વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
કોવિડ-19થી સ્વસ્થ વ્યક્તિઓનું રક્ષણ કરવા પદાર્થોના ઇલેક્ટ્રોસ્ટેટિક્સનો ઉપયોગ કરતું માસ્ક વિકસાવાયું
CeNs દ્વારા TriboE માસ્ક વિકસાવાયું, જે ચેપી જીવાણુંઓને રોકવા માટે કોઇપણ બાહ્ય ઉર્જા વગર વીજભારને જાળવી રાખી શકે છે
Posted On:
18 APR 2020 6:19PM by PIB Ahmedabad
કોવિડ 19 વિરુદ્ધની લડાઇમાં અગ્રીમ હરોળમાં કાર્યરત આરોગ્ય વ્યવસાયિકો દ્વારા વાપરવામાં આવતાં ફેસ માસ્ક ઊચ્ચ ટેકનિકલ ગુણવતા ધરાવે છે, જેના ઉત્પાદન માટે વિશિષ્ટ તજજ્ઞતાની જરૂર પડે છે. જ્યારે સામાન્ય લોકોને કોરોના વાયરસનો ફેલાવો અટકાવી શકે તેવા સાધારણ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
આવા પ્રકારના માસ્ક તેના કાપડના સ્તરોમાં વાયરસનું પ્રસરણ અટકાવવાની કામગીરીમાં અવિકસિત હોવા છતાં તે સામાન્ય વાતચીત દરમિયાન તેમ જ છિંક દ્વારા હવામાં પ્રસરતાં ડ્રોપલેટ્સથી થતા પ્રસાર અટકાવતું હોવાની આશા રાખવામાં આવે છે. સામાન્ય પ્રકારના ઘરે બનાવેલા માસ્કનો વપરાશ કરવા માટે આરોગ્ય કર્મચારીઓ સિવાયના સ્વસ્થ વ્યક્તિઓને સલાહ અપાય છે, કારણ કે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વપરાતાં વિશિષ્ટ માસ્કનો જથ્થો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે. જો માસ્ક માટે વપરાતાં કાપડની પસંદગી બુદ્ધિપૂર્વક કરવામાં આવે તો માસ્કનો હેતુ વધુ અસરકારક રીતે પાર પડી શકે છે.
બેંગલોર ખાતે આવેલી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્વાયત સંસ્થા સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સ (CeNS)ની ટીમે TriboE તરીકે ઓળખાતાં વિશિષ્ટ પ્રકારનો ફેસ માસ્ક વિકસાવ્યો છે. આ માસ્કની ખાસિયત એ છે કે તે ચેપી જીવાણુંઓનો પ્રવેશ અટકાવવા માટે વીજ ભાર ધરાવી શકે છે. જોકે રસપ્રદ બાબત તે છે કે આ વીજ ભાર માટે તેને કોઇ બાહ્ય ઉર્જાની જરૂર પડતી નથી.
ડૉ. પ્રલય સાંત્રા, ડૉ. આસુતોષ સિંઘ અને પ્રો. ગિરિધર યુ. કુલકર્ણીની ટીમે કરેલો આ આવિષ્કાર ઇલેક્ટ્રોસ્ટેટિક્સના સિદ્ધાંત ઉપર આધારિત છે. જ્યારે બે નેનો-કન્ડક્ટિંગ સ્તરોનું એક-બીજા સાથે ઘર્ષણ કરવામાં આવે તો તે તરત જ ઘન અને ઋણ ભાર વિકસાવે છે અને થોડોક સમય માટે તે વીજભારને જાળવી રાખે છે. તેમણે ખૂબ જ નજીકથી આ વીજક્ષેત્રનો ઉપયોગ જીવાણુંઓને નિષ્ક્રિય કરવા અથવા સંભવતઃ તેમનો નાશ કરવા માટે પણ કર્યો હતો.
આ અંગે માહિતી આપતાં પ્રો. કુલકર્ણીએ જણાવ્યું હતું કે, "અમને આ વિચાર ટ્રાઇબો ઇલેક્ટ્રિસિટી અંગેની ભૌતિકશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાંથી પ્રાપ્ત થયો છે, જેનો ઉપયોગ બાળકો રમવા માટે કરે છે. જ્યારે ફેસ માસ્કના સંદર્ભમાં તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આ વિચાર એક પેદાશમાં પરિવર્તિત થાય છે. કોઇ ઔદ્યોગિક સ્તરે વિકાસ અથવા ઉત્પાદન વગર અંતિમ વપરાશકારો દ્વારા તેને આસાનીથી બનાવી શકાય છે. આ માસ્ક બિનખર્ચાળ છે અને કોઇપણ વ્યક્તિ બનાવી શકે છે." તેમણે ઉમેર્યુ હતું કે, ખાસ કરીને કોવિડ 19ના સંદર્ભમાં આ માસ્ક ઉપર પરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
DSTના સચિવ પ્રોફેસર આસુતોષે જણાવ્યું હતું કે, "તે બાબત ખૂબ જ રસપ્રદ છે કે, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, મટિરિયલ્સ અને જૈવ-વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો સર્જનાત્મક ઉપયોગ કરીને કોવિડ-19 માટે અનેક નવા અને ઉપયોગી ઉપાયો સામે આવ્યાં છે. આ બાબત કેટલીક વખત વિવિધ વિષયો સંબંધિત ઉપાયો પુરા પાડવા સરળ આંતરિક સૂઝને એક-બીજા સાથે જોડીને પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રસ્તાવિત માસ્ક આવા પ્રકારની સર્જનાત્મક પ્રક્રિયાનું એક સારું ઉદાહરણ પુરું પાડે છે, જેની સરળ રચના દ્વારા તેના વિશાળ મૂલ્યમાં ઉમેરો થાય છે."
આ માસ્ક ત્રિ-સ્તરીય રચના ધરાવે છે- નાયલોનના કાપડના સ્તરને પોલિપ્રોપિલિનના સ્તરોની વચ્ચે મુકવામાં આવે છે, જેને સામાન્ય રીતે વપરાશ કરાતી સીવ્યાં વગરની કરિયાણાની થેલીમાંથી મેળવવામાં આવે છે. નાયલોનના બદલે જૂની સાડી અથવા શાલમાંથી કાપીને રેશમના કાપડનો પણ ઉપયોગ કરી શકાય છે. જ્યારે કાપડના આ સ્તરો એક-બીજા સાથે ઘર્ષણમાં આવે છે ત્યારે બહારનું સ્તર ઋણભાર વિકસાવે છે, જ્યારે નાયલોન ઘનભાર જાળવી રાખે છે. આ ચેપગ્રસ્ત જીવાણુંઓને તેમાંથી પસાર થવા સામે બેવડી વીજ દિવાલ તરીકે કાર્ય કરે છે. સામાન્ય રીતે ઉપલબ્ધ કાપડમાંથી બનાવવામાં આવતાં આ માસ્કને અન્ય કોઇપણ કાપડની જેમ ધોઇ શકાય છે અને તેનો ફરી ઉપયોગ કરી શકાય છે. જોકે હાલના તબ્બક્કે આ માસ્કનો ઉપયોગ કરવા માટે આરોગ્ય સંભાળ વ્યવસાયિકો અને દર્દીઓને ભલામણ કરવામાં આવતી નથી.
GP/DS
TriboE માસ્ક બહાર પોલીપ્રોપિલિનના સ્તરો અને તેની વચ્ચે નાયલોનનું સ્તર ધરાવે છે. જ્યારે આ સ્તરોને એક-બીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે સ્થાયી વીજભાર પેદા થાય છે, જે ચેપગ્રસ્ત જીવાણુંઓનું સંભવિત સંક્રમણ અટકાવી શકે છે.
સિદ્ધાંત, કાપડ અને માસ્કના ઉપયોગની વિગતવાર સમજ આપતી વીડિયો ક્લિપ નીચે આપવામાં આવી છેઃ
https://youtu.be/lIOKwnVlYXw
(Release ID: 1615877)
Visitor Counter : 279