ગૃહ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 મે 2020ના રોજ આવવાની શક્યતા ધરાવતા ‘અમ્ફાન’ વાવાઝોડા સામે લડવા માટેની તૈયારીની સમીક્ષા કરી

Posted On: 18 MAY 2020 7:16PM by PIB Ahmedabad

અમ્ફાનવાવાઝોડાએ આજે બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશાળ ચક્રવાતી વાવાઝોડાઅમ્ફાનના કારણે ઉત્પન્ન થનાર પરિસ્થિતિ સામે લડવા માટે સંલગ્ન રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો/ સંસ્થાઓની તૈયારીની સમીક્ષા કરી હતી. પ્રસંગે ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સહીત ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને IMD, NDMA અને NDRFના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિશાળ ઝંઝાવાતી વાવાઝોડું 20 મેના રોજ બપોરના સમયે પશ્ચિમ બંગાળની ખાડીમાં ત્રાટકવાની શક્યતા છે કે જેમાં પ્રતિ કલાકે 195 કિલોમીટરની ગતિ સુધી અતિશય તીવ્ર ઝંઝાવાતી વંટોળ આવી શકે છે. પરિણામે તે રાજ્યના દરિયા કિનારાના જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે.

પશ્ચિમ બંગાળમાં પૂર્વ મિદનાપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગણાં, હાવડા, હુગલી અને કોલકાતા જીલ્લાઓ તેનાથી સૌથી વધુ અસરગ્રસ્ત થવાની શક્યતા છે. વાવાઝોડું ઉત્તર ઓડીશાના જગતસિંઘપુર, કેન્દ્રપદ, ભદ્રક અને બાલાસોર સહીતના દરિયા કિનારાના જીલ્લાઓને પણ અસર કરે તેવી શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગે ખગોળીય ભરતીની ઉપર 4-5 મીટરની ઊંચાઈ સુધી વાવાઝોડું ફેલાશે તેવી ચેતવણી આપી છે. તે જ્યારે ધરતી પર ત્રાટકશે ત્યારે પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણાના દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોને અને પૂર્વ મિદનાપુર જીલ્લાઓમાં -4 મીટરની ઉંચાઈ સુધી જળબંબાકાર કરે તેવી શક્યતા છે.

પ્રધાનમંત્રીએ સુચના આપી છે કે વાવાઝોડાના માર્ગમાં આવતા તમામ વિસ્તારોના લોકોને તેમની જગ્યાએથી ખસેડવા માટેના તમામ જરૂરી પગલાઓ લેવામાં આવે અને જરૂરી સાધન સામગ્રીનો પુરતો જથ્થો જાળવી રાખવામાં આવે.

સંલગ્ન તમામ લોકોને સલાહ આપવામાં આવી છે કે નુકસાન થવાના પ્રસંગે જરૂરી સેવાઓ જેવી કે વીજળી, ટેલીકમ્યુનિકેશનને થયેલા નુકસાનને તાત્કાલિક રીપેર કરવા માટે પુરતી તૈયારીઓની અગાઉથી ખાતરી કરવામાં આવે અને સમય પર તેમની તૈયારીની સમીક્ષા પણ કરવામાં આવે જો કોઇપણ ભંગાણ ઉત્પન્ન થાય તો તાત્કાલિક તેને ફરી શરુ કરવામાં આવે

ભારતીય નૌકા દળ અને નેવી દ્વારા રાહત કાર્યો અને બચાવ કામગીરી માટે જહાજો અને હેલિકોપ્ટરોને તૈયાર રાખવામાં આવ્યા છે. રાજ્યોમાં આર્મી અને એર ફોર્સના દળોને પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

NDRF દ્વારા ઓડીશા અને પશ્ચિમ બંગાળમાં 25 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત, 12 ટુકડીઓને પણ તૈયાર રાખવામાં આવી છે. ટુકડીઓને બોટ્સ, ટ્રી કટર્સ, ટેલિકોમ સાધનો વગેરે જરૂરી સાધનો વડે સજ્જ કરવામાં આવી છે.

IMD સંલગ્ન તમામ રાજ્યોને તાજેતરની આગાહી સાથેના નિયમિત સમાચાર પહોંચાડી રહી છે. ગૃહ મંત્રાલય હાલ રાજ્ય સરકારોની સાથે પણ સતત સંપર્કમાં છે.

GP/DS



(Release ID: 1624947) Visitor Counter : 216