સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
સરકારે પીએમઇજીપી પ્રોજેક્ટ્સને ઝડપથી મંજૂરી આપવા આડેનો "અવરોધ" દૂર કર્યો; કેવીઆઇસી ઝડપી અમલીકરણની સુનિશ્ચિતતા કરશે
Posted On:
01 MAY 2020 4:32PM by PIB Ahmedabad
દેશમાં રોજગારીનું સર્જન કરવાના ઝડપીને વેગ મળશે. કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીના નેતૃત્વમાં અતિ નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોના મંત્રાલય (એમએસએમઈ)એ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (પીએમઇજીપી) હેઠળ કરેલી ભલામણોમાં જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા સ્તરીય કાર્ય દળ સમિતિ (ડીએલટીએફસી)ની ભૂમિકાને દૂર કરવાનો એક નોંધપાત્ર અને મહત્ત્વપૂર્ણ નીતિગત નિર્ણય લીધો છે, જેથી સંપૂર્ણ પ્રક્રિયા અતિ સરળ બની ગઈ છે.
પીએમઇજીપી યોજનાના અમલ માટે નોડલ એજન્સી ખાદી અને કુટિર ઉદ્યોગ પંચ (કેવીઆઇસી) તમામ સ્થિતિસંજોગોનો વિચાર કરીને સંશોધિત માર્ગદર્શિકા મુજબ સંભવિત ઉદ્યોગસાહસિકોની દરખાસ્તો/અરજીઓને સીધી મંજૂરી આપશે તથા ધિરાણ સંબંધિત નિર્ણયો લેવા માટે બેંકોને મોકલશે. અત્યાર સુધી ડીએલટીએફસી દરખાસ્તોની ચકાસણી કરતી હતી, જેનાથી વિવિધ પ્રોજેક્ટને મંજૂરી મળવામાં ઘણી વાર વિલંબ થતો હતો.
કેવીઆઇસીના ચેરમેન શ્રી વિનય કુમાર સક્સેનાએ કહ્યું હતું કે, પીએમઇજીપી અંતર્ગત વિવિધ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં ડીએલટીએફસીની ભૂમિકાને દૂર કરવાથી મોટો અવરોધ દૂર થયો છે. આ માટે તેમણે કેન્દ્રીય મંત્રી શ્રી ગડકરીનો દેશના હિતમાં ઝડપી નિર્ણય લેવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.
જ્યારે કોરોનાવાયરસ રોગચાળાને કારણે દેશમાં લોકડાઉન લાગુ હોવાથી રોજગારીના ક્ષેત્રને મોટા પાયે અસર થઈ છે, ત્યારે સરકારે આ પગલું લીધું છે. નીતિમાં આ સંશોધન કે સુધારાથી પીએમઇજીપી યોજના હેઠળ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં વિવિધ પ્રોજેક્ટનો અમલ ઝડપથી કરવાનો અને રોજગારીની નવી તકો ઊભી કરવાનો માર્ગ મોકળો થશે.
આ બાબત ધ્યાનમાં આવી હતી કે, જિલ્લા કલેક્ટર/મેજિસ્ટ્રેટના નેતૃત્વમાં ડીએલટીએફસી ઘણી વાર સ્થાનિક વહીવટીતંત્રના મુદ્દાઓમાં વ્યસ્ત હોવાથી પીએમઇજીપી અરજીઓને મંજૂરી આપવા સંબંધિત કામગીરીને જોઈએ એવી પ્રાથમિકતા મળતી નહોતી. પરિણામે આ યોજના અંતર્ગત દરખાસ્તો પર મહિનાઓ સુધી કોઈ નિર્ણય થતો નહોતો, કારણ કે જિલ્લા કલેક્ટરો નિયમિત ધોરણે માસિક બેઠકો યોજવામાં નિષ્ફળ નિવડ્યાં હતાં. આ અવરોધને દૂર કરવા કેવીઆઇસીના ચેરમેન શ્રી સક્સેનાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને 20 એપ્રિલનાં રોજ લેખિતમાં વિનંતી કરી હતી અને તેમણે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આ અવરોધને દૂર કરવાનો નિર્ણય લીધો હતો.
શ્રી સક્સેનાએ કહ્યું હતું કે, “અમે ખુશ છીએ કે, આદરણીય મંત્રીએ અમારી વિનંતીનો સ્વીકાર કર્યો હતો અને ડીએલટીએફસીની ભૂમિકાને દૂર કરવાનો નિર્ણય લીધો છે. એનાથી વિવિધ પ્રોજેક્ટનો ઝડપી અને સમયસર અમલ થશે. સરકારનો નિર્ણય દેશના લાખો લોકોના હિતો જાળવશે અ પીએમઇજીપી અંતર્ગત રોજગારીની તકો ઊભી કરવામાં મદદરૂપ થશે.”
એમએસએમઈ મંત્રાલયે આ નિર્ણયના સંબંધમાં એક જાહેરનામું 28 એપ્રિલ, 2020ના રોજ બહાર પાડ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, “સક્ષમ સત્તામંડળે નિર્ણય કર્યો છે કે, ધિરાણ સંસ્થાઓ કે બેંકોને દરખાસ્તો/અરજીઓની ભલામણ કરવા યોજનાની માર્ગદર્શિકાની કલમ 11.9 અંતર્ગત રચિત ડીએલટીએફસીની ભૂમિકાને દૂર કરવામાં આવી છે.”
મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, મંત્રાલયે આદેશ પણ આપ્યો છે કે, “અત્યારે ડીએલટીએફસીના સ્તરે પેન્ડિંગ પીએમઇજીપીની તમામ અરજીઓને અમલીકરણ સંસ્થાઓ દ્વારા પાછી ખેંચી પણ શકાશે અને ધિરાણ સંબંધિત નિર્ણય માટે તાત્કાલિક ધોરણે બેંકને મોકલી શકાશે.”
નવી માર્ગદર્શિકા મુજબ, અરજીઓ મળ્યા પછી કેવીઆઇસી ચકાસણી કરશે અને દરખાસ્તોની તપાસ કરશે તથા સુધારેલી અરજીઓ ધિરાણ સાથે સંબંધિત નિર્ણયો લેવા માટે બેંકોને મોકલવામાં આવશે. પીએમઇજીપી યોજના હેઠળ, ઉત્પાદન અને સેવા ઉદ્યોગો માટે રૂ. 25 લાખ સુધીની લોન આપવામાં આવે છે, જેમાંથી ક્ષેત્રને આધારે કેવીઆઇસી દ્વારા 15થી 35 ટકાની સબસિડી પ્રદાન કરવામાં આવે છે.
બેંકર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા સાથે જોડાણમાં કેવીઆઇસી સ્કોરિંગ શીટ પણ વિકસાવશે અને પીએમઇજીપી ઇ-પોર્ટલ પર એને અપલોડ કરશે. સ્કોરિંગ શીટ અરજદારોને તેમના સ્તરે તેમની અરજીઓનો નિર્ણય લેવા સક્ષમ બનાવશે અને આ પ્રક્રિયામાં પારદર્શિકતા આવશે.
અહીં એ ઉલ્લેખ કરવો ઉચિત છે કે, કેવીઆઇસી સંપૂર્ણ ભારતમાં રોજગારીની તકોનું સર્જન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત સરકારની રોજગારી પેદા કરવાની મુખ્ય યોજના પીએમઇજીપી દરરોજ સફળતાની નવી ગાથા લખી રહી છે.
આ બાબતનો ઉલ્લેખ કરવા જોઈએ કે વર્ષ 2008માં પીએમઇજીપી યોજના શરૂ થયા પછી અત્યાર સુધી એને દર વર્ષે સરેરાશ 35,000 અરજીઓ મળી હતી. જોકે વર્ષ 2016માં કેવીઆઇસીએ ઇન-હાઉસ, યુઝર-ફ્રેન્ડલી પીએમઇજીપી પોર્ટલ વિકસાવી હતી અને જુલાઈ, 2016માં એને લોંચ કરી હતી, જેનો આશય યોજના અંતર્ગત ઓનલાઇન અરજીઓ મેળવવાનો હતો. ઓનલાઇન સુવિધાને જનતાએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો અને દર વર્ષે ઓનલાઇન અરજીઓની સંખ્યા અનેકગણી વધીને ચાર લાખ થઈ હતી, જે યોજનાની લોકપ્રિયતા દર્શાવે છે.
અરજીઓની સંખ્યામાં વધારો થવાની સાથે પ્રોજેક્ટની સંખ્યામાં મોટો વધારો થયો છે અને છેલ્લાં ત્રણ વર્ષમાં કેવીઆઇસીએ આપેલી સબસિડીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પીએમઇજીપી અંતર્ગત પ્રોજેક્ટની સંખ્યા વર્ષ 2016-17માં 52,912 હતી, જે વર્ષ 2018-19માં વધીને 73,427 થઈ હતી. આ સમયગાળા દરમિયાન સબસિડીની રકમમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો તથા વર્ષ 2016-17માં રૂ. 1281 કરોડથી વધીને વર્ષ 2018-19માં રૂ. 2070 કરોડ થઈ હતી. જ્યારે વર્ષ 2017-18માં 48,398 પ્રોજેક્ટ સ્થાપિત થયા હતા, ત્યારે કેવીઆઇસીએ એ જ વર્ષે રૂ. 1312 કરોડ રીલિઝ કર્યા હતા. વર્ષ 2016-17માં રોજગારીનું કુલ સર્જન 4,07,840 વ્યક્તિથી વધીને વર્ષ 2018-19માં 5,87,416 વ્યક્તિ થયું છે.
વર્ષ 2019-20માં કેવીઆઇસીએ રૂ. 1951 કરોડથી વધારેની માર્જિન મની સબસિડી રીલિઝ કરી છે અને દેશમાં 66,653 પ્રોજેક્ટ સ્થાપિત થયા હતા. કેવીઆઇસીએ વર્ષ 2019-20માં રૂ. 2400 કરોડનું વિતરણ કરીને 77,000 પ્રોજેક્ટનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો, પણ લોકસભાની ચૂંટણીઓને કારણે 10 માર્ચથી 26 મે, 2019 વચ્ચે વર્તણૂકની આદર્શ આચારસંહિતા લાગુ થવાથી ત્રણ મહત્ત્વપૂર્ણ મહિનાઓમાં કોઈ કામગીરી ન થવાથી લક્ષ્યાંક સંપૂર્ણપણે નહીં, પણ મોટા ભાગે હાંસલ થયો હતો. અન્ય એક મહિનો એટલે કે માર્ચ, 2020 પણ કોવિડ-19ને કારણે દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ હોવાથી કોઈ પણ કામગીરી થઈ નહોતી અને અનુત્પાદકીય પુરવાર થયો હતો.
વર્ષ
|
પ્રોજેક્ટની સંખ્યા
|
રીલિઝ થયેલું એમએમ
(રૂ. કરોડમાં)
|
રોજગારી
(સંખ્યા)
|
2016-17
|
52,912
|
1281.00
|
4,07,840
|
2017-18
|
48,398
|
1312.00
|
3,87,192
|
2018-19
|
73,427
|
2070.00
|
5,87,416
|
2019-20
|
66,653
|
1951.00
|
2,57,816
|
GP/DS
(Release ID: 1620076)
Visitor Counter : 258