ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
“વન નેશન વન રાશન કાર્ડ” નેશનલ પોર્ટેબિલિટી પ્લેટફોર્મ હેઠળ વધુ પાંચ રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ, કુલ સંખ્યા 17 થઈ
નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) હેઠળ હવે 60 કરોડ લાભાર્થીઓ આ 17 રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પોતે જ્યાં હશે, ત્યાં પોતાનું હાલનું રાશન કાર્ડ વાપરીને જ રાશન મેળવી શકશે
Posted On:
01 MAY 2020 4:41PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી રામવિલાસ પાસવાને પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો - ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવને “વન નેશન વન રાશન કાર્ડ” યોજના હેઠળ નેશનલ ક્લસ્ટર સાથે સંકલિત કરવાની મંજૂરી આપી છે. નેશનલ ક્લસ્ટરમાં 12 રાજ્યો અગાઉથી સામેલ છે, જેમાં આંધ્ર પ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. “વન નેશન વન રાશન કાર્ડ” યોજના હેઠળ રાશન કાર્ડની નેશનલ પોર્ટેબિલિટીના અમલની પ્રક્રિયાની સમીક્ષા કરતાં શ્રી પાસવાને નેશનલ ક્લસ્ટર સાથે આ પાંચ નવાં રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોની આવશ્યક તકનિકી સજ્જતાની તપાસી હતી.
આ સાથે, રાષ્ટ્રીય / આંતરરાજ્ય પોર્ટેબિલિટીની સવલત 17 રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોના 60 કરોડ જેટલા રાષ્ટ્રીય ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) હેઠળના લાભાર્થીઓને ઉપલબ્ધ થશે અને તેઓ ‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજના હેઠળ આ 17 રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ગમે ત્યાં, પોતાની પસંદ મુજબ કોઈ પણ વાજબી ભાવની દુકાન (એફપીએસ) ઉપરથી તેમની પાસે હાલમાં છે તે જ રાશન કાર્ડ વાપરીને તેમને ફાળવવામાં આવેલા ક્વોટા મુજબનું અનાજ મેળવી શકશે.
વિભાગે નેશનલ પોર્ટેબિલિટીના અમલ માટે જરૂરી માર્ગદર્શિકાઓ / સૂચનાઓ આપી છે અને આ પાંચ રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓ / ટેકનિકલ ટુકડીઓને આવશ્યક તાલીમ પણ આપવામાં આવી છે. ઉપરાંત, આ પાંચ નવાં રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંતર-રાજ્ય વ્યવહારો માટે આવશ્યક વેબ સેવાઓ તેમજ તેની મધ્યસ્થ ડેશબોર્ડ મારફતે દેખરેખ પણ તાત્કાલિક અસરથી સક્રિય બનાવાઈ છે. સંબંધિત તમામ 17 રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને આજની અસરથી અથવા તો તેમની ક્ષેત્ર સજ્જતાના આધારે વહેલામાં વહેલું શક્ય હોય ત્યારથી એક જ ક્લસ્ટરનાં આંતરરાજ્ય / નેશનલ પોર્ટેબિલિટી કામકાજ ઔપચારિક રીતે શરૂ કરવાં જણાવાયું છે.
ઉપરાંત, વન નેશન વન રાશન કાર્ડ યોજના હેઠળ અન્ય રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોના લાભાર્થીઓ સુધી નેશનલ પોર્ટેબિલિટીની પહોંચ વિસ્તારવા માટે પણ જે-તે રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારોની સજ્જતાના આધારે સતત પ્રયાસો ચાલી રહ્યા છે.
GP/DS
(Release ID: 1620180)
Visitor Counter : 280