પ્રધાનમંત્રીનું કાર્યાલય
વિશ્વ યુવા કૌશલ્ય દિન પ્રસંગે પ્રધાનમંત્રીનો યુવાનોને કૌશલ્ય હાંસલ કરવા, નવેસરથી કૌશલ્ય પ્રાપ્ત કરવા અને કોશલ્યમાં સુધારો કરવા અનુરોધ
સ્કીલ ઈન્ડીયા મિશને સ્થાનિક સ્તરે અને વિશ્વમાં નોકરીઓ પ્રાપ્ત કરવાની તકોમાં વધારો કર્યો છે: પ્રધાનમંત્રી
તાજેતરમાં કુશળ કામદારોના કૌશલ્યની માપણી માટે રજૂ કરવામાં આવેલા પોર્ટલનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે, પોતાના વતનમાં પાછા ફરેલા પ્રવાસી શ્રમિકો સહિતના કામદારોને આ પોર્ટલ આસાનીથી નોકરીઓ મેળવવામાં સહાયક બનશે
પ્રધાનમંત્રીએ દેશમાં કૌશલ્યનો લાભ લેવાની અને વૈશ્વિક બજારને પૂરક બનાવવાની વિપુલ તકો પર ભાર મુક્યો
Posted On:
15 JUL 2020 11:33AM by PIB Ahmedabad
આજે વિશ્વ યુવા કૌશલ્ય દિન અને સ્કીલ ઈન્ડીયા મિશનની પાંચમી વર્ષગાંઠ પ્રસંગે યોજાયેલી ડિજિટલ સ્કીલ કોન્ક્લેવને સંબોધન કરતા એક સંદેશમાં પ્રધાનમંત્રીએ ઝડપથી બદલાતા જતા બિઝનેસના વાતાવરણની વચ્ચે અને બદલાતી જતી બજારની પરિસ્થિતમાં યુવાનોને કોશલ્ય હાંસલ કરવા, નવેસરથી કૌશલ્ય પ્રાપ્ત કરવા અને કોશલ્યમાં સુધારો કરવા અનુરોધ કર્યો છે. તેમણે આ પ્રસંગે દેશના યુવાનોને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યુ હતું કે, દરેક સમયે નવુ કૌશલ્ય હાંસલ કરવાની ક્ષમતા ધરાવતા યુવાનોને કારણે આ વિશ્વ યુવાનોનુ છે.
તેમણે કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં આજના જ દિવસે રજૂ કરવામાં આવેલા સ્કીલ ઈન્ડીયા મિશનને કારણે કૌશલ્ય હાંસલ કરવા, નવેસરથી કૌશલ્ય પ્રાપ્ત કરવા અને કૌશલ્યમાં સુધારો કરવાની અપાર તકો પેદા થઈ છે અને સ્થાનિક સ્તરે તેમજ વિશ્વમાં નોકરીઓ હાંસલ કરવાની તકોમાં વધારો થયો છે. આ ઝુંબેશના કારણે દેશભરમાં સેંકડો કૌશલ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે અને આઈટીઆઈ તંત્ર વ્યવસ્થાની ક્ષમતા વધારવામાં આવી છે. આ દિશામાં એકત્રિત પ્રયાસોને કારણે છેલ્લાં 5 વર્ષમાં 5 કરોડથી વધુ યુવકોએ કૌશલ્ય હાંસલ કર્યુ છે. તાજેતરમાં કુશળ કામદારોના કૌશલ્યની માપણી માટે રજૂ કરવામાં આવેલા પોર્ટલનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેનાથી વતનમાં પાછા ફરેલા પ્રવાસી શ્રમિકો સહિતના કામદારોને આસાનીથી નોકરી મેળવવામાં સહાય થશે અને માલિકો માઉસ પર ક્લિક કરતાંની સાથે જ કુશળ કામદારોનો સંપર્ક કરી શકશે. તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું કે, પ્રવાસી શ્રમિકોના કૌશલ્યનો ઉપયોગ કરવાથી સ્થાનિક અર્થતંત્રને ફાયદો થશે.
તેમણે કૌશલ્યને એક ઉપહાર સમાન ગણાવી હતી અને જણાવ્યુ હતું કે, આપણે પોતાની જાતને સમયથી પર એવી તથા અનોખી અને ખજાના સમાન ભેટ આપી શકીએ તેમ છીએ. તેનો ઉપયોગ કરીને આપણે રોજગારપાત્ર તો બનીએ છીએ જ પણ સાથે-સાથે જીવનમાં સંતોષ પણ હાંસલ કરી શકીએ છીએ. તેમણે કહ્યું હતું કે, નવુ કૌશલ્ય હાંસલ કરવાનુ કુદરતી આકર્ષણ વ્યક્તિના જીવનમાં નવી ઉર્જાના સંચારની સાથે-સાથે પ્રોત્સાહન પેદા કરે છે. કૌશલ્ય એ માત્ર આજીવિકાનુ સાધન જ નથી પણ આપણા રોજબરોજના જીવનમાં જીવંત અને ઉર્જાવંત બનવાનુ કારણ પણ છે.
પ્રધાનમંત્રીએ તેમના પ્રવચનમાં ‘જ્ઞાન’ અને ‘કૌશલ્ય’ વચ્ચેનો સંબંધ સમજાવ્યો હતો. તેમણે ઉદાહરણ આપીને સમજાવ્યુ હતું કે, સાયકલ કેવી રીતે ચલાવી શકાય છે તેની જાણકારી એ જ્ઞાન છે, જ્યારે સાયકલ ચલાવતાં આવડવુ તે એક કૌશલ્ય છે. યુવાનોએ વિવિધ સંદર્ભોમાં આ બે બાબત વચ્ચેનો તફાવત અને તેની અસરોને પણ સમજવી જોઈએ. તેમણે સુથારી કામનુ ઉદાહરણ આપીને કૌશલ્ય હાંસલ કરવા, નવેસરથી કૌશલ્ય પ્રાપ્ત કરવા અને કોશલ્યમાં સુધારો કરવા અંગેનો તફાવત સમજાવ્યો હતો.
આ ઉપરાંત તેમણે દેશમાં ઉપલબ્ધ કૌશલ્યની તકોનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે હેલ્થકેર સેકટરનુ ઉદાહરણ આપતાં જણાવ્યુ હતું કે, ભારતના કુશળ કામદારો વિશ્વની જરૂરિયાતને પૂરક બની શકે તેમ છે. તેમણે જે માંગ હોય તેનુ આકલન કરવાની તથા ભારતનાં કૌશલ્યનાં ધોરણોને અન્ય દેશના કૌશલ્ય સાથે જોડવા અનુરોધ કર્યો હતો. સમાન પ્રકારે તેમણે જણાવ્યુ હતું કે, દુનિયાભરની મરચન્ટ નેવીની માંગ વધી રહી છે ત્યારે દરિયાઈ (મેરીટાઈમ) ક્ષેત્રનો અનુભવ ધરાવતા ભારતીયો આ ક્ષેત્રમાં નિષ્ણાત ખલાસીઓ બની શકે તેમ છે.
વિશ્વ યુવા કૌશલ્ય દિવસ કે જે દર વર્ષે જુલાઈ માસની 15 તારીખે મનાવવામાં આવે છે તે આ વર્ષે વર્ચ્યુઅલ પધ્ધતિથી મનાવવામાં આવ્યો હતો. આ સમારંભમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના મંત્રી શ્રી મહેન્દ્ર નાથ પાંડે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી શ્રી આર. કે. સિંઘ તથા લાર્સન એન્ડ ટુબ્રોના ગ્રુપ ચેરમેન શ્રી એ. એમ. નાયકે કોન્ક્લેવને સંબોધન કર્યુ હતું. લાખો તાલીમાર્થીઓના વ્યાપક નેટવર્ક ઉપરાંત કૌશલ્ય વિકાસ વ્યવસ્થાના તમામ સહયોગીઓ આ કોન્ક્લેવમાં સામેલ થયા હતા.
DS/GP/BT
(Release ID: 1638715)
Visitor Counter : 286
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam