પ્રધાનમંત્રીનું કાર્યાલય

મન કી બાત 2.0ના 14માં એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ ( 26.07.2020)

Posted On: 26 JUL 2020 11:39AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.

આજે ૨૬ જુલાઇ છે અને આજનો દિવસ બહુ વિશેષ છે. આજે કારગીલ વિજય દિવસ છે. 21 વર્ષ પહેલાં આજના જ દિવસે કારગીલના યુદ્ધમાં આપણી સેનાએ ભારતના વિજયનો ધ્વજ લહેરાવ્યો હતો. સાથીઓ, કારગીલનું યુદ્ધ જે પરિસ્થિતીમાં લડાયું તેને ભારત ક્યારેય ભૂલી નહીં શકે. પાકિસ્તાને મોટા-મોટા મનસૂબા રાખીને ભારતની ભૂમિ પડાવી લેવા અને પોતાને ત્યાં ચાલતા આંતરિક કલહથી ધ્યાન બીજે દોરવા માટે આ દુઃસાહસ કર્યું હતું. તે વખતે ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો બનાવવા પ્રયાસરત હતું. પરંતુ કહેવાય છે નેઃ

બયરૂં અકારણ સહ કાહૂં સો, જો કર હિત અનહિત તાહૂ સો.

એટલે કે દુષ્ટનો સ્વભાવ જ હોય છે, હરકોઇ સાથે વિના કારણે દુશ્મની કરવી. આવા સ્વભાવના લોકો જેઓ તેનું હિત કરતા હોય તેનું પણ નુકસાન જ વિચારે છે. એટલા માટે ભારતની મિત્રતાના જવાબમાં પાકિસ્તાન દ્વારા પીઠ પાછળ છરી મારવાની કોશિષ કરાઇ હતી. પરંતુ ત્યાર પછી ભારતની વીર સેનાએ જે પરાક્રમ બતાવ્યું, ભારતે પોતાની જે તાકાત બતાવી, તેને પૂરી દુનિયાએ નિહાળ્યું હતું. તમે કલ્પના કરી શકો છો, ઉંચા પહાડો પર બેઠેલા દુશ્મનો અને નીચેથી લડી રહેલી આપણી સેનાઓ, આપણા વીર જવાનો. પરંતુ જીત પહાડની ઉંચાઇની નહીં, ભારતની સેનાઓની ઉંચી હિંમત અને સાચી વિરતાની થઇ.

સાથીઓ,

તે સમયે મને પણ કારગીલ જવાનું અને આપણા જવાનોની વીરતાના દર્શનનું સદભાગ્ય મળ્યું હતું. તે દિવસો મારા જીવનની સૌથી અણમોલ પળોમાંના એક છે. હું જોઇ રહ્યો છું કે, આજે આખા દેશમાં લોકો કારગીલ વિજયને યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક #courageinkargil સાથે લોકો આપણા વીરોને નમન કરી રહ્યા છે, જે શહીદ થયા છે, તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હું આજે તમામ દેશવાસીઓ વતી આપણા આ વીર જવાનોની સાથે-સાથે મા ભારતીના સાચા સપૂતોને જેમણે જન્મ આપ્યો હતો, તે વીર માતાઓને પણ નમન કરૂં છું. દેશના નવયુવાનોને મારો આગ્રહ છે કે, આજે આખો દિવસ કારગીલ વિજય સાથે જોડાયેલા આપણા જવામર્દોની વાતો, વીરમાતાઓના ત્યાગ વિષે એકબીજાને જણાવો. શેર કરો. સાથીઓ, હું આપને આજે એક આગ્રહ કરૂં છું. એક વેબસાઇટ છે www.gallantryawards.gov.in તમે આ વેબસાઇટની ચોક્કસ વિઝિટ કરો. ત્યાં આપને આપણા વીર પરાક્રમી યોદ્ધાઓ વિષે, તેમના પરાક્રમો વિષે ઘણી બધી માહિતી મળશે. અને તમે જયારે પણ પોતાના સાથીઓ સાથે ચર્ચા કરશો ત્યારે તે માહિતી તેમના માટે પણ પ્રેરણારૂપ બનશે. તમે ચોક્કસ આ વેબસાઇટની વિઝિટ કરજો. અને હું તો કહીશ કે વારેવારે વિઝિટ કરતા રહેજો.

સાથીઓ,

કારગીલ યુદ્ધ વખતે અટલજીએ લાલકિલ્લા પરથી જે કહ્યું હતું, તે આજે પણ આપણા બધા માટે ખૂબ પ્રાસંગિક છે. અટલજીએ ત્યારે દેશને ગાંધીજીના એક મંત્રની યાદ અપાવી હતી. મહાત્મા ગાંધીનો મંત્ર હતો કે, જો કોઇને પણ ક્યારેય કોઇ દુવિધા હોય કે, તેમણે શું કરવું અને શું ન કરવું તો તેમણે ભારતના સૌથી ગરીબ અને અસહાય વ્યક્તિ વિષે વિચારવું જોઇએ. તેમણે એ વિચારવું જોઇએ કે, તેઓ જે કરવા જઇ રહ્યા છે તેનાથી તે વ્યક્તિનું ભલું થશે કે નહિં થાય. ગાંધીજીના આ વિચારોથી આગળ વધીને અટલજીએ કહ્યું હતું કે, કારગીલ યુદ્ધે આપણને એક બીજો મંત્ર આપ્યો છે. – આ મંત્ર હતો, કે કોઇપણ મહત્વનો નિર્ણય લેતા પહેલાં આપણે એ વિચારીએ કે, શું આપણું આ પગલું તે સૈનિકોના સન્માનને અનુરૂપ છે. જેમણે તે દુર્ગમ પહાડોમાં પોતાના પ્રાણની આહૂતી આપી હતી. આવો, અટલજીના અવાજમાં જ તેમની આ ભાવનાને આપણે સાંભળીએ, સમજીએ અને સમયની માંગ છે કે, તેનો સ્વીકાર કરીએ.

