સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ફીચર ફોન અથવા લેન્ડલાઇન ફોન ધરાવતા લોકોની સંભાળ માટે આરોગ્ય સેતુની IVRS સેવા શરૂ કરવામાં આવી

Posted On: 06 MAY 2020 4:13PM by PIB Ahmedabad

કોવિડ-19 સામેની લડાઇમાં ભારત સરકારે કેટલાક સુરક્ષાત્મક પગલાં લીધા છે જેનો અમલ સમગ્ર દેશમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોના સહયોગથી કરવામાં આવી રહ્યો છે. મુખ્ય સુરક્ષાત્મક પગલાં તરીકે અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય સેતુ નામની એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે.

આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે. એપ્લિકેશન દ્વારા લોકો પોતાને કોરોના વાયરસનો ચેપ લાગવાનું કેટલું જોખમ છે તેનું આકલન કરી શકે છે. એપ્લિકેશન અદ્યતન બ્લુટૂથ ટેકનોલોજીથી અન્ય લોકો સાથે મોબાઇલ યુઝરના સંપર્કોની માહિતી મેળવીને તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અલગોરીધમનો ઉપયોગ કરીને યુઝરને કોરોનાનો ચેપ લાગવાનું કેટલું જોખમ છે તેની માહિતી આપે છે. જો કોઇ પોઝિટીવ હોય તેવી વ્યક્તિના સંપર્કમાં યુઝર આવે તો યુઝરને એપ્લિકેશન દ્વારા માહિતગાર કરવામાં આવે છે.

યુઝર જ્યારે આરોગ્ય સેતુ એપ્લિકેશન તેમના મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરે ત્યારે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે. જો તેમના જવાબોમાં કોવિડ-19ના લક્ષણો હોવાનું સૂચિત થાય તો, માહિતી સરકારના સર્વર પર મોકલવામાં આવે છે. ત્યારબાદ ડેટા સરકારને સમયસર પગલાં લેવામાં અને જો જરૂર લાગે તો આઇસોલેશનની પ્રક્રિયા કરવામાં મદદરૂપ થાય છે અને પોઝિટીવ ટેસ્ટ આવ્યો હોય તેવી વ્યક્તિની નજીકમાં આવવાથી પણ એપ્લિકેશન તુરંત યુઝરને ચેતવણી આપે છે. એપ્લિકેશન ગૂગલ પ્લે (એન્ડ્રોઇડ ફોન માટે) અને iOS એપ સ્ટોર (આઇફોન માટે) બંને પર ઉપલબ્ધ છે. એપ્લિકેશન 10 ભારતીય ભાષા અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.

જેઓ ફીચર ફોન અથવા લેન્ડલાઇન ફોનની સુવિધા ધરાવે છે તેવા નાગરિકોને આરોગ્ય સેતુના સુરક્ષા કવચમાં સમાવવા માટે આરોગ્ય સેતુ ઇન્ટર એક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ (IVRS)ની શરૂઆત કરવામાં આવી છે. સેવા સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે. ટૉલ ફ્રી સેવા છે જેમાં નાગરિકોને 1921 નંબર પર મિસ્ડકૉલ કરવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ તેમને કૉલ બેક કરીને તેમના આરોગ્ય અંગે ઇનપુટ્સ આપવાની વિનંતી કરવામાં આવે છે.

પ્રશ્નો આરોગ્ય સેતુ એપ્લિકેશન જેવા પૂછવામાં આવે છે અને યુઝરે આપેલા જવાબોના આધારે લોકોને એસએમએસના માધ્યમથી સૂચવવામાં આવે છે કે, તેમની આરોગ્યની સ્થિતિ કેવી છે અને તેમને ભવિષ્યમાં પણ તેમના આરોગ્ય વિશે વધુ ચેતવણીઓ આપવામાં આવશે.

સેવા મોબાઇલ એપ્લિકેશનની જેમ 11 પ્રાદેશિક ભાષામાં શરૂ કરવામાં આવી છે. લોકો દ્વારા આપવામાં આવેલા ઇનપુટ્સ આરોગ્ય સેતુના ડેટાબેઝનો એક ભાગ રહેશે અને માહિતી જે કંઇપણ પગલાં લેવાના હોય તે અંગે નાગરિકોને ચેતવવા માટે પ્રક્રિયામાં લેવામાં આવશે જેથી તેમની સલામતી સુનિશ્ચિત કરી શકાય.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS


(Release ID: 1621446) Visitor Counter : 555