પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના પ્રધાનમંત્રી મહામહિમ ગ્યૂસેપ કોંતેએ ફોન પર વાત કરી

Posted On: 08 MAY 2020 8:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇટાલીના પ્રધાનમંત્રી મહામહિમ ગ્યૂસેપ કોંતે સાથે ફોન પર વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ કોવિડ-19 રોગચાળાને કારણે ઇટાલીમાં થયેલી જાનહાનિ પર શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે આ કટોકટી દરમિયાન ઇટાલીના નાગરિકોએ દર્શાવેલી લડાયકતાને બિરદાવી હતી.

બંને નેતાઓએ તેમના દેશોમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોગચાળાને કારણે આરોગ્ય અને આર્થિક ક્ષેત્ર પર થયેલી અસરો દૂર કરવા માટે જરૂરી પગલાં પર ચર્ચાવિચારણા કરી હતી. તેમણે કટોકટીમાં એકબીજાની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી તથા એકબીજાના દેશોમાં ફસાઈ ગયેલા નાગરિકોને આપેલા પારસ્પરિક સાથસહકારની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ શ્રી કોંતેને આવશ્યક દવાઓ અને અન્ય ચીજવસ્તુઓની જોગવાઈ કરવામાં ઇટાલીને સતત સાથસહકારની ખાતરી આપી હતી.

બંને નેતાઓ ભારત અને ઇટાલી વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે સક્રિય ચર્ચાવિચારણા કરવા અને સાથસહકાર આપવા સંમત થયા હતા.

ઇટાલીના પ્રધાનમંત્રીએ અનુકૂળ સમયે પ્રધાનમંત્રીને ઇટાલીની મુલાકાત લેવાના આમંત્રણનો પુનરોચ્ચાર કર્યો હતો.

 

SD/GP


(Release ID: 1622395) Visitor Counter : 206