 

સાઉન્ડ બાઇટ – અટલજી--

આપણને સૌને યાદ છે કે, ગાંધીજીએ આપણને એક મંત્ર આપ્યો હતો, તેમણે કહ્યું હતું કે, જો કોઇ અવઢવ હોય કે, તમારે શું કરવું જોઇએ. તો તમે ભારતની તે સૌથી અસહાય વ્યક્તિ વિષે વિચારો અને પોતાને પૂછો કે શું તમે જે કરવા જઇ રહ્યા છો તેનાથી તે વ્યક્તિની ભલાઇ થશે ? કારગીલે આપણને બીજો મંત્ર આપ્યો છે. કોઇ મહત્વનો નિર્ણય લેતાં પહેલાં આપણે એ વિચારીએ કે શું આપણું એ પગલું એ સૈનિકોના સન્માનને અનુરૂપ છે. જેમણે તે દુર્ગમ પહાડોમાં પોતાના પ્રાણોની આહૂતી આપી હતી. ”

સાથીઓ,

યુદ્ધની પરિસ્થિતીમાં આપણે જે વાત કહીએ છીએ, કરીએ છીએ, તેની, સરહદે ઉભેલા સૈનિકોના મનોબળ પર, તેમના પરિવારના મનોબળ પર બહુ ઉંડી અસર પડે છે. આ વાત આપણે ક્યારેય ભૂલવી ન જોઇએ. અને એટલા માટે આપણો આચાર, આપણો વહેવાર, આપણી વાણી, આપણું નિવેદન, આપણી મર્યાદા, આપણું લક્ષ્ય આ તમામની કસોટી થાય છે. આ બધામાં આપણે યાદ રાખવું જોઇએ કે, આપણે જે કરી રહ્યા છીએ, કહી રહ્યા છીએ, તેનાથી સૈનિકોનું મનોબળ વધે, તેમનું સન્માન વધે. રાષ્ટ્ર સર્વોપરી છે. એ મંત્ર સાથે એકતાના તાંતણે બંધાયેલા દેશવાસીઓ આપણા સૈનિકોની તાકાતને અનેક હજારગણી વધારી દે છે. આપણે ત્યાં તો કહેવાય છે ને “સંઘે શક્તિ કલૌયુગે”.

કોઇકોઇ વાર આપણે આ વાતને સમજયા વિના સોશિયલ મીડિયા ઉપર એવી ચીજોને પ્રોત્સાહન આપી દઇએ છીએ, જે આપણા દેશને મોટું નુકસાન કરે છે. કોઇકોઇ વાર જિજ્ઞાસાને કારણે આપણે તેને ફોરવર્ડ કરતા રહીએ છીએ. ખબર છે કે આ ખોટું છે. પરંતુ તે કરતા રહીએ છીએ. આજકાલ લડાઇ કેવળ સરહદ પર જ નથી લડવામાં આવતી. દેશમાં પણ કેટલાય મોરચે એક સાથે લડવામાં આવે છે. અને એક દેશવાસીએ તેમાં પોતાની ભૂમિકા નક્કી કરવાની હોય છે. આપણે પણ આપણી ભૂમિકા, દેશની સરહદ પર દુર્ગમ પરિસ્થિતીમાં લડી રહેલા સૈનિકોને યાદ કરતાં-કરતાં નક્કી કરવી પડશે.

મારા વ્હાલા દેશવાસીઓ,

છેલ્લા કેટલાક મહિનાથી આખા દેશે એકસંપ થઇને જે રીતે કોરોનાનો સામનો કર્યો છે. તેણે અનેક દહેશતને ખોટી પુરવાર કરી દીધી છે. આજે આપણા દેશમાં સાજા થવાનો દર અન્ય દેશોની સરખામણીએ બહેતર છે. તેની સાથે આપણા દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારાઓનો દર પણ દુનિયાના મોટાભાગના દેશો કરતાં ઘણો ઓછો છે. ચોક્કસપણે એકપણ વ્યક્તિને ખોવાનું દુઃખદ છે, પરંતુ ભારત પોતાના લાખો દેશવાસીઓના જીવન બચાવવામાં સફળ પણ રહ્યો છે. પરંતુ સાથીઓ કોરોનાનું જોખમ હજી ટળ્યું નથી. અનેક ઠેકાણે તે હજીપણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આપણે ખૂબ જ વધારે સાવચેત રહેવાની જરૂર છે. આપણે એ ધ્યાન રાખવાનું છે કે, કોરોના જેટલો શરૂઆતમાં ઘાતક હતો તેટલો જ હજીપણ ઘાતક છે. એટલે આપણે પૂરેપૂરી સાવચેતી રાખવાની છે. ચહેરા પર માસ્ક બાંધવાનું કે ગમછાનો ઉપયોગ કરવાનો છે. બે ગજનું અંતર, વારંવાર હાથ ધોવાના, કયાંય પણ થુંકવાનું નહિં, સાફસફાઇનું પૂરૂં ધ્યાન રાખવાનું, - આજ આપણા હથિયાર છે. જે આપણને કોરોનાથી બચાવી શકે છે. કોઇકોઇવાર માસ્ક પહેરવામાં આપણને તકલીફ થાય છે, અને મનમાં થાય છે કે ચહેરા પરથી માસ્ક ઉતારી દઇએ. વાતચીત કરવાનું શરૂ કરી દઇએ છીએ. ખરેખર જયારે માસ્કની વધુ જરૂર હોય છે, ત્યારે જ આપણે માસ્ક હટાવી લઇએ છીએ. આ સમયમાં હું આપને આગ્રહ કરૂં છું કે, જયારે પણ તમને માસ્કને લીધે પરેશાની અનુભવાતી હોય, મન થતું હોય કે માસ્ક કાઢી નાંખવો છે તો પળવાર માટે ડોકટરોને યાદ કરજો કે, નર્સોને યાદ કરજો, આપણાએ કોરોના યોદ્ધાઓને યાદ કરજો. તમે જુઓ છો કે તેઓ માસ્ક પહેરીને કલાકો સુધી સતત આપણા બધાના જીવન બચાવવા માટે લાગેલા છે. આઠ-આઠ, દસ-દસ કલાક સુધી માસ્ક પહેરી રાખે છે. શું એમને તકલીફ નહીં થતી હોય. થોડા એમને પણ યાદ કરો. તમને પણ થશે કે, આપણે એક નાગરિકના નાતે એમાં જરાપણ બેદરકારી દાખવવાની નથી. અને ન કોઇને બેદરકારી બતાવવા દેવાની છે. એક તરફ આપણે કોરોના વિરૂદ્ધની લડાઇને પૂરી સાવધાની અને સતર્કતાથી લડવાની છે, તો બીજી તરફ કઠોળ મહેનતથી, વ્યવસાય, નોકરી, અભ્યાસ જે પણ કર્તવ્ય આપણે નિભાવીએ છીએ તેમાં ગતિ લાવવાની છે. તેને પણ નવી ઉંચાઇએ લઇ જવાની છે.

