પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં અમ્ફાન ચક્રાવાતથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું


પ્રધાનમંત્રીએ રાજ્યમાં તાત્કાલિક રાહતની પ્રવૃત્તિઓ માટે રૂપિયા 1000 કરોડની આર્થિક સહાય જાહેર કરી

પ્રધાનમંત્રીએ તમામ મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય જાહેર કરી

Posted On: 22 MAY 2020 1:17PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 22-05-2020

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લઇને અમ્ફાન વાવાઝોડાના કારણે ઉભી થઇ રહેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમની સાથે કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી બાબુલ સુપ્રિયો, શ્રી પ્રતાપચંદ્ર અને સુશ્રી દેવશ્રી ચૌધરી પણ જોડાયા હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી જગદીપ ધનખારંદ, મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી સાથે પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં ચક્રાવાતના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું.

ત્યારબાદ, પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી જેમાં પશ્ચિમ બંગાળમાં રાહત અને પુનર્વસન માટે હાથ ધરવામાં આવેલા પગલાંઓની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે પશ્ચિમ બંગાળમાં તાત્કાલિક રાહત પ્રવૃત્તિઓ માટે રૂપિયા 1000 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર તરફથી સહાય માટે આવેદનપત્ર પ્રાપ્ત થયા પછી, કેન્દ્ર સરકાર રાજ્યમાં થયેલા નુકસાનનું આકલન કરવા માટે રાજ્યની મુલાકાતે આંતર મંત્રાલય ટીમ મોકલશે જેના આધારે આગામી સહાય આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં કુદરતી આપત્તિના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને તેઓ સંપૂર્ણપણે તેમની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે રાજ્યમાં ચક્રાવાતમાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની આર્થિક સહાય આપવાની તેમજ ગંભીર ઇજા પામનારા લોકોને રૂપિયા 50,000ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે, મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર સાથે નિકટતાપૂર્વક કેન્દ્ર સરકાર કામ કરીને તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃસ્થાપન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃનિર્માણ પર શક્ય હોય તેવી તમામ મદદ પૂરી પાડશે.

પ્રધાનમંત્રી વર્ષમાં બીજી વખત આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે આવ્યા હતા. ઉત્તરપ્રદેશ ઉપરાંત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં પ્રધાનમંત્રીએ વર્ષમાં એકથી વધુ મુલાકાત લીધી છે. પ્રધાનમંત્રીએ અગાઉ 11 અને 12 જાન્યુઆરીના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી અને કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપી હતી. તેમણે પ્રસંગે કોલકાતામાં જિર્ણોદ્ધાર કરવામાં આવેલી ચાર ધરોહર ઇમારતો રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને બેલુર મઠની પણ મુલાકાત લીધી હતી.

 

GP/DS



(Release ID: 1626064) Visitor Counter : 247