વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ગુજરાતના ખેડૂત વૈજ્ઞાનીકે વિકસાવેલા બાયો-ફોર્ટિફાઇડ ગાજરની વેરાઇટીથી સ્થાનિક ખેડૂતોને લાભ થઇ રહ્યો છે

Posted On: 08 APR 2020 11:30AM by PIB Ahmedabad

ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ખેડૂત વિજ્ઞાની શ્રી વલ્લભાઈ વશરામભાઈ મરવાણિયાએ ઊંચું બીટા-કેરોટિન અને આયર્ન ધરાવતા બાયોફોર્ટિફાઇડ ગાજરની વેરાઇટી મધુવન ગાજર વિકસાવ્યું છે, જેનો લાભ આ વિસ્તારનાં 150થી વધારે સ્થાનિક ખેડૂતોને મળી રહ્યો છે. આ ગાજરનું વાવેતર જૂનાગઢમાં 200 હેક્ટરથી વધારે વિસ્તારમાં થાય છે અને સરેરાશ ઉપજ હેક્ટરદીઠ 40 થી 50 ટન છે, જે સ્થાનિક ખેડૂતોની આવકનો મુખ્ય સ્રોત બની ગઈ છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશમાં 1000 હેક્ટરથી વધારે જમીન પર આ વેરાઇટીનું વાવેતર થઈ રહ્યું છે.

મધુવન ગાજર પોષક દ્રવ્યોનું ઊંચું પ્રમાણ ધરાવતું ગાજર છે, જેને બીટા-કેરોટિનનું ઊંચું પ્રમાણ (કિલોગ્રામદીઠ 277.75 મિલીગ્રામ) અને આયર્નનું પ્રમાણ (કિલોગ્રામદીઠ 276.7 મિલીગ્રામ) સાથે પસંદગીની પદ્ધતિ દ્વારા શુષ્કતાના આધારે વિકસાવવામાં આવ્યું છે તથા એનો ઉપયોગ કેરટ ચિપ્સ, જ્યુસ અને અથાણા જેવા વિવિધ મૂલ્ય સંવર્ધિત ઉત્પાદનો માટે થાય છે. આ તમામ વેરાઇટીઓમાં બીટા-કેરોટિન અને આયર્ન સામગ્રી શ્રેષ્ઠ હોવાનું જણાયું છે.

ભારત સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્યરત નેશનલ ઇન્નોવેશન ફાઉન્ડેશન (એનઆઇએફ) – ઇન્ડિયાએ વર્ષ 2016 થી 2017 વચ્ચે જયપુર સ્થિત રાજસ્થાન કૃષિ સંશોધન સંસ્થા (આરએઆરઆઈ)માં આ વેરાઇટીને માન્યતા આપવા માટે પરીક્ષણો હાથ ધર્યા હતા. આ પરીક્ષણોમાં જાણકારી મળી હતી કે, મધુવન ગાજર નોંધપાત્ર રીતે મૂળની વધારે ઉપજ (હેક્ટરદીઠ 74.2 ટન) અને પ્લાન્ટ બાયોમાસ (પ્લાન્ટદીઠ 275 ગ્રામ) ધરાવે છે, જે અન્ય વેરાઇટીની સરખાણમીમાં વધારે છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, અસમ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા જુદાં-જુદાં રાજ્યોમાં એનઆઇએફ દ્વારા 25 હેક્ટરથી વધારે જમીન પર આ વેરાઇટીના ખેતરોમાં પરીક્ષણો હાથ ધરવામાં આવ્યાં હતાં, જેમાં 100થી વધારે ખેડૂતો સંકળાયેલા હતા, જેમાં વેરાઇટી (મધુવન ગાજર) ઉપજ અને અન્ય ગુણોની દૃષ્ટિએ ગુણકારક હોવાનું જણાયું હતું.

વર્ષ 1943માં શ્રી વલ્લભભાઈ વશરામભાઈ મરવાણિયાને જાણકારી મળી હતી કે, સ્થાનિક ગાજરની વેરાઇટીનો દૂધની ગુણવત્તા વધારવા માટે ચારા તરીકે ઉપયોગ થાય છે. તેમણે આ વેરાઇટીનું વાવેતર કર્યું હતું અને આ ગાજરને બજારમાં સારી કિંમતે વેચ્યા હતા. ત્યારપછી તેમણે તેમના પરિવાર સાથે આ કલ્ટિવેટરનું જતન કરવા અને વિકસાવવા કામગીરી કરી છે. આ વેરાઇટીના બીજનું ઉત્પાદન અને વેચાણ એમના પુત્ર શ્રી અરવિંદભાઈ કરે છે અને દર વર્ષે આશરે 100 ક્વિન્ટલનું વેચાણ કરે છે. આશરે 30 સ્થાનિક બીજ સપ્લાયર્સ આખા દેશમાં આ બીજના વેચાણમાં સંકળાયેલા છે અને કેટલાંક સ્થાનિક ખેડૂતોના જૂથ સાથે શ્રી વલ્લભભાઈ પોતે બિયારણનું ઉત્પાદન કરે છે.

આ વેરાઇટીના વિકાસના શરૂઆતનાં વર્ષો દરમિયાન શ્રી વલ્લભાઈએ બિયારણના ઉત્પાદન માટે શ્રેષ્ઠ પ્લાન્ટની પસંદગી કરી હતી અને સ્થાનિક વપરાશ તેમજ વેચાણ માટે નાનાં વિસ્તારમાં તેનું વાવેતર કર્યું હતું. પછી આ ગાજર માટેની માગમાં વધારો થયો હતો. એટલે તેમણે 1950ના દાયકા દરમિયાન મોટા પાયે એનું વાવેતર શરૂ કર્યું હતું. તેમણે 1970ના દાયકામાં તેમના ગામ અને લગોલગ વિસ્તારોમાં અન્ય ખેડૂતોમાં આ બિયારણોનું વિતરણ શરૂ કર્યું હતું. 1985 દરમિયાન તેમણે મોટા પાયે બિયારણોનું વેચાણ શરૂ કર્યું હતું. મધુવન ગાજરની સરેરાશ ઉપજ હેક્ટરદીઠ 40 થી 50 ટન છે તથા ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સફળતાપૂર્વક એનું વાવેતર થાય છે.

શ્રી વલ્લભભાઈ વશરામભાઈ મરવાણિયાને ફેસ્ટિવલ ઑફ ઇનોવેશન (એફઓઆઇએન) - 2017 દરમિયાન નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતનાં રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો હતો. એમના અસાધારણ કાર્ય બદલ વર્ષ 2019માં એમને પદ્મશ્રી એનાયત થયો હતો.

 

GP/RP


(Release ID: 1612240) Visitor Counter : 278