પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદી અને આયર્લેન્ડના પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઈ

Posted On: 22 APR 2020 7:05PM by PIB Ahmedabad

આજે આયર્લેન્ડનાં પ્રધાનમંત્રી શ્રી ડો. લીઓ વરાડકર સાથે ટેલીફોન પર વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદીએ કોવિડ-19 રોગચાળાની સ્થિતિ અને બંને દેશોમાં એની આરોગ્ય અને આર્થિક ક્ષેત્રમાં અસરને નિયંત્રણમાં લેવા માટે હાથ ધરવામાં આવેલા પગલાં ઉપર ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી વરાડકરે આયર્લેન્ડમાં રોગચાળા સામે લડવા ભારતીય મૂળના ડૉક્ટરો અને નર્સોએ ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ આયર્લેન્ડમાં ભારતીય નાગરિકોને આપેલા સાથસહકાર અને તેમની કાળજી રાખવા માટે પ્રધાનમંત્રી શ્રી વરાડકરનો આભાર માન્યો હતો તેમજ ભારતમાં આયરિશ નાગરિકોને સમાન સુવિધા પ્રદાન કરવાની ખાતરી આપી હતી.

બંને નેતાઓ સંમત થયા હતા કે, ભારત અને આયર્લેન્ડ રોગચાળા સામે આંતરરાષ્ટ્રીય લડાઈમાં પ્રદાન કરવા ફાર્માસ્યુટિકલ અને તબીબી ક્ષેત્રોમાં તેમની ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે. તેમણે કોવિડ પછીની દુનિયાનાં સંદર્ભમાં યુરોપિયન યુનિયન અને આયર્લેન્ડ સાથે ભારતના સાથસહકારને મજબૂત કરવાની સંભવિતતા પર પણ ચર્ચા કરી હતી.

બંને નેતાઓ કટોકટીની બદલાતી સ્થિતિ પર એકબીજાનાં સંપર્કમાં રહેવા અને સતત ચર્ચા કરવા સંમત પણ થયા હતા.

 

GP/DS


(Release ID: 1617294) Visitor Counter : 246