સંરક્ષણ મંત્રાલય

કોવિડ-19 સામેની લડતમાં એનસીસીના આશરે 2000 કેડેટ્સને રોજગાર મળ્યા અને 50,000થી વધુ કેડેટ્સ સ્વયંસેવક તરીકે તૈનાત

Posted On: 11 APR 2020 4:20PM by PIB Ahmedabad

નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ના સ્વયંસેવક કેડેટ્સ (વિદ્યાર્થીઓ) ‘એક્સરસાઈઝ એનસીસી યોગદાન’ અભિયાન હેઠળ કોરોનાવાયરસ (કોવિડ-19) મહામારી સામેની લડતમાં પહેલી એપ્રિલ, 2020ના રોજથી નાગરિક, સંરક્ષણ અને પોલિસ અધિકારીઓ સાથે ખભે ખભા મિલાવીને નાગરિક વહીવટીતંત્રને મદદ કરી રહ્યા છે. દેશનાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આશરે 2,000 જેટલા કેડેટ્સને રોજગાર અપાયાં છે, જેમાં મહત્તમ 306 કેડેટ્સ તામિલનાડુમાં વિવિધ ફરજો નિભાવી રહ્યા છે. આ સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.

રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે વધુને વધુ રાજ્યો વિવિધ કાર્યો માટે એનસીસીના કેડેટ્સની મદદ માગી રહ્યા છે. એનસીસીના મુખ્ય મથકોના મહાનિદેશક આ કાર્યોમાં સેવા આપી શકે તેવા સ્વયંસેવક કેડેટ્સની સંખ્યા પર દેખરેખ રાખી રહ્યા છે.અત્યાર સુધીમાં ‘એક્સરસાઈઝ એનસીસી યોગદાન’ હેઠળ આશરે 50,000થી વધુ કેડેટ્સે સ્વૈચ્છિક સેવા આપી છે.

18 વર્ષથી વધુ વયના એનસીસી કેડેટ્સ સ્વયંસેવકો અને સિનિયર ડિવિઝન (પુરુષ કેડેટ્સ માટે) અને સિનિયર વિંગ (મહિલા કેડેટ્સ માટે) આ ફરજો માટે રોજગાર મેળવી રહ્યા છે. કેડેટ્સ સંકટના આ સમયે સ્વેચ્છાએ યોગદાન આપી રહ્યા છે. કેડેટ્સને કાર્ય સોંપાય તે પહેલાં તેમને તાલીમ અપાય અને યોગ્ય રીતે માહિતગાર કરાય તે સુનિશ્ચિત કરાય છે.

રાજ્યનું વહીવટીતંત્ર એ સુનિશ્ચિત કરે ચે કે તમામ કેડેટ્સને તેમની કાર્યસોંપણી દરમિયાન માસ્ક, હાથના મોજા, વગેરે જેવાં સુરક્ષાનાં યોગ્ય સાધનો આપવામાં આવે. કેડેટ્સ અધિકારીઓ, જુનિયર કમિશન્ડ ઓફિસર્સ, પીઆઈ સ્ટાફ અને એનસીસીના એએનઓની દેખરેખ હેઠળ કાર્યરત છે. જે-તે રાજ્યની સરકાર દ્વારા જે વિસ્તારો સીલ કરાયેલાં છે અથવા હોટસ્પોટ તરીકે નિર્ધારિત કરાયાં છે, તેમાં તેમને કાર્ય સોંપાતાં નથી.

કેડેટ્સને ટ્રાફિક વ્યવસ્થાપન, સપ્લાય ચેઇનનું વ્યવસ્થાપન, ખાદ્ય ચીજો બનાવવી અને તેને પેક કરવી, ખોરાક અને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ, હરોળના વ્યવસ્થાપન, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું, કન્ટ્રોલ સેન્ટર્સ અને સીસીટીવી કન્ટ્રોલ રૂમ્સમાં ફરજ નિભાવવી વગેરે જેવા વિવિધ કાર્યો સોંપાય છે. આ ઉપરાંત, એનસીસી કેડેટ્સ લોકોને ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર સંદેશા મોકલીને સંવેદનશીલ બનાવે છે.

દેશને જ્યારે ખરેખર મદદની જરૂર છે, ત્યારે એનસીસી ફરી એકવાર સંપૂર્ણ, મજબૂત ટેકો આપી રહી છે. આજે એનસીસીના 14 લાખ અડગ સ્વયંસેવકો છે, જે દેશભરમાં પહોંચ ધરાવે છે. 29 રાજ્યો અને નવ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેમનાં 17 નિયામકો છે. આ નિયામકો વધુ 99 જૂથો અને 826 એકમોમાં વિભાજિત છે, જેનાથી તમામ રાજ્યોમાં જિલ્લા વહીવટીતંત્રને કેડેટ્સની ઉપલબ્ધિ સુનિશ્ચિત બને છે. વિવિધ જિલ્લા મુખ્યાલયોમાં એનસીસી કેડેટ્સને લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનના વ્યવસ્થાપનની ફરજો સોંપવાની સૂચનાઓ અપાઈ હોવાથી જિલ્લા પ્રશાસન એનસીસીના નિયામકોને મદદ માટેનો વિનંતી પત્ર મોકલી તેમની સહાય માગી રહ્યા છે.



(Release ID: 1613387) Visitor Counter : 212