સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહામારી બીમારી અધિનિયમ, 1897માં સુધારો કરવા માટે વટહુકમ લાવવાની જાહેરાત

Posted On: 22 APR 2020 10:14PM by PIB Ahmedabad

પ્રવર્તામાન કોવિડ-19 મહામારી દરમિયાન, સૌથી મહત્વપૂર્ણ સેવા પ્રદાતાઓ એટલે કે, આરોગ્ય સંભાળ સેવાઓના સભ્યો પર કેટલાક અસામાજિક તત્વો અને ઉપદ્રવીઓ દ્વારા હુમલા થતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે અને તેના કારણે સેવા પ્રદાતાઓને ફરજ નિભાવવામાં અવરોધો આવી રહ્યા છે. તબીબી સમુદાયના સભ્યો, માણસોના જીવ બચાવવા માટે અવિરત પરિશ્રમ કરી રહ્યાં હોવા છતાં, દુર્ભાગ્યવશ કેટલાક લોકો તેમને વાયરસના વાહક માનતા હોવાથી તેઓ સૌથી મુશ્કેલી સ્થિતિમાં આવી ગયેલા પીડિતો છે. આના કારણે તેમના પર લાંછન લગાડવાના અને તેમનો બહિષ્કાર કરવાના કિસ્સા બની રહ્યા છે કેટલીક વખત કપરી સ્થિતિમાં તેમના પર અણધાર્યા હુમલા અને પજવણીના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આવી પરિસ્થિતિઓના કારણે તબીબી સમુદાય તેમની ફરજોમાં શ્રેષ્ઠ પરિણામ આપી શકતા નથી અને તેમનું મનોબળ પણ તુટી શકે, જેના કારણે સમગ્ર દેશમાં આવેલી આરોગ્ય કટોકટીના વર્તમાન સમયમાં તેમનું મનોબળ જળવાય અને તેઓ શ્રેષ્ઠ રીતે સેવા પૂરી પાડે જે અત્યંત આવશ્યક છે. આરોગ્ય સંભાળ કર્મચારીઓ કોઇપણ પ્રકારનો નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર માત્ર તેમની ફરજ પ્રત્યે નિષ્ઠાવાન હોય છે ત્યારે, સમાજ તરફથી તેમને સહકાર અને સહયોગ મળે તે ખૂબ જરૂરી છે જેથી તેઓ પૂરતા આત્મવિશ્વાસ સાથે તેમની ફરજો શ્રેષ્ઠ રીતે નિભાવી શકે.

ભૂતકાળમાં કેટલાક રાજ્યોમાં ડૉક્ટરો અને અન્ય તબીબી કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડવા માટે વિશેષ કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. જોકે, કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે એવી અનોખી પરિસ્થિતિ ઉભી થઇ છે જેમાં બીમારીનો ફેલાવો નિયંત્રણમાં રાખવા માટે અવિરત કામ કરી રહેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓ સાથે તમામ મોરચે પજવણીની ઘટનાઓમાં વધી ગઇ છે જેમાં તેમની અંત્યેષ્ઠિ માટે સ્મશાનગૃહ અથવા કબ્રસ્તાનમાં થતો દુર્વ્યવહાર પર બાકાત નથી. રાજ્યોમાં હાલમાં અમલીકૃત કાયદાઓમાં આનો ઉકેલ લાવવા માટે વ્યાપક સામર્થ્ય નથી. સામાન્યપણે આવા કાયદામાં ઘર અથવા કાર્યસ્થળે થતી પજવણી આવરી લેવામાં આવતી નથી અને મોટાભાગે માત્ર શારીરિક હિંસા પર ધ્યાન આપવામાં આવે છે. આવા કાયદામાં દંડની જોગવાઇઓ તોફાની તત્વોને અંકુશમાં લેવા માટે પૂરતી નથી.

સંદર્ભમાં, કેન્દ્રીય મંત્રીમંડળે 22 એપ્રિલ 2020ના રોજ તેમની બેઠકમાં મહામારી બીમારી અધિનિયમ, 1897માં સુધારો કરવા માટે વટહુકમ લાવવાની જાહેરાત કરી હતી જેથી આરોગ્ય સંભાળ સેવાઓના કર્મચારીઓ અને તેમની મિલકતોને તેઓ રહેતા હોય/ કામ કરતા હોય તે પરિસરમાં મહામારી દરમિયાન થતા હુમલા સહિત તમામ પ્રકારે સુરક્ષા પૂરી પાડી શકાય. વટહુકમ બહાર પાડવા માટે રાષ્ટ્રપતિએ સંમતિ આપી દીધી છે. વટહુકમમાં આવા કોઇપણ કૃત્યને દેખીતો અને બિન જામીનપાત્ર ગુનો માનવામાં આવ્યો છે અને મહામારીના સંદર્ભમાં આરોગ્ય સંભાળ સેવા કર્મચારી સીધા સંકળાયેલા હોય તેવી સ્થિતિમાં આરોગ્ય સંભાળ સેવા કર્મચારી પર થતા હુમલામાં તેમને થયેલી ઇજા અથવા તેમની મિલકતને થયેલા નુકાસાન અને હાનિ બદલ વળતરની જોગવાઇ કરવામાં આવી છે.

વર્તમાન વટહુકમ વર્તમાન મહામારી જેવી કોઇપણ પરિસ્થિતિ દરમિયાન આરોગ્ય સંભાળ કર્મચારીઓ વિરુદ્ધ કોઇપણ પ્રકારે હિંસા અને તેમની મિલકતોને નુકસાન પહોંચાડવામાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ સહેજ પણ દયાભાવ રાખ્યા સખત પગલાં લઇને આરોગ્ય સંભાળ સેવા કર્મચારીઓને સુરક્ષા સુનિશ્ચિત કરાવવાનો આશય છે. સામાન્ય લોકો આરોગ્ય સંભાળ કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપે છે અને ગયા મહિને કેટલીક વખત ખૂબ સંગઠિત રીતે તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી છે. છતાં પણ, આવા કર્મચારીઓ પર હિંસાની કેટલીક ઘટનાઓ સામે આવી છે જેના કારણે તબીબી સમુદાયનું મનોબળ તુટ્યું છે. વર્તમાન ઉભરતી સ્થિતિમાં હિંસાની આવી ઘટનાઓ ડામવા માટે અસરકારક ઉપાયો તરીકે પગલાં લેવા અલગ અને સૌથી સખત જોગવાઇઓની જરૂર હોય તેમ લાગી રહ્યું છે.

વટહુકમમાં પરિભાષિત કર્યા અનુસાર હિંસામાં કોઇપણ પ્રકારે પજવણી અને શારીરિક ઇજા અને મિલકતને નુકસાનને આવરી લેવામાં આવ્યા છે. આરોગ્ય સંભાળ સેવા કર્મચારીઓમાં જાહેર અને તબીબી આરોગ્ય સંભાળ સેવા પ્રદાતાઓ જેમકે ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ કર્મચારીઓ અને સામુદાયિક આરોગ્ય કામદારો; બીમારીનો ફેલાવો રોકવા માટે વિવિધ પગલાં લેવાના આશયથી કાયદા અંતર્ગત સમર્થ (નિયુક્ત) અન્ય કોઇપણ વ્યક્તિઓ; અને રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રાજપત્રની અધિસૂચનાથી જાહેર કરવામાં આવેલી કોઇપણ વ્યક્તિઓને સમાવી લેવામાં આવી છે.

તબીબી સંસ્થા, દર્દીઓને ક્વૉરેન્ટાઇન અને આઇસોલેશનમાં રાખવા માટે ઓળખી કાઢવામાં આવેલી કોઇપણ સુવિધા, ફરતા તબીબી એકમો અને અન્ય કોઇપણ મિલકત કે જ્યાં આરોગ્ય સંભાળ સેવા કર્મચારીઓનું મહામારીના સંદર્ભમાં સીધુ હિત સમાયેલું છે તેવી જગ્યાઓને થતા નુકસાનની ઘટનાઓને દંડાત્મક જોગવાઇમાં આવરી લેવામાં આવી છે.

સુધારા અંતર્ગત આવા કોઇપણ કૃત્યને દેખીતો અને બિન જામીનપાત્ર ગુનો માનવામાં આવ્યો છે. હિંસાની આવી કોઇપણ પ્રવૃત્તિ કરવી અથવા તેના માટે સહાય કરવી તે ત્રણ મહિનાથી પાંચ વર્ષ સુધીની જેલ અને રૂપિયા 50,000/- થી રૂ. 2,00,000/- સુધીના દંડને પાત્ર રહેશે. જો ગંભીર હાનિ કે ઇજા હશે તો તેવા કિસ્સામાં, સજાનો સમયગાળો વધીને મહિનાથી સાત વર્ષ અને દંડની રકમ વધીને રૂ. 1,00,000/-થી રૂ. 5,00,000/- થઇ શકે છે. વધુમાં, ગુનો આચરનારે પણ પીડિત વ્યક્તિને મિલકતના નુકસાનના વર્તમાન બજાર મૂલ્ય કરતા બમણી રકમ વળતર પેટે ચુકવવાની રહેશે.

આવા ગુનાઓની તપાસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી દ્વારા 30 દિવસમાં કરવામાં આવશે અને આવા કેસનો એક વર્ષમાં નિકાલ લાવવામાં આવશે, જેમાં કોર્ટ દ્વારા લેખિત કારણ આપીને મુદત લંબાવવામાં આવે તો કેસની મુદત વધારી શકાશે.

વર્તમાન કોવિડ-19 મહામારીના ઉપદ્રવ દરમિયાન જરૂરી હસ્તક્ષેપોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે મહામારીનો ફેલાવો રોકવા અને તેના નિરાકરણ માટે કોઇપણ જરૂરી પગલાં લેવા માટે રાજ્ય સરકારો સાથે ખૂબ તાલમેલ મિલાવીને પોતાની ભૂમિકા નિભાવી છે. વધુમાં, દેશમાં આવી રહેલા અથવા દેશમાંથી જઇ રહેલા માર્ગ, રેલવે અને હવાઇ વાહનોમાં પરીક્ષણનો વ્યાપ ઘણો વધારી દેવામાં આવ્યો છે.

કોવિડ-19નો ફેલાવો રોકવા માટેની લડાઇમાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ આપણા અગ્ર હરોળના યોદ્ધાઓ છે. બીજા લોકોના જીવની સલામતી માટે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. વર્તમાન સ્થિતિમાં તેમને પરેશાન કરવા અથવા તેમના પર હુમલો કરવાના બદલે તેઓ આપણા સૌથી વધુ આદર અને પ્રોત્સાહનના હકદાર છે. આશા છે કે વટહુકમથી આરોગ્ય સંભાળ સેવા કર્મચારીઓના સમુદાયમાં સુરક્ષાનો વિશ્વાસ વધશે અને તેઓ તેમના ઉમદા પ્રોફેશન દ્વારા કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે ઉભા થયેલા વર્તમાન અત્યંત મુશ્કેલના સંજોગોમાં માનવજાતની સેવા કરવામાં પોતાના તરફથી યોગદાન આપવાનું ચાલુ રાખશે.

 

GP/DS


(Release ID: 1617488) Visitor Counter : 525