સાથીઓ,

કોરોનાકાળમાં આપણા ગ્રામીણ ક્ષેત્રોએ તો આખા દેશને નવી દિશા બતાવી છે. આવા ગામોમાંથી સ્થાનિક નાગરીકોના, ગ્રામપંચાયતોના અનેક સારા પ્રયાસો સતત બહાર આવી રહ્યા છે. જમ્મુમાં એક ગામ ત્રેવા ગ્રામપંચાયત છે. ત્યાંનાં સરપંચ છે – બલબીરકૌરજી. મને જણાવાયું છે બલબીરકૌરજીએ પોતાની પંચાયતમાં 30 પથારીનું એક કવોરંનટાઇન સેન્ટર બનાવ્યું છે. પંચાયત તરફ જતાં રસ્તા પર પાણીની વ્યવસ્થા કરી. લોકોને હાથ ધોવામાં કોઇ તકલીફ ન પડે તેની વ્યવસ્થા કરાવી. એટલું જ નહિં, આ બલબીરકૌરજી ખુદ પોતાના ખભા પર સ્પ્રેપંપ ભરાવીને સ્વયંસેવકોની સાથે મળીને પૂરા ગામમાં આસપાસના વિસ્તારોમાં સેનીટાઇજેશનનું કામ પણ કરે છે. એવા જ એક કાશ્મીરી મહિલા સરપંચ છે. ગાંદરબલના ચૌટલીવારના જૈતુના બેગમ. જૈતુના બેગમજીએ નક્કી કર્યું કે, તેમની પંચાયત કોરોના સામેનો જંગ લડશે. અને કમાણીની નવી તકો પણ ઉભી કરશે. તેમણે સમગ્ર વિસ્તારમાં વિનામૂલ્યે માસ્ક વહેંચ્યા. મફત રાશન વહેંચ્યું. સાથે જ તેમણે લોકોને ખેતી માટે બીયારણ અને સફરજનના છોડ પણ આપ્યા. જેથી લોકોને ખેતીમાં, બાગાયતમાં કોઇ મુશ્કેલી ન પડે. સાથીઓ, કાશ્મીરથી વધુ એક પ્રેરક ઘટના આવી છે. ત્યાં અનંતનાગમાં મહાપાલિકા અધ્યક્ષ છે શ્રીમાન મોહંમદ ઇકબાલ. તેમને પોતાના વિસ્તારમાં સેનીટાઇજેશન માટે સ્પ્રેયરની જરૂર હતી. તેમણે માહિતી મેળવી તો ખબર પડી કે, મશીન તો બીજા શહેરમાંથી લાવવું પડશે અને કિંમત પણ હશે છ લાખ રૂપિયા. તો શ્રીમાન ઇકબાલજીએ પોતે જ પ્રયાસો કરીને પોતાની જાતે જ સ્પ્રેયર મશીન બનાવી લીધું અને તે પણ માત્ર 50 હજાર રૂપિયામાં. આવા તો કેટલાય બીજા ઉદાહરણ છે. આખા દેશમાં, ખૂણેખૂણામાંથી આવી અનેક પ્રેરક ઘટનાઓ રોજ સામે આવે છે. એ બધી અભિનંદનને પાત્ર છે. પડકાર ઉભો થયો, પરંતુ લોકોએ એટલી તાકાતથી તેનો સામનો પણ કર્યો.

મારા વ્હાલા દેશવાસીઓ,

સાચા અભિગમ દ્વારા, સર્જનાત્મક અભિગમ દ્વારા આફતને અવસરમાં, વિપત્તિને વિકાસમાં બદલવામાં હંમેશા ખૂબ મદદ મળે છે. અત્યારે આપણે કોરોનાના સમયમાં પણ જોઇ રહ્યા છીએ કે, કેવી રીતે આપણા દેશના યુવાનો, મહિલાઓએ પોતાની પ્રતિભા અને કૌશલ્યના સહારે કેટલાક નવા પ્રયોગો શરૂ કર્યા છે. બિહારમાં કેટલાય મહિલા સ્વસહાય જૂથોએ મધુબની ચિત્રકામવાળા માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. અને જોતજોતાંમાં આ માસ્ક ખૂબ લોકપ્રિય બની ગયા છે. આ મધુબની માસ્ક એક રીતે પોતાની પરંપરાનો પ્રચાર તો કરે છે, પરંતુ લોકોને આરોગ્યની સાથે રોજગારી પણ આપી રહ્યા છે. તમે જાણો જ છો કે, ઇશાન ભારતમાં બામ્બુ એટલે કે, વાંસ કેટલા વિપુલ પ્રમાણમાં થાય છે. હવે આ જ વાંસમાંથી ત્રિપુરા, મણિપુર, આસામના કારીગરોએ ઉચ્ચ ગુણવત્તાવાળી પાણીની બોટલ અને ટિફિનબોક્ષ બનાવવાનું શરૂ કર્યું છે. તમે એની ગુણવત્તા જોશો તો વિશ્વાસ નહીં થાય કે, વાંસમાંથી બનાવેલી બોટલો પણ આટલી શાનદાર હોઇ શકે છે. અને વળી, આ બોટલો ઇકોફ્રેન્ડલી – પ્રકૃતિને અનુરૂપ છે. આ બોટલો જયારે બનાવે છે ત્યારે વાંસને પહેલાં તો લીમડો અને બીજી વનૌષધિઓ સાથે ઉકાળવામાં આવે છે તેનાથી તેમાં ઔષધિય ગુણો પણ ઉમેરાય છે. નાના-નાના સ્થાનિક ઉત્પાદનો દ્વારા કેવી રીતે મોટી સફળતા મળે છે તેનું એક ઉદાહરણ ઝારખંડથી પણ મળ્યું છે. ઝારખંડના બિશુનપુરમાં અત્યારે 30થી વધુ જૂથ મળીને લેમન ગ્રાસની ખેતી કરે છે. લેમન ગ્રાસ ચાર મહિનામાં તૈયાર થઇ જાય છે અને તેનું તેલ બજારમાં સારા ભાવે વેચાય છે. આજકાલ તેની સારી એવી માંગ પણ છે. હું દેશના બે વિસ્તારો વિષે પણ વાત કરવા માંગું છું. બંને એકબીજાથી સેંકડો કીલોમીટર દૂર છે. અને પોતપોતાની રીતે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કંઇક અલગ રીતે કામ કરી રહ્યા છે. એક છે લદ્દાખ અને બીજો છે કચ્છ. લેહ અને લદ્દાખનું નામ સામે આવતાં જ સુંદર ખીણો અને ઉંચા-ઉંચા પહાડોના દ્રશ્યો આપણી સામે આવવા લાગે છે. તાજી હવાની લહેરખીઓનો અનુભવ થવા લાગે છે. ત્યાં કચ્છનો ઉલ્લેખ થતાં જ રણ, દૂર-દૂર સુધી ફેલાયેલું રણ, ઝાડપાન કયાંય નજર ન આવે. આ બધું આપણી નજર સામે તરવરવા લાગે છે. લદ્દાખમાં એક ખાસ ફળ થાય છે. જેનું નામ ચૂલી અથવા એપ્રિકોટ એટલે કે, જરદાલુ છે. આ પાક લદ્દાખ ક્ષેત્રના અર્થતંત્રને બદલવાની ક્ષમતા રાખે છે. પરંતુ અફસોસની વાત એ છે કે, પુરવઠાની સાંકળ, મોસમનો માર જેવાં અનેક પડકારોનો સતત સામનો કરતો રહે છે. એનો ઓછામાં ઓછો નાશ થાય તે માટે આજકાલ એક નવીનીકરણનો ઉપયોગ શરૂ થયો છે.  બે રીતે કામ કરતી એક વ્યવસ્થા છે. જેનું નામ છે solar apricot dryer and space heater સૌર ઉર્જા વડે જરદાલુ અને અન્ય ફળો તથા શાકભાજીને જરૂર મુજબ આ પ્રણાલી સૂકવી શકે છે અને તે પણ આરોગ્યપ્રદ રીતે. પહેલાં જયારે જરદાલુને ખેતરની બાજૂમાં જ સૂકવતા હતા તો તેમાંથી બગાડ ખૂબ થતો હતો. સાથે ધૂળ અને વરસાદના પાણીને લીધે ફળોની ગુણવત્તા ઉપર પણ અસર થતી હતી. બીજી તરફ હાલ કચ્છમાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી માટે પ્રશંસનીય પ્રયત્નો કરી રહ્યા છે. ઘણા લોકો જયારે સાંભળે છે ત્યારે એમને નવાઇ લાગે છે. કચ્છ અને ડ્રેગન ફ્રૂટ ? પરંતુ ત્યાં આજે કેટલાય ખેડૂત આ ખેતીમાં જોડાયા છે. ફળની ગુણવત્તા અને ઓછી જમીનમાં વધારે ઉત્પાદન લેવા માટે ઘણી શોધખોળ કરવામાં આવી રહી છે. મને જાણવા મળ્યું છે કે, ડ્રેગન ફ્રૂટની લોકપ્રિયતા સતત વધી રહી છે. ખાસ કરીને નાસ્તામાં તેનો ઉપયોગ સારો એવો વધ્યો છે. કચ્છના ખેડૂતોનો સંકલ્પ છે કે, દેશને ડ્રેગન ફ્રૂટની આયાત ન કરવી પડે. આ જ તો આત્મનિર્ભરતાની વાત છે.

