ગ્રામીણ વિકાસ મંત્રાલય
ગ્રામીણ વિકાસ, પંચાયતીરાજ તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે રાજ્યના ગ્રામણી વિકાસમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી
મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી બાંયધરી યોજના (મનરેગા), પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G), પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM)ના કામકાજો આગળ વધારવા અંગે ચર્ચા થઇ
મંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું કે, કોવિડ-19ના પડકારનો ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા, ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી ઉભી કરવા અને ગ્રામીણ આજીવિકાઓનું વૈવિધ્યકરણ પૂરું પાડવામાં તક તરીકે અવશ્ય ઉપયોગ કરવો જોઇએ
Posted On:
24 APR 2020 8:15PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગ્રામણી વિકાસ, પંચાયતીરાજ તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે આજે રાજ્યોના ગ્રામણી વિકાસમંત્રીઓ અને રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના સંબંધિત અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 20 એપ્રિલ 2020થી લૉકડાઉનના પ્રતિબંધોમાં આપવામાં આવેલી કેટલીક રાહતોને અનુલક્ષીને મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી બાંયધરી યોજના (મનરેગા), પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G), પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM)ના કામકાજો આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી.
મંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું કે, કોવિડ-19ના ફેલાવાના કારણે ઉભો થયેલો પડકાર ખૂબ જ ગંભીર છે પરંતુ આ પડકારનો તમામ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા, ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી ઉભી કરવા અને ગ્રામીણ આજીવિકાઓનું વૈવિધ્યકરણ પૂરું પાડવામાં તક તરીકે અવશ્ય ઉપયોગ કરવો જોઇએ.
તેમણે માહિતી આપી હતી કે, ગ્રામીણ વિકાસ મંત્રાલયે વર્તમાન નાણાકીય વર્ષમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પહેલાંથી જ રૂ. 36,000 કરોડ ફાળવી દીધા છે. મંત્રાલયે મનરેગા અંતર્ગત રૂ. 33,000 કરોડ મંજૂર કર્યા છે તેમાંથી રૂ. 20,225 કરોડ અગાઉના વર્ષોના વેતનની બાકી રકમ અને સામગ્રી માટેની ચુકવણી પેટે આપી દીધા છે. મંજૂર કરવામાં આવેલી આ રકમ જૂન 2020 સુધી મનરેગા અંતર્ગત થતા ખર્ચાઓ પહોંચી વળવા માટે પૂરતી છે. મંત્રીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ખાતરી આપી હતી કે, ગ્રામીણ વિકાસ કાર્યક્રમો માટે પૂરતા પ્રમાણમાં સંસાધનો ઉપલબ્ધ છે.
શ્રી નરેન્દ્રસિંહ તોમરે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રોજગારી નિર્માણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્જન અને ગ્રામીણ આજીવિકા મજબૂત કરવા સંબંધિત ગ્રામીણ વિકાસ યોજનાઓ કોવિડ-19 સંબંધિત સાવચેતીઓનું પૂરતું પાલન કરીને સક્રીયપણે શરૂ કરવા માટે વિનંતી કરી હતી.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, મનરેગા હેઠળ, જળશક્તિ મંત્રાલય અને જમીન સંસાધન વિભાગ સાથે સપાંત સાધીને ખાસ કરીને જળ સંચય, પાણી રીચાર્જ અને સિંચાઇ સંબંધિત કામકાજો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
PMAY (G) અંતર્ગત, એવા 48 લાખ આવાસ એકમો પૂરા કરવાની પ્રાથમિકતા આપવી જોઇએ જ્યાં લાભાર્થીઓને ત્રીજા અને ચોથા હપતા આપી દેવામાં આવ્યા છે. PMGSY હેઠળ, મંજૂર થયેલી રોડ પરિયોજનાઓમાં ટેન્ડરોની ઝડપી ફાળવણી અને પડતર રોડ પરિયોજનાઓ ફરી શરૂ કરવા પર ધ્યાન આપવું જોઇએ. કોન્ટ્રાક્ટરો, પૂરવઠાકારો, કામદારો વગેરે ઝડપથી કામ શરૂ કરે તે માટે તેમને સક્રીય કરવા જોઇએ.
NRML હેઠળ SHG મહિલાઓ સક્રીયપણે કામ કરીને માસ્ક કવર, સેનિટાઇઝર, સાબુ બનાવે છે અને મોટાપાયે સામુદાયિક રસોડા ચલાવે છે તે તથ્યની તેમણે પ્રશંસા કરી હતી.
તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, પંચાયતીરાજ તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રીના સૂચનોથી સંમત થયા હતા. મહારાષ્ટ્ર, ઝારખંડ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળે ખાસ કરીને મનરેગા હેઠળ બાકી વેતન અને સામગ્રીની ચુકવણી માટે 100 ટકા રકમ પૂરી પાડવા બદલ કેન્દ્ર સરકારને આભાર વ્યક્ત કર્યો હતો
તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ ખાતરી આપી હતી કે તેઓ કેન્દ્ર સરકારને સક્રીયપણે સહકાર આપશે, ગ્રામીણ વિકાસની યોજનાઓનો અસરકારક અને કાર્યદક્ષ રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરવા માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરશે અને સાથે સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન થાય તેનું પણ ધ્યાન રાખશે.
GP/DS
(Release ID: 1618159)
Visitor Counter : 458