પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ડૉ. એલેક્ઝાન્ડર વાન દેર બૈલન વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

Posted On: 26 MAY 2020 7:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. એલેક્ઝાન્ડર વાન દે બૈલન વચ્ચે આજે ટેલીફોન પર ચર્ચા થઇ હતી.


ઑસ્ટ્રિયાના રાષ્ટ્રપતિએ ભારતમાં અમ્ફાન ચક્રાવાતના કારણે થયેલી ભારે તારાજી અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. બંને મહાનુભવોએ પોત પોતાના દેશમાં કોવિડ-19 મહામારીના કારણે આરોગ્ય અને આર્થિક ક્ષેત્રો પર વિપરિત અસરો દૂર કરવા માટે લેવામાં આવેલા પગલાં વિશે પોતાના મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. તેઓ વાતે પણ સંમત થયા હતા કે, વર્તમાન પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ ખૂબ મહત્વનો છે.


બંને નેતાઓએ કોવિડ પછીના વિશ્વમાં ભારત અને ઑસ્ટ્રિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા અને સંબંધોમાં વધુ વિવિધતા લાવવા અંગે તેમની સહિયારી ઇચ્છાઓનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, સંશોધન અને નાવીન્યકરણ, SME વગેરે ક્ષેત્રોમાં સહકાર વધારવાની તકો પર પ્રકાશ પાડ્યો હતો.


બંને નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે, સમગ્ર વિશ્વ ટુંક સમયમાં વર્તમાન આરોગ્ય કટોકટીની સ્થિતિમાંથી બહાર આવી જશે અને પર્યાવરણના આરોગ્ય જેવી લાંબાગાળાની ચિંતાઓ પર વધુ કેન્દ્રીત થઇને કામ કરી શકશે.

 

GP/DS



(Release ID: 1627122) Visitor Counter : 233