સાથીઓ,

જયારે આપણે કંઇક નવું કરવાનું વિચારીએ છીએ, નવીનતાપૂર્વક વિચારીએ છીએ તો એવા કામ પણ શક્ય બની જાય છે જેમની સામાન્ય રીતે કોઇક કલ્પના પણ નથી કરતું. જેમ કે બિહારના કેટલાક યુવાનોની જ વાત લઇએ. પહેલા તેઓ સામાન્ય નોકરી કરતા હતા. એક દિવસ તેમણે નક્કી કર્યું કે, તે મોતીની ખેતી કરશે. એમના વિસ્તારમાં લોકોને આ વિષે બહુ ખબર નહોતી. પરંતુ પહેલાં તો બધી જાણકારી એકત્રિત કરી. જયપુર અને ભુવનેશ્વર જઇને તાલીમ લીધી. અને પોતાના ગામમાં જ મોતીની ખેતી શરૂ કરી દીધી. આજે તે પોતે તો તેમાંથી સારી કમાણી કરી જ રહ્યા છે, પરંતુ સાથે તેમણે મુઝફ્ફપુર, બેગુસરાઇ અને પટનામાં બીજા રાજયોમાંથી પાછા આવેલા પ્રવાસી કામદારોને પણ તેની તાલીમ આપવાનું શરૂ કરી દીધું છે. તેનાથી અનેક લોકો માટે આત્મનિર્ભરતાનો માર્ગ ખૂલી ગયો છે.

સાથીઓ,

થોડા દિવસો પછી રક્ષાબંધનનું પાવનપર્વ આવી રહ્યું છે. આ દિવસોમાં હું જોઇ રહ્યો છું કે, કેટલાય લોકો અને સંસ્થાઓ આ વખતે રક્ષાબંધનને જૂદી જ રીતે ઉજવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ઘણા લોકો તેને વોકલ ફોર લોકલ સાથે જોડી રહ્યા છે. અને આ વાત યોગ્ય પણ છે. આપણા પર્વ આપણા સમાજના ઘરની કોઇ બાજુની જ વ્યક્તિનો વેપાર વધે, તેનો તહેવાર પણ ખુશખુશાલ થાય ત્યારે પર્વનો આનંદ કંઇક ઔર થઇ જાય છે. બધા દેશવાસીઓને રક્ષાબંધનની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

સાથીઓ,

સાતમી ઓગષ્ટે રાષ્ટ્રીય હાથશાળ દિવસ છે. ભારતનો હાથશાળ ઉદ્યોગ આપણી હસ્તકલાકારીગરી પોતાનામાં સેંકડો વર્ષોનો ઇતિહાસ સમેટીને બેઠા છે. આપણા બધાનો પ્રયાસ એ જ હોવો જોઇએ કે, ભારતીય હાથશાળ ઉદ્યોગ અને હસ્તકળાનો આપણે વધુમાં વધુ માત્ર ઉપયોગ જ ન કરીએ પરંતુ તેના વિષે આપણે વધુમાં વધુ લોકોને માહીતગાર પણ કરીએ. ભારતની હાથશાળ અને હસ્તકલાકારીગરી કેટલી સમૃદ્ધ છે, તેમાં કેટલી વિવિધતા છે. એ જેટલું વધારે દુનિયા જાણશે તેટલો જ સ્થાનિક કારીગરો અને વણકરોને લાભ થશે.

સાથીઓ,

ખાસ કરીને મારા યુવા સાથીઓ, આપણો દેશ બદલાઇ રહ્યો છે. કેવી રીતે બદલાઇ રહ્યો છે ?  કેટલો ઝડપથી બદલાઇ રહ્યો છે ? કેવા-કેવા ક્ષેત્રોમાં બદલાઇ રહ્યો છે ? એક હકારાત્મક વિચારસરણી સાથે જો આપણે નજર રાખીશું તો આપણે પોતે જ અચંબામાં પડી જઇશું. એક સમય હતો જયારે રમતગમતથી લઇને અન્ય ક્ષેત્રોમાં પણ મોટાભાગના લોકો કાં તો મોટા-મોટા શહેરોમાંથી આવતા હતા, અથવા મોટા-મોટા પરિવારમાંથી કે પછી વિખ્યાત શાળાઓ અથવા કોલેજોમાંથી જ આવતા હતા. હવે દેશ બદલાઇ રહ્યો છે. ગામોમાંથી, નાના શહેરોમાંથી, સામાન્ય પરિવારમાંથી આપણા યુવાઓ આગળ આવી રહ્યા છે. સફળતાના નવા શિખરો સર કરી રહ્યા છે. આ લોકો મુશ્કેલીઓની વચ્ચે પણ નવા-નવા સપના સેવીને આગળ વધી રહ્યા છે. કંઇક એવું જ આપણને હજી હમણાં જ જે બોર્ડ પરીક્ષાઓના પરિણામ આવ્યા તેમાં પણ જોવા મળે છે. આજે મન કી બાતમાં આપણે કેટલાક એવા જ પ્રતિભાશાળી દિકરા-દીકરીઓ સાથે વાત કરીએ છીએ. એવી જ એક પ્રતિભાશાળી દિકરી છે. કૃતિકા નાંદલ. કૃતિકાજી હરિયાણામાં પાણીપતથી છે.

