સંરક્ષણ મંત્રાલય

સરહદે લડતા યોદ્ધાઓએ કોરોના યોદ્ધાઓને સલામ કરી અને કોરોના સામેની લડાઇમાં સહકાર આપવાનું પ્રણ લીધું

Posted On: 01 MAY 2020 9:52PM by PIB Ahmedabad

આજે દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં સંરક્ષણ સ્ટાફના વડા જનરલ બિપિન રાવતની સાથે સૈન્યના વડા એમ.એમ. નરવાણે, નૌસેનાના વડા એડમીરલ કરમબીરસિંહ અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયાએ સાથે મળીને મીડિયાને સંબોધન કર્યું હતું અને આગામી સમયમાં આ લડાઇમાં સરહદી યોદ્ધાઓ તરફથી પૂરતો સહકાર મળતો રહેશે તેવું પ્રણ લીધું હતું. આ પત્રકાર પરિષદની મુખ્ય બાબતો અહીં રજૂ કરવામાં આવી છે.

 

સંરક્ષણ સ્ટાફના વડા જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, 24 માર્ચ 2020થી 03 મે 2020 સુધીનો સમયગાળો એવો તબક્કો બતાવે છે જેમાં દરેક ભારતીય પાસેથી નોંધપાત્ર પ્રમાણમાં બલિદાનની અપેક્ષા રાખવામાં આવી હતી. મોટાભાગના ભારતીયોએ લોકડાઉનના આહ્વાનને સ્વીકાર્યું હતું અને પોતાના ઘરમાં જ રહ્યા હતા. જોકે, આ સમયમાં કેટલાક એવા મુઠ્ઠીભર ભારતીયો હતા જેમણે, કોરોના યોદ્ધા તરીકે પોતાનો જીવન જોખમમાં મૂકીને અને જેઓ હજુ પણ દરરોજ પોતાનો જીવ જોખમમાં મૂકી જ રહ્યા છે, તેમણે દરેક વ્યક્તિ સુધી વીજળી અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પહોંચાડી, રસ્તાઓ સાફ કર્યા, મૂળભૂત ખાદ્યચીજો ઉપલબ્ધ કરાવી, કોઇપણ દર્દી સારવાર વગર પાછા ન જાય તે સુનિશ્ચિત કર્યું, દેશભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખ્યા અને વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવ્યા તેમજ તેમની સંભાળ પણ લીધી. આ કોરોના યોદ્ધાઓ ડોક્ટર, નર્સો, સફાઇ અને સ્વચ્છતા કર્મચારીઓ, પોલીસ જવાનો અથવા મીડિયાના કર્મચારીઓ કોઇપણ હોઇ શકે છે જેમણે ભારત આ મહામારી સામે સતત લડતું રહે તે સુનિશ્ચિત કરવામાં મોટું યોગદાન આપ્યું છે. અમે આ યોદ્ધાઓને, તેમના પ્રયાસોને સલામ કરીએ છીએ અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. તેઓ પોતે જેનો સામનો કરી રહ્યા છે તેમાં સંપૂર્ણ જોખમ હોવાની જાણ હોવા છતાં કોવિડ 19 સામે લડવામાં તેમના બલિદાન અને પ્રયાસો બદલ અમે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

 

સંરક્ષણ સ્ટાફના વડાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ મહામારીનો સામનો કરવામાં અને તેને પરાસ્ત કરવામાં ભારત સરકારના વ્યાપક પ્રમાણમાં પૂરક પ્રયાસો, ભારતના નાગરિકોએ તમામ સૂચનાઓનું ચુસ્ત પાલન કરીને જે પ્રસંશારૂપ ધૈર્ય રાખ્યું તેના કારણે જ દુનિયાભરમાં મોટાભાગના દેશોની જે અત્યંત કફોડી સ્થિતિ થઇ છે તેની તુલનાએ ભારતમાં ખૂબ સારી સ્થિતિમાં રહી શકે તે સુનિશ્ચિત થઇ શક્યું છે.

 

સંરક્ષણ સ્ટાફના વડાએ ખાતરી આપી હતી કે, સશસ્ત્ર દળો કોવિડ 19 સામે બે સિદ્ધાંતો પર લડી રહ્યા છે : નાગરિક સત્તામંડળોને સૈન્યબળ પૂરું પાડવું અને તેમને સહાય આપવી. એક પ્રશ્નનો જવાબ આપતી વખતે તેમણે કહ્યું હતું કે, સૈન્ય, નૌસેના કે વાયુસેનામાં અગ્ર હરોળમાં રહીને લડતા એકપણ યોદ્ધા, નાવિક કે એરમેનને ચેપ લાગ્યો હોવાની કોઇ ઘટના બની નથી તેઓ તમામ પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. મીડિયાકર્મીઓના પ્રશ્નોના જવાબ આપતી વખતે વાયુસેનાના વડાએ પુષ્ટિ કરી હતી કે, સૈન્યમાં એકપણ જવાનને કોવિડનો ચેપ લાગ્યો નથી અને તેની સામે પૂરતી સુરક્ષા રાખવામાં આવી છે.

 

સંરક્ષણ સ્ટાફના વડાએ વધુમાં ઉમેર્યું હતું કે, સરહદી યોદ્ધાઓની કોરોના યોદ્ધાઓ સાથે એકતા બતાવવા માટે 03 મે 2020ના રોજ કેટલીક પ્રવત્તિઓ સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવશે. રવિવારે  સશસ્ત્રદળો દ્વારા બહુવિધ કાર્યક્રમો યોજવામાં આવશે જેમકે, શ્રીનગરથી તિરુવનંતપુરમ સુધી અને કચ્છથી દીબ્રુગઢ સુધી વાયુ સેનાના ફાઇટર અને પરિવહન વિમાનો દ્વારા ફ્લાય પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વાયુસેના અને નૌસેનાના હેલિકોપ્ટરો કોવિડ દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરશે. નૌસેના અને ICG સમુદ્રમાં કેટલાક પસંદગીના સ્થળે ચોક્કસ આકારમાં જહાજ ચલાવશે જ્યારે સૈન્યનું બેન્ડ કોવિડ હોસ્પિટલોની મુલાકાત લઇને હોસ્પિટલની બહાર વિશેષ ધુન વગાડીને કોરોના યોદ્ધાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરશે.

 

પોલીસ જવાનોના યોગદાન અંગે ચર્ચા કરતી વખતે સંરક્ષણ સ્ટાફના વડાએ તમામ જવાનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમના પ્રયાસો અસામાન્ય અને પરાક્રમી છે. તેમના પ્રયાસોને માન આપવા માટે, આ ત્રણેય સેનાઓના વડા 03 મે 2020ના રોજ પોલીસ સ્મારક ખાતે પુષ્પાજંલી અર્પણ કરશે. આ પત્રકાર પરિષદના સમાપન પૂર્વે, સંરક્ષણ સ્ટાફના વડાએ ડોક્ટરો, નર્સો, અન્ય આરોગ્ય કર્મચારીઓ, સ્વચ્છતા અને સફાઇ સ્ટાફ, પોલીસ જવાનો, મીડિયાકર્મીઓ સહિત તમામ કોરોના યોદ્ધાઓ અને તમામ ભારતીયો દ્વારા આ અભૂતપૂર્વ લડાઇમાં તેમના નોંધપાત્ર પ્રયાસો બદલ ફરી એકવાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 


(Release ID: 1620313) Visitor Counter : 437