આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
પૂણેની મોબાઇલ એપ ‘સંયમ’ હોમ ક્વૉરેન્ટાઇન લોકો પર નજર રાખે છે
Posted On:
21 APR 2020 3:56PM by PIB Ahmedabad
હોમ ક્વૉરેન્ટાઇન કરવામાં આવેલા લોકો પર અસરકારક રીતે નજર રાખી શકાય અને તેઓ વાસ્તવમાં ઘરમાં જ રહે છે તે જાણી શકાય તે માટે, પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી મિશન (SCM) અંતર્ગત સંયમ (Saiyam) નામની એક મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.
શહેરના વહિવટીતંત્રએ ટેકનોલોજીના સહયોગથી વહીવટી પગલાં લીધા છે જેથી હોમ ક્વૉરેન્ટાઇમ લોકો પર સતત દેખરેખ રાખી શકાય. શહેરના વહીવટીતંત્રએ પાંચ ઝોન માટે સમર્પિત ટીમોની નિયુક્તિ કરી છે જેઓ હોમ ક્વૉરેન્ટાઇન કરવામાં આવેલા લોકોનું દૈનિક ધોરણે ફોલોઅપ લેશે. આ ટીમો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસેથી કોણ પરત ફર્યું છે અને કોવિડ-19ની સારવાર પછી કોને રજા આપવામાં આવી છે તે તમામ બાબતોની તપાસ કરશે. તદઅનુસાર, આ ટીમ હોમ ક્વૉરેન્ટાઇન કરવામાં આવેલા લોકો પાસેથી તેમના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે અપડેટ્સ મેળવશે અને તેમના સંપર્કમાં આવેલા લોકોની વિગતો પણ જાણશે. હોમ ક્વૉરેન્ટાઇનનો સિક્કો ધરાવતા લોકોને અલગ ભોજન, પથારી, વાસણો, કપડા, વૉશરૂમની વ્યવસ્થા કરી આપવામાં આવી છે કે નહીં તેની પણ આ ટીમ ચકાસણી કરશે.
આ ટીમો એ પણ તપાસ કરશે કે, જેમને હોમ ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યા છે તેમણે સંયમ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે કે નહીં. આ મોબાઇલ એપ્લિકેશનમાં GPS ટ્રેકિંગ હોવાથી જ્યારે પણ ક્વૉરેન્ટાઇન કરેલી વ્યક્તિ તેમનું ઘર છોડશે ત્યારે તુરંત શહેરના વહીવટીતંત્ર અને સ્થાનિક વૉર્ડ અથવા સ્થાનિક પોલીસને આ માહિતી આપતો એલર્ટ મેસેજ પહોંચશે અને બાદમાં તેઓ આ પરિવારની મુલાકાત લેશે.
હોમ ક્વૉરેન્ટાઇન કરવામાં આવેલા તમામ લોકોને આ એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઓળખી કાઢવામાં આવેલા લોકોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ હોમ ક્વૉરેન્ટાઇનના સમયગાળા દરમિયાન GPS સુવિધા તેમના ઉપકરણમાં હંમેશા ચાલુ રાખે અને મોબાઇલ ઉપકરણ 24 કલાક ચાલુ હોવું જોઇએ. નાગરિકોની હિલચાલ પર કેન્દ્રીય ધોરણે વાસ્તવિક સમયમાં એક મોનિટરિંગ સેલ મારફતે દેખરેખ રાખવામાં આવે છે અને તેમને લાલ, પીળા અથવા લીલા રંગમાં ચિહ્નિત કરવામાં આવે છે. લાલ રંગ સૂચવે છે કે, વ્યક્તિ લાંબા સમય સુધી બહાર ફરી છે; પીળો રંગ સૂચવે છે કે, વ્યક્તિ મર્યાદિત પ્રમાણમાં હિલચાલમાં છે અને લીલો રંગ સૂચવે છે કે, વ્યક્તિ તેના ઘરની અદર જ રહે છે.
GP/DS
(Release ID: 1616726)
Visitor Counter : 299