મોદીજીઃ-       હલ્લો કૃતિકાજી નમસ્તે,

કૃતિકાઃ-        નમસ્તે સર.        

મોદીજીઃ-       આટલા સરસ પરિણામ માટે તમને ખૂબ-ખૂબ અભિનંદન.

કૃતિકાઃ-        ધન્યવાદ સર.

મોદીજીઃ-       અત્યારે તો તમે ટેલિફોન લેતા-લેતા પણ થાકી ગયા હશોને. કેટલા બધા લોકોના ફોન આવતા હશે નહિં.

કૃતિકાઃ-        જી. સર..

મોદીજીઃ-       અને જે લોકો અભિનંદન આપે છે, તેઓ પણ ગર્વ અનુભવતા હશે. કે તે તમને ઓળખે છે. તમને કેવું લાગે છે.

કૃતિકાઃ-        સર, બહુ સારૂં લાગે છે. પપ્પા-મમ્મીને ગર્વનો અનુભવ કરાવીને પોતાને પણ એટલો જ ગર્વ થઇ રહ્યો છે.

મોદીજીઃ-       અચ્છા એ કહો કે, તમારી સૌથી મોટી પ્રેરણા કોણ છે?

કૃતિકાઃ-        સર. મારા મમ્મી જ મારી સૌથી મોટી પ્રેરણા છે.

મોદીજીઃ-       વાહ. સારૂં એ કહો કે તમે મમ્મી પાસેથી શું શીખી રહ્યા છો?

કૃતિકાઃ-        સર. એમણે પોતાની જીંદગીમાં અનેક મુશ્કેલીઓ જોઇ છે. તો પણ તે એટલા નિડર અને એટલા મજબૂત છે સર. એમને જોઇ-જોઇને એટલી પ્રેરણા મળે છે. કે હું પણ તેમના જેવી જ બનું.

મોદીજીઃ-       મમ્મી કેટલું ભણેલા છે?

કૃતિકાઃ-        સર. બી.એ. કરેલું છે એમણે..

મોદીજીઃ-       બી.એ. કરેલું છે ?

કૃતિકાઃ-        જી સર..

મોદીજીઃ-       અચ્છા તો મમ્મી તમને શીખવતા પણ હશે ને.

કૃતિકાઃ-        જી. સર. શીખવે છે ને. દુનિયાદારી વિષે દરેક બાબત જણાવે છે.

મોદીજીઃ-       એ વઢતા પણ હશે ને.

કૃતિકાઃ-        જી સર. એ વઢે પણ છે.

મોદીજીઃ-       સારૂં બેટા તમે આગળ શું કરવા ઇચ્છો છો.

કૃતિકાઃ-        સર. હું ડોકટર બનવા ઇચ્છું છું.

મોદીજીઃ-       અરે વાહ,

કૃતિકાઃ-        એમ.બી.બી.એસ.

મોદીજીઃ-       જુઓ. ડોકટર બનવું આસાન કામ નથી.

કૃતિકાઃ-        જી સર.

મોદીજીઃ-       ડીગ્રી તો મેળવી લેશો. કેમ કે, તમે ખૂબ હોશિયાર છો બેટા, પણ ડોકટરનું જે જીવન છે. એ સમાજ માટે બહુ સમર્પિત હોય છે.

કૃતિકાઃ-        જી સર.

મોદીજીઃ-       એણે તો કયારેક રાત્રે, ચેનથી સૂવા પણ નથી મળતું. કયારેક દર્દીનો ફોન આવે છે, હોસ્પીટલમાંથી ફોન આવી જાય છે. અને પછી દોડવું પડે છે. એક રીતે ચોવીસેય કલાક અને 365 દિવસ ડોકટરની જીંદગી લોકોની સેવામાં જ લાગેલી રહે છે.

કૃતિકાઃ-        યસ સર.

મોદીજીઃ-       અને ખતરો પણ રહે છે. કેમ કે, ખબર નહિં આજકાલ જે પ્રકારની બીમારીઓ થઇ રહી છે. એટલે ડોકટર સામે પણ બહુ મોટું સંકટ તોળાયેલું રહે છે.

કૃતિકાઃ-        જી સર.

મોદીજીઃ-       અચ્છા કૃતિકા, હરિયાણા તો રમતગમતમાં સમગ્ર હિંદુસ્તાન માટે કાયમ પ્રેરણા આપનારૂં, પ્રોત્સાહન આપનારૂં રાજય રહ્યું છે.

કૃતિકાઃ-        હા જી. સર.

મોદીજીઃ-       તો તમે પણ કોઇ રમતગમતમાં ભાગ લો છો ખરા. શું તમને કોઇ રમત પસંદ છે?

કૃતિકાઃ-        સર. બાસ્કેટબોલ રમતી હતી સ્કૂલમાં.

મોદીજીઃ-       અચ્છા તમારી ઉંચાઇ કેટલી છે. વધારે છે ઉંચાઇ?

કૃતિકાઃ-        નહિં સર. પાંચ બે જ છે.

મોદીજીઃ-       અચ્છા તો પછી તમે આ રમત કેમ પસંદ કરો છો?

કૃતિકાઃ-        સર. એ તો બસ  એક શોખ છે, રમી લઉં છું.

મોદીજીઃ-       સારૂં. સારૂં..

                ચાલો કૃતિકાજી. તમારા મમ્મીને પણ મારા તરફથી પ્રણામ કહેજો. તમને આ રીતે યોગ્ય બનાવ્યા. તમારા જીવનનું ઘડતર કર્યું. તમારા મમ્મીને પણ પ્રણામ અને તમને ખૂબ-ખૂબ અભિનંદન. ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

કૃતિકાઃ-        ધન્યવાદ સર.

                આવો હવે આપણે જઇએ છીએ કેરળ, એર્નાકુલમ.

                કેરળના નવયુવાન સાથે વાત કરીશું.

મોદીજીઃ-       હેલો.

વિનાયકઃ-     હેલો સર. નમસ્કાર.

મોદીજીઃ-       સો વિનાયક. કોન્ગ્રેચ્યુલેશન.

વિનાયકઃ-     હા, થેંક્યુ સર.

મોદીજીઃ-       શાબાશ વિનાયક. શાબાશ.

વિનાયકઃ-     હા. થેંક્યુ સર.

મોદીજીઃ-       હાવ ઇઝ ધ જોશ.

વિનાયકઃ-     હાઇ સર.

મોદીજીઃ-       શું તમે કોઇ રમત રમો છો.

વિનાયકઃ-     બેડમિન્ટન.

મોદીજીઃ-       બેડમિન્ટન,

વિનાયકઃ-     હા. યસ.

મોદીજીઃ-       સ્કૂલમાં કે પછી તાલીમ લેવાની કોઇ તક મળી હતી.

