સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

ગડકરીએ ઉદ્યોગનાં પ્રતિનિધિઓને કોવિડ-19 લોકડાઉન પછી ઉદ્યોગસાહસોને ફરી શરૂ કરવા સરકારનાં સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી


તમામ ક્ષેત્રો પડકારને તકમાં પરિવર્તિત કરવા કામ કરે એના પર ભાર મૂક્યો

Posted On: 14 APR 2020 4:51PM by PIB Ahmedabad

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા એમએસએમઈ મંત્રી શ્રી નીતિન ગડકરીએ કોવિડ-19ને પગલે લાગુ લોકડાઉન દૂર થયા પછી ઉદ્યોગને તેમના ઉદ્યોગસાહસો ફરી શરૂ કરવા સરકાર તમામ પ્રકારનો સાથસહકાર આપશે એવી ખાતરી આપી છે. ફિક્કીનાં પ્રતિનિધિઓ સાથે આજે યોજાયેલા એક વેબિનારમાં ઇન્ટરેક્શન દરમિયાન મંત્રીએ સરકારે આ દિશામાં લીધેલા વિવિધ નાણાકીય નિર્ણયો વિશે તેમને માહિતગાર કર્યા હતા.

શ્રી ગડકરીએ જાણકારી આપી હતી કે, આરબીઆઈએ ટર્મ લોન અને કાર્યકારી મૂડીની સુવિધાઓને રિશીડ્યુલ કરવાની મંજૂરી આપી છે.

અતિ નાનાં, નાનાં અને મધ્યમ ઉદ્યોગસાહસો વિશે શ્રી ગડકરીએ કહ્યું હતું કે, સરકાર તેમની મુશ્કેલીઓ અને અર્થતંત્રમાં તેમના મહત્ત્વને લઈને વાકેફ છે. તેમણે સરકાર સાથે કામ કરવા ઔદ્યોગિક ક્ષેત્ર અને બેંકિંગ ક્ષેત્રને અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ ક્ષેત્રો મજબૂત જળવાઈ રહે એ દરેક ક્ષેત્રનાં હિતમાં છે. બજારમાં નાણાકીય પ્રવાહિતતાનાં મહત્ત્વ વિશે વાત કરીને મંત્રીએ જાણકારી આપી હતી કે, તેઓ એમએસએમઈને હાલ આશરે રૂ. એક લાખ કરોડનાં સ્તરથી રૂ. પાંચ લાખ કરોડ સુધી ક્રેડિટ ગેરન્ટી વધારવા આતુર છે, જેમાં નાણાકીય સંસ્થાઓની 75 ટકા આગોતરી સહાય સરકારની ક્રેડિટ ગેરન્ટી સ્કીમ અંતર્ગત ગેરેન્ટેડ છે. તેમણે ખાતરી આપી હતી કે, ઉદ્યોગે, ખાસ કરીને એમએસએમઈ દ્વારા ઉઠાવેલા પ્રશ્રોની ચર્ચા પ્રસ્તુત મંત્રાલયો અને વિભાગો સાથે કરવામાં આવશે.

શ્રી નીતિન ગડકરીએ ઉદ્યોગને વર્તમાન કટોકટીને પડકાર તરીકે લેવા અને તક તરીકે ઝડવા અપીલ કરી છે, ખાસ કરીને કેટલાંક દેશો તેમના રોકાણને ચીનમાંથી ખસેડવા આતુર છે ત્યારે ભારત તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પો પૈકીનો એક વિકલ્પ બની શકે છે.

તેમણે માર્ગ ક્ષેત્ર વિશે જણાવ્યું હતું કે, વર્ષ 2019-20માં રાજમાર્ગનાં નિર્માણ રેકોર્ડ સ્તરે જોવા મળ્યું હતું, જેમાં આગામી વર્ષોમાં 2થી 3 ગણો વેગ આપવો પડશે, જેથી માળખાગત ક્ષેત્રની વધતી જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય. મંત્રીએ એવી જાણકારી પણ આપી હતી કે, કોઈ પણ નિર્ણયો પર પહોંચવામાં લાગતો સમય વિલંબ ટાળવા ઓછોમાં ઓછો જાળવવો જોઈએ. આ દિશામાં તેમણે એનએચએઆઈ અને એના આનુષંગિક એકમોને 3 મહિનાની અંદર કોઈ પણ બાબતોનો નિર્મય લેવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઉદ્દેશ માટે તેમણે આ પ્રકારની સંસ્થાઓના તમામ અધ્યક્ષોને દરરોજ સાંજના 7 વાગ્યા સુધી કામ કરવાની વિનંતી કરી છે, જેઓ અત્યારે સાંજના 5 વાગ્યા સુધી કામ કરે છે. મંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે આવું શરૂ કરી દીધું છે, જેથી આટલા ટૂંકા ગાળામાં 280 બાબતોનું સમાધાન થયું છે.

ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતે આ કટોકટીને તકમાં પરિવર્તિત કરવી જોઈએ, વિવિધ માળખાગત પ્રોજેક્ટને વેગ આપવો જોઈએ અને આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા કોરોના સામેની આ લડાઈ જીતવી પડશે. તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગે વર્તમાન સ્થિતિને અભિશાપરૂપ ગણવાને બદલે આશીર્વાદરૂપ ગણવી જોઈએ અને એનો ઉદ્દેશ નિકાસની સંભવિતતા વધારવાનો હોવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, હાલ કટોકટીના સમયમાં બજારમાં નાણાકીય પ્રવાહિતતા લાવવી ચાવીરૂપ છે અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે એનએચએઆઈએ તમામ વિલંબિત દાવા અને લવાદને સેટલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. મંત્રાલયે 3 મહિનાની અંદર તમામ કાયદેસર વિવાદોનું સમાધાન કરવું પડશે.

નાણાકીય વર્ષ 2020-21 માટે માર્ગ અને રાજમાર્ગ નિર્માણની ગતિ બમણી કરવા વિશે શ્રી ગડકરીએ ઉલ્લેખ કર્યો હતો કે, તેમનું મંત્રાલય યુદ્ધના ધોરણે કાર્યરત છે તથા આ લડાઈ લડવા અને વિજેતા બનવા પ્રતિબદ્ધ છે. માર્ગ ક્ષેત્ર માટે સુધારાનો માર્ગો શરૂ કરવા મંત્રાલય વિવિધ સ્થળો પર પ્રોજેક્ટ પુનઃ શરૂ કરવા માટે તૈયાર છે, જેમાં શરત એ છે કે, કોરોનાવાયરસના પ્રસાર સામે સલામતી માટે પર્યાપ્ત પગલાં લેવામાં આવશે.

RP

******



(Release ID: 1614489) Visitor Counter : 149