરેક વર્ષ માટે સૂચિત લઘુતમ રોકાણ કરવું પડશે અને એ વર્ષ માટે સૂચિત લઘુતમ વેચાણ હાંસલ કરવું પડશે. જે અરજદારો આ કામગીરી પૂર્ણ કરશે તેમને પ્રોત્સાહન મળશે. અરજી કરવાનો ગાળો માર્ગદર્શિકા ઇશ્યૂ થયાની તારીખથી 120 દિવસનો છે અને પછી પસંદ થયેલા અરજદારોને અરજી કરવાનો ગાળો પૂર્ણ થયાની તારીખથી 60 દિવસની અંદર મંજૂરી આપવામાં આવશે. અરજીઓ ઓનલાઇન પોર્ટલ દ્વારા કરવાની રહેશે. આ યોજના માટે કુલ નાણાકીય ખર્ચ અંદાજે રૂ. 3,420 કરોડ છે.

નીતિ આયોગના સીઇઓ શ્રી અમિતાભ કાંતે કહ્યું હતું કે, ભારત મોટી સંખ્યામાં જેનેરિક દવાઓ તેમજ 500થી વધારે એપીઆઈનું ઉત્પાદન કરે છે, છતાં હજુ પણ એપીઆઈની મોટા પાયે આયાત કરવી પડે છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આ આયાત પરની નિર્ભરતામાં ઘટાડો કરવા ઇચ્છે છે.

ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ શ્રી પી. ડી. વાઘેલાએ માર્ગદર્શિકાની વિગતવાર રજૂઆત કરી હતી.

એવી અપેક્ષા છે કે, આ યોજનાઓ ભારતને પસંદગીની બલ્ક ડ્રગ્સ અને તબીબી ઉપકરણો માટે સ્વનિર્ભર બનાવવાની સાથે આંતરરાષ્ટ્રીય માગને પૂર્ણ કરવા સક્ષમ બનાવશે. આ રોકાણકારો માટે સોનેરી તક છે, કારણ કે, ઉદ્યોગને પ્રોત્સાહન અને આંતરરાષ્ટ્રીય સ્તરનો ઉત્પાદનને સપોર્ટ બંને એકસાથે મળવાથી ઉત્પાદનના ખર્ચમાં નોંધપાત્ર રીતે ઘટાડો કરવામાં મદદ મળશે. આ ક્ષેત્રોમાં ઉદાર એફડીઆઈ (પ્રત્યક્ષ વિદેશી રોકાણ)ની નીતિ અને અસરકારક કોર્પોરેટ દર આશરે 17 ટકા (સરચાર્જ અને સેસ સહિત) સાથે આ યોજનાઓ અન્ય દેશોની સરખામણીમાં પસંદગીના ઉત્પાદનોમાં ભારતને સ્પર્ધાત્મક લાભ આપશે.

માર્ગદર્શિકાને વિગતવાર જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરોઃ https://pharmaceuticals.gov.in/schemes

 

SD/GP/BT

 



(Release ID: 1641645) Visitor Counter : 358