વિનાયકઃ-     ના સર. સ્કૂલમાં જ. અમને થોડી તાલીમ મળી હતી.

મોદીજીઃ-       હં..હં..

વિનાયકઃ-     અમારા ટીચર પાસેથી..

મોદીજીઃ-       હં.. હં..

વિનાયકઃ-     એ રીતે મને બહારની રમતોમાં પણ ભાગ લેવાની તક મળી.

મોદીજીઃ-       વાહ, (વોવ)

વિનાયકઃ-     એટલે સ્કૂલમાંથી જ.

મોદીજીઃ-       તો તમે કેટલા રાજયોની મુલાકાત લીધી.

વિનાયકઃ-     હું ખાલી કેરળ અને તમિલનાડુ જ ગયો છું.

મોદીજીઃ-       ખાલી કેરળ ને તમિલનાડુ ?

વિનાયકઃ-     હા. સર.

મોદીજીઃ-       તો તમને દિલ્હીની મુલાકાત લેવાનું ગમશે.

વિનાયકઃ-     હા સર. હવે હું આગળ મારા અભ્યાસ માટે દિલ્હી યુનિવર્સિટીમાં અરજી કરી રહ્યો છું.

મોદીજીઃ-   વાહ.. એટલે તમે દિલ્હી આવો છો. એમ..

વિનાયકઃ-     હા. યસ સર.

મોદીજીઃ-       અચ્છા મને એ કહો કે, ભવિષ્યમાં બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ માટે તમારો સંદેશ છે.

વિનાયકઃ-     સખત મહેનત અને સમયનો યોગ્ય ઉપયોગ.

મોદીજીઃ-       એટલે કે, સમયનું ચોક્કસ વ્યવસ્થાપન.

વિનાયકઃ-     હા. સર.

મોદીજીઃ-       વિનાયક. મને તમારા શોખ વિષે કંઇક કહેશો.

વિનાયકઃ-     બેડમિન્ટન અને પછી રોઇન્ગ.(નૌકાયન)

મોદીજીઃ-       અને તમે સોશિયલ મીડિયા પર એકટીવ છો.

વિનાયકઃ-     સ્કૂલમાં અમને કોઇ ઇલેક્ટ્રોનિક સાધન અથવા ચીજવસ્તુ વાપરવાની છુટ નથી.

મોદીજીઃ-       એટલા તમે નસીબદાર છો.

વિનાયકઃ-     યસ. સર..

મોદીજીઃ-       સારૂં વિનાયક, ફરી એકવાર અભિનંદન. અને ભવિષ્યની શુભેચ્છાઓ.

વિનાયકઃ-     થેંક્યું સર.

                આવો હવે આપણે ઉત્તરપ્રદેશ જઇએ. ઉત્તરપ્રદેશમાં અમરોહાના શ્રીમાન ઉસ્માન શૈખી સાથે વાત કરીશું.

મોદીજીઃ-       હેલો ઉસ્માન. ખૂબ-ખૂબ અભિનંદન. તમને અનેક અનેક અભિનંદન.

ઉસ્માનઃ-       થેંક્યુ સર.

મોદીજીઃ-       અચ્છા ઉસ્માન મને એ કહો કે, તમે જેવું ઇચ્છયું હતું તેવું જ પરિણામ આવ્યું કે કંઇક ઓછું આવ્યું.

ઉસ્માનઃ-       ના સર. જેવું ઇચ્છયું હતું તેવું જ મળ્યું છે. મારા મમ્મી-પપ્પા પણ ખૂબ ખુશ છે.

મોદીજીઃ-       વાહ, સારૂં, પરિવારમાં બીજા ભાઇ પણ શું આટલા જ તેજસ્વી છે કે ઘરમાં તમે એક જ હોંશિયાર છો.

ઉસ્માનઃ-       ખાલી હું એક જ છું. મારો ભાઇ થોડો તોફાની છે.

મોદીજીઃ-       હા. હા..

ઉસ્માનઃ-       બાકી મારા કારણે બહુ ખુશ રહે છે.

મોદીજીઃ-       સરસ.. સરસ.. સારૂં તમે જયારે ભણતા હતા તો ઉસ્માન તમારો માનીતો વિષય કયો હતો.

ઉસ્માનઃ-       ગણિત.

મોદીજીઃ-       અરે વાહ, તો શું તમને ગણિતમાં રસ પડતો હતો. એ કેવી રીતે બન્યું. કયા શિક્ષકે તમને પ્રેરિત કર્યા.

ઉસ્માનઃ-       જી. અમારા એક વિષય શિક્ષક છે, રજત સર. એમણે મને પ્રેરણા આપી. અને ખૂબ સારૂં ભણાવે છે. અને ગણિત તો શરૂઆતથી જ મારૂં સારૂં રહ્યું છે. અને એ સારો એવો રસપ્રદ વિષય પણ છે.

મોદીજીઃ-       હં.. હં..

ઉસ્માનઃ-       તો જેટલી વધુ મહેનત કરીએ છીએ. તેટલો તેમાં વધારે સર પડે છે. એટલે એ મારો માનીતો વિષય છે.

મોદીજીઃ-       હં.. હં.. તમને ખબર છે કે ઓનલાઇન વૈદિક ગણિતના કલાસ ચાલે છે.

ઉસ્માનઃ-       હા સર.

મોદીજીઃ-       હં.. કયારેય એનો પ્રયત્ન કર્યો છે ખરો.

ઉસ્માનઃ-       ના. સર હજી સુધી નથી કર્યો.

મોદીજીઃ-       તમે જુઓ. તમારા ઘણા બધા દોસ્તોને થશે કે, તમે જાદુગર છો. કેમ કે, કમ્પ્યુટરની ઝડપે તમે ગણતરી કરી શકો છો. વૈદિક ગણિતની મદદથી. બહુ સરળ રીતો તેમાં આપેલી છે. અને આજકાલ તો તે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે.

ઉસ્માનઃ-       જી સર..

મોદીજીઃ-       તમને ગણિતમાં રસ છે. એટલે ઘણીબધી નવીનવી ચીજો પણ તમે આપી શકો છો.

ઉસ્માનઃ-       જી સર.

મોદીજીઃ-       સારૂં ઉસ્માન તમે ખાલી સમયમાં શું કરો છો.

ઉસ્માનઃ-       ખાલી સમયમાં કંઇકને કંઇક લખતો રહું છું હું. મને લેખનમાં બહુ રસ પડે છે.

મોદીજીઃ-       અરે વાહ, એનો અર્થ તો તમે ગણિતમાં પણ રસ લો છો. અને સાહિત્યમાં પણ રસ લો છો.

ઉસ્માનઃ-       હા સર..

મોદીજીઃ-       શું લખો છો. કવિતાઓ લખો છો. શાયરીઓ લખો છો.

