પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય

એર કાર્ગો પૂર્વોત્તરમાં આવશ્યક ચીજવસ્તુઓ અને તબીબી ઉપકરણોનો પૂરવઠો નિયમિત પહોંચાડી રહ્યું છે: ડૉ. જીતેન્દ્ર સિંહ

Posted On: 05 APR 2020 5:45PM by PIB Ahmedabad

પૂર્વોત્તર પ્રદેશ વિકાસ (DoNER) કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર), પ્રધાનમંત્રીની કચેરીના રાજ્યમંત્રી: કાર્મિક, જાહેર ફરિયાદ, પેન્શન, અણુ ઉર્જા અને અવકાશ ડૉ. જીતેન્દ્ર સિંહે આજે માહિતી આપી હતી કે, પૂર્વોત્તરમાં એર કાર્ગો આવશ્યક ચીજવસ્તુઓ અને તબીબી ઉપકરણો સહિતની વસ્તુઓનો પૂરવઠો નિયમિત પહોંચાડી રહ્યું છે અને કોઇપણ ચીજવસ્તુની અછત નથી તેમજ આગામી દિવસોમાં કોઇપણ વસ્તુની અછત ઉભી થવાની કોઇ સંભાવના પણ નથી.

મીડિયાને સંબોધતી વખતે ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, લૉકડાઉનના અમલની જાહેરાત પછી તુરંત જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ સાથે નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પૂર્વોત્તરના રાજ્યો તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિત અન્ય અંતરિયાળ પ્રદેશો અને ટાપુ વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરતા માલવાહક વિમાનોનું પરિચાલન પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ નિર્ણય પછી ટૂંક સમયમાં, એર ઇન્ડિયા અને ભારતીય વાયુ સેના દ્વારા એર કાર્ગો ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી હતી.

આ અંગે વધુ માહિતી આપતા ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, 30 માર્ચના રોજ ગુવાહાટી ખાતે એર ઇન્ડિયા દ્વારા પ્રથમ એર કન્સાઇન્મેન્ટનું ઉતરાણ થયું હતું અને બીજા દિવસે 31 માર્ચના રોજ સવારે જ દીમાપુર ખાતે ભારતીય વાયુ સેનાના માલવાહક વિમાનનું ઉતરાણ થયું હતું. ત્યારથી અત્યાર સુધી, એર કાર્ગો કન્સાઇન્મેન્ટ્સની નિયમિત આવક ચાલુ છે. જેમકે, નાગાલેન્ડ રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ મોટા એર કન્સાઇન્મેન્ટ પહોંચી ગયા છે અને મણીપૂરમાં પણ અત્યાર સુધીમાં ત્રણ એર કાર્ગો કન્સાઇન્મેન્ટ પહોંચી ગયા છે.

ફેસ માસ્કની માગ અંગે ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, 30,000 N95 માસ્કનો જથ્થો વિતરણ માટે પહેલાંથી જ ગુવાહાટી પહોંચી ગયો છે. આ દરમિયાન, તેમણે સ્વયં સહાય સમૂહો દ્વારા કરવામાં આવતા પ્રયાસોને બિરાદાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ સમૂહો તેમના પોતાના પ્રયાસોથી માસ્ક અને સેનિટાઇઝર્સ બનાવવા માટે આગળ આવ્યા છે.

ડૉ. જીતેન્દ્રસિંહે ખાતરી આપી હતી કે, ભવિષ્યમાં, જ્યારે પણ માંગ વધશે અથવા જરૂરિયાત હોવાનું કહેવામાં આવશે ત્યારે ટૂંક સમયમાં જ એર કાર્ગો ફ્લાઇટની વ્યવસ્થા થઇ શકે તેવી ગોઠવણ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, કન્સાઇન્મેન્ટના પ્રકાર અને જથ્થા અનુસાર એર ઇન્ડિયા અને ભારતીય વાયુ સેના એકબીજા સાથે સંકલનમાં કામ કરશે. તેમણે કહ્યું હતું કે, આ તમામ હેરફેર પર વાસ્તવિક સમયમાં દેખરેખ રાખવા માટે અને રાજ્ય સરકારો સાથે સતત સંપર્ક જાળવી રાખવા માટે પણ તંત્રવ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સાથે, ડૉ. જીતેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે, પૂર્વોત્તરના રાજ્યોમાં 5,500 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ સીલ કરી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આના કારણે કોરોના વાયરસના ફેલવાને નિયંત્રણમાં લાવવામાં મદદ મળી છે.

GP/RP

************

 



(Release ID: 1611410) Visitor Counter : 157