કૃષિ મંત્રાલય
ખેત પેદાશોના વેચાણ માટે 7 રાજ્યોની 200 નવી મંડીઓનું ઈ-નામ પ્લેટફોર્મ સાથે સંકલન કરવામાં આવ્યું
ઈ-નામ પ્લેટફોર્મ ‘વન નેશન, વન માર્કેટ’ તરીકે આગળ ધપી રહ્યું છે - શ્રી નરેન્દ્રસિંહ તોમર
Posted On:
01 MAY 2020 5:28PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે ‘મે, 2020 સુધીમાં આશરે એક હજાર મંડીઓ ખેત પેદાશોના માર્કેટીંગ માટે ઈ-નામ પ્લેટફોર્મ ઉપર જોડાશે.’ શ્રી તોમર આજે કૃષિભવન ખાતે એક સમારંભમાં બોલી રહ્યા હતા, જેમાં 7 રાજ્યોની 200 મંડીઓને ઈ-નામ પ્લેટફોર્મ સાથે ઉમેરવામાં આવી છે. મંત્રી શ્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કુર્નુલ અને હુબલીમાં મગફળી અને મકાઈનું ટ્રેડીંગ નિહાળ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું પ્રધાનમંત્રીશ્રીનું વિઝન સાકાર થઈ ખેડૂતો માટે લાભદાયી બની રહેશે.
ઈ-નામ પ્લેટફોર્મ સાથે આજે જે 200 મંડીઓને જોડવામાં આવી છે તે નીચે મુજબ છેઃ
આંધ્ર પ્રદેશ (11 મંડીઓ), ગુજરાત (25 મંડીઓ), ઓડીશા (16 મંડીઓ), રાજસ્થાન (94 મંડીઓ), તામિલ નાડુ (27 મંડીઓ) અને કર્ણાટક (02 મંડીઓ) નો સમાવેશ થાય છે. આ સાથે દેશમાં કુલ ઈ-નામ મંડીઓની સંખ્યા 785 થાય છે. દેશભરના નવા 415 બજારોને સંકલિત કરવા માટેના પ્રયાસમાં આ એક નવું સિમાચિહ્ન ઉમેરાયું છે. કર્ણાટક રાજ્ય સૌ પ્રથમ વખત ઈ-નામ રાજ્યો સાથે જોડાઈ રહ્યું છે.
છેક છેલ્લા મથકે ખેડૂત સુધી પહોંચવાના ઉદ્દેશ અને જે રીતે ખેત પેદાશોનું વેચાણ થઈ રહ્યુ છે તેમાં પરિવર્તન લાવવા માટે આજે ઈ-નામને કારણે વધુ તાકાત પ્રાપ્ત થઈ છે. વધુ ખેડૂતો અને વેપારીઓ સાથે નવી મંડીઓમાં પહોંચી શકાયું છે. આ અગાઉ 585 મંડીઓ 16 રાજ્યો અને 02 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઈ-નામ સાથે જોડાયેલી હતી અને કામ કરી રહી હતી.
ઈ-નામ આજે કર્ણાટક સ્ટેટ એગ્રીકલ્ચર માર્કેટીંગ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલા ઈ-ટ્રેડીંગ પ્લેટફોર્મ કર્ણાટક રાષ્ટ્રીય ઈ-માર્કેટ સર્વિસીસ (ReMS) યુનિફાઈડ માર્કેટ પ્લેટફોર્મ (યુએમપી) સાથે જોડાયું છે. બંને પ્લેટફોર્મ મારફતે ફ્રેમવર્કની સિંગલ સાઈનનો ઉપયોગ કરીને અપાર ટ્રેડીંગ થઈ શકશે.
ભારતમાં એવું સૌ પ્રથમ વખત બની રહ્યું છે કે ખેત પેદાશોના બે અલગ અલગ ઈ-ટ્રેડીંગ પ્લેટફોર્મ એકબીજા સાથે કામ કરી શકશે. આના કારણે કર્ણાટકના ખેડૂતોને પોતાની ખેત પેદાશો ઈ-નામ સાથે મોટી સંખ્યામાં નોંધાયેલા વેપારીઓને વેચી શકશે અને અન્ય રાજ્યની ઈ-નામ મંડીઓના ખેડૂતો પણ પોતાની ખેત પેદાશો કર્ણાટકના ReMS પ્લેટફોર્મ સાથે જોડાયેલા વેપારીઓને વેચી શકશે. આ કારણે રાજ્યો- રાજ્યો વચ્ચે વેચાણને પ્રોત્સાહન મળશે અને ઈ-નામ ઉપર ઓન-બોર્ડેડ રાજ્યો ઈ-નામ પ્લેટફોર્મ અને કર્ણાટક વચ્ચે વેચાણ કરી શકશે.
ઈ-નામ પ્લેટફોર્મ ઉપર 1.28 લાખ વેપારીઓ અને 1.66 કરોડ ખેડૂતોની નોંધણી સાથે ઈ-નામ ઘણું આગળ વધી ચૂક્યું છે. તા.30 એપ્રિલ, 2020ની સ્થિતિએ તેનું કુલ ટ્રેડ વોલ્યુમ 3.41 કરોડ મેટ્રિક ટન અને 37 લાખની સંખ્યા (વાંસ અને નાળિયેર) સાથે એકત્રીત રીતે રૂ.1.0 લાખ કરોડના કામકાજ થયા છે. કૃષિ ક્ષેત્રમાં આ નવતર પ્રકારના અને ક્રાંતિકારી અભિગમ તરીકે ઈ-નામ ઓનલાઈન પ્લેટફોર્મે ભારતમાં ખેતીના બજારોમાં સુધારાની દ્રષ્ટિએ હરણફાળ ભરી છે.
ઈ-નામ મારફતે મંડીઓ અને રાજ્યોની સરહદોની પેલે પાર પણ વેપાર થઈ શકે છે. કુલ 233 મંડીઓએ 12 રાજ્યોમાં આંતર રાજ્ય વેચાણોમાં ભાગ લીધો છે, જ્યારે 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ઈ-નામ પ્લેટફોર્મ ઉપર ખેડૂતોને કામકાજની છૂટ આપીને દૂર બેઠેલા વેપારીઓ સાથે સીધો પરામર્શ કરાવ્યો હતો. હાલમાં 1,000 થી વધુ ફાર્મર્સ પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશન્સ ઈ-નામ પ્લેટફોર્મ પર ઓન-બોર્ડ થયા છે.
આ ઉપરાંત મંત્રાલયે ગયા મહિને કોરોના વાયરસ મહામારીની પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તથા ખેડૂતો પોતાની પેદાશો મંડીને વચ્ચે લાવ્યા વગર વેચી શકે તે માટે ઈ-નામના બે નવા મોડ્યુલ રજૂ કર્યા હતા. આ મોડ્યુલમાં એફપીઓ મોડ્યુલ એફપીઓના ખેડૂત સભ્યોને પોતાના કલેક્શન સેન્ટરમાંથી વેચાણની સગવડ આપે છે અને બીજુ મોડ્યુલ વેરહાઉસ મોડ્યુલ છે, જેમાં રાજ્યો દ્વારા ડીમ્ડ મંડી જાહેર કરાયેલા ડબલ્યુડીઆરએ રજીસ્ટર્ડ વેરહાઉસમાં સંઘરેલી પોતાની ખેત પેદાશો ખેડૂતો વેચી શકે છે. આ ઉપરાંત મંત્રાલયે તાજેતરમાં કિસાન રથ મોબાઈલ એપ્લિકેશન તાજેતરમાં બહાર પાડી છે, જે ખેડૂતોને નજીકની મંડીમાં તથા વેરહાઉસમાં લઈ જવા માટે પોતાની ખેત પેદાશની હેરફેર માટે યોગ્ય ટ્રાન્સપોર્ટ વાહન અથવા ટ્રેક્ટર શોધવામાં સહાય કરે છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને સચિવ (AC&FW) શ્રી કૈલાસ ચૌધરી, શ્રી સંજય અગ્રવાલ તથા મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ મારફતે આજની કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
GP/DS
(Release ID: 1620174)
Visitor Counter : 346