વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
JNCASR દ્વારા ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ-19 જેવા વાયરસનો ફેલાવો રોકવા માટે બહુપ્રતિભાશાળી આવરણ તૈયાર કરાયું
આપણી સંશોધન સંસ્થાઓ પડકારજનક અને ઉપયોગી એપ્લિકેશનમાં તેમના જ્ઞાનનો વધુને વધુ ઉપયોગ કરી રહી છે. JNCASRનું આ ઉત્પાદન આનું દેખીતું દૃષ્ટાંત છે – પ્રૉ. આસુતોષ શર્મા, સચિવ, DST
ટેકનોલોજી ખૂબ જ સરળ છે માટે તેના વિકાસ માટે કૌશલ્યપૂર્ણ લોકોની જરૂર નથી અને કોવિડ 19 સામે પરીક્ષણ માટે પહેલાંથી જ તૈયાર છે
Posted On:
06 APR 2020 4:12PM by PIB Ahmedabad
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) હેઠળ આવતી બેંગલોર ખાતેની સ્વાયત્ત સંસ્થા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રીસર્ચ (JNCASR) દ્વારા તૈયાર કરવામાં આવેલું એન્ટીમાઇક્રોબાયલ આવરણ શ્વસનતંત્રમાં ગંભીર ચેપ લગાડતા પ્રાણઘાતક ઇન્ફ્લુએન્ઝા વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે ખૂબ જ અદભૂત પરિણામો બતાવી રહ્યું છે. આ આવરણ ઇન્ફ્લુએન્ઝા વાયરસના મોટા જથ્થાને નિષ્ક્રિય કરીને પોતાની અસર બતાવે છે. દેશની કોવિડ-19 સામેની લડાઇ માટે DSTના વિજ્ઞાન અને એન્જિનિયરિંગ રીસર્ચ બોર્ડ દ્વારા આ આવરણના વધુ વિકાસ માટે સહકાર આપવામાં આવી રહ્યો છે.
ઇન્ફ્લુએન્ઝા વાયરસ (એનવલપ્ડ વાયરસ એટલે કે આવરિત વાયસર)નો ખાતમો બોલવવામાં આ આવરણની 100% કાર્યક્ષમતા પૂરવાર થઇ છે જે દર્શાવે છે કે, આ આવરણ સંપર્કમાં આવીને ફેલાતા એનવલપ્ડ વાયરસ કોવિડ-19નો ખાતમો બોલાવવામાં અસરકારક પૂરવાર થઇ શકે છે. આ ટેકનોલોજી ઘણી સરળ છે માટે તેને વિકસાવવામાં વધુ કૌશલ્યપૂર્ણ લોકોની જરૂર પડતી નથી અને કોવિડ-19 સામે પરીક્ષણ માટે પહેલાંથી જ તેને તૈયાર કરવામાં આવી છે. જો તે સક્રિય જોવા મળે તો, ડૉક્ટરો અને નર્સો દ્વારા ઉપયોગમાં લેવાતા સંખ્યાબંધ PPE જેમકે માસ્ક, હાથમોજાં, ગાઉન, ફેસ શિલ્ડ વગેરે પર તેનું આવરણ કરી શકાય જેથી આ લોકોને વધુ સુરક્ષા અને સલામતી મળી શકે. આનાથી તેમને કોવિડ-19 સામેની લડાઇમાં વધુ મદદ મળી શકશે.
DSTના સચિવ પ્રો. આસુતોષ શર્માએ જણાવ્યું હતું કે, “સમગ્ર દુનિયામાં મૂળભૂત વિજ્ઞાનમાં પોતાની મજબૂત અને ઊંડી જ્ઞાનની પકડ ધરાવતી આપણી સંશોધન સંસ્થાઓ પડકારજનક અને ઉપયોગી એપ્લિકેશનમાં તેમના જ્ઞાનનો વધુને વધુ ઉપયોગ કરી રહી છે તે ઘણી આનંદની વાત છે. JNCASRનું આ ઉત્પાદન તેનું દેખીતું દૃષ્ટાંત છે. મને કોઇ જ શંકા નથી કે, ઉત્પાદનમાં ઉદ્યોગોની પૂરતી મદદથી આપણે હજુ પણ વધુ સરળ ઉદાહરણો જોઇ શકીશું.”
આ ટેકનોલોજી JNCASR ખાતે પ્રો. જયંતા હલ્દરના ગ્રૂપ દ્વારા વિકસાવવામાં આવી જેમાં શ્રી. શ્રેયન ઘોષ, ડૉ. રિયા મુખરજી અને ડૉ. દેવજ્યોતી બસક તેમની સાથે જોડાયા હતા. આવરણ માટે વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલું સંયોજન સંખ્યાબંધ દ્રાવકો જેમકે પાણી, ઇથેનોલ, મિથેનોલ અને ક્લોરોફોર્મ વગેરેમાં દ્રાવ્ય છે. આ સંયોજનના જલીય અથવા કાર્બનિક ઘટકોનો ઉપયોગ અલગ અલગ ચીજવસ્તુઓ અને તબીબી રીતે ઉપયોગમાં લેવાની મહત્વની ચીજો જેમકે કાપડ, પ્લાસ્ટિક, PVC, પોલીયુરેથિન, પોલીસ્ટેરિન વગેરેમાં એક જ પગલાંમાં આવરણ કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. આ આવરણ ઇન્ફ્લુએન્ઝા વાયરસ સામે અદભૂત એન્ટીવાયરલ પ્રક્રિયા બતાવે છે અને સંપર્કમાં આવ્યા પછી માત્ર 30 મિનિટમાં આવા વાયરસનો સંપૂર્ણ નાશ કરે છે. તે રોગકારકો (જેમકે, બેક્ટેરિયા)ના આંતરપટલમાં વિક્ષેપ પાડીને તેનો નાશ કરે છે.
આ સંશોધન દરમિયાન, આવરિત સપાટીઓએ દવા પ્રતિરોધક બેક્ટેરિયા અને ફુગ જેમકે મેથિસિલિન પ્રતિરોધક એસ. ઓરેનસ (MRSA) અને ફ્લુકોન્ઝોલ પ્રતિરોધક સી. આલ્બકેન સેપને અનુક્રમે 30 અને 45 મિનિટમાં ખતમ કર્યા હતા. આમ આ સંયોજને ત્વરિત માઇક્રોબાયલ સક્રિયતા બતાવી હતી. આ સંયોજનથી આવરિત સુતરાઉ કાપડની શીટમાં એક મિલિયનથી વધુ બેક્ટેરિયાના કોષોનો સંપૂર્ણ નાશ થયો હતો.
તેના મોલેક્યૂલ સંખ્યાબંધ દ્રાવકોમાં વધુમાં વધુ દ્રાવ્યતા પ્રાપ્ત થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે જેમાં સરળ શુદ્ધિકરણ અને ઉચ્ચ પરિણામ આપતા ઓછા ખર્ચાળ ત્રણથી ચાર પગલાંના સિન્થેટિક અભિગમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ આવરણ વિવિધ પ્રકારની સપાટી પર સરળતાથી લગાવી શકાય છે અને ટેકનોલોજીની સરળતાના કારણે તેને તૈયાર કરવામાં કૌશલ્યપૂર્ણ લોકોની જરૂર પડતી નથી.
(વધુ વિગતો માટે સંપર્ક કરો, ડૉ. જયંતા હલ્દર, jayanta@jncasr.ac.in, jayanta.jnc[at]gmail[dot]com મોબાઇલ : 9449019745.)
*****
(Release ID: 1611728)
Visitor Counter : 292