ઉસ્માનઃ-       કંઇ પણ.. વર્તમાન ઘટનાઓ સાથે સંબંધિત કોઇપણ મુદ્દો હોય તેના પર લખતો રહું છું.

મોદીજીઃ-       હં...હં..

ઉસ્માનઃ-       નવી-નવી જાણકારી મળતી રહે છે. જેમ કે, જીએસટીનો મુદ્દો, આપણી નોટબંધી. આ બધી બાબતો..

મોદીજીઃ-       અરે વાહ, તો તમે કોલેજના અભ્યાસ માટે શું આયોજન કરી રહ્યા છો.

ઉસ્માનઃ-       કોલેજનો અભ્યાસ, સર મારી જીમેઇન્સની પહેલી પરિક્ષા કલીયર થઇ ગઇ છે. અને હવે હું સપ્ટેમ્બરમા બીજા પ્રયત્ન માટે બેસીશ. મારો મુખ્ય ધ્યેય છે કે હું પહેલા આઇઆઇટીમાંથી સ્નાતકની ડીગ્રી લઉં અને ત્યારપછી સિવિલ સર્વિસીસમાં જાઉં. અને એક આઇએએસ બનું.

મોદીજીઃ-       અરે વાહ, સારૂં તમે ટેકનોલોજીમાં પણ રસ લો છો.

ઉસ્માનઃ-       યસ સર. એટલા માટે તો મેં આઇટીનો વિકલ્પ લીધો છે. પહેલીવાર શ્રેષ્ઠ આઇઆઇટીનો.

મોદીજીઃ-       ચાલો તો ઉસ્માન મારા તરફથી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. અને તમારો ભાઇ થોડો તોફાની છે. તો તમારો સમય પણ સારો જતો હશે. અને તમારા બા-બાપુજીને પણ મારા તરફથી પ્રણામ કહેજો. તેમણે તમને આ રીતે તક આપી તમારી હિંમત વધારી એ જાણીને મને બહુ સારૂં લાગ્યું કે તમે અભ્યાસની સાથેસાથે વર્તમાન સમસ્યાઓનું પણ અધ્યયન કરો છો. અને લખો પણ છો. જુઓ લખવાનો ફાયદો એ થાય છે કે, તમારા વિચારોમાં શાર્પનેસ આવે છે. લખવાથી બહુ સારો ફાયદો થાય છે. તો મારા તરફથી તમને ખૂબ-ખૂબ ધન્યવાદ.

ઉસ્માનઃ-       થેંક્યું સર.

 

 

                આવો હવે ફરી એકદમ નીચે દક્ષિણમાં જઇએ. તમિલનાડુ, નામાક્કલથી દિકરી કન્નિગા સાથે વાત કરીશું. અને હા, કન્નિગાની વાત તો ખૂબ જ પ્રેરણાદાયક છે.

મોદીજીઃ-       કન્નિગાજી. વડક્કમ.

કન્નિગાઃ-       વડક્કમ સર.

મોદીજીઃ-       કેમ છો.

કન્નિગાઃ-       મજામાં સર.

મોદીજીઃ-       સૌ પહેલાં તો તમારી મહાન સફળતા માટે તમને ખૂબ-ખૂબ અભિનંદન.

કન્નિગાઃ-       થેંક્યુ સર.

મોદીજીઃ-       જયારે હું નમક્કલનું નામ સાંભળું છું, તો મને આંજનેય મંદિર યાદ આવે છે.

કન્નિગાઃ-       યસ સર.

મોદીજીઃ-       હવે હું તમને મારી સાથેની વાતચીત પણ યાદ કરાવીશ.

કન્નિગાઃ-       યસ સર.

મોદીજીઃ-       એટલી ફરીવાર કોંગ્રેચ્યુલેશન.

કન્નિગાઃ-       થેંક્યું સર.

મોદીજીઃ-       તમે તમારી પરીક્ષા માટે તો ખૂબ સખત મહેનત કરી હશે નહિં. તમારી તૈયારીનો અનુભવ કેવો હતો.

કન્નિગાઃ-       સર. અમે શરૂઆતથી જ સખત મહેનત કરીએ છીએ. આ પરિણામ વિષે મેં આટલી સારી ધારણા નહોતી રાખી. પરંતુ મેં સારૂં લખ્યું હતું. એટલે પરિણામ સારૂં મળ્યું.

મોદીજીઃ-       તમે કેટલી અપેક્ષા રાખી હતી.

કન્નિગાઃ-       485 કે 486 આવશે એવું મેં વિચાર્યું હતું.

મોદીજીઃ-       અને આવ્યા કેટલા ?

કન્નિગાઃ-       490

મોદીજીઃ-       તો તમારા કુટુંબના સભ્યો અને ટીચર્સનો પ્રતિભાવ શું છે ?

કન્નિગાઃ-       એ બધા તો ખૂબ ખુશ છે અને એમને ગર્વ પણ છે સર.

મોદીજીઃ-       તમારો માનીતો વિષય કયો છે ?

કન્નિગાઃ-       મેથેમેટિક્સ, ગણિત.

મોદીજીઃ-       ઓહો. અને તમારૂં ભવિષ્યનું આયોજન શું છે ?

કન્નિગાઃ-       જો, એએફએમસીમાં પ્રવેશ શક્ય બને તો હું ડોકટર બનવા માંગું છું સર.

મોદીજીઃ-       તો તમારા કુટુંબના સભ્યો પણ તબીબી વ્યવસાયમાં છે કે બીજે ક્યાંય.

કન્નિગાઃ-       નો સર. મારા પપ્પા ડ્રાઇવર છે, પણ મારી બહેન એમબીબીએસનું ભણે છે.

મોદીજીઃ-       અરે વાહ.. સૌપ્રથમ તો હું તમારા પિતાજીને પ્રણામ કરીશ. જે તમારી બહેન અને તમારી ખૂબ સંભાળ લે છે. ખરેખર તેમની સેવા મહાન છે.

કન્નિગાઃ-       યસ સર.

મોદીજીઃ-       અને, તેઓ બધા માટે પ્રેરણારૂપ છે.

કન્નિગાઃ-       હા સર.

મોદીજીઃ-       મારા તમને, તમારી બહેનને, તમારા પિતાજીને અને તમારા કુટુંબને ખૂબ ખૂબ અભિનંદન.

કન્નિગાઃ-       થેંક્યું સર.

સાથીઓ,

એવા તો અનેક યુવાદોસ્તો છે. મુશ્કેલ પરિસ્થિતીમાં પણ જેમની હિંમતની, જેમની સફળતાની કહાની આપણને પ્રેરિત કરે છે. મને થતું હતું કે, વધુમાં વધુ યુવા સાથીઓ સાથે વાત કરવાની તક મળે, પરંતુ સમયની પણ કેટલીક મર્યાદા હોય છે. હું તમામ યુવાસાથીઓને એ આગ્રહ કરીશ કે, તેઓ પોતાની વાત કે જેનાથી દેશને પ્રેરણા મળી શકે. તે પોતાની આપવીતી આપણા બધા સાથે ચોક્કસ શેર કરે, વહેંચે, જણાવે.

મારા વ્હાલા દેશવાસીઓ,

સાત સમુંદર પાર ભારતથી હજારો માઇલ દૂર એક નાનો એવો દેશ છે. જેનું નામ છે “સુરિનામ”. સુરિનામ સાથે ભારતના ખૂબ જ નિકટના સંબંધો છે. 100થી પણ વધુ વર્ષના સમય પહેલાં ભારતથી લોકો ત્યાં ગયા. અને તેને જ પોતાનું ઘર બનાવી લીધું. આજે એમની ચોથી-પાંચમી પેઢી ત્યાં વસે છે. અને સુરિનામમાં ચોથા ભાગનાથી પણ વધુ લોકો ભારતીય મૂળના છે. શું તમે જાણો છો, ત્યાંની સામાન્ય ભાષાઓમાંથી એક “સરનામિ” પણ “ભોજપુરી”ની જ એક બોલી છે. આ સાંસ્કૃતિક સંબંધોને લઇને આપણે ભારતીય ખૂબ ગર્વનો અનુભવ કરીએ છીએ.

તાજેતરમાં જ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી સુરિનામના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. તેઓ ભારતના મિત્ર છે. અને વર્ષ 2018માં આયોજીત Person of Indian Origin (PIO) Parliamentary conference – એટલે કે ભારતીય મૂળના રાજનૈતિકો માટેના સંમેલનમાં પણ ભાગ લીધો હતો. શ્રી ચંદ્રિકા પ્રસાદ સંતોખીજીએ શપથની શરૂઆત વેદમંત્રો સાથે કરી હતી. તેઓ સંસ્કૃતમાં  બોલ્યા હતા. તેમણે વેદોનો ઉલ્લેખ કર્યો અને ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ની સાથે પોતાના શપથ પૂરા કર્યા હતા. પોતાના હાથમાં વેદ લઇને તેઓ બોલ્યા હતા, હું ચંદ્રિકા પ્રસાદ સંતોખી અને આગળ તેમણે શપથમાં શું કહ્યું ? તેમણે વેદના જ એક મંત્રનું ઉચ્ચારણ કર્યું. તેમણે કહ્યું,

अग्ने व्रतपते व्रतं चरिष्यामि तच्छकेयम तन्मे राध्यताम |

इदमहमनृतात सत्यमुपैमि ||

અર્થાત્ હે અગ્નિ, સંકલ્પના દેવતા હું એક પ્રતિજ્ઞા કરી રહ્યો છું, મને તેના માટે શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરો. મને અસત્યથી દૂર રહેવા અને સત્યની તરફ જવાના આશીર્વાદ આપો. ખરેખર આ આપણા બધા માટે ગૌરવની બાબત છે.

હું શ્રી ચંદ્રિકા પ્રસાદ સંતોખીને અભિનંદન આપું છું અને પોતાના રાષ્ટ્રની સેવા કરવા માટે 130 કરોડ ભારતીયો તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવું છું.

મારા વ્હાલા દેશવાસીઓ,

અત્યારે વરસાદની ઋતુ પણ છે. ગયે વખતે પણ મે આપને કહ્યું હતું કે, વરસાદમાં ગંદકી અને તેનાથી થતી બીમારીઓનું જોખમ વધી જાય છે. દવાખાનાઓમાં ભીડ પણ વધી જાય છે. એટલે આપ સૌ સાફસફાઇ ઉપર ઘણું વધારે ધ્યાન આપો. રોગપ્રતિકારક શક્તિ વધારનારી ચીજો આયુર્વેદિક ઉકાળો વગેરે લેતા રહો. કોરોના સંક્રમણના સમયમાં આપણે બીજી બીમારીઓથી પણ દૂર રહીએ. જેથી આપણને દવાખાનાના ધક્કા ન ખાવા પડે. તેનો પણ પૂરો ખ્યાલ રાખવો પડશે.  

સાથીઓ,

વરસાદની આ ઋતુમાં દેશનો એક મોટો ભાગ પૂરનો પણ સામનો કરી રહ્યો છે. બિહાર, આસામ જેવા રાજયોના કેટલાય વિસ્તારોમાં તો પૂરે બહુ મોટી મુશ્કેલી ઉભી કરેલ છે. એટલે કે, એક તરફ કોરોના છે, તો બીજી તરફ આ વધુ એક પડકાર છે. એ સ્થિતિમાં બધી સરકારો, એનડીઆરએફની ટીમો, રાજયની આફત નિયંત્રણ ટીમો, સેવાભાવી સંસ્થાઓ, બધા એકસાથે મળીને લાગેલા છે. દરેક રીતે બચાવ અને રાહતના કામ કરી રહ્યા છે. આ આફતથી અસરગ્રસ્ત તમામ લોકો સાથે સમગ્ર દેશ ઉભો છે.

સાથીઓ,

આવતી વખતે જયારે આપણે મન કી બાતમાં મળીશું . તેના પહેલા જ 15મી ઓગષ્ટ પણ આવી રહી છે. આ વખતે 15મી ઓગષ્ટ પણ જુદી જ પરિસ્થિતીમાં હશે – કોરોના મહામારીની આફતની વચ્ચે જ હશે. સૌ યુવાનોને બધા દેશવાસીઓને મારો અનુરોધ છે કે, આપણે સ્વતંત્રતા દિવસે મહામારીથી આઝાદીનો સંકલ્પ લઇએ. પોતાના કર્તવ્યોનું પાલન કરવાનો સંકલ્પ લઇએ. આપણો દેશ આજે જે ઉંચાઇ પર છે. તે કેટલીયે એવી મહાન વિભૂતિઓની તપસ્યાના કારણે છે. જેમણે રાષ્ટ્રનિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આવી જ મહાન વિભૂતિઓમાંના એક છે લોકમાન્ય તિલક. 1લી ઓગષ્ટ 2020ના રોજ લોકમાન્ય તિલકજીની 100મી પુણ્યતિથિ છે. લોકમાન્ય તિલકજીનું જીવન આપણા બધા માટે બહુ મોટી પ્રેરણા છે. આપણને બધાને તે ઘણું બધું શીખવે છે.

આવતી વખતે જયારે આપણે મળીશું તો, ફરી ઘણી વાતો કરીશું. મળીને કંઇક નવું શીખીશું. અને બધાની સાથે વહેંચીશું. આપ સૌ પોતાનું ધ્યાન રાખજો. પોતાના પરિવારનું ધ્યાન રાખજો. અને સ્વસ્થ રહેજો. બધા દેશવાસીઓને આવનારા તમામ પર્વોની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

ખૂબ-ખૂબ ધન્યવાદ.

 

SD/GP/DS/BT


(Release ID: 1641319) Visitor Counter : 453