સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
“આ વાયરસને આપણે હરાવી શકીએ છીએ અને આપણે હરાવીશું” – ડૉ. હર્ષવર્ધન
કોવિડ-19 સામેની લડાઇમાં બાકીની દુનિયાની તુલનાએ ભારત મજબૂત સ્થિતિમાં આગળ વધી રહ્યું છે
Posted On:
15 APR 2020 8:20PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના વરિષ્ઠ અધિકારીઓ અને ફિલ્ડ અધિકારીઓ સાથે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મુખ્ય આરોગ્ય અધિકારીઓ સાથે ભારતમાં કોવિડ-19ના નિયંત્રણ માટે લેવામાં આવી રહેલા પગલાં વિશે વાર્તાલાપ કર્યો હતો.
WHOના અધિકારીઓને પ્રોત્સાહન આપતા ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, “આપણે મુશ્કેલીના સમયમાં મળી રહ્યાં છીએ અને જે રીતે આપણે અગાઉ પોલિયો અને ઓરીની બીમારી નાબૂદ કરી તે રીતે આ વાયરસને નાબૂદ કરવા માટે આપણે સાથે મળીને કામ કરવાનું છે.” તેમણે કહ્યું હતું કે, “આ વાયરસને આપણે હરાવી શકીએ છીએ અને આપણે હરાવીશું”. આજની બેઠક આ ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અને વધુ પ્રતિભાવ મેળવવા માટે ફિલ્ડ સ્તરે કેવા પગલાં લઇ શકાય તે અંગે ચર્ચા માટે યોજવામાં આવી હતી. ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “કોવિડ-19 સામેની લડાઇમાં WHO આપણું મહત્વપૂર્ણ ભાગીદાર છે. સમગ્ર દેશમાં કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે WHO દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અને યોગદાનની હું ખરેખર પ્રશંસા કરું છુ.”
ડૉ. હર્ષવર્ધને સ્મૃતિ તાજી કરતા કહ્યું હતું કે, “મને હજુ પણ યાદ છે, ડૉક્ટરો, ભલે તે સરકારના હોય કે WHOના, તેઓ પોલિયો નાબૂદ કરવા માટે ખૂબ જ ઉત્સાહી હતા અને આ હેતુ સિદ્ધ કરવા માટે તેમણે યોગદાન આપ્યું હતું.” તેમણે કહ્યું કે, “તેમના નિષ્ઠાપૂર્વક યોગદાન વગર ભારત સહિત દક્ષિણ પૂર્વ એશિયામાંથી પોલિયો નાબૂદ કરવા માટે ઘણો વધુ સમય લાગ્યો હોત.” તેમણે ડૉક્ટરોને વધુ પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને યાદ અપાવ્યું હતું કે, તેમનામાં રહેલી શક્તિ અને સામર્થ્યના કારણે ભારત પોલિયોના અભિશાપમાંથી વિજેતા થઇને ઉભરી આવવામાં સફળ રહ્યું છે.
તેમણે યાદ અપાવ્યું હતું કે, “કોવિડ-19 સામે પ્રતિક્રિયા આપવામાં ભારત સૌપ્રથમ છે અને આપણા કોરોના યોદ્ધાઓની મૂલ્યવાન અને નિષ્ઠાપૂર્વકની સેવાના કારણે બાકીની દુનિયાની તુલનાએ ભારત મજબૂત સ્થિતિ સાથે આગળ વધી રહ્યું છે.” તેમણે કહ્યું હતું કે, “આપણે દુશ્મન અને તેના ઠેકાણા વિશે જાણીએ છીએ. સામુદાયિક દેખરેખ, વિવિધ માર્ગદર્શિકાઓ બહાર પાડીને, ક્લસ્ટર ક્વૉરન્ટાઇન અને ગતિશીલ વ્યૂહરચના દ્વારા આપણે તેને ખતમ કરી શકીએ છીએ.” પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વની પ્રશંસા કરતી વખતે તેમણે કહ્યું હતું કે, “આપણી પાસે પ્રધાનમંત્રીના રૂપમાં એક મહાન નેતા છે અને તેઓ સમય સમયે નિષ્ણાતો દ્વારા આપવામાં આવતા સૂચનો ખૂબ સારી રીતે પ્રાપ્ત કરે છે અને અપનાવે છે, જેના કારણે ભારત કોવિડ-19 નામના આ સાંઢના શિંગડા પકડીને તેને નિયંત્રણમાં લાવી શક્યું છે.” ડૉ. હર્ષવર્ધને કોરોના વાયરસ યોદ્ધાના ક્યારેય ન હારવાના અભિગમની તેમજ માનવજાતની સેવા કરવાની વૃત્તિની ઘણી પ્રશંસા કરી હતી. તેમણે આ યોદ્ધાઓને વાયરસ સામે આકરી લડત આપવા માટે શુભેચ્છા પાઠવી હતી.
કોવિડ-19 સામે ભારતની પ્રતિક્રિયાની પ્રશંસા કરતા WHO દક્ષિણ-પૂર્વ પ્રદેશના પ્રાદેશિક નિદેશક, ડૉ. પૂનમ ક્ષેત્રપાલ સિંહે જણાવ્યું હતું કે, “વિરાટ અને બહુવિધ પડકારો સામે હોવા છતાં, ભારત આ મહામારી સામેની લડતામાં પોતાની અડગ કટિબદ્ધતા બતાવી રહ્યું છે.” ભારતમાં WHOના પ્રતિનિધિ, ડૉ. હેન્ક બેકેડેમે જણાવ્યું હતું કે, “અમારા ફિલ્ડના કર્મચારીઓને કોવિડ-19 સામેની લડતમાં મદદરૂપ થવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ જ ટીમે સરકાર અને અન્ય સહભાગી સંગઠનો સાથે મળીને અવિરત કામ કરીને ભારતને પોલિયો મુક્ત કર્યું છે. મને વિશ્વાસ છે કે, WHOની ટીમ ફરી એક વખત સરકાર સાથે હાથ મિલાવીને ભારતને કોવિડ-19 સામે લડવામાં મદદરૂપ થશે.”
વાર્તાલાપમાં સમાવવામાં આવેલા મુખ્ય મુદ્દા:
- હોટસ્પોટ અને ક્લસ્ટર ક્વૉરેન્ટાઇન માટે માઇક્રો પ્લાન તૈયાર કરવામાં મદદરૂપ થવા માટે જિલ્લા સ્તરે કામ કરી રહેલા WHOના અધિકારીઓ સાથે ટેકનિકલ સંકલન.
- સંક્રમણના સંભવિત રૂટને પારખવા માટે હાલમાં રહેલા કેસોનું વિશ્લેષણ કરવામાં સહાય.
- જિલ્લામાં ચેપ ફેલાવવાની કોઇ જ શક્યતા નથી તેવા ભરોસાપાત્ર પૂરાવા મળે ત્યાં સુધી જિલ્લાઓ પર સતત દેખરેખ રાખવા માટે વ્યૂહરચના ઘડવામાં સહાય.
ત્રણ રાજ્યો – બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્રના અનુભવો અને વ્યૂહરચના પણ આ બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ વીડિયો કોન્ફરન્સમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી અશ્વિની કુમાર ચોબે, રાજ્ય સરકારો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આરોગ્ય સચિવો અને રાષ્ટ્રીય આરોગ્ય મિશનના નિદેશકો અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)ના વરિષ્ઠ અધિકારીઓ, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)ના આરોગ્ય સેવાના મહા નિદેશક, ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રીસર્ચ (ICMR) તેમજ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના દક્ષિણ-પૂર્વ પ્રદેશના પ્રાદેશિક નિદેશક અને WHO દક્ષિણ-પૂર્વ એશિયા પ્રદેશ કચેરીના અન્ય મુખ્ય અધિકારીઓ અને સમગ્ર દેશમાં નિયુક્ત WHOના નિષ્ણાતો તેમજ ફિલ્ડ કર્મચારીઓએ ભાગ લીધો હતો.
RP
*****
(Release ID: 1614873)
Visitor Counter : 297