ગૃહ મંત્રાલય
ચક્રાવાતી તોફાન ‘નિસર્ગ’ અંગેની પૂર્વ તૈયારીઓનું અવલોકન કરવા માટે NCMCની બેઠક યોજાઇ
Posted On:
02 JUN 2020 6:26PM by PIB Ahmedabad
કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિ (NCMC)ની બીજી બેઠક યોજાઇ હતી. ચક્રાવાતી તોફાન ‘નિસર્ગ’નો સામનો કરવા માટે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો/ એજન્સીઓની પૂર્વતૈયારીએનું અવલોકન કરવા માટે આ બેઠક યોજવામાં આવી હતી.
ભારતીય હવામાન ખાતા (IMD)એ જણાવ્યું હતું કે, તીવ્ર ચક્રાવાતી તોફાન 3 જૂને બપોર પછી/ સાંજે મહારાષ્ટ્રના દરિયાકાંઠા પર ત્રાટકે તેવી સંભાવના છે. આ ચક્રાવાતી તોફાનમાં 100-110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે અને તેની મહત્તમ ઝડપ 120 કિમી પ્રતિ કલાક થઇ શકે છે. સાથે સાથે રાજ્યમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ પડવાની તેમજ દરિયામાં 1-2 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના પણ છે.
આ ચક્રાવાતની અસર મહારાષ્ટ્રમાં રાયગડ, મુંબઇ, થાણે અને પાલઘર તેમજ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભાવનગર અને ભરૂચ જિલ્લામાં અને દમણ, દાદરા અને નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશમાં જોવા મળે તેવી શક્યતા છે.
રાજ્ય સરકારો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ NCMCએ આ અગાઉથી તૈયારીઓ કરી તેની પ્રશંસા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે, તેમની પાસે આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને તમામ ઇમરજન્સી સેવાઓ માટે પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જથ્થાબંધ SMS સુવિધા ટેલિકોમ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવી છે જેની મદદથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને સતર્ક કરવામાં આવે છે અને લોકોના સ્થળાંતરણની કામગીરી પણ ચાલી રહી છે.
NDRF દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 40 ટીમો તૈનાત કરવામાં આવી છે અને વધારાની ટીમોને પણ એરલિફ્ટ કરવામાં આવી છે. સૈન્ય અને નૌસેના દ્વારા બચાવ અને રાહતની ટીમોને નૌસેના અને એરફોર્સના જહાજ અને વિમાનો સાથે પણ સ્ટેન્ડબાય સ્થિતિમાં રાખવામાં આવી છે. કોસ્ટગાર્ડના જહાજો પહેલાંથી જ દરિયામાં માછીમારીને બચાવવાની કામગીરીમાં લાગી ગયા છે.
રાજ્યો અને કેન્દ્રીય એજન્સીઓની પૂર્વતૈયારીઓની સ્થિતિની સમીક્ષા કર્યા પછી, કેબિનેય સચિવે તમામ લોકોને નિર્દેશો આપ્યા હતા કે, ચક્રાવાતના માર્ગમાં આવતા નીચાણવાળા વિસ્તારોમાંથી તમામ લોકોનું સ્થળાંતરણ કરવામાં આવે અને તમામ માછીમારો દરિયામાંથી તેમના ઘરે પરત ફરે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે. કોવિડ-19ના દર્દીઓને આપવામાં આવતી આવશ્યક તબીબી સેવામાં કોઇપણ અવરોધ ના આવે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવે. એજન્સીઓને એવા પણ નિર્દેશો આપવામાં આવ્યા હતા કે, તેઓ વીજળી, સંદેશાવ્યવહાર, ન્યૂક્લિઅર, રસાયણ, ઉડ્ડયન અને જહાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અસ્કયામતોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આકસ્મિત સ્થિતિના પ્લાન સક્રિય કરે.
મહારાષ્ટ્ર અને ગુજરાતના અધિક સચિવ અને દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના વહીવટી સલાહકારે આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો હતો. ગૃહ, જાહાજ, વિદ્યુત, રેલવે, ટેલિકમ્યુનિકેશન, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, અણુ ઉર્જા, રસાયણો અને પેટ્રો કેમિકલ્સ, નાગરિક ઉડ્ડયન, આરોગ્ય મંત્રાલયો, IMD, IDS, NDMA અને NDRFના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.
કટોકટીની સ્થિતિની માહિતી મેળવવા માટે ફરી વાર NCMCની બેઠકનું આયોજન કરવામાં આવશે.
GP/DS
(Release ID: 1628775)
Visitor Counter : 193