ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

શ્રી રવિ શંકર પ્રસાદનું ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોને આહ્વાન ,'પ્રતિકૂળ સંજોગો વચ્ચે નવી તકો શોધો'


આખા દેશમાં અંદાજે 8 કરોડ મોબાઈલ સુધી આરોગ્ય સેતુ એપ પહોંચી

ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન અને ઉત્પાદન (ESDM) ક્ષેત્રે વૈશ્વિક તકો ઝડપી લેવા માટે ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ “રીસ્ટાર્ટ, રીસ્ટોર એન્ડ રીસર્જન્સ” મોડેલ રજૂ કર્યું

Posted On: 29 APR 2020 8:41PM by PIB Ahmedabad

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગને કોરોના મહામારીના કારણે ઉભી થઇ રહેલા પ્રતિકૂળતાઓમાંથી નવી તકો શોધવા માટે અને ભારતને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં વૈશ્વિક હબ બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ સંગઠનો, ચેમ્બર્સ અને ક્ષેત્ર અગ્રણી ઔદ્યોગિક માંધાતાઓ સાથે બેઠક દરમિયાન તેમણે વિનંતી કરી હતી કે, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રએ તકો અને ક્ષેત્રને મજબૂત બનાવવા માટે વૈશ્વિક રોકાણને આકર્ષવા મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ ઉઠાવવો જોઇએ. તેમણે અત્યારે સંપૂર્ણ નવો વળાંક લેવાના તબક્કે છે તેવા મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો.

મંત્રાલયના અધિકારીઓએ વર્તમાન કોવિડ-19ની સ્થિતિ અને આરોગ્ય સેતૂ પ્લેટફોર્મની વર્તમાન સ્થિતિની માહિતી આપી હતી અને આરોગ્ય સેતૂ એપ્લિકેશન તૈયાર કરવામાં સહકાર આપવા બદલ મોબાઇલ ઉદ્યોગનો આભાર વ્યક્ત કર્યો હતો. એપ્લિકેશન અત્યારે દેશભરમાં 8 કરોડથી વધુ મોબાઇલ ફોન સુધી પહોંચી ગઇ છે. કોવિડ-19ની અસરો ઘટાડવા માટે ટુંકાગાળા, મધ્યમ ગાળા અને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય સાથે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે મંત્રાલય દ્વારા કરવામાં આવતા પ્રયાસો વિશે બેઠકમાં માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, મોટાભાગના ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ક્લસ્ટર્સ નોઇડા, ગ્રેટર નોઇડા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે અતિ જોખમી ઝોનમાં હોવાથી પ્રવર્તમાન સ્થાનિક પ્રતિબંધોના કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાઓ તૈયાર કરવામાં અને કોવિડ-19 માટે SOP માર્ગદર્શિકા તૈયાર કરવામાં ઉદ્યોગ તરફથી પ્રાપ્ત થયેલા સહકારની પણ અધિકારીઓએ પ્રશંસા કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ ઉદ્યોગના પ્રતિનિધિઓને માહિતગાર કર્યા હતા કે, આવશ્યક ચીજવસ્તુઓની પરિભાષા વ્યાપક બનાવીને તેમાં ICT ઉત્પાદનો, ICT આવશ્યક ચીજોના રીટેઇલ/ ઑનલાઇન વેચાણ, ICT આવશ્યક ચીજવસ્તુઓના અધિકૃત વેચાણ અને સેવાઓને સમાવવા સંબંધિત તેમને પ્રાપ્ત થયેલી વિનંતીઓ અંગે ગૃહ મંત્રાલય સમક્ષ પહેલાંથી રજૂઆત કરી દેવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે MeitY દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી યોજના અતંર્ગત ભારત સરકાર ESDM ઉદ્યોગ માટે રૂ. 50,000 કરોડની આર્થિક સહાય પૂરી પાડશે. વધુમાં, તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, MeitYની આરોગ્ય સેતૂ, આધાર, ડિજિટલ પેમેન્ટ્સ વગેરે પહેલે કોવિડ-19 સામે લડવામાં ખૂબ મહત્વૂર્ણ ભૂમિકા નિભાવી છે.

ઉદ્યોગજગતના પ્રતિનિધિઓએ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને ઉત્પાદન (ESDM) ક્ષેત્રમાં વૈશ્વિક તકો ઝડપી લેવા માટેરીસ્ટાર્ટ, રીસ્ટોર એન્ડ રીસર્જન્સમોડેલ રજૂ કર્યું હતું. મોટાભાગના સહભાગીઓએ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રને સહાય કરવા માટે PLI, SPECS અને EMC2.0 નામની MeitYની નવી ટ્રાયોલોજી યોજનાઓની પ્રશંસા કરી હતી. ઉદ્યોગ દ્વારા કોવિડ-19ના કારણે ફેક્ટરીઓમાં કામકાજ, લોજિસ્ટિક્સ, નિકાસ, પૂરવઠા સાંકળમાં વિક્ષેપ અને માંગમાં થયેલા ઘટાડા જેવી વિવિધ સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ મંત્રાલયના અધિકારીઓને સૂચના આપી હતી કે, તેઓ ઉદ્યોગને સંપૂર્ણ સહકાર આપે અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સુવિધાઓ ફરી શરૂ કરવા માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંકલન કરે.

બેઠકમાં વિવિધ સંગઠનો જેમકે, મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (MAIT), ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA), ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ELCINA), ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમીકન્ડક્ટર એસોસિએશન (IESA), કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિકસ એન્ડ એપ્લાયન્સિસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (CEAMA), ઇન્ડિયન પ્રિન્ટેડ સર્કિટ એસોસિએશન (IPCA), ઇલેક્ટ્રિકટ લેમ્પ એન્ડ કોમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ELCOMA), કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII), ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI), એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા (ASSOCHAM), ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (IAMAI), એસોસિએશન ઓફ ઇન્ડિયન મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રી (AiMED), ટેલિકોમ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (TEMA), PhD ચેમ્બર્સ, ઇન્ડિયન ટેલિફોન ઇન્ડસ્ટ્રી લિમિટેડ (ITI) વગેરેના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠકમાં મોબાઇલ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના સેગમેન્ટ્સ જેમકે એપલ, સેમસંગ, શાઓમી, ફોક્સકોન, લાવા, વિસ્ટ્રોન, સ્ટર્લાઇટ, માઇક્રોમેક્સ ડેકી ઇલેક્ટ્રોનિક્સ, તેજસ નેટવર્ક્સ લિમિટેડ, પેનાસોનિક લિમિટેડ વગેરેના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

GP/DS

 



(Release ID: 1619564) Visitor